વિશેષઃ સુખનું સરનામું શોધવાની લ્હાયમાં દુ:ખના દરવાજે ટકોરા વાગી જાય…

રાજેશ યાજ્ઞિક
મનુષ્ય પોતાના જીવનમાં આખરે શું શોધે છે? કોઈ કહે છે સુખ. તો સવાલ એ આવે કે તેને સુખ શેમાં દેખાય છે? કોઈને ધર્મમાં સુખ દેખાતું હોય, કોઈને ભૌતિક સાધનોમાં સુખ દેખાતું હોય, કોઈને સફળતામાં સુખ દેખાતું હોય તો કોઈને ઐશ્વર્યમાં.
સુખ અને આનંદ વચ્ચે બહુ પાતળી ભેદ રેખા હોય છે. સદગુરુ જગ્ગી વાસુદેવ સરળ શબ્દો આ ભેદને ઉજાગર કરતા કહે છે કે, `સુખ કોઈ વસ્તુ કે વ્યક્તિ પર નિર્ભર હોય છે, જ્યારે આનંદ આંતરિક હોય છે.’ જ્ઞાનીજનો કહે છે કે, ભૌતિક વસ્તુઓમાં આપણે સુખ બુદ્ધિ ધરાવીએ છીએ. આપણી આંખને ગમે તેવી વસ્તુઓ સુખ આપે છે, કાનને સાંભળવું ગમે તેવું સંગીત સુખદાયક લાગે છે, જેનો સ્પર્શ સુંવાળો હોય તેવી વસ્તુઓ સુખનો અનુભવ કરાવે છે. આપણી ઈચ્છા મુજબનું પ્રાપ્ત ન થાય, અનુકૂળતાને બદલે પ્રતિકૂળતા સર્જાય એટલે દુ:ખ!
અર્થશાસ્ત્રમાં લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીનો એક સિદ્ધાંત આવે છે. આ સિદ્ધાંત મુજબ જેમ જેમ કોઈ એક વસ્તુનો વધુ અને વધુ ઉપયોગ કે ઉપભોગ થાય તેમ તેમ આપણા માટે તેની ઉપયોગિતા અથવા ઈચ્છા ઓછી થતી જાય છે. શાસ્ત્રકારો કહે છે કે સુખની બાબતે પણ આવું જ છે.
કોઈ બાળક એક નવું રમકડું જુએ એટલે તેને એ જોઈએ. ન મળે તો જીદે ચઢે, રડે…અંતે જ્યારે મળે ત્યારે શાંત થાય. પણ પછી? થોડી વાર બાદ કોઈ નવું રમકડું દેખાય એટલે જેના માટે રોકકળ કરી હોય એ રમકડું એક બાજુ ફેંકાઈ જાય અને નવા રમકડાં માટે રુદન શરૂ થાય. આપણે સહુ આવા નવાનવા રમકડાં માટે રડતા બાળકો જ છીએ.
આપણે સુખની એક વ્યાખ્યા નક્કી કરી લીધી છે,
પહેલું સુખ તે જાતે નર્યા,
બીજું સુખ તે ઘેર દીકરા;
ત્રીજું સુખ તે ગુણવંતી નાર,
ચોથું સુખ તે ભરેલા ભંડાર સુધી
પહેલા તો આપણે સ્વસ્થ હોઈએ એ સુખ છે. તે વાત બરાબર. કારણકે આરોગ્ય સારું હોય તો ભૌતિક હોય કે આધ્યાત્મિક કર્મો કરવામાં અનુકૂળતા રહે. સંતાન હોય એ સુખ ગણાય. પણ સંતાન આડે પાટે ચડેલા હોય કે કહ્યામાં ન હોય તો? ત્રીજું સુખ ગુણવંતી નાર, પરંતુ એ ગુણવંતી નારને અવગુણથી ભરેલો પતિ મળે તો? પુરુષ પણ ગુણવાન હોવો જોઈએ. દારૂડિયો, જુગારી, લંપટ, બેરોજગાર, એવો પતિ મળે તો સ્ત્રી પણ દુ:ખી થાય. અંતે ભરેલા ભંડાર પણ આપણને જોઈએ. ટૂંકમાં આપણા મોટાભાગના સુખ બધા ભૌતિક બાબતો પર જ આધારિત છે. ધર્મ વિના ચાલશે, પણ ધન વિના નહીં!?
સુખ બેધારી તલવાર જેવું હોય છે. ક્યારેક સુખનું સરનામું શોધવાની લ્હાયમાં દુ:ખના દરવાજે ટકોરા વાગી જાય છે. ખાવાનું સુખ, આરોગ્ય માટે દુ:ખ ઊભું કરી શકે. વ્યસનો સેવવામાં સુખનો અનુભવ કરતા લોકો, મોટા અક્ષરે છાપેલી ચેતવણીઓ પણ અવગણી કાઢે છે. પછી કેન્સરનું દુ:ખ આવીને ઊભું રહે છે. આ ભવમાં સુખ મેળવવાની લાલચમાં કરેલા પાપકર્મો પછીના જન્મમાં છાપરે ચડીને પોકારે છે. પણ મનુષ્ય તો `આ ભવ મીઠા, પરભવ કુણ દીઠાં?’ માનીને પાપકર્મોમાં રાચેલો રહે છે.
સમસ્યા ત્યારે પણ સર્જાય છે જ્યારે આપણું સુખ અન્ય માટે દુ:ખ બની જાય. જગતમાં આવા અનેક કિસ્સાઓ જોવા મળે છે. પોતાના સુખ માટે બીજાનું શોષણ કરનારા, પોતાના વર્ચસ્વ માટે બીજાને ગુલામ બનાવનારા લોકો પોતે કેટલા સુખી થાય છે એ તો ઈશ્વર જાણે, પણ લાખોને દુ:ખી જરૂર કરે છે. આપણું સુખ `નિર્દોષ’ હોવું જોઈએ.
આપણા શાસ્ત્રો તેથી સુખ નહીં પણ આનંદ પ્રાપ્ત કરવાનું કહે છે. સુખ અસ્થાયી છે, પણ આનંદ સ્થાયી છે.
આત્માની પ્રકૃતિને આનંદમય કહેવાઈ છે. અર્થાત્ આત્મા પ્રકૃતિથી આનંદમય છે. પણ જેમ અગ્નિ ઉપર રાખ ઢંકાઈ જાય તો અગ્નિ દેખાતો નથી, જેમ સૂર્ય આગળ વાદળ છવાઈ જાય તો સૂર્ય અદ્રશ્ય થઇ જાય છે, તેવી રીતે આત્મા પર પાપકર્મોના ચઢેલા આવરણોના કારણે તેનું આનંદમય સ્વરૂપ આપણે જોઈ શકતા નથી. બહારના સુખને સતત શોધતા રહેવું અને તેને જ સત્ય માનવું એ જ મોહ છે. જીવનમાં અનેકવાર આપણો મોહભંગ થાય છે. પણ ફરી આપણે મોહને વશ થઇ જઈએ છીએ. કારણકે આપણી બુદ્ધિ સુખ બહાર જ છે તેવું માની બેસે છે.
શ્રીમદ્ રાજચંદ્રના શબ્દો યાદ આવે,
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે,
લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે,
કાં અહો રાચી રહો?



