ધર્મતેજ

અલૌકિક દર્શન : શિવમંદિરની પરિક્રમા કેમ પૂરી કરવામાં આવતી નથી?

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

  1. કાર્તિકેય:
    કાર્તિકેય શિવ પરિવારના ચતુર્થ દેવ છે અને ગણપતિની જેમ શિવ-પાર્વતીના પુત્ર છે. કાર્તિકેયનું દ્વિતીય નામ સ્કંદ છે. કાર્તિકેય સ્કંદ દેવોના સેનાપતિ છે. તારકાસુરની સામે દેવોને વિજય તો જ મળી શકે, જો શિવ-પાર્વતીનો પુત્ર દેવોનો સેનાપતિ બને. શિવ-પાર્વતીથી કાર્તિકેયનો જન્મ થાય છે અને તેઓ દેવોના સેનાપતિ બની, દેવોને વિજય અપાવે છે.

કાર્તિકેયનું વાહન મોર છે. મોર વિજયનું પ્રતીક છે અને મોરનો ટહુકાર વિજયનો નાદ છે.

  1. શિવનું નિવાસસ્થાન – કૈલાસ:
    શિવનું નિવાસસ્થાન કે શિવધામ કૈલાસ છે. કૈલાસ ગિરિ છે અને કૈલાસગિરિના નિવાસી હોવાથી શિવને ગિરીશ પણ કહે છે. ગિરિ એટલે ઊંચું સ્થાન. શિવતત્ત્વ ચેતનાની સર્વોચ્ચ ભૂમિકા છે. શિવ ચેતનાની ઉચ્ચતમ ભૂમિકા છે તેમ સૂચવવા માટે શિવને કૈલાસપર્વતની અધિવાસી ગણવામાં આવે છે.
  2. દિવ્ય જગતમાં દેવોનાં સ્વરૂપ:
    શિવ, પાર્વતી અને અન્ય દેવોનાં સ્વરૂપોમાં સાંકેતિક તત્ત્વો છે તેનો અર્થ એમ નહીં કે દેવોનું સ્વરૂપ મન:કલ્પિત છે.

દેવોનું સ્વરૂપ એ પણ એક સત્ય છે. દિવ્ય જગતમાં દેવો
પોતાના દિવ્ય સ્વરૂપે બિરાજમાન હોય છે તે એક અબાધિત સત્ય છે. ભક્તોને દેવોના સ્વરૂપનાં દર્શન થાય છે તે પણ એક હકીકત છે. દેવોના સ્વરૂપમાં રહેલ સાંકેતિક તત્ત્વ તથા દેવોનાં દિવ્ય સ્વરૂપ – બંને એકસાથે સત્ય છે. બુદ્ધિથી સમજી શકાય કે ન સમજી શકાય, પણ સત્ય તો સત્ય જ છે.

આ પણ વાંચો…અલખનો ઓટલો : કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે…

શિવસ્વરૂપનાં કેટલાંક વિશિષ્ટ તત્ત્વો:

