અલૌકિક દર્શન : અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન

- ભાણદેવ
ગજેન્દ્રની પ્રાર્થના અને પૂજાથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુ પોતાના ચક્રથી ગ્રાહનું મસ્તક કાપી નાખે છે અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે. પોતાના પુરુષાર્થ અને પોતાનાં સ્વજનોની સહાયથી પણ ગજેન્દ્ર છૂટી શકયો નહીં. આખરે ભગવાનની કૃપાથી ગજેન્દ્ર ગ્રાહકની પકડમાંથી મુક્ત થાય છે.
આ કથા સ્પષ્ટ રીતે એક અધ્યાત્મપરક કથા જ છે. આ કથાનો અધ્યાત્મપરક અર્થ સમજવા માટે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તરો મેળવવા જોઈએ:
- ત્રિકૂટ પર્વત એટલે શું? જંગલ એટલે શું? જંગલની વચ્ચે ત્રિકૂટ પર્વત પર જે સરોવર છે તેનો અર્થ શો છે?
- ગજેન્દ્ર અને તેનું યૂથ એટલે શું?
- ગ્રાહ એટલે શું?
- ગજેન્દ્ર અને ગ્રાહનું યુદ્ધ એટલે શું?
- ગજેન્દ્રમોક્ષનો અર્થ શો છે?
- આ કથાનો આધ્યાત્મિક સંદેશ શો છે?
હવે આપણે ક્રમશ: આ પ્રશ્નોના ઉત્તરો મેળવવાનો અને એ રીતે આ કથાનો આધ્યાત્મિક અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. - ત્રિકૂટ પર્વત એટલે શું? જંગલ એટલે શું?
જંગલની વચ્ચે ત્રિકૂટ પર્વત પર જે સરોવર છે તેનો અર્થ શો?
ત્રિકૂટ પર્વત એટલે આ જગત. ત્રિકૂટ પર્વતનાં ત્રણ શિખરો છે તેનો અર્થ એ છે કે આ જગત ત્રિગુણાત્મક છે. ત્રણ શિખરો દ્વારા ત્રણ ગુણો સૂચિત થાય છે. ચાંદીનું શિખર તે સત્વગુણ છે. સોનાનું શિખર તે રજોગુણ છે અને લોઢાનું શિખર તે તમોગુણ છે. આમ, ત્રણ ગુણોથી બનેલું આ જગત છે તેને જ કથામાં ત્રિકૂટ પર્વત કહ્યું છે.
આ ત્રિકૂટ પર્વતની તળેટીમાં ઘોર જંગલ છે તે જ ભવાટવી છે. આ સંસારરૂપી જંગલ છે તેને જ ત્રિકૂટ પર્વતનું જંગલ કહે છે. જંગલમાં અનેકવિધ પ્રાણીઓ વસે છે. આ પ્રાણીઓ એટલે સંસારમાં રમમાણ જીવો. આ જંગલની વચ્ચે એક સરોવર છે. આ સરોવર તે માયારૂપી સરોવરમાં પડ્યા પછી બહાર નીકળવું અતિ કઠિન છે. માયા અતિ વિકટ છે. આ અતિ વિકટ માયાને જ અહીં ત્રિકૂટ પર્વત પરના જંગલ વચ્ચેનું સરોવર કહ્યું છે.
આ પણ વાંચો: આચમનઃ રામ – કૃષ્ણ: જીવન ને ચરિત્ર
- ગજેન્દ્ર અને તેનું યૂથ એટલે શું?
ગજેન્દ્ર એટલે જીવ. આ ગજેન્દ્રરૂપી જીવ ત્રિગુણાત્મક જગતરૂપી ભવાટવીમાં વસે છે. આ ગજેન્દ્ર યૂથ એટલે જીવનાં સંગાસંબંધી. જીવ આ ભવાટવીમાં એકલો નથી. ભવાટવીમાં અનેક અન્ય જીવો પણ હોય છે. જંગલમાં વસતાં અન્ય પ્રાણીઓ તે જ આ અન્ય જીવો છે. ગજેન્દ્રનું યૂથ તે જીવના સાથી જીવો, અર્થાત્ ઋણાનુબંધથી જીવ સાથે સંલગ્ન અન્ય જીવો. - ગ્રાહ એટલે શું?
ગ્રાહ એટલે અજ્ઞાન. અજ્ઞાનજ જીવને બાંધે છે, જીવને ઊંડા પાણીમાં ખેંચી જાય છે. માયારૂપી સરોવરમાં અજ્ઞાનરૂપી ગ્રાહ વસે છે. જીવ માયામાં ઊંડો ઊતરતો જાય છે, માયામાં ફસાતો જાય છે તેનું કારણ અજ્ઞાન છે. માયારૂપી સરોવરમાંથી જીવ બહાર નીકળી શકતો નથી તેનું કારણ શું છે? કોણ તેને માયામાં રમમાણ કરી રાખે છે? અજ્ઞાન જ બંધનનું કારણ છે. અજ્ઞાનના બંધનને કારણે જ જીવ માયામાં ફસાયેલો રહે છે.
