ચિંતન: રામ રસાયન તુમ્હરે પાસા

-હેમુ ભીખુ
ભારતીય રસાયણ શાસ્ત્રમાં બે વાતોનો ઉલ્લેખ સૌથી વધુ જોવા મળે છે, એક તો તંદુરસ્તી માટેનું રસાયણ – જે આગળ જતાં અમરત્વ પામવાનું સાધન પણ બની શકે, અને બીજું સોનું બનાવવાની વિદ્યા. એક, જીવનના આદર્શ સિદ્ધ કરવા માટે, પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે રસાયણોના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે તો બીજું, રસાયણશાસ્ત્રનો ભૌતિક સંપત્તિ માટે ઉપયોગ કરે છે.
એમ માનવામાં આવે છે કે નવનાથ સંપ્રદાયના મૂળ સાધકોએ પહેલા અમરત્વ પામવાનો પ્રયત્ન કરેલો. આની પાછળનો એમનો તર્ક એવો હશે કે, આધ્યાત્મિક – યોગીક સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત થાય તે પહેલા કદાચ મૃત્યુ આવી જાય. તેવા સંજોગોમાં ફરીથી જન્મ લેવો પડે, સાધના માટે ફરીથી માનસિકતા કેળવવી પડે, કદાચ ફરીથી યોગ્ય ગુરુની શોધ કરવી પડે અને જ્યાંથી સાધના છૂટી હોય ત્યાં સુધીની ભૂમિકા તૈયાર કરવી પડે. આવા કારણોસર, તેમની દ્રષ્ટિએ મૃત્યુ એક કષ્ટદાયક, સમય માગી લે તેવી તથા ક્યાંક અનિશ્ર્ચિતતા લાવી દે તેવી ઘટના ગણાય.
મૃત્યુને કારણે જ્યારે નવો જન્મ ધારણ કરવો પડે, ત્યારે બાલ્યાવસ્થાના અમુક વર્ષો તો સાધનાની પ્રક્રિયા વગર વ્યર્થ જતા રહે. જન્મ પછી અમુક સમય સુધી તો માત્ર મોટા થવાનું હોય છે, તે પરિસ્થિતિમાં આધ્યાત્મિક બાબતોની ચર્ચા સંભવ ન જ હોય – યોગીક માર્ગે જવું સંભવ ન જ હોય.
આ પણ વાંચો: ચિંતન : પરમાત્મા: સત્-ચિત્-આનંદ
જ્યારે થોડીક પરિપક્વતા આવે, જ્યારે ગયા ભવના સંસ્કાર જાગ્રત થાય, જ્યારે અંત:કરણના ઊંડાણમાંથી સાધના માટે પ્રેરણા મળે, પછી જ સાધનામાં સંલગ્ન થઈ શકાય. આમાં પણ, ગીતામાં જણાવ્યા પ્રમાણે, જેની સાધના અધૂરી રહી ગઈ છે તેવા યોગીની બે પ્રકારની ગતિ સંભવ હોય છે. એક, આવી વ્યક્તિ શ્રીમંતના ઘરે જન્મ ધારણ કરી સુખ ભોગ ભોગવે, અથવા તો બીજું, કોઈક કુલીન યોગીના ઘરે જન્મ લઇ ત્યાં તેની સાધનાના જૂના સંસ્કારો જાગ્રત થાય તેની પ્રતીક્ષા કરે. આમાં જો બીજી સંભાવના હોય તો તો બરાબર છે, પરંતુ પહેલી સંભાવનાથી તો વ્યક્તિ યોગના માર્ગથી ચલિત થઈ જાય. આ એક જોખમી સ્થિતિ છે. આવા સંજોગોમાં એવા રસાયણની માગ ઊઠે કે જેનાથી તંદુરસ્તી એ હદે જળવાઈ કે મૃત્યુ જ ન થાય. આ રસાયણનું જ્ઞાન હનુમાનજી પાસે છે.
પ્રશ્ન એ થાય કે હનુમાનજી પાસે લોખંડ કે પારાને સોનામાં બદલવા માટે જે રસાયણની વાત છે તે વાત સંપત્તિ કેન્દ્રિત છે. આ વાતમાં પ્રત્યક્ષ રૂપે ધન એટલે કે પૈસો સમાયો છે. બધાને ખબર છે કે હનુમાનજીને ધનમાં કોઈ જ રસ ન હતો. શ્રીરામ અને માતા સીતાએ મોતીનો જે આ હાર તેમને આપેલો તે હાર તોડીને તેમાં તેઓ શ્રીરામને ગોતતા હતા. તેમને તો હારની કે હારમાં પરોવાયેલ મોતીની કિંમત જ ન હતી. આવી વ્યક્તિને સોનું બનાવવાના રસાયણમાં રસ ન હોય તે સ્વાભાવિક છે. અહીં રામ-રસાયણની વાત થઈ છે. મજાની વાત એ છે કે રામ-રસાયણથી અમરતા પણ પ્રાપ્ત થઈ શકે અને સંપત્તિનો લાભ પણ મળી શકે.
