અલખનો ઓટલોઃ આનંદ પર્વની ઉજવણી

ડૉ. નિરંજન રાજ્યગુરુ
દિપાવલી પર્વની એક આનંદધારા તો આસો નવરાત્રથી જ શરૂ થઈ જાય. નવરાત્ર એટલે શક્તિ પૂજનનો ઉત્સવ. નવદુર્ગાએ અસુરો સામે યુદ્ધ ર્ક્યુ અને રાક્ષસોનો સંહાર ર્ક્યો. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની દૈવી શક્તિઓ દ્વારા મહિષાસુરનો વિનાશ થયો અને દેવતાઓએ એના વિજય ઉત્સવની છેક દિપાવલી સુધી ઉજવણી કરી.
એ જ રીતે કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણે નરકાસુરનો નાશ ર્ક્યો અને સોળ હજાર સ્ત્રીઓને તેના કારાગૃહમાંથી છોડાવી તે કાળી ચૌદશના દિવસે. એનો ઉત્સવ દિપાવલીના પર્વે કરેલો. નરકાસુ2એટલે નિષ્ક્રિયતા-આળસ. આ દિવસોમાં નર નારી સાથે મળીને પોતાના ઘર-આંગણા મહોલ્લાની સાફ સફાઈ કરે છે. આ દિવસોમાં જીવ જંતુઓનો, માખી મચ્છરોનો ખૂબજ ઉપદ્રવ હોય. એટલે તો નવરાત્રથી માંડીને દિવાળી સુધી ધૂપ દિપ, સાફ સફાઈ, રંગરોગાન, યજ્ઞ યાગ, પૂજન અર્ચનનો ખૂબ જ મહિમા છે.
ભારતના તમામ પ્રાંતોમાં અને વિશ્વમાં જયાં જયાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં વિધવિધ રીતે દિવાળીનો તહેવાર ઉજવાય છે. દિપાવલીના આ પર્વ વિશે જુદા જુદા ધર્મ પંથ સંપ્રદાયોમાં અને જુદા જુદા પ્રાંતોમાં અનેક પ્રકારની ધાર્મિક-સાંસ્કૃતિક કથાઓ સંકળાયેલી જોવા મળે છે. આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોના અઢારે પૂરાણ ગ્રંથોમાં દિવાળીના દિવસ સાથે સંકળાયેલા અનેક ધાર્મિક પ્રસંગોની કથાઓ વિભિન્ન સ્વરૂપે આલેખાઈ છે.
ભગવાન વિષ્ણુએ બલિરાજાના ત્યાગની ક્સોટી કરવા વામન અવતાર ધારણ ર્ક્યો ને સાડા ત્રણ ડગલાં પૃથ્વીની માગણી કરી. ત્રણ ડગલામાં તો ત્રણે લોક (સ્વર્ગ-મૃત્યુ-પાતાળ) માપી લીધાં. હવે અધુર્ં ડગલું ક્યાં મૂક્વું ? દાનનો મહિમા ગાતું આ રૂપક દાનવીર બલિરાજાની ધર્મનિષ્ઠાની કાયમી યાદ ટકાવી રાખતું દિવાળીના દિવસ સાથે સંકળાયું છે. તો જૈન ધર્મના ચોવીશમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ દિવસ પણ દિવાળીનો દિવસ છે.
આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી, અધ્યાત્મ ક્ષેત્રની પતાકાઓ વિશ્વભરમાં લહેરાવનારા સ્વામી રાતીર્થ અને સૌરાષ્ટ્રની મીરાં ગણાતા અત્યંજ ભક્ત કવિ દાસીજીવણ (કે જેણે પુરૂષ હોવા છતાં દાસીભાવે-રાધાભાવે શ્રી કૃષ્ણની ઉપાસના કરેલી વિ.સં. 1881 આસો વદી અમાસ દિવાળીના દિવસે જ જીવતાં સમાધિ લીધેલી.)ના નિર્વાણ દિન તરીકે આજે પણ તેમના અનુયાયી ભક્તો દિવાળીના તહેવારને કાયમ યાદ રાખી ઉત્સવોનું આયોજન કરે છે.
આ પણ વાંચો…અલખનો ઓટલો : ભારતીય સંસ્કૃતિમાં નાગપૂજન
રાજા વિક્રમાદિત્ય (જેમના નામથી વિક્રમ સંવત શરૂ થયો.)નો રાજ્યારોહણ દિવસ અને શિખ ધર્મના અનુપમ ધર્મસ્થાનક સુવર્ણમંદિરનો દિવસ પણ દિપાવલી પર્વને ગૌરવ બક્ષે છે.દિવાળી પછીના દિવસે જે સૂર્યોદય થાય એ નવા વર્ષની વધામણી આપતો હોય. નૂતનવર્ષનો શુભ પ્રારંભ ‘સબરસ’ની ખરીદીથી થાય. આજથી વિક્રમનું નવું વર્ષ શરૂ થાય. ‘નૂતનવર્ષાભિનંદન’, ‘સાલ મુબારક’, ‘હેપ્પી ન્યુ યર’ના શબ્દોથી લોકો પોતાના સ્નેહીજનોને આવતું વર્ષ સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ ને સમતાથી પસાર થાય એવી શુભેચ્છાઓ પાઠવે. વડીલો, ગુરુજનો, સ્નેહી સન્મિત્રોને વંદના કરવા લોકોનાં ટોળાં રંગબેરંગી વસ્ત્રો તથા અલંકારોથી સજ્જ થઈ નીકળી પડયાં હોય.
