ચિંતન: સ્વાધ્યાયમાં પ્રમાદને સ્થાન નથી

-હેમુ ભીખુ
સ્વાધ્યાયમાં પ્રમાદને સ્થાન નથી. પ્રમાદ એ દુશ્મન છે. તે ભક્તિને ખંડિત કરી શકે છે, સાધનામાં વિક્ષેપ લાવી શકે છે, જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી શકે છે, નિમિત્ત કર્મને આચરવાની પ્રક્રિયામાં વિલંબ કરાવી શકે છે. પ્રમાદ એ જીવનની, કદાચ સૌથી વધુ નકારાત્મક ઘટના છે. પ્રમાદ એટલે જે તે ઉત્કર્ષ માટે યોગ્ય તથા ઈચ્છનીય બાબતને ન કરવા માટેનો પ્રયત્ન. પ્રમાદ એટલે સ્થાપિત ધર્મથી – ઉત્તરદાયિત્વથી વિમુખ થવાની ઘટના. પ્રમાદ એટલે મનની નિષ્ક્રિયતાને આપવામાં આવતું પ્રોત્સાહન. પ્રમાદ એટલે અસ્તિત્વની સ્થૂળતાને મળતું પ્રાધાન્ય. પ્રમાદ એટલે જીવંતતાનો અસ્વીકાર. પ્રમાદ એટલે જીવનના ઘડતરમાં આવેલું વિઘ્ન.
પ્રમાદ એટલે સ્વાધ્યાયથી વિપરીત પ્રક્રિયા. જીવનના ઘડતર માટે, જીવનના વિકાસ માટે, જીવનને યોગ્ય રીતે પરિભાષિત કરવા માટે, જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે, જીવનને યોગ્ય દિશા આપવા માટે અને જીવનને સાર્થક બનાવવા માટે અભ્યાસ જરૂરી છે, સ્વાધ્યાય જરૂરી છે, પ્રયત્ન જરૂરી છે, પુરુષાર્થ જરૂરી છે. પ્રમાદ આનાથી વિપરીત પરિસ્થિતિ તથા પરિણામ સ્થાપે. પ્રમાદ થકી જીવનના મુખ્ય ઉદ્દેશ્યને, હેતુને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના હોય છે. સ્વાધ્યાય થકી સફળતા પ્રાપ્ત થઈ શકે, શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકાય અને સમાજમાં એક સ્તરની સ્વીકૃતિ મળે. પ્રમાદને કારણે આનાથી વિપરીત સંભાવના ઊભી થાય.
શાસ્ત્રોના નિયમિત સ્વાધ્યાયથી જે તે બાબત યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજાતી થાય, બુદ્ધિ સત્ય માટે સ્થિર થાય, મન ચંચળતાથી મુક્ત થાય અને પ્રજ્ઞા પ્રખર બને. સ્વાધ્યાયથી ભક્તિમાં ઉન્નતિ સંભવે, જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા ઝડપી બને, યોગીક સાધના સરળ બનતી જાય, કર્મ સાથે સંકળાયેલ સંભવિત ફળની ઈચ્છા લુપ્ત થતી જાય, સત્કાર્ય કરવાનો મહાવરો થાય અને તે બધા સાથે જીવનમાં સકારાત્મકતા વધતી જાય. પ્રમાદની સ્થિતિમાં આ બધી સંભાવના ક્રમશ ક્ષીણ થતી જાય. લાંબા ગાળાના ચોક્કસ પ્રકારના સ્વાધ્યાયથી – અભ્યાસથી જીવનમાં સ્થાપિત થયેલ નકારાત્મક સંસ્કાર ક્રમશ: નાશ પામે અને અંત:કરણ શુદ્ધ બને.
આ પણ વાંચો… ચિંતન : ઇતિહાસમાં એવી બે જ ઘટના છે કે જેમાં યમરાજનો ભેટો કોઈ દેહધારી સાથે થાય છે
શબરી એ પ્રમાદ નહતો કર્યો. ધ્રુવ પણ પ્રમાદથી પોતાની જાતને અલગ રાખી શક્યો હતો. દરેક પરિસ્થિતિમાં પાંડવો પ્રવૃત્ત રહ્યા હતા. શ્રીરામ કે શ્રીકૃષ્ણના જીવનમાં પ્રમાદનું કોઈપણ સ્વરૂપે સ્થાન ન હતું. વધુ પાછળ વિચારવાની જરૂર નથી. મહર્ષિ અરવિંદ કે રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ કે દયાનંદ સરસ્વતી, આદિ શંકરાચાર્ય કે ગોરખનાથ, વિદુષી ગંગાસતી કે મીરાંબાઈ, બધાં જ પોતાની જાતને પ્રમાદથી મુક્ત રાખી શક્યાં હતાં.
જીવનમાં તેમણે જે સ્થિતિને પ્રાપ્ત કરી તેની પાછળ તેમનો શ્રદ્ધાપૂર્વકનો – નિષ્ઠાપૂર્વકનો સાતત્યપૂર્ણ અભ્યાસ કારણભૂત હતો એમ કહી શકાય. અભ્યાસ વગર – પુરુષાર્થ વગર – કર્મ વગર આ લોક પણ પ્રાપ્ત ન થઈ શકે તો અન્ય-લોકોની તો વાત જ કેવી રીતે થાય. અને તેથી જ આધ્યાત્મિક વિશ્વમાં પ્રમાદનું કોઈ સ્થાન નથી.
