ચિંતન: ભક્તિનાં પાંચ સોપાન

-હેમુ ભીખુ
આધ્યાત્મિક પ્રગતિના પાંચ સોપાન છે. સૃષ્ટિ, સામીપ્ય, સાલોક્ય, સાયુજ્ય અને સારૂપ્ય. સનાતની સંસ્કૃતિમાં આ પાંચ સ્તર અથવા તબક્કા અનુસાર આધ્યાત્મિક પ્રગતિ સંભવ બનતી હોય છે. આ પ્રત્યેક તબક્કામાં ઈશ્વર સાથેનો ચોક્કસ પ્રકારનો સંબંધ સ્થાપિત થાય છે. આ પ્રત્યેક તબક્કામાં ઈશ્વર સાથે એક અનેરું સમીકરણ ઉદ્ભવે છે.
આ તબક્કામાં પ્રથમ સૃષ્ટિ આવે છે. અહીં ઈશ્વરને સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તરીકે નિશ્ચિત કરવામાં આવે છે. જે કંઈ બ્રહ્માંડમાં પ્રતિત થઈ રહ્યું છે તેનાં મૂળમાં ઈશ્વર છે, સૃષ્ટિની પ્રત્યેક રચના ઈશ્વર દ્વારા અને ઈશ્વર કારણે અસ્તિત્વમાં આવી છે, સમગ્ર સર્જનનું કારણ આધાર તેમ જ સંભવિત પ્રલય તે ઈશ્વરના આધિપત્યનું ક્ષેત્ર છે, તે ઈશ્વર છે એટલે બધું જ છે અને બધું જ સંભવ છે – આ પ્રકારનો વિશ્વાસ આ સોપાન પર સ્થાપિત થાય છે. જો આ સોપાન ન હોય તો વાત જ આગળ ન વધી શકે. અહીં સાધક ઈશ્વરની રચનાત્મક તેમજ સર્જનાત્મક ક્ષમતાનો સ્વીકાર કરી, તેના તરફ ધ્યાન કેન્દ્રિત કરી, તે પ્રત્યે સમર્પણનો ભાવ જાગ્રત કરે છે.
બીજા તબક્કામાં સામીપ્ય આવે છે. અહીં ઈશ્વરની સમીપ પહોંચવાની તાલાવેલી સ્થાપિત થાય છે અને તે માટે પ્રયત્નો થાય છે. સમગ્ર આધ્યાત્મિક પ્રક્રિયામાં ઈશ્વરની નજીક જવું જરૂરી છે તેમ જાણી ઉપાસના, ધ્યાન, ભક્તિ, જ્ઞાન કે કર્મ દ્વારા ઈશ્વર સાથે ‘નજીકતા’ વધારવાનો પ્રયત્ન થાય છે. સ્વાભાવિક છે કે જેના માટે અત્યંત પ્રેમ હોય, જેના પ્રત્યે અત્યંત આદરભાવ હોય, જેની માટે અપાર સન્માનનો ભાવ હોય, તે તરફની ગતિ ઈચ્છનીય હોય. અહીં આ ગતિની વાત થાય છે.
એકવાર ઈશ્વર તરફની ગતિ સ્થાપિત થયા પછી, જો તે માટે યોગ્ય પ્રતિબદ્ધતા હોય, સંપૂર્ણ સમર્પણથી ભક્તિ કરાઈ હોય, ક્યાંય કોઈપણ શંકા કે સંશય ન હોય, ઈશ્વરના ઐશ્વર્ય માટે અભિભૂતતા હોય, ઈશ્વર સિવાય અન્ય કશાનું ચિંતન ન હોય, માત્ર ઈશ્વર પ્રાપ્તિની જ એક કામના બાકી રહી હોય અને સંસારના બધા જ બંધનોથી, એક પછી એક, મુક્તિ પ્રાપ્ત કરી દીધી હોય, તો સામીપ્ય પછીના સાલોક્ય તબક્કામાં પ્રવેશ શક્ય મળે. સામીપ્યનો તબક્કો સફળતાથી પસાર કર્યો હોય અને તે તબક્કાની ‘અંતિમ પરિસ્થિતિ’ પ્રાપ્ત કરવાની સંભાવના હોય તે પ્રાપ્ત થઈ ચૂકી હોય તો સાલોક્ય સંભવ બને.
આપણ વાંચો…ચિંતન: સ્વાધ્યાયમાં પ્રમાદને સ્થાન નથી
સાલોક્ય તબક્કામાં ઈશ્વરના લોકમાં વસવાટ શક્ય બને છે. અહીં તે ઈશ્વરની સાથે, ઈશ્વરના ધામમાં રહેવાની અનુભૂતિ કરે છે. તે અનુભવે છે કે ઈશ્વર સમક્ષ જ છે, ઈશ્વર પ્રાપ્ત છે, ઈશ્વર અંગત છે, ઈશ્વર સમગ્ર છે. આ બધી બાબતોની અનુભૂતિ થતાં ભક્તને પરમ શાંતિ અને પરમ આનંદ પ્રાપ્ત થાય છે. આ એક અગત્યનો પડાવ છે જ્યાં ઉદ્ભવતી અનુભૂતિ અદ્ભુત, અનન્ય, અનેરી તથા આધ્યાત્મિક હોય છે. અહીં જાણે ઈશ્વર પ્રત્યક્ષ થાય છે. અહીં જાણે ઈશ્વર સુધી પહોંચી ગયાની પ્રતીતિ થાય છે.