ગજેન્દ્ર બળવાન હોવા છતા માયારૂપી સરોવરમાંથી બહાર નીકળી શકયો નહીં, કારણ કે અજ્ઞાન તેને ખેંચી રાખે છે.
અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન. પોતાના સ્વરૂપના અજ્ઞાનને કારણે જ જીવ બંધાય છે અને બદ્ધ રહે છે.
ગજેન્દ્રરૂપી જીવ માયારૂપી સરોવરમાં પાણી પીવા આવે છે, અર્થાત્ માયાનો ભોગ માણે છે, માયાનું આસ્વાદ કરે છે, એટલું જ નહીં, પણ માયામાં ઊતરે છે, સરોવરમાં ઊંડે જાય છે અને તે જ ક્ષણે અજ્ઞાનરૂપી ગ્રાહ તેને ગ્રસી જાય છે – પકડી લે છે.
- ગજેન્દ્ર અને ગ્રાહનું યુદ્ધ એટલે શું?
ગજેન્દ્ર એટલે જીવ અને ગ્રાહ એટલે અજ્ઞાન. જીવ અજ્ઞાનથી બદ્ધ થાય છે, અજ્ઞાનને કારણે જ માયામાં ફસાય છે. જીવ મૂલત: મુક્ત જ છે, પરંતુ અજ્ઞાનને કારણે તે બદ્ધ બને છે, માયાબદ્ધ બને છે. પોતાના સ્વતંત્ર – મુક્ત સ્વરૂપને પામ્યા વિના જીવને યથાર્થ શાંતિ મળી શકે નહીં, તેથી જીવ પોતાની મુક્તિ માટે પ્રયત્નશીલ રહે જ છે, પરંતુ અજ્ઞાન અને અજ્ઞાનરૂપિણી માયામાંથી મુક્ત થવું સરળ નથી, તેથી જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતા’માં કહ્યું છે: પપ પળ્રૂળ ડળ્ફટ્ટળ।'
મારી માયાનો પાર પામવો મુશ્કેલ છે.’
આ પણ વાંચો:અલૌકિક દર્શન : ગજેન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને પધારે છે
તેથી તે પ્રયત્ન ફળતો નથી. જ્યારે જીવ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે ત્યારે તેનો અહંકાર શાંત થાય છે અને અહંકાર શાંત થતાં જ પરમાત્માની કૃપા તેની ચેતનામાં અવતરે છે. પરમાત્માની કૃપાનું સામર્થ્ય અમોઘ છે. પરમાત્માની અમોઘ શક્તિ અજ્ઞાનના બંધનને છેદી નાખે છે અને જીવ મુક્ત થાય છે.
ગજેન્દ્રમોક્ષની કથાનો આવો અધ્યાત્મસંદેશ છે.
જે જીવ પોતાની મુક્તિ માટે પરમાત્માની કૃપાની યાચના કરશે, પરમાત્માનું શરણ સ્વીકારશે તેને પરમાત્મા અવશ્ય સહાય કરશે. ભગવાને પોતે જ `ગીતા’માં માનવજાતને તેનું વચન આપ્યું છે. ભગવાન માત્ર ગજેન્દ્રના જ નથી, તેઓ તો સૌના છે.
જે માયાપતિને શરણે જાય છે તે માયારૂપી સાગરને તરી જાય છે – આ અધ્યાત્મપથનું સર્વોચ્ચ સત્ય છે અને આ જ ગજેન્દ્રમોક્ષની કથાનો અધ્યાત્મ સંદેશ છે.
જેમને કાન હોય તેઓ સાંભળે!
વામન ને વિરાટ
વામનાવતારની કથા એક રહસ્યપૂર્ણ આધ્યાત્મિક કથા છે.
ભૃગુવંશના ઋષિઓએ પ્રહલાજીના પૌત્ર અને વિરોચનના પુત્ર બલિરાજાને વિશ્વજિત યજ્ઞ દ્વારા ત્રિલોકવિજયી બનાવ્યો. બલિરાજાએ પોતાની અસુરસેના દ્વારા પૃથ્વી અને સ્વર્ગ પર વિજય મેળવ્યો. દેવો હારીને અત્રતત્ર છુપાઈ ગયા.