  1. શિવમંદિરની પરિક્રમા:
    પરંપરા પ્રમાણે શિવમંદિરની પરિક્રમા પૂરી કરવામાં આવતી નથી. રામ, કૃષ્ણ, જગદંબા આદિનાં મંદિરોની પૂરી પરિક્રમા થઈ શકે છે. શિવમંદિરની પરિક્રમા દરમિયાન ઉત્તર દિશામાં આવતી શિવનિર્માલ્યની જલધારાને ઓળંગીને જઈ શકાય નહીં, પરંતુ તે સ્થાનથી પાછા ફરીને ઊલટી પરિક્રમા કરીને તે સ્થાને પુન: પહોંચવામાં આવે છે અને ફરી એ સ્થાનેથી પાછા ફરવામાં આવે છે. આમ કરવાનું કારણ શું છે? વ્યાવહારિક કે બાહ્ય દૃષ્ટિથી એવું કારણ આપવામાં આવે છે કે શિવનિર્માલ્યને ઓળંગી શકાય નહીં, તેથી ઉત્તર દિશામાં આવતી જલધારાના માર્ગ પાસેથી પાછા ફરી જવું જોઈએ. બાહ્ય દૃષ્ટિએ વિચારીએ તો આ કારણ સાચું છે, પરંતુ અંતરંગ કારણ બીજું જ છે.શિવ નિર્ગુણ-નિરાકાર બ્રહ્મનું સ્વરૂપ છે. શિવનો આદિ કે અંત નથી. શિવસ્વરૂપ અમર્યાદ છે, અનંત છે. અનંતની પરિક્રમા કેવી રીતે થઈ શકે? જે અનંત છે તેની પૂરી પરિક્રમા કરી તે તો તેના અનંતપણાની અવગણના કરવા બરાબર છે. શિવના અનંત સ્વરૂપને દૃષ્ટિ સમક્ષ રાખીને શિવમંદિરની પૂરી પરિક્રમા ન થાય તેવી પરંપરા રાખવામાં આવી છે. અધૂરી પરિક્રમા કરીને, શિવના અનંત સ્વરૂપની આમન્યા જાળવીને તેના અનંત સ્વરૂપને સ્મરણમાં રાખવામાં આવે છે.
  2. શિવનિર્માલ્યની આમન્યા:
    શિવનિર્માલ્ય એટલે શિવજીને ચઢાવીને પછી ઉતારી
    લીધેલાં પુષ્પો, બિલ્વપત્રો, જળ આદિ. શિવજીને અર્પિત કરેલ પદાર્થની આમન્યા જાળવવી જોઈએ, તેની અવગણના કરાય નહીં. આ દૃષ્ટિથી શિવનિર્માલ્યને ઓળંગાય નહીં તેવી મર્યાદા છે. શિવનિર્માલ્યને ઓળંગવાથી અપરાધ થાય છે તેવી પરંપરાગત માન્યતા છે. પુષ્પદંત નામના ગંધર્વે શિવનિર્માલ્યને ઓળંગ્યાં અને પરિણામે અંતર્ધાન થવાથી તેની શક્તિ કુંઠિત થઈ ગઈ હતી. આ અપરાધના નિવારણ માટે જ પુષ્પદંતે ‘શિવમહિમ્નસ્તોત્ર’ની રચના કરી છે.
  3. શિવનો પ્રસાદ:
    હિન્દુ ધર્મની એવી બંધારણીય પરંપરા છે કે શિવને અર્પણ કરેલ નૈવેદ્યને પ્રસાદરૂપે ગ્રહણ કરી શકાય નહીં. માત્ર અતીત સાધુ જ તેને ગ્રહણ કરી શકે. શિવને ધરાવેલ અન્ય પદાર્થોનો ઉપયોગ પણ અતીત સાધુ જ કરી શકે છે. જો શિવને ધરાવેલ પદાર્થ શિવલિંગ પર કે શિવલિંગના થાળામાં મૂકવામાં આવે, તો તે અતીત સાધુ પણ ન લઈ શકે. તે લેવાનો અધિકાર માત્ર જંગમ સાધુને જ છે. કર્ણાટકના વીર-શૈવ સંપ્રદાયના લિંગાયત સાધુઓ અને તેમના વંશજોને જંગમ સાધુઓ કહેવામાં આવે છે. તેઓ દશનામી સંન્યાસીઓના ભિક્ષુક ગણાય છે. શિવનો પ્રસાદ અતીત સાધુઓ અને જંગમ સાધુઓ સિવાય અન્ય કોઈ ગ્રહણ કરી શકે નહીં, તેમ હોવાનું કારણ શું છે?શિવતત્ત્વ નિર્ગુણ-નિરાકારનો કોઈ પ્રસાદ ન હોય. પ્રસાદ તો સગુણ-સાકારનો હોઈ શકે. શિવના આ નિર્ગુણ-નિરાકાર સ્વરૂપને સૂચિત કરવા માટે શિવપ્રસાદને ગ્રહણ ન કરવાની પરંપરાનો પ્રારંભ થયો છે. આ તાત્ત્વિક સિદ્ધાંતમાંથી હિન્દુ ધર્મની શિવપ્રસાદ ગ્રહણ ન કરવાની બંધારણીય પરંપરાનો જન્મ થયો છે. અતીત સાધુઓ અને જંગમ સાધુઓ શિવના પૂજારીઓ છે, તેથી તેમને અપવાદરૂપ શિવપ્રસાદ ગ્રહણ કરવાનો વિશેષ અધિકાર આપવામાં આવેલ છે. જ્યોતિર્લિંગનો પ્રસાદ સૌ ગ્રહણ કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા છે.
  1. શિવમંદિરના પૂજારીઓ:
    હિન્દુ ધર્મની એવી બંધારણીય પરંપરા છે કે શિવમંદિરના પૂજારીઓ અતીત સાધુઓ હોય છે. આમ હોવાનું કારણ શું છે? શિવતત્ત્વ નિર્ગુણ-નિરાકાર બ્રહ્મત્ત્વ છે અને અદ્વયસ્વરૂપ છે. અદ્વૈતપંથના દશનામી સંન્યાસીઓ અર્થાત્ શાંકરમતાનુયાયી સંન્યાસી નિર્ગુણ-નિરાકાર અદ્વય-સ્વરૂપ બ્રહ્મતત્ત્વના ઉપાસકો છે, તેથી શિવમંદિરની પૂજા દશનામી સંન્યાસીઓ જ કરી શકે તેવી વ્યવસ્થા થઈ છે. અતીત સાધુઓ દશનામી સંન્યાસીઓના જ વંશજો છે, તેથી તેમને પણ શિવપૂજાનો અધિકાર પ્રાપ્ત થયો છે. સંન્યાસીઓના વંશજો કેવી રીતે? ક્યારેક કોઈક દશનામી સંન્યાસી પાછળથી ગૃહસ્થધર્મનો સ્વીકાર કરે છે (જ્ઞાનેશ્ર્વર મહારાજના પિતાની જેમ). પોતાને જે સંતાનો થાય તે દશનામી સંન્યાસીઓના વંશજો ગણાય. અતીત સાધુઓ આ રીતે દશનામી સંન્યાસીઓના વંશજો છે. તેમની પણ ગિરિ, પુરી, ભારતી આદિ અટક હોય છે. તેમને આ સંબંધને નાતે શિવમંદિરના પૂજારી બનવાનો તથા શિવપ્રસાદ ગ્રહણ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે, એટલું જ નહીં, પરંતુ તેમને એક વસ્ત્ર ભગવા રંગનું ધારણ કરવાનો પણ અધિકાર છે. તેથી જ અતીત સાધુ ગૃહસ્થો હોવા છતાં માથા પર પાઘડી ભગવા રંગની બાંધે છે.
    કાળક્રમે શિવમંદિરના પૂજારી તરીકેનો અધિકાર જંગમ સાધુઓને તથા નાથ-સાધુઓને પણ પ્રાપ્ત થયો છે. હિમાલયના બૂઢાકેદારના પૂજારી નાથસાધુ (ગૃહસ્થ) છે. હિમાલયના પંચકેદારમાંના એક મદમહેશ્ર્વરના પૂજારી કર્ણાટકના લિંગાયત સંપ્રદાયના જંગમ સાધુ છે.
  2. બિલ્વપત્ર:
    શિવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે છે. વિષ્ણુને તુલસીદલ, જગદંબાને જબાકુસુમ, હનુમાનજીને આકડાનાં ફૂલની માળા અર્પણ કરવામાં આવે છે. આમ શા માટે છે? આ પ્રકારની વિશિષ્ટ વ્યવસ્થા માત્ર જોગાનુજોગ નથી અને માત્ર મન:કલ્પિત પણ નથી. આ ગોઠવણની પાછળ કોઈક સૂક્ષ્મ દૃષ્ટિ હોય છે. આર્ષદ્રષ્ટાઓએ પોતાની આર્ષદૃષ્ટિથી જોઈને આવી વ્યવસ્થા સૂચવી છે. દૃષ્ટાંતત: પીપળે પાણી રેડીએ તો પિતૃઓને પહોંચે છે તે એક હકીકત છે, સૂક્ષ્મ જગતનું સત્ય છે. પીપળાને બદલે લીમડે પાણી રેડીએ તો પિતૃઓને ન પહોંચે. આ વ્યવસ્થા કેવળ મનઘડંત નથી. તે જ રીતે શિવને બિલ્વપત્ર અર્પણ કરવાની પરંપરા પાછળ કોઈક ગુહ્ય સત્ય કામ કરી રહ્યું છે. શિવ અને વિષ્ણુ બંને પૂજ્ય છે, છતાં શિવને બિલ્વપત્ર અને વિષ્ણુને તુલસીદલ અર્પણ થાય છે. આ વ્યવસ્થામાં પરિવર્તન કરી શકાય નહીં, કારણ કે તેની પાછળ કોઈક સ્વરૂપનું સૂક્ષ્મ જગતનું સત્ય કાર્ય કરી રહ્યું હોય છે. દ્રષ્ટાઓએ તે રહસ્ય જોઈને આવી વ્યવસ્થા કરી છે અને બૌદ્ધિક ખુલાસો ન મળે તોપણ તેને અનુસરવામાં આપણું કલ્યાણ છે.