પરંતુ હજી પણ ભેદ સ્થાપિત છે. હજી પણ ઈશ્વર અને ભક્ત ભિન્ન છે. હજુ પણ દ્વૈત ભાવ છે. ઈચ્છા તો અદ્વૈતની છે. ઈચ્છા તો એકાકાર થઈ જવાની છે. ઈચ્છા તો સમગ્ર અસ્તિત્વને ઓગાળી નાખીને પરમમાં લીન થઈ જવાની છે. ઈચ્છા તો ઈશ્વર સાથે બ્રહ્માંડમાં સૂક્ષ્મ સ્વરૂપે વ્યાપી જવાની છે. ઈચ્છા તો અહમ્ બ્રહ્માસ્મિને સાર્થક કરવાની છે. તેથી જ સાલોક્ય પછી સારૂપ્યનો તબક્કો આવે અને પછી અંતિમ સાયુજ્ય સ્થાપિત થાય.
સારૂપ્યના તબક્કામાં ભક્ત ઈશ્વર સમાન રૂપની કલ્પના સ્વયં માટે કરે છે. આ રૂપ એટલે ભૌતિક રૂપ નહીં પરંતુ ગુણાત્મક રૂપ. આ રૂપ એટલે મુકુટધારી, ચાર ભુજાધારી, અસ્ત્ર-શસ્ત્રધારી સૌમ્ય સ્વરૂપ નહીં પરંતુ ઈશ્વરનું નિરાકાર અખંડ અનંત સ્વરૂપ. એમ કહી શકાય કે અહીં ભક્ત ઈશ્વર સમાન સાત્વિક, પરમ જ્ઞાની, સ્થિતપ્રજ્ઞ, નિરહંકારી, દયાળુ, તટસ્થ, કરુણાસભર, પવિત્ર, શુદ્ધ, સાક્ષી, નિર્લેપ – જેવાં ગુણો ધારણ કરે છે, ધારણ કરવાં પ્રયત્નશીલ રહે છે. ઈશ્વરનું આવું સ્વરૂપ, ઈશ્વરની આવી વાસ્તવિકતા પામવી એટલે સારૂપ્યતા. અહીં ઈશ્વર સમાન દિવ્ય અને પવિત્ર ભાવ મનમાં સ્થાપિત થાય છે. ઈશ્વરને પામવાનું આ એક મહત્ત્વનું સોપાન છે.
આપણ વાંચો…ચિંતન: રામ રસાયન તુમ્હરે પાસા
અહીં હજુ પણ ભેદ પ્રવર્તમાન છે. તેથી જ ભક્તિના અંતિમ સાયુજ્ય તબક્કામાં ઈશ્વરમાં સંપૂર્ણ રીતે લીન થઈ જવાની વાત છે. પછી કોઈ ભેદ ન હોય. પછી કોઈ જુદાપણું ન હોય. પછી કોઈપણ સ્વરૂપની ભિન્નતા ન હોય. પછી કોઈ અલગાવ ન હોય. પછી તો ભક્ત અને ઈશ્વર એક થઈ જાય. પછી બધું એકાકાર થઈ જાય, એકરસ થઈ જાય, ઐક્ય પામે, એક ઈશ્વરમાં લીન થઈ જાય અને સમગ્રતામાં મૂળ સ્થિતિ સ્થાપિત થાય. સાયુજ્યના આ તબક્કામાં સમગ્ર સૃષ્ટિ ઈશ્વરમાં રૂપાંતરિત થઈ જાય, સમગ્ર બ્રહ્માંડ ઈશ્વર સાથે તાદાત્મ્યતા સ્થાપિત કરી દે. પછી ભક્તનું અસ્તિત્વ એ ઈશ્વરનું અસ્તિત્વ બની રહે અને ઈશ્વરનું અસ્તિત્વ એ જ ભક્તનું અસ્તિત્વ બની રહે. પછી અન્ય કશું જ બાકી ન રહે, પછી માત્ર એક જ બાકી રહે અને તે છે ઈશ્વર. મુક્તિનું, મોક્ષનું આ પરમ અને અંતિમ ચરણ છે.
ઈશ્વર પ્રત્યેની આધ્યાત્મિક યાત્રાના આ પાંચ સોપાન પસાર કર્યા પછી જ ભક્તિ પૂર્ણતાને પામી તેમ કહી શકાય, ભક્તિનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો તેમ કહી શકાય, ભક્તિ પરિણામી તેમ કહી શકાય. સમજવાની વાત એ છે કે આ સમગ્ર ક્રમ એકદમ તર્કબદ્ધ તેમજ ‘સ્થાપિત’ છે. આ સમગ્ર ક્રમ એટલી સચોટતા, સંવેદનશીલતા અને વાસ્તવિકતા આધારિત છે કે તેમાં ક્યાંય વધારા-ઘટાડાની સંભાવના નથી.