દેવમાતા અદિતિએ પોતાના પતિ કશ્યપઋષિના માર્ગદર્શન પ્રમાણે પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું. પ્રયોવતથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ અદિતિજીના પુત્ર થવાનું અને દેવોના રાજ્યની પુન:પ્રતિષ્ઠા કરાવવાનું સ્વીકાર્યું. ભગવાન વિષ્ણુ અદિતિના પુત્રસ્વરૂપે – વામનરૂપે અવતર્યા.
એક વાર બલિરાજા એક યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વામન બટુકસ્વરૂપે તે યજ્ઞસ્થળે ગયા. વામનયીએ યજ્ઞદીક્ષિત બલિરાજા પાસે પોતાનાં ત્રણ પગલાં જેટલી જમીનની માગણી કરી. શુક્રાચાર્યની ના છતાં બલિરાજાએ દાનનો સંકલ્પ કર્યો.
ભગવવાન વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પ્રથમ પગલાથી પૃથ્વી અને દ્વિતીય પગલાથી સ્વર્ગ માપી લીધું અને તૃતીય પગલારૂપે અન્ય ભૂમિની માગણી કરી. બલિરાજાએ તૃતીય પગલાની ભૂમિ માટે પોતાનું મસ્તક ધરી દીધું. બલિરાજાને સુતલમાં પ્રતિષ્ઠિત કર્યા અને ભગવાન તેમના દરવાન બન્યા.
આ નાની કથામાં મૂલ્યવાન અને ગહન આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. આ કથાનું આધ્યાત્મિક રહસ્ય સમજવા માટે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તરો મેળવવા જોઈએ.
- બલિરાજા એટલે કોણ?
- ત્રિલોકનું રાજ્ય એટલે શું?
- વિષ્ણુ અને વામન એટલે કોણ?
- વામનનાં (વિરાટ બનીને) ત્રણ પગલાં એટલે શું?
- બલિરાજાનું સુતલમાં જવું અને વામન ભગવાનનું તેમના દરવાન બનવું એટલે શું?
હવે આપણે આ પ્રશ્નોના ઉત્તરો મેળવવાનો અને તે રીતે આ કથાનો આધ્યાત્મિક અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. - બલિરાજા એટલે કોણ?
બલિરાજા એટલે અહંકાર. `બલિરાજા’ શબ્દનો અર્થ છે બળવાન અને પોતાનું રાજ્ય સ્થાપિત કરનાર. અહંકાર બળવાન છે, મહાબળવાન છે અને સર્વત્ર પોતાનું રાજ્ય સ્થાપિત કરે છે. બલિરાજા સર્વજિતયજ્ઞ કરે છે અને આ યજ્ઞથી બળવાન બનીને ત્રિલોકનું રાજ્ય મેળવે છે. અહંકાર પણ સર્વ પર પોતાનું અધિપત્ય જમાવે છે. આ જ અહંકારનો સર્વજિતયજ્ઞ છે. સર્વને જીતીને અહંકાર પણ બલિરાજાની જેમ ત્રિલોક પર રાજ્ય સ્થાપિત કરે છે. બલિરાજાની સહાયમાં અસુરોની સેના છે. અહંકારની સહાયમાં વૃત્તિઓની સેના છે. વૃત્તિઓરૂપી અસુરોની સહાયથી અહંકાર બળવાન અર્થાત્ પુષ્ટ થાય છે અને સર્વત્ર પોતાનું આધિપત્ય સિદ્ધ કરે છે. - ત્રિલોકનું રાજ્ય એટલે શું?
બલિરાજા પાતાળના રાજા તો છે જ, કારણ કે પાતાલ અસુરોનું રાજ્ય છે. આ ઉપરાંત બલિરાજાએ પૃથ્વીલોક અને સ્વર્ગલોક પર પોતાનું આધિપત્ય સિદ્ધ કર્યું હતું. પૃથ્વી માનવલોક છે અને સ્વર્ગ દેવલોક છે. આમ ત્રણે લોક પર બલિરાજાનું રાજ્ય સ્થાપિત થયું.
શરીર, પ્રાણ અને મન આ ત્રણ લોક છે. ત્રિલોકીનો આ આધ્યાત્મિક અર્થ છે. અહંકારે આ ત્રણે લોક પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે. વસ્તુત: આ રાજ્ય અહંકારનું નથી, પરંતુ વૃત્તિઓની સેના અને સર્વગ્રાહી શક્તિના જોરથી બળવાન બનેલો અહંકાર શરીર – પ્રાણ – મન પર પોતાનું આધિપત્ય સિદ્ધ કરે છે. પરિણામે દેવો એટલે સાત્ત્વિક તત્ત્વોનેઅત્રતત્ર છુપાઈ જવું પડે છે.
અદિતિ એટલે સાત્ત્વિક પ્રકૃતિ. તેમની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને વિષ્ણુ વામનરૂપે અવતાર ધારણ
કરે છે. (ક્રમશ:)