અલખનો ઓટલો – અમ્મર વરને વરિયા…

- ડૉ. નિરંજન રાજ્યગુરુ
હમણાં જ આપણે ત્યાં તુલસીવિવાહનો પ્રસંગ આવી રહ્યો છે. ભારતીય હિન્દુ ધર્મશાસ્ત્રોની પરંપરા મુજબ મનુષ્યજીવનના સોળ સંસ્કારોમાં જન્મ,વિવાહ અને મૃત્યુ એ ત્રણ સંસ્કારો માનવીના લૌકિક અને આધ્યાત્મિક બંને પ્રકારના જીવનઘડતરમાં ખૂબ જ મહત્ત્વના સંસ્કારો છે.
સદ્ગુરુની પ્રાપ્તિ અને કૃપાને અધ્યાત્મક્ષ્ોત્રમાં સાધકના નવજન્મ તરીકે ઓળખાવવામાં આવે છે, જ્યારે પરમ તત્ત્વ સાથેના જોડાણને વિવાહ. જૈન સાધુઓ દીક્ષ્ાા ધારણ કરે ત્યારે તેમણે સંયમશ્રી સાથે વિવાહ ર્ક્યો એમ કહેવાય છે, એ પરંપરા ઘણા જૂના સમયથી આપણે ત્યાં ચાલી આવી છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જૈન-જૈનેતર કવિઓમાં ઘણા સંત-ભક્ત- વેદાન્તી કવિઓએ આ જાતના પ્રસંગોનું વર્ણન વિવાહ, સ્વયંવર, વેલી, મંગળ, વધાવો, વિવાહલુ, ચૂંદડી, પટોળી, માંડવો વગેરે નામે ઓળખાતી નાની મોટી અનેક રૂપક રચનાઓ દ્વારા ર્ક્યું છે.
સંસારીઓને ધર્મ, ભક્તિ, અધ્યાત્મ, સાધના, શરણાગતિ અને ગુરુમહિમા સમજાવવા માટે તેમના જીવતરમાં અને સંસાર જીવનમાં ખૂબ જ જાણીતાં હોય એવાં રૂપકો લઈને આપણા સંતકવિઓએ ભક્તિ પદારથની ઓળખાણ કરાવી છે. જેમાં આત્મા અને પરમાત્માના વ્યાપક શાશ્વત પ્રેમ સંબંધનું વેદાન્તી, જ્ઞાનમાર્ગી, યોગમાર્ગી કે ભક્તિમાર્ગી પરિભાષામાં આલેખન કરવામાં આવ્યું હોય એવી બે રચનાઓ અહીં પ્રસ્તુત છે. બંન્નેના સર્જકનું નામ રવિદાસ છે પણ બેઉ જુદા છે.
પ્રથમ રચના છે ભરથ મોડ શિષ્ય રવિદાસ રચિત. જ્યારે બીજી રચના છે રવિભાણ સંપ્રદાયના સંતકવિ રવિસાહેબની. આવી અનેક રચનાઓનું સંકલન આ લખનારના ‘શાં શાં રૂપ વખાણું સંતો’ પુસ્તકમાં ભજનોના વિવિધ પ્રકારોનો પરિચય કરાવતાં કરવામાં આવ્યું છે.
ધણી મેં તો ધાર્યો રે ચોરાશીનો ફંદ ટળી,
એવા અમર વરને વરીયા રે, કોટે વરમાલ ધરી…
- એવો ધણી મેં તો ધાર્યો રે..0
પ્રીતમ વરની પીઠી ચોળી, સત સંગ કરું અસ્નાન ,
મનના મેલ તો ધોવાઈ ગયા, થયું રે પિયાજીનું જ્ઞાન,
એવા નટવ2 નેણે નીરખ્યા રે, મન મારૂં ગયું છે મળી…
- એવો ધણી મેં તો ધાર્યો રે..0
શીલ સંતોષની ચૂંદડી ઓઢી, સેંથો વિવેક વિચાર,
કરૂણાનો કાજળ સારીયો, તિતિક્ષા ટીલડી કપાલ,
મર્મના મોતી ઠાંસીયાં રે, પ્રભુ સાથે પ્રીત કરી…
- એવો ધણી મેં તો ધાર્યો રે..0
હેત તણો હૈયે હાર જ પેર્યો, કંચવો સુધર્મ કટાર,
નથ ધરી નીરમળ નામની, એવા શોભીતા શણગાર,
પિયુજી સાથે મળીયાં રે, હૈડા માંહે હેત ધરી…
- એવો ધણી મેં તો ધાર્યો રે..0
મરજાદા મારા નાથની, ઘાઘરો છે ઘન ઘો2,
આણંદ રૂપી અણવટ વીંછિયાં, અને ઝાંઝ2 જુગતીનાં પેર,
એવો સોહાગ શોભે રે, પિયા સાથે રેવું ઠરી…
– એવો ધણી મેં તો ધાર્યો રે..0
અખંડ ચૂડો અવિનાશી તણો, તે સુખ વર્ણવ્યું કેમ જાય?
ભરથ મોડ ચરણે રવિદાસ બોલ્યા, ગુણ હરિ કેરા એમ ગાય,
હવે એવા વરને વરીએ રે, પાછો ફેરો કદીએ નવ ફરીએ…
- એવો ધણી મેં તો ધાર્યો રે..0
ભાણસાહેબના શિષ્ય રવિસાહેબે આ જ ભાવને આ રીતે ઘૂંટ્યો છે.
ત્રણ ગુણ તોરણિયાં બંધાવું રે સાહેલી મોરી, બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો..0
ગુણ નામના ગણેશ બેસારીયા, પ્રેમની પીઠી ચોળાય,
વરનું નામ છે અજર અમ્મર, ધમ્મળ મંગળ ગીતડાં ગવાય રે, સાહેલી મોરી..
બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો…0
નવ પાંચ સોળ મળીને જાનું સાબદી થાય, ધીરજ નામના ઢોલ ધડુક્યા,
ખમૈયાની ખારેકું વેચાય રે, સાહેલી મોરી. બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો…0
જાનું આવીને ઝાંપલે ભી, સુખમણા સંદેશા લઈને જાય,
ઈંગલા પિંગલા હાલી વરને વધાવવા, સતના ચોખલિયા ચોડાય રે, સાહેલી મોરી..
બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો…0
ચાર જુગની ચોરી રચી, ધીરજ નામની વરમાળ, બ્રહ્મા બેઠા વેદ વાંચવા,
કરણીનો કંસાર જમાય રે, સાહેલી મોરી. બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો…0
ઈંગલા પિંગલા ને સુખમણા, તરવેણીમાં ભેળી થાય, સરવે સંતોની દયા થકી,
ગુણ એના રવિરામ ગાય રે, સાહેલી મોરી..બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો…0
આ પણ વાંચો…અલખનો ઓટલો : ભારતીય સંસ્કૃતિમાં નાગપૂજન



