ધર્મતેજ

અલૌકિક દર્શન: શિવદર્શન તથા શિવપૂજા માટે સમયની કોઈ મર્યાદા નથી

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
શિવલિંગ અનંત બ્રહ્મનું પ્રતીક છે તેમ સૂચવતી એક કથા પણ છે. એક વાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો: કોણ ચડિયાતું? વિવાદ દ્વારા કોઈ નિવેડો આવ્યો નહીં, કોણ ચડિયાતું તે નક્કી થઈ શક્યું નહીં. તે વખતે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે એક તેજોમય નળાકાર પ્રગટ થયો. આ તેજબિંબ શું છે તે બ્રહ્મા અને વિષ્ણુ સમજી શક્યા નહીં. બંનેએ સાથે મળીને તેનું સ્વરૂપ સમજવાનો, તેનો તાગ લેવાનું નક્કી કર્યું. બ્રહ્મ હંસનું રૂપ ધારણ કરીને વાયુવેગે તે તેજબિંબની ઉપર ગયા અને વિષ્ણુ વરાહનું રૂપ ધારણ કરીને વાયુવેગે તે તેજબિંબની નીચે ગયા. એક હજાર વર્ષ સુધી બ્રહ્માજી ઉપર અને વિષ્ણુભગવાન નીચે ગતિ કરતા રહ્યા, છતાં તે તેજબિંબની સ્તુતિ કરી અને બંનેએ તે તેજબિંબને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાના પ્રતિભાવરૂપે તે તેજબિંબમાંથી શિવ પ્રગટ થયા અને બ્રહ્મા તથા વિષ્ણુને પોતાના અનંત સ્વરૂપનું જ્ઞાન આપ્યું. (‘શિવમહિમ્નસ્તોત્ર’: 10.) આ તેજોમય નળાકાર તે જ શિવલિંગ. આ કથા દ્વારા પણ એમ સ્પષ્ટ રીતે સૂચિત થાય છે કે શિવલિંગ અનંત નિર્ગુણ-નિરાકાર બ્રહ્મતત્ત્વનું પ્રતીક છે.

શિવમંદિરની રચના અને શિવલિંગની પ્રતિષ્ઠા વિશે પ્રાચીન, પરંપરા એવી છે કે શિવલિંગને મંદિરના દ્વારમાંથી ગર્ભગૃહમાં લઈ જવાય નહીં, પરંતુ શિખર પરથી નીચે ઉતારવામાં આવે છે. શિવતત્ત્વ તો અનંત છે, તેને બારણામાંથી અંદર કેવી રીતે લઈ શકાય? દ્વાર સીમિત છે અને શિવતત્ત્વ ઉપર આકાશમાંથી અવતરે છે તેમ સૂચિત કરવા માટે શિવલિંગને શિવમંદિરના બારણામાંથી અંદર લેવાને બદલે શિખરમાંથી નીચે ઉતારવામાં આવે છે.

શિવમંદિરનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રહે છે. શિવદર્શન તથા શિવપૂજા માટે સમયની કોઈ મર્યાદા નથી. આમ શા માટે? વિષ્ણુ, જગદંબા, રામ, કૃષ્ણ આદિનાં મંદિરોમાં દર્શન-પૂજન માટે સમયની મર્યાદા હોય છે. શિવમંદિરનાં દ્વાર સૌના માટે સર્વ સમયે ખુલ્લાં રહે છે. આમ હોવાનું કારણ શું છે?

આ વ્યવસ્થા દ્વારા એમ સૂચિત કરવામાં આવે છે કે શિવતત્ત્વ કાલાતીત છે. જે કાલાતીત છે તેના મંદિરને કાળની મર્યાદા કેવી રીતે હોઈ શકે?

આ પણ વાંચો… અલૌકિક દર્શન : ગજેન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને પધારે છે

આમ અનેક દૃષ્ટિકોણથી તપાસતાં સ્પષ્ટ થાય છે કે શિવલિંગ પરબ્રહ્મનું પ્રતીક છે.

શિવસ્વરૂપનું રહસ્ય:

નિરાકાર શિવતત્ત્વના પ્રતીકસ્વરૂપે શિવલિંગ છે. આમ છતાં શિવનું એક સાકાર સ્વરૂપ પણ છે. આ સ્વરૂપ માત્ર કલ્પના નથી, પરંતુ અધ્યાત્મજગતનું એક રહસ્યપૂર્ણ સત્ય છે. આ શિવસ્વરૂપમાં પણ ઘણાં રહસ્યપૂર્ણ અને સાંકેતિક સત્યો સમાયેલાં છે.

