ધર્મતેજ

અલખનો ઓટલો : કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે…

-ડૉ. નિરંજન રાજ્યગુરુ

કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે,
પ્રત્યક્ષ તેનું છે રે પ્રમાણ,
મણ દૂધ માંહે રે, છાંટો પડે છાશનો રે,
મરને તેનાં બીજાં થાય વખાણ…
કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે….0

અલ્પ અનાચારે રે, નળને કળિ નડયો રે,
દ્યૂતે દીધો પાંડવને વનવાસ,
અસાધુને સંગે રે, આવી પડે આપદા રે,
વિષ જેમ કરે વપુનો વિનાશ…
કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે….0

ગંગા જળના ઘટને રે, મૂકે મદિરા વિષે રે, પછી તેને કોઈ ન માને પવિત્ર,
પુંચલીની સંગે રે, પળે જો પતિવ્રતા રે, પછી તેના કોઈ ન ગાય ચરિત્ર…
કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે….0

સારો કોઈ સજ્જન રે,ચાલે સંગે ચોરને રે, પાપીને પ્રસંગે પકડયો જાય,
ગાય સારી કોઈ દિને રે, હરાયા સાથે હળે રે, બિચારીને ગળે ડેરો બંધાય…
કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે….0

બ્રહ્મચારી ભૂલે રે, ભેટે કોઈ ભામની રે,
નિયમ તેનો સઘળો નિષ્ફળ થાય,
સંન્યાસીને સોનું રે, અડે જ્યારે અંગમાં રે,
વૃથા વેશધારી સમો કહેવાય…
કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે….0

વૈરાગી વનિતામાં રે, જઈ ભેળો વસે રે,
બાવાની તો બુદ્ધિનો થાય બગાડ,
ભ્રષ્ટ થાય જોગી રે, ભોગી ભેળો જે મળે રે,
ઝેરે જેમ જાય સમૂળું ઝાડ…
કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે….0

બિુદ્ધને બગાડે રે, નિંદા ચાલે લોકમાં રે,
કહેવાય તેનું જ નામ કુસંગ,
અફીણ પીવે એદી રે, ઝોકાં ખાય જાગતાં રે,
રહે નહીં સારો શરીરનો રંગ઼.
કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે….0

આપણ વાંચો…અલખનો ઓટલો : કાયા કાગળની કોથળી…આ સૃષ્ટિમાં તમામ જીવોમાં પરમાત્માનો વાસ છે

તે માટે તપાસી રે, તન મનથી તજો રે,
ભજો એક ભક્ત વત્સલ ભગવંત,
છોટમ સંગ કરીએ રે, સાચા સજ્જન તણો રે,
જો મળે જ્ઞાની ઘણા ગુણવંત…
કિંચિત કુસંગે રે, બોધ બગડે ઘણો રે….0

મનુષ્યને થોડોક પણ કુસંગ થઈ જાય તો એનું જીવતર નકામું થઈ જાય છે. એનાં અનેક દૃષ્ટાંતો સંતોએ પોતાની વાણીમાં આપ્યાં છે. એક મણ દૂધમાં માત્ર એકાદ છાંટો પણ છાશનો પડી જાય એટલે દૂધ બગડી જાય, પછી એ દહીં થયેલા – બગડેલા દૂધનું કોઈ જાણકાર- સદગુરુ મંથન કરે તો માખણ મળે પણ એ માટે તો મથવું પડે. થોડોક અનાચાર આદર્યો અને નળરાજાની કળિયુગે ખૂબ ક્સોટી કરી લીધેલી. પાંડવોને જુગાર રમતાં વનવાસ મળ્યો, એમ અસત્ય આચરનાર કોઈ અસાધુનો ભેટો થાય તો એ પાપને પંથે જ ખેંચી જાય. જેમ ઝેર કોઈપણ સારી વસ્તુને ઝેરી બનાવી નાખે. ગંગાજળના ઘડાને જો મદિરાના પાત્ર સાથે રાખવામાં આવે તો લોકો એ ગંગાજળને પણ મદિરા જ માને. કોઈ એને પવિત્ર ન માને.