રામ નામનો મંત્ર અનેરી મહિમા વાળો મંત્ર છે. રામ ધ્વનિ તરીકે ૐની બહુ નજીકનો ધ્વનિ છે. ૐ ના ઉચ્ચારણથી જે અનુભૂતિ થાય લગભગ તેવી જ અનુભૂતિ રામ મંત્રથી પણ થઈ શકે. રામ-રસાયણના ઉપયોગથી અતૂટ ભક્તિ પામી શકાય, સાધના સિદ્ધ થઈ શકે, એમાં અપાર શ્રદ્ધા રાખવાથી જ્ઞાનની સીમા પણ વિકસી શકે અને સત્કર્મમાં રુચિ પણ જાગે. એક રીતે જોતા તો આ બધી ક્રિયાઓ પૂર્ણતા તરફ લઈ જાય – રામ-રસાયણ વ્યક્તિને પૂર્ણતાનો અનેરો અહેસાસ કરાવે.
આ પણ વાંચો: ચિંતન : ઇતિહાસમાં એવી બે જ ઘટના છે કે જેમાં યમરાજનો ભેટો કોઈ દેહધારી સાથે થાય છે
રસાયણ એ રાસાયણિક પ્રક્રિયાથી ઉદ્ભવતો અને રાસાયણિક પ્રક્રિયામાં સંમિલિત થતો પદાર્થ છે. રસાયણથી ભૌતિક, ઊર્જાકીય તથા પર્યાવરણલક્ષી પરિણામ મળી શકે. રસાયણ એ એવું તત્વ છે કે જે અભૂતપૂર્વ પરિણામ આપી શકે.
માનવ જીવનમાં રસાયણોનું આગવું મહત્ત્વ છે. સવારના ટૂથપેસ્ટથી શરૂ કરીને રાતના મચ્છર મારવાની દવાના છંટકાવમાં રસાયણની જ હાજરી હોય છે. રસોડામાં પણ અપાર રસાયણ મસાલા સ્વરૂપે ભરેલા હોય છે. દવામાં તો રસાયણ હોય છે જ. જીવન રસાયણોથી જ ટકી રહે છે. જીવનનો વિકાસ રસાયણોથી જ થાય છે. જીવનની શૃંખલા રસાયણોને કારણે જ ચાલુ રહે છે. જો જે તે રસાયણને વ્યવસ્થિત રીતે જાણી લેવામાં આવે તો જીવન અને જીવનની ગુણવત્તાને નિયંત્રિત કરી શકાય. આ નિયંત્રિત કરવાની ચાવી હનુમાનજી પાસે છે. તેમની પાસે રામ-
રસાયણ છે.
રસાયણ એ અસ્તિત્વ માટેનું જરૂરી તત્ત્વ છે. અમુક શ્રેણીના રસાયણથી માનસિક ભાવને પણ અસર કરી શકાય. રસાયણથી શારીરિક તેમજ અન્ય પ્રકારની ક્ષમતા પણ વધી શકે, જેનાથી સમયની પણ બચત થઈ શકે. રસાયણથી સામર્થ્યનું સંચય પણ થઈ શકે. અગત્યનું એ છે કે રસાયણ યોગ્ય હોય અને તેની અપેક્ષા યોગ્ય હેતુ માટે હોય. અધર્મ માટેનો ભાવ ઉત્પન્ન કરવા રસાયણ નો ઉપયોગ ન થવો જોઈએ. જ્યારે હનુમાનજી જેવી વ્યક્તિ રસાયણ પ્રદાન કરે ત્યારે એની ખાતરી તો રહી જ કે તેનો ઉપયોગ નકારાત્મક દિશામાં ન થાય.
હનુમાનજી એવી વ્યક્તિને રસાયણ આપે જ નહીં કે જે વ્યક્તિ આધ્યાત્મ અને સમાજ માટે જોખમી હોય. હનુમાનજી એવી વ્યક્તિને રસાયણ કે રસાયણનું જ્ઞાન આપે જ નહીં કે જે વ્યક્તિ આસુરી પ્રકૃતિની હોય અને કામ ક્રોધ લોભ મોહમાં લિપ્ત હોય. હનુમાનજીના હાથમાં આ રસાયણ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે રક્ષિત છે અને તેનો ઉપયોગ શુભતા માટે જ થાય.