  1. પંચવક્ત્ર:
    શિવને પંચવક્ત્ર ગણવામાં આવે છે, અર્થાત્ શિવને પાંચ મુખ છે. કોઈક-કોઈક શિવમંદિરમાં પંચમુખ શિવલિંગ પણ હોય છે. શિવનાં આ પાંચ મુખનાં નામ આ પ્રમાણે છે:
    (1) સદ્યોજાત, (2) વામદેવ, (3) અઘોર, (4) તત્પુરુષ, (5) ઈશાન.

આ પંચાભૂતાત્મક સૃષ્ટિમાં સર્વત્ર શિવતત્ત્વ છે, અર્થાત્ આ સૃષ્ટિમાં શિવ પાંચભૂતો દ્વારા વ્યક્ત થાય છે. શિવતત્ત્વ પાંચ ભૂતો દ્વારા વ્યક્ત થાય છે, તેથી તે પંચમુખ છે.

  1. સદ્યોજાત : પૃથ્વીતત્ત્વમાં વ્યક્ત થયેલું શિવમુખ,
  2. વામદેવ : જલતત્ત્વમાં વ્યક્ત થયેલું શિવમુખ,
  3. અઘોર : અગ્નિતત્ત્વમાં વ્યક્ત થયેલું શિવમુખ,
  4. તત્પુરુષ : વાયુતત્ત્વમાં વ્યક્ત થયેલું શિવમુખ,
  5. ઈશાન : આકાશતત્ત્વમાં વ્યક્ત થયેલું શિવમુખ.

    2. ત્રિનેત્ર :
    શિવ ત્રિનેત્ર છે. બે નેત્ર તો સૌને હોય છે, પરંતુ શિવને કપાળની વચ્ચે ત્રીજું નેત્ર પણ છે. આ તૃતીય નેત્ર શિવની વિશિષ્ટ દૃષ્ટિનું સૂચક છે.

આ જગતનું જ્ઞાન આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવીએ છીએ, તેથી જ્ઞાનેન્દ્રિયો પ્રથમ નેત્ર છે. આને જ ‘પ્રત્યક્ષ પ્રમાણ’ પણ કહે છે. જ્ઞાનપ્રાપ્તિનું દ્વિતીય કરણ બુદ્ધિ છે. જે વિષયનું જ્ઞાન જ્ઞાનેન્દ્રિયો દ્વારા ન મળે તેનું જ્ઞાન બુદ્ધિપૂર્વક વિચારી, શોધીને મેળવવામાં આવે છે. આમ બુદ્ધિ દ્વિતીય નેત્ર છે. આને જ ‘અનુમાન-પ્રમાણ’ કહે છે. સામાન્ય માનવી પાસે જ્ઞાનપ્રાપ્તિનાં આ બે કરણ છે, અર્થાત્ સામાન્ય માનવી પાસે બે આંખો છે.

આ પણ વાંચો… અલૌકિક દર્શન: યજ્ઞ એટલે સમર્પણની સાધના

અધ્યાત્મજગતનું જ્ઞાન મેળવવા માટે આ બે નેત્રો પર્યાપ્ત નથી. આધ્યાત્મિક જ્ઞાન પ્રત્યક્ષ કે અનુમાન-પ્રમાણનો વિષય બની શકે તેમ નથી, અર્થાત્ તે જ્ઞાનેન્દ્રિયો કે બુદ્ધિ દ્વારા કે બંને દ્વારા સંયુક્ત રીતે પણ મેળવી શકાય તેમ નથી. તો આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન કયું? તે કેવી રીતે મેળવી શકાય? તે માટેનું સાધન છે અપરોક્ષાનુભવ અર્થાત્ દિવ્ય દૃષ્ટિ. જે જ્ઞાન પ્રત્યક્ષ કે અનુમાન (પરોક્ષ) એમ એકેય પ્રમાણથી ન મળે તે જ્ઞાન સાક્ષાત્ દર્શન-અપરોક્ષાનુભવ અર્થાત્ દિવ્ય-દૃષ્ટિથી મળે છે. આ દિવ્યદૃષ્ટિ તે જ જ્ઞાનનું તૃતીય કરણ છે. તેને જ તૃતીય નેત્ર કે શિવનેત્ર પણ કહે છે. શિવ તો જ્ઞાનસ્વરૂપ છે. તેમની દિવ્ય દૃષ્ટિ તો અમોઘ અને સર્વોત્કૃષ્ટ જ હોય. શિવજી આ ત્રણે સ્વરૂપના જ્ઞાનથી સંપન્ન છે. આ ત્રણે પ્રકારના જ્ઞાનનાં કરણો તેમને સદા ઉપલબ્ધ છે, તેથી શિવને ત્રિનેત્ર કહ્યા છે.

