અલૌકિક દર્શન: ડરીશ નહીં, પાંચાલી! ગોવિંદ આવી ગયા છે!

-ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
‘હવે તો બસ ને! હવે તો દ્યૂતક્રીડા બંધ થવી જોઈએ ને! ના, બંધ નહીં થાય! બેબાળકળો બની ગયેલો આ મૂર્ખ યુધિષ્ઠિર જુગારમાં તેને… પાંચાલીને પણ હારી જશે!’
‘કોઈ અટકાવશે આ કપટદ્યૂતને ? ના, કોઈ નહીં અટકાવે. વિદુર પ્રયત્ન કરશે, પરંતુ વિદુરનું કોણ માને છે?’
‘દારૂક! રથનો વેગ બરાબર છે ને? હસ્તિનાપુર હવે કેટલું દૂર છે?’
‘પ્રભુ ! રથનો વેગ બરાબર છે અને હસ્તિનાપુર તો હવે સામે જ દેખાય છે!’
હસ્તિનાપુરમાં શું છે? કેમ આજે પ્રભુ હસ્તિનાપુર પહોંચવા માટે આટલા આતુર બની ગયા છે?
હા, હસ્તિનાપુરમાં કાંઈક એવું બની રહ્યું છે કે સદા ધીર અને સ્થિર પ્રભુ આજે અતિઆતુર બની ગયા છે. કોઈક પ્રભુને પોકારી રહ્યું છે- આર્તભાવે પોકારી રહ્યું છે!
હસ્તિનાપુરમાં આમ છે :
પાંડવોને અર્ધભાગરૂપે આપેલું ઈન્દ્રપ્રસ્થનું રાજ્ય કોઈ પણ ભોગે પાછું હડપી લેવાની દુર્યોધનની આકરી દાનત છે, પરંતુ તેમ બને કેવી રીતે ? માત્ર રાજ્ય હડપ કરી લેવા માટે જ લશ્કરી આક્રમણને કોઈ સંમતિ ન જ આપે અને આપે તોપણ પાંડવોને યુદ્ધમાં હરાવવાનું કાર્ય સરળ નથી, તો ઉપાય શો?
દુર્યોધનના કાયમી સલાહકાર અને કપટદ્યૂતના અઠંગ ખેલાડી શકુનિએ દુર્યોધનને સલાહ આપી :
‘દુર્યોધન ! જેમને યુદ્ધના મેદાનમાં ન હરાવી શકાય, તેમને દ્યૂતક્રીડામાં હરાવી શકાય. યુધિષ્ઠિરને દ્યૂતક્રીડા માટે નિમંત્રણ મોકલો. કોઈ ક્ષત્રિય રાજા યુદ્ધ અને દ્યૂતનું નિમંત્રણ પાછું ન ઠેલી શકે – આ નિયમની આણ આપીશું. યુધિષ્ઠિરને દ્યૂતક્રીડામાં બહુ ગતાગમ નથી અને છતાં તેઓ પોતાને દ્યૂતક્રીડાના કુશળ ખેલાડી માને છે. તું પાસા ફેંકવાનું કામ તારા વતી મને સોંપજે, પછીનું કામ મારું. આપણે કપટદ્યૂત દ્વારા પાંડવો પાસેથી બધું જ આંચકી લઈશું – રાજ્ય-સહિત… અને બીજું પણ ઘણું !’
તદનુસાર યુધિષ્ઠિરને દ્યૂતક્રીડા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું. પાંડવો હસ્તિનાપુર આવ્યા.
દ્યૂતક્રીડાનો પ્રારંભ થયો. સત્યનિષ્ઠ અને સરળ યુધિષ્ઠિર એક પછી એક દાવ હારતા ગયા અને કપટદ્યૂતનો અઠંગ ખેલાડી શકુનિ દુર્યોધન માટે એક પછી એક દાવ જીતતો ગયો. યુધિષ્ઠિર બધું જ હારી ગયા. રથ, ઘોડા, હાથી, સુવર્ણ, હીરા, મોતી, દાસ-દાસીઓ અને આખરે સંપૂર્ણ રાજ્ય પણ યુધિષ્ઠિર હારી ગયા અને દુર્યોધન માટે શકુનિએ જીતી લીધું. જે કાર્ય યુદ્ધ દ્વારા અશક્ય હતું તે કપટદ્યૂતથી શક્ય બની ગયું.
દ્યૂતક્રીડા અહીં વિરામ પામવી જોઈએ, પરંતુ તેમ ન થયું. શિયાળ જેવા લુચ્ચા અને વરુ જેવા દુષ્ટ શકુનિએ દુષ્ટતાની હદ વટાવી અને કહ્યું :
‘ધર્મરાજ યુધિષ્ઠિર! નાના ભાઈઓ તો વડીલબંધુની મિલકત જ ગણાય. આપ નકુલને દાવમાં મૂકો. આપને જીતવાની તક મળશે !’