બિલ્વપત્રનાં ત્રણ પાન ત્રણ ગુણ (ત્રિગુણ)નાં પ્રતીક છે. બિલ્વપત્ર એટલે ત્રિગુણાત્મિકા પ્રકૃતિ. શિવતત્ત્વ ગુણાતીત છે. બિલ્વપત્ર શિવને અર્પણ કરીએ છીએ તેનો અર્થ એમ કે ત્રિગુણાત્મિકા પ્રકૃતિ ગુણાતીત બ્રહ્મતત્ત્વને અર્પણ કરીએ છીએ. બિલ્વપત્રના અર્પણ દ્વારા સાધક ત્રિગુણાત્મિકા પ્રકૃતિના રાજ્યમાંથી મુક્ત થઈને ગુણાતીત અવસ્થાએ પહોંચવાની શિવજીને પ્રાર્થના કરે છે, પોતાની અભીપ્સા વ્યક્ત કરે છે.

આ પણ વાંચો…અલખનો ઓટલો : કાયા કાગળની કોથળી…આ સૃષ્ટિમાં તમામ જીવોમાં પરમાત્માનો વાસ છે

શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવા માટેના મંત્રમાં પણ આ ભાવના વ્યક્ત થયેલ છે:

‘त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्र च त्रयायुधम् |
त्रिजन्मपापसंहारमेकबिल्वं शिवार्पणम् ॥’

‘ત્રણ દલવાળું, ત્રણ ગુણોના આકારવાળું, ત્રણ નેત્રવાળું, ત્રણ આયુધવાળું, ત્રણ જન્મોનાં પાપનો સંહાર કરનારું એક બિલ્વપત્ર ભગવાન શિવને અમે અર્પણ કરીએ છીએ.’

(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button