  1. નાગ:
    શિવના મસ્તક પર ફણિધર નાગ છે. આપણે જોઈ ગયા છીએ કે ફણિધર નાગ જાગ્રત કુંડલિનીનું પ્રતીક છે. જાગ્રત થયેલી કુંડલિનીશક્તિ મૂલાધારથી સહસ્ત્રારમાં પહોંચે છે અને સહસ્ત્રારમાં શિવ-શક્તિનું મિલન થાય છે. આ રહસ્ય ફણિધર નાગ દ્વારા સૂચિત થાય છે. શિવજીનાં શક્તિતત્ત્વ સદા જાગ્રત અવસ્થામાં વિદ્યમાન છે જ. શિવના મસ્તક પર શક્તિ પણ છે જ, કારણ, શિવ શક્તિ-સંલગ્ન છે. શિવના મસ્તકમાં જાગ્રત શક્તિ પણ છે જ તેમ સૂચવવા માટે શિવ-મસ્તક પર નાગ બિરાજમાન છે.
  2. ચંદ્ર:
    શિવ-મસ્તક પર દ્વિતીયાનો ચંદ્ર શોભે છે. દ્વિતીયાનો ચંદ્ર કાળનું પ્રતીક છે. ચંદ્રમાં વધઘટ થાય છે. ચંદ્રની કળામાં વૃદ્ધિ અને ક્ષય થયા કરે છે તેના દ્વારા કાળક્રમ સૂચિત થાય છે. શિવજીના મસ્તક પર ચંદ્ર બિરાજમાન છે તેનો અર્થ એમ કે શિવજી કાળને ધારણ કરે છે. જે કાલાતીત હોય તે જ કાળને ધારણ કરી શકે છે. શિવ કાલાતીત છે, પરંતુ કાળને ધારણ કરે છે. આ સત્ય શિવ-મસ્તક પર રહેલા ચંદ્ર દ્વારા સૂચિત થાય છે.
  3. શુભ્ર-ધવલ-વર્ણ:
    શિવજીનો વર્ણ શુભ-ધવલ છે. શિવજીને ‘रजतगिरिनिभं’ કહેલ છે. ‘रजतगिरिनिभं’ એટલે ચાંદીના પહાડ જેવા શુભ્ર-ધવલ-વર્ણ-યુક્ત.

    વિષ્ણુ, રામ,, કૃષ્ણ આદિને શ્યામવર્ણ ગણવામાં આવે છે, જગદંબા ગૌરવર્ણ છે, પરંતુ શિવજીનો વર્ણ ઘણો વિશિષ્ટ છે. ચાંદી જેવો શુભ્ર-ધવલ-વર્ણ, જે ઘણો વિશિષ્ટ અને અસામાન્ય ગણાય તેવો વર્ણ શિવજીનો છે. શુભ-ધવલ-વર્ણ દ્વારા એમ સૂચિત થાય છે કે શિવજી શુદ્ધ ચૈતન્ય છે. વળી આ શુભ-ધવલ-વર્ણ ચાંદી સમાન અર્થાત્ પ્રકાશયુક્ત છે. પ્રકાશયુક્ત શુભ-ધવલ-વર્ણમાં પ્રકાશતત્ત્વ અને ધવલતા એ બે અંગો છે. આ બંને અંગો અર્થાત્ લક્ષણો શુદ્ધ ચૈતન્યનાં છે. આપણી અધ્યાત્મપરંપરામાં શુદ્ધ તત્ત્વને ધવલ-વર્ણ દ્વારા અને ચૈતન્યને પ્રકાશતત્ત્વ દ્વારા સૂચવવામાં આવે છે. આમ પ્રકાશયુક્ત ધવલ-વર્ણ દ્વારા શુદ્ધ ચૈતન્ય સૂચિત થાય છે, અર્થાત્ શિવજી એટલે શુદ્ધ ચૈતન્ય.
  4. મસ્તક પર ગંગા:
    શિવજીના મસ્તક પર ગંગાજી બિરાજમાન છે. ગંગા એટલે જ્ઞાનગંગા. ગંગાજી જ્ઞાનનું પ્રતીક છે. શિવજીના મસ્તક પર જ્ઞાનગંગા શોભે છે. શિવજી જ્ઞાનસ્વરૂપ છે તેમ સૂચવવા માટે શિવમસ્તક પર જ્ઞાનગંગા છે. પાર્વતીજી શિવની શક્તિ છે અને ગંગાજી શિવનું જ્ઞાન છે. શિવજી જ્ઞાનશક્તિયુક્ત છે.

આમ, શિવમસ્તક પર રહેલાં ગંગાજી દ્વારા શિવજીનું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ સૂચિત થાયછે.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button