વેશ્યાની સંગત જો કોઈ પતિવ્રતા નારી કરે તો પછી એનું ચરિત્ર કોઈ વખાણે નહીં. ચોરની સંગાથે સારો-સજ્જન ચાલે તો એને પણ લોકો ચોર જ ગણે અને કોઈને ત્યાં ચોરી થાય ત્યારે એને પણ સિપાહી પકડી જાય. હરાયા ઢોરની સંગે પાળેલી ગાય હળી જાય તો એને ડોકમાં ડેરો પડે. કોઈ બ્રહ્મચારીને નારીનો સંગ થઈ જાય તો પછી એનું ચારિત્ર ન જળવાય, એમ સંન્યાસીના અંગે સોનાના અલંકારો ચડે પછી એ વૃથા વેશધારી જ મનાય, વૈરાગ્ય ધારણ ર્ક્યું હોય અને પછી સ્ત્રીઓને ભેળી કરીને સત્સંગની મોટી મોટી વાતો કરે પણ એની બુદ્ધિમાં જરૂર બગાડ થાય, કોઈ ભોગીનો સંગ યોગસાધના કરનારો યોગી કરે તો જેમ ઝેરી દવાને કારણે સમૂળા ઝાડનો નાશ થઈ જાય એમ એની સાધના ભ્રષ્ટ થઈ જાય. કુસંગ એને જ કહેવાય જે પોતાની બુદ્ધિને બગાડે અને લોકોમાં એની નિંદા થવા લાગે. અફીણનો સંગ માનવીને એદી બનાવે, શરીર બગડી જાય, જાગતાં ય સતત એના ઘેનમાં ઝોકાં ખાતો રહે, એ માટે વિચારીને સંગત કરવી, ભક્તવત્સલ ભગવાનને ભજી લેવા અને સાચા સજ્જન -ગુણવાન-જ્ઞાનીજનો મળે તો એની સાથે જ સત્સંગ કરવો. બીજા એક પદમાં આ ધરતી પર વધી રહેલા પાખંડને ઉજાગર કરતાં છોટમ કહે છે :

આપણ વાંચો… અલખનો ઓટલો: નરસિંહ મહેતાને નામે ગવાતી એક જ રચના- ત્રણ પાઠ

પૃથ્વી પાખંડે ખાધી રે, સત્યની શોધ નથી લાધી…
મહા અભિમાન મટે નહીં મનથી, માને હું મોટો,
પ્રપંચે પરધન હરવાનો, ખેલ કરે ઈ ખોટો રે…
-પૃથ્વી પાખંડે ખાધી રે, સત્યની શોધ નથી લાધી….0

ધર્મ બ્રહ્મની વાત ન માને, ગુરુ થઈ ને ગાજે,
ઓથે રહી ને અનરથ કરતાં, લંપટ નવ લાજે રે…
-પૃથ્વી પાખંડે ખાધી રે, સત્યની શોધ નથી લાધી….0

પ્રભુનું નામ ઘટી ને કહે છે, હું છું ઈશ્વર આપે,
એક રોમ નીપજે નહીં એથી, દુ:ખ કોનાં કાપે રે…
-પૃથ્વી પાખંડે ખાધી રે, સત્યની શોધ નથી લાધી….0

વેદ શાસ્ત્રની વાત ન જાણે, કહે મોટા જ્ઞાની,
કહે છોટમ ઠગ ગુરુથી થઈ છે, ધર્મ તણી હાનિ રે…
-પૃથ્વી પાખંડે ખાધી રે, સત્યની શોધ નથી લાધી….0

કવિ છોટમ-છોટાલાલ કાળિદાસ ત્રિવેદી/ત્રવાડી.(ઈ.સ.181ર થી 188પ) સાઠોદરા નાગર જ્ઞાતિમાં મલાતજ(તા.પેટલાદ,જિ.ખેડા) ગામે જન્મ઼ વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીના મોટાભાઈ. ગુજરાતી તથા વ્રજભાષામાં ચારસોથી વધુ પદો-ભજનો-કાવ્યોનું સર્જન.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button