અને એમ નકુલ જુગારના દાવમાં મુકાયા. યુધિષ્ઠિર હારી ગયા અને નકુલ દાસ બન્યા. સભામાં હાહાકાર મચી ગયો, પરંતુ સભાના આ હાહાકારને આ જુગારીઓએ લક્ષમાં જ ન લીધો.
અને પછી તો તે જ રીતે સહદેવ, અર્જુન, ભીમ અને ધર્મરાજ યુધિષ્ઠિર પણ દ્યૂતક્રીડામાં હરાઈને દાસ બન્યા.
હવે યુધિષ્ઠિર પાસે દાવમાં મૂકવા માટે કશું જ નથી.
‘અરે, ધર્મરાજ! નથી શા માટે? આપની પાસે અણમોલ ધન જેવી પાંચાલી છે! તમે જીતશો તો તમને બધું પાછું મળશે. કરો હિંમત! મૂકો પાંચાલીને દાવમાં !’
તેમ જ થયું અને મૂર્ખ યુધિષ્ઠિર પાંચાલીને પણ હારી ગયા !
આ દુષ્ટ રમતને રોકવાનો કોઈએ પ્રયત્ન ન કર્યો? પ્રયત્ન કર્યો વિદુરજીએ, પરંતુ તેમની વાત કોઈએ લક્ષમાં લીધી નહીં. ઉદ્ધત અને મદાંધ દુર્યોધને તેમને ચૂપ કરી દીધા.
દુર્યોધને ત્રાડ નાખી :
‘દુ:શાસન! પાંચલીને અહીં હાજર કર! ન માને તો કેશથી પકડીને ઘસડતો-ઘસડતો અહીં લઈ આવ!’
ફરી એક વાર સભામાં સન્નાટો અને હાહાકાર! પણ કોઈ કાંઈ બોલતું નથી. સૌ આવું અકળાવી મૂકે તેવું મૌન ધારણ કરીને કેમ બેઠા છે? હા, એક માનવી વિરોધ કરે છે. કૌરવોનો સૌથી નાનો ભાઈ વિકર્ણ! પણ તેના વિરોધને કોણ ગાંઠે? વિકર્ણને તો ચૂપ રહેવાનો આદેશ મળ્યો અને ઠપકો પણ! આખરે આવા ઘોર અસત્યાચરણના મૂક સાક્ષી બનવાને બદલે વિકર્ણ સભાનો ત્યાગ કરીને ચાલ્યો ગયો.
હવે માત્ર કુરુસભાએ જ નહીં, પરંતુ સમગ્ર માનવસમાજે એક કારમું દૃશ્ય જોવું પડે છે. દુષ્ટ દુ:શાસન મહારાજ પાંડુની પુત્રવધૂ અને પાંચાલનરેશ દ્રુપદની ક્ધયા યાજ્ઞસેની દ્રૌપદીને કેશ પકડી ઘસડતો-ઘસડતો રાજસભામાં લઈ આવે છે.
કોઈ નકારમાં મસ્તક હલાવે છે અને કોઈ આંખો મીંચી જાય છે, પરંતુ કોઈ કશું જ બોલતું નથી. હા દુર્યોધનની ચંડાળચોકડી તાળીઓ વગાડતાં-વગાડતાં ખડખડાટ હસે છે. કેવું હીન હાસ્ય! કેવું બિહામણું આસુરી હાસ્ય! રે કુંતીપુત્ર કર્ણ! તું પણ તેમની સાથે ભળી ગયો?
પાંચાલી આક્રંદ કરે છે, કરગરે છે, હાથ જોડીને કાકલૂદી કરે છે, પરંતુ કોઈ સાંભળતું નથી અને સાંભળે છે તો અવશ બનીને મૂક રહે છે!
દુર્યોધન ફરીથી ત્રાડ મારે છે :
‘દુ:શાસન! પાંચાલીને નિર્વસ્ત્ર કર! આવી સુંદર સ્ત્રીનું સૌંદંર્ય સભા ભલે જોઈ લે! અને દાસીને શી લજ્જા અને દાસીને શું ચારિત્ર્ય!’
વિદુરજી કાને હાથ દઈ દે છે, પરંતુ કાંઈ બોલી શકતું નથી!
દ્રૌપદી વસ્ત્ર સંભાળતી, હાથ જોડીને કરગરે છે :
‘મને ન્યાય આપો!’
પોતાની જાતને હારી ગયા પછી ધર્મરાજ યુધિષ્ઠિર મને દાવમાં મૂકી શકે?
જુગારમાં જિતાયેલી સ્ત્રીને પણ ભરસભામાં નિર્વસ્ત્ર કરી શકાય?
દ્યૂતક્રીડાનો એવો કોઈ નિયમ છે?
મને ન્યાય આપો, પિતામહ ! મને ન્યાય આપો !”
