ભજનનો પ્રસાદ :વિવિધ સાહિત્ય કૃતિઓના સર્જક નિષ્કુળાનંદ પ્રેમભક્તિભાવનાં પદોમાં ભારે સંયમ સાથે શૃંગાર…

-ડૉ. બળવંત જાની
પ્રભુમિલનની ઝંખના તોષાય અને પ્રગટ પ્રભુની પ્રાપ્તિની પ્રસન્નતા શૃંગારરસની નિષ્પત્તિ કરાવે એ પ્રકારે અભિવ્યક્ત કરી છે.
‘અલબેલાં અંકે આવ્યા રે, ભૂધર ઘણું ભાવ્યા રે;
આલિંગન એસું લીધું રે, મારું તનડું ટાઢું કીધુ રે.’
બીજા એક પદમાં ગાઈ ઊઠે છે કે
‘નમણે નયણાં રે, મુખે મુખ જ ભેળું
હૈડે હૈડું રે, ભેદી કીધું ભેળું
ઉરે ઉરજ રે, નાભિ નાભિ સાથે
દાવે દાવ જ રે, મેલ્યા નટવર નાથે
ક્રીડા કરતા રે, ઓછપ ન રાખી અંગે
પતિ રતિનો રે જાણું રાચ્યો રંગે.’
રાસલીલાનું સુખ પામીને પરમાનંદની ભાવાનુભૂતિને પ્રગટાવતું અને પછીથી પ્રભુના આતિથ્યનું એક પદ મને ભારે હૃદયસ્પર્શી જણાયું છે.
‘આજ મારે દિવાળી રે દિવાળી,
હાંરે ઘેર્ય આવ્યા વાલો વનમાળી.’
‘આવીને બેઠા આસન વાળી
હાંરે ઘણું ભાવે રયા છે ભાળી રે…
વળી વાત કરે છે વાલ્યમ રસાળી
હાંરે હસી-હસીને લિયે છે તાળી રે…
શોભે છે મૂર્તિ અતિ મર્માળી
તેને નિષ્કુળાનંદે નિહાળી રે…’
મારી દૃષ્ટિએ પ્રેમભક્તિભાવના પદોમાં શૃંગારને પણ ભારે સંયમથી આલેખીને નિષ્કુળાનંદજીએ એમની શિષ્ટ ભક્ત વ્યક્તિમતાની ઓળખ વૈરાગ્યભાવના કવિએ પ્રગટાવી છે. મૂળ ભાવવિશ્ર્વ તો વૈરાગ્યનું છે. ‘જનની જીવો રે ગોપીચંદની’ પદ અને ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિનાં’ જેવા પદો તો એમની ‘સિગ્નેચર પોએમ’ ગણાયા છે. એમના બીજા એવા ઘણાં પદો પણ અવલોકવા જેવા છે.
આ પણ વાંચો… ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક
‘વેરાગને રે વિઘન ઘણાં તાકી રહૃાા તૈયાર જી
માન મોટાઈ ઈચ્છે મારવા ઢોળવા ધન નાર જી.
ઉપરના રે અભાવથી ટકે નહીં કદી ટેક જી,
પાંચ વેરી પ્રચંડ છે અધિક એકથી એક જી.’
‘સંગ્ય ચડી જાયે રે શુદ્ધ વૈરાગ્યથી રે
શું કહું બ્ાૃહત વૈરાગ્યની વડાઈ રે…’
વૈરાગ્યની મહત્તાને વણી લેતા પદોથી સંખ્યા વિપુલ માત્રામાં છે. આ વૈરાગ્ય સ્મશાન વૈરાગ્ય નથી, પરંતુ અંત:કરણમાંથી ઉદ્ભવેલો છે. સ્વામિનારાયણ ભક્તિ પરંપરામાં આત્યંતિક કલ્યાણ માટે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ચતુર્વિધ પ્રકારના સાધનોની આવશ્યકતા ગણાઈ છે. આ ચારેય અંગો વિશે વિશેષ માત્રામાં પદોનું સર્જન નિષ્કુળાનંદ દ્વારા થયું જણાયું છે. મને સ્વામિનારાયણીય ધારામાં ધર્મકેન્દ્રી ઊર્મિભાવને અભિવ્યક્તિ અર્પનારા બ્રહ્માનંદ, પ્રેમલક્ષણા ભક્તિભાવને પ્રગટાવનારા પ્રેમસખી પ્રેમાનંદ, જ્ઞાનમાર્ગી શિખરોને ગૂંથી લેનારા મુક્તાનંદ અને વૈરાગ્યને પદમાં વહાવનારા નિષ્કુળાનંદ આગવા પદકવિ જણાયા છે. વૈરાગ્યભાવનું આલેખન ભારે પરિશુદ્ધ રીતે પ્રગટાવતું નિષ્કુળાનંદજીનું એક પદ અવલોકીએ.
‘શુદ્ધ વૈરાગ્યે કરી સેવીએ, પ્રેમે પ્રભુના પાય;
માયિક સુખ ન માગીએ, મોહે કરી મનમાય.
નિષ્કામી જનની નાથને, સાટી લાગે છે સેવ;
જે મોક્ષ આદિ નથી માગતા, નથી ત્યજતા એ ટેવ.
સકામ ભક્તની શ્રીહરિ, પૂજા પરહરે દૂર;
જાણે માયિક સુખ માગશે, જડબુદ્ધિ જરૂર.