બેસતું વર્ષ ‘બલિ પ્રતિપદા’ના નામથી પણ જાણીતું છે, વામન ભગવાને બલિરાજાને આજના દિવસે પાતાળનું રાજ્ય સોંપી રાજ્યાભિષેક કરેલો, તો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગોવર્ધનપૂજા અને અન્ન- કૂટનો ઉત્સવ આરંભાયો. ખેડુતોને ત્યાં નવું અનાજ, નવા દાણા, નવું કઠોળ, નવાં શાકભાજીના ઢગવા શરૂ થયા હોય એમાંથી સર્વપ્રથમ બધું ભગવાનને અર્પણ કરીને પ્રસાદ રૂપે પ્રાપ્ત કરવા. ભગવાનની કૃપા મેળવ્યા પછી જ પોતે મોઢામાં નાંખે એવી અતૂટ ભક્તિ-શ્રદ્ધા આ અન્નકૂટના ઉત્સવ પાછળની ભાવના હોય.
ઈન્દ્રના કોપ સામે વ્રજભૂમિના ગોપબાળકો અને ગાયોને ઉગારવા શ્રીકૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ધારણ કર્યો, પ્રલયનાં પૂર ખાળ્યાં ને સમૂહશક્તિનો વિજય દર્શાવ્યો તેની યાદ આપતું આ પર્વ એટલે ‘કાર્તિક શુકલ પ્રતિપદા’… તો એ પછીનો દિવસ તે ‘ભાઈબીજ’ ‘યમદ્વિતીય’. આ દિવસે બહેનને ત્યાં ભાઈ જમવા જાય ને બહેનના આશીર્વાદ માગે. યમરાજા અને તેમનાં બહેન યમી (યમુના)ના પવિત્ર સ્નેહ-સંબંધની કથા વર્ણવતો આ પ્રસંગ જેમાં યમુના પોતાના ભાઈ બહેનને ત્યાં ભોજન કરે અને રાજી કરે તથા યમુનાસ્નાન કરે તેના કુટુંબમાં કદી બાળમરણ કે અપમુત્યુ ન થાય.
વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ માટે તો અન્નકૂટ, ગોવર્ધન પરિક્રમા અને યમુનાસ્નાન એ ત્રણ અતિ મહત્ત્વના ઉત્સવો છે. આમ દિપાવલી પર્વ તો છે અંતરમાં અજવાસ કરવાનું અજ્ઞાન અંધારા દૂર કરવાનું ને દિલમાં દીવો પેટાવી શુદ્ધ-સાત્ત્વિક વાણીના ઉદ્ગાતા મા શારદાની ઉપાસનાનું પર્વ.
ભારતીય હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ દિવાળી એ સમસ્ત હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. તહેવારોની મહારાણી એટલે દિવાળી. ડુંગરાઓમાં વસતા આદિવાસી ગિરિજનોની નાની નાની ઝૂંપડીઓમાંથી માંડીને મહાનગરોના મહાલયો સુધીના આવાસો દીપમાલિકાઓથી ઝળહળી ઉઠે એવો આ પ્રકાશનો મહોત્સવ નાના મોટા, ગરીબ-શ્રીમંત સહુના માટે આનંદ અને ઉલ્લાસનું પર્વ બની રહે છે. આ પ્રકાશનું પર્વ સૌના અંતરમાં જ્ઞાનરૂપી અજવાળા પણ રેલાવે છે.
દીપ એટલે પ્રકાશ અને પ્રકાશ એટલે જ્ઞાન. જ્ઞાનરૂપી અંધારા દૂર કરવાનું દૈવી અલૌકિક તત્ત્વ એટલે જયોત ઉપાસના. ૠગ્વેદમાં કહેવાયું છે કે હે ઈશ્વરઅમોને પ્રકાશ આપો, સુખ આપો, શ્રેય આપો, વૃદ્ધિ વૈભવ આપો.. હે દેવતા અમોને શ્રી થી સંપન્ન કરો… વૈદિક કાળમાં નિર્ગુણ-નિરાકાર બ્રહ્મના પ્રતીક તરીકે પ્રકાશ પૂંજ સમા સૂર્ય, અગ્નિ અને જયોતનું સ્તુતિગાન થતું.
ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ આ પાંચ દિવસો સુધી ઉજવાતું મહાપર્વ જેને કોઈ પર્વ પંચાયતન પણ કહે છે. એ પાંચેય દિવસ-રાત્રી રંગોળી, તોરણ, ધ્વજા – પતાકાઓના શણગાર, ફટાકડાના ધૂમ ધડાકા ને ઝાકઝમાળ દીવડાઓની હારમાળાઓથી સેવા, સાધના, તપ, ધ્યાન, દાન, પૂજા, યજ્ઞ, સ્તુતિ, પ્રાર્થના ને સ્નેહનું એક અજબ દિવ્ય વાતાવરણ ખડું કરે છે. વિક્રમ સંવત અનુસાર દિવાળી એ વર્ષનો અંતિમ દિવસ. ક્રમાનુસાર વર્ષમાં આવતા એક પછી એક ધાર્મિક સાંસ્કૃતિક-સામાજિક તહેવારોનો અંતિમ સર્વોચ્ચ કળશ તે દિવાળી.
આ પણ વાંચો…અલખનો ઓટલો : શિવ મહિમા- શ્રાવણે શિવ પૂજન…