પિતામહ ભીષ્મ પથ્થરનું પૂતળું બની ગયા!
‘મને ન્યાપ આપો. મહારાજ! મને ન્યાય આપો!’
મહારાજ ધૃતરાષ્ટ્ર આંખો પટપટાવીને ચૂપ જ રહ્યા.
‘મને ન્યાય આપો, વિદુરકાકા!’
વિદુરજીને થયું: ધરતી માર્ગ આપે તો સમાઈ જઉં! પણ મૌન-અકળ મૌન!’
‘મને ન્યાય આપો, ગુરુ દ્રોણચાર્ય!’
એ જ પથ્થર જેવી શાંતિ!
‘મને ન્યાય આપો. આચાર્ય કૃપાચાર્ય! મને ન્યાય આપો!’
મસ્તક નકારમાં હલાવવા સિવાય તેઓ કાંઈ જ ન કરી શકયા.
પાંચાલી! તારા પાંચ સમર્થ વીર પતિ અહીં છે. કોઈ તને બચાવી શકે તેમ નથી ને!
પિતામહ ભીષ્મ, મહારાજ ધૃતરાષ્ટ્ર, આચાર્ય દ્રોણાચાર્ય, ધર્મજ્ઞ ધર્મનિષ્ઠા વિદુરજી, આચાર્ય કૃપાચાર્ય – કોઈ તને બચાવી શકે તેમ નથી ને? ના હવે અહીં મને કોઈ બચાવી શકે તેમ નથી.
આ પણ વાંચો…અલૌકિક દર્શન: બેટા શુકદેવ! મહારાજ જનક જ્ઞાનીઓના શિરતાજ છે
ભગવાન શ્રીકૃષ્ણનો રથ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે, હસ્તિનાપુરમાં રાજપથ પર રથ પૂરપાટ દોડી રહ્યા છે. કોઈક કૃષ્ણભક્ત ઓળખી ગયા : અરે ! આ તો ભગવાન શ્રીકૃષ્ણ છે! હંમેશાં ધીમી ગતિથી ચાલનાર અને સૌના નમસ્કાર સ્મિતપૂર્વક ઝીલતાં-ઝીલતાં ચાલનાર ભગવાન આટલી તીવ્ર ગતિથી કેમ રથ દોડાવી રહ્યા છે! હસ્તિનાપુરના નગરજનો ઝડપથી ખસીને ભગવાનના રથને માર્ગ આપી રહ્યા છે.
ભગવાનનો રથ રાજમહેલોના વિશાળ પ્રાંગણમાં પ્રવેશ કરી ચૂક્યો છે.
‘દારૂક! રથને રાજસભાના દ્વારા સુધી લઈ લે !’
‘જી, પ્રભુ!’
દ્રૌપદી! યાજ્ઞસેની! પાંચાલી! હવે તને કોઈ સહાય કરી શકે તેમ નથી ને! ના, કોઈ જ નહીં! અને કોઈ સહાય ન કરે ત્યારે કોણ સહાય કરે છે?
બધા જ આધાર તૂટી જાય ત્યારે નિરાધારનો આધાર કોણ બને છે?
સર્વાધાર ગોવિંદ! શ્રીકૃષ્ણ! અને દ્રૌપદી આર્તનાદ કરે છે :
‘હે, ગો…’
ભગવાન શ્રીકૃષ્ણ રાજસભાના પ્રથમ પગથિયા પર પહોંચી ચૂક્યા છે અને ઝડપથી-અતિ ઝડપથી પગથિયાં ચડી રહ્યા છે. અરે! પગથિયાં કૂદી રહ્યા છે!
દ્રૌપદીનો આર્તનાદ પરિપૂર્ણ બને છે :
‘… વિંદ !’
ને શ્રીકૃષ્ણ રાજસભાના દ્વારમાં પ્રવેશી ચૂક્યા છે.
ડરીશ નહીં, પાંચાલી! ગોવિંદ આવી ગયા છે!
રાજસભાનો ખંડ તેજથી ભરાઈ ગયો. દ્રૌપદીનાં વસ્ત્ર ખેંચવા માટે ઉદ્યત થયેલો દુ:શાસન વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ ધરતી પર પછડાઈને દૂરદૂર ફેંકાઈ ગયો.
દ્રૌપદી જુએ છે : સામે જ ગોવિંદ ઊભા છે!
આર્તનાદ હર્ષોલ્લાસના ઉદ્ગારમાં બદલાઈ ગયો :
‘આવી ગયા, ગોવિંદ! આવી ગયા, બંધુ! આવી ગયા, મારા નાથ! આવી ગયા, અશરણશરણ!’
(ક્રમશ:)
આ પણ વાંચો…અલૌકિક દર્શનઃ ભક્ત માટે આતુર બને તે જ આ આતુરતા હશે?