સાદી અને સરળ ભાષામાં કહીએ તો પ્રમાદ અને પુરુષાર્થ એટલે કે પ્રયત્ન વિપરીત બાબતો છે. જીવનના ઘડતર માટે પ્રયત્નો ચાલુ રહેવા જોઈએ. શરીરને એટલા આરામની પણ જરૂર નથી. મનને એટલી નિષ્ક્રિયતાની પણ જરૂર નથી. શરીર અને મન સારી સ્થિતિમાં જળવાઈ રહે તે માટે પણ પુરુષાર્થ જરૂરી છે. પુરુષાર્થના – પ્રયત્નના અભાવે શારીરિક ક્ષમતા તો ઓછી થાય જ પણ સાથે સાથે માનસિક વ્યભિચારની સંભાવના પણ વધી જાય. પ્રયત્નોના અભાવે શરીર તથા મનમાં સ્થૂળતા વધતી જાય, ઘડપણ જલ્દી આવે, રોગનો હુમલો વધી જાય, સમાજમાં પણ અપ્રિય થવાની સંભાવના વધે, ઇચ્છિતની પ્રાપ્તિ તો ભાગ્યે જ થાય પણ સાથે સાથે ક્યારેક ન્યૂનતમ જરૂરિયાત સંતોષાવાની સંભાવના પણ ઓછી થતી જાય, અને અંતે દરેક પ્રકારનાં અસ્તિત્વ માટે જોખમ ઊભું થાય.
ગીતામાં અભ્યાસ અને વૈરાગ્યનું મહત્ત્વ સમજાવાયું છે. આ અભ્યાસ એટલે હકારાત્મકતા માટે જે તે કાર્ય માટે નિષ્ઠાપૂર્વકની સંલગ્નતા. વૈરાગ્ય એટલે દરેક સાંસારિક પરિસ્થિતિને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી તેનાથી વિમુક્ત થવાની વાત. પ્રારંભિક તબક્કામાં અભ્યાસનું મહત્ત્વ છે, આગળ વધતા વૈરાગ્યનું મહત્ત્વ સ્થપાતું જાય. અભ્યાસનો અભાવ હોય તો કદાચ વૈરાગ્યની સમજ જ સ્થાપિત ન થાય. અભ્યાસ પાયો છે તો વૈરાગ્ય તેને આધારે ટકેલી વિચારધારા છે. અભ્યાસ શરૂઆત છે તો વૈરાગ્ય અંતિમ પડાવ છે. અભ્યાસ સાધન છે તો વૈરાગ્ય હેતુ છે. અભ્યાસ કાર્મિક છે તો વૈરાગ્ય જ્ઞાન છે. અભ્યાસ એટલે જ પ્રથમ ડગલું. પ્રમાદને કારણે આ પ્રથમ ડગલું જ અસંભવ બની રહે – અથવા આગળના ડગલાં વિક્ષિપ્ત બની રહે. આધ્યાત્મિક પ્રવાસમાં પ્રમાદનું કોઈ સ્થાન નથી.
આ પણ વાંચો… ચિંતન : અપેક્ષિત પરિણામ ન હોય તોપણ તેની સ્વીકૃતિ માટેની સલાહ છે…
ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે જે પ્રકારની ભક્તિ જરૂરી છે, સાત્વિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જે પ્રકારની યોગીક સાધના જરૂરી છે, સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ માટે જે પ્રકારની એકાગ્રતા જરૂરી છે, સૃષ્ટિના સમીકરણો સમજવા માટે જે પ્રકારની જિજ્ઞાસા અને તે દિશાના પ્રયત્નો જરૂરી છે, હૃદયમાં સ્થિત શ્રીરામની અનુભૂતિ કરવા જે પ્રકારની શુદ્ધતા જરૂરી છે – તે બધું જ સ્વાધ્યાય થકી પ્રાપ્ત થઈ શકે. આ બધામાં પ્રમાદ એક બાધા છે.
પ્રમાદ માટેની સૌથી વધુ માગણી મનની હોય તેમ લાગે છે. મનને સમજાવવું પડે. સાચી સાચી અને સારી સારી વાતો મનને સતત જણાવવી પડે. મનને શાસ્ત્રના વાંચનમાં, સતપુરુષના સત્સંગમાં, આધ્યાત્મની ચર્ચામાં, શુભ વિચારોમાં, હકારાત્મક ચિંતનમાં અને સાત્ત્વિક માનસિક કસરતમાં વ્યસ્ત રાખવું પડે. મનને સમજાવવું પડે કે પ્રમાદના નુકસાન કેવાં છે, કેટલાં જોખમી છે, કેટલાં ભયંકર છે, કેવી કેવી રીતે વિનાશકારી છે. મન આમ તો કહ્યાગરું હોય છે. તેને યોગ્ય રીતે સમજાવવામાં આવે તો તે માની જાય. તેની સાથે તર્કબદ્ધ ચર્ચા પણ કરવી પડે. તેને તેની ભાષામાં સમજાવવું પડે. ઇતિહાસ સાક્ષી છે કે અંતે મન માની જતું હોય છે. પછી મન પ્રમાદનો ત્યાગ કરી સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થશે જ.