શુદ્ધ વૈરાગ્ય વિના સમજો, નર ન હોય નિરાશ,
નિષ્કુળાનંદ નિષ્કામથી, રીઝે શ્રી અવિનાશ.
આવા શુદ્ધ વૈરાગ્ય અને નિષ્કામ ભાવની ભક્તિનો મહિમા કરનારા નિષ્કુળાનંદ એમના કેટલાક પદોમાં તીવ્ર વૈરાગ્યની ભાવનાને આલેખતા પણ અવલોકવા મળે છે. વૈરાગ્ય સંદર્ભનું એમનું આવું આગવું દૃષ્ટિબિંદુ મને મધ્યકાલીન ભક્તિ કવિતામાં અનોખું જણાયું છે.
આ પણ વાંચો… ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક
‘તીવ્ર વૈરાગ્ય તડોવડપે, નાવે સો સો સાધન;
તપ તપ તીર્થ જોગ જે કરે, કરે કોઈ જન જગન.’
મોટા ભાગના પદોમાં આમ નિષ્કુળાનંદની ભક્તિ, વિશેષ રૂપે વૈરાગ્યભાવને અભિવ્યક્તિ અર્પતી જણાઈ છે.
એમની વિપુલ પદારશિમાં તિથિ, વાર અને મહિના પ્રકારની રચનાઓ પણ મને ધ્યાનાર્હ જણાઈ છે. આવી પદશૃંખલામાં બારમાસી વિરહાનુભૂતિનું હૃદયસ્પર્શી નિરૂપણ કરતી હોઈને મને વિશિષ્ટ જણાઈ છે.
ખાસ તો શ્રીહરિ જ્યેષ્ઠ માસમાં અંતર્ધ્યાન થયેલા. એટલે એ મહિનાથી બારમાસી પદોની એક માળા રચી છે. એનો ઉપાલંભી, માર્મિક આરંભ અવલોકીએ…
‘મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધું;
પહેલા પિયૂષ પાઈ, વ્હાલમજી વાંસેથી વિખડું દીધું.’
વિરહ-પીડાના દર્દની એક ચીસ પ્રત્યેક મહિનાના આલેખનમાં પામવાનું બને છે.
‘વ્હાલા નેક નોંધારા નાખી અમને રે,
નોતું ઘટતું નાથ જાવા તમને રે.’
આ બારમાસી ઉપરાંત આઠ પદની દાણલીલાના પદોની શૃંખલા એમની શૃંગારરસની અનુભૂતિનું રસપાન કરાવે છે. આ ઉપરાંત બાર પદની શ્રેણી પણ શ્રીમદ્ ભાગવતમાંથી કૃષ્ણ રાધા સાથેની લીલા સંદર્ભે રચાઈ છે.
હૃદયસ્પર્શી ઊર્મિભાવપૂર્ણ વિષયસામગ્રી, વૈરાગ્ય, ભક્તિ અને પ્રેમલક્ષણાભાવની લયાન્વિત અભિવ્યક્તિ એમના પદોનું વિશિષ્ટ ઘટક છે. ‘બાંધી મુઠી રાખીએ’ જેવી બોલચાલની ભાષાને સમુચિત રીતે પદાવલિમાં કૌશલ્યપૂર્વક ગોઠવીને તેઓ ભાવને રસપ્રદ રીતે આલેખતા અવલોકવા મળે છે. પ્રાસાનુપ્રાસનું લયસૌંદર્ય, વર્ણાનુપ્રાસ, યમકસાંકળી તેઓ સહજ રીતે પદાવલિમાં પ્રયોજતા અવલોકવા મળે છે.
સામાન્ય ગૃહસ્થી લાલજી, ઈશ્ર્વરના-પ્રત્યક્ષરૂપના શક્તિપાતથી સાધના-ઉપાસના ઉપરાંત સાહિત્યના સર્જનમાં અનુરક્ત રહીને કેવું મહત્ત્વનું, મૂલ્યવાન અને મૌલિક પ્રદાન કરી શકાય તેનું ઊજળું ઉદાહરણ નિષ્કુળાનંદ સ્વામી છે. પૂર્વાશ્રમનો પુત્ર પણ સંતસમુદાયમાં છે એને મળવાનું, એના ભક્તિભાવના કે એની સાથે સત્સંગના કોઈ સંદર્ભો એમના સમગ્ર જીવનમાં ક્યાંય સાંપડતા નથી. અંતકાળે એમના આગમનની, મેળાપની પણ નોંધ કોઈ સમકાલીન સંતસંદર્ભે પ્રાપ્ત થતી નથી. આવા અડગ, અટલ નિર્મોહી, નિષ્પાપ અને નિર્દંભ વ્યક્તિમત્તા ધરાવતા, સાહિત્યશાસ્ત્રના સીધા અભ્યાસ કે અનુભવ વગર પણ વિપુલ, વૈવિધ્યપૂર્ણ અને ગુણવત્તાપૂર્ણ સાહિત્યના સર્જક સંત નિષ્કુળાનંદ સ્વામીનું સાહિત્ય માત્ર સંપ્રદાય નહીં પણ સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યક્ષેત્રે મોટી ઘટના છે. આવા ઘટનાપુરુષ, પ્રજ્ઞાવાન સંતની શબ્દસાધનાના અભ્યાસ તથા આસ્વાદના આનંદ સાથે નિષ્કુળાનંદ સ્વામીને દંડવત્ પ્રણામ.