વિશેષઃ આપણે આપણો ધર્મ સંભાળવો!

રાજેશ યાજ્ઞિક
ક્યાંક વાંચેલું એક વાક્ય અચાનક ફરીથી નજર સામે આવ્યું, ‘કોઈપણ માણસના જીવનમાં સૌથી અંધારી પળો એ છે, જ્યારે એ કમાયા વિના કેવી રીતે પૈસા મેળવવા તેનું પ્લાનિંગ કરતો હોય છે.’ ધર્મના ક્ષેત્રમાં પણ લોકોની માનસિકતા કંઈક આવી જ જોવા મળે છે. પુણ્ય કમાવું હોય, પણ ધર્મસમ્મત આચરણ ન હોય.
ધર્મ કરવો અને ધર્મ જીવવો એ બંને વચ્ચે બહુ સૂક્ષ્મ ફરક છે. મનમાં મેલ રાખીને પણ બાહ્ય આચરણમાં ધર્મનું કાર્ય કરીએ તે મુંહમે રામ બગલમે છૂરી જેવો ઘાટ કહેવાય, પછી એ સંસારી હોય કે સાધુ. એટલે તો નિષ્કુળાનંદજીએ કહ્યું કે, વેશ લીધો રે વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી.
જે મનમાં બીજો ભાવ રાખીને બહાર જુદું બોલે કે જુદું આચરણ કરે તેવો કહેવાતો ધાર્મિક પણ પેલા રાજકારણી જેવો જ, જે સત્તા માટે ખાદીધારી બનીને સેવક હોવાનો ડોળ કરતો હોય. બંનેમાં ફરક માત્ર એટલો, કે એક જનતાને મૂર્ખ બનાવે અને બીજો પોતાના આત્માને જ છેતરે.
સદાચરણ એ ધર્મનો પાયો છે. આધુનિક થવાની દોડમાં સૌથી પહેલો ભોગ આપણે તેનો જ લીધો છે. વડીલોના ચરણસ્પર્શ કરવા જોઈએ, દેવ દર્શન કરવા જોઈએ, તિલક કરવું જોઈએ, પૂજાપાઠ નિયમિત કરવા જોઈએ, ધર્મ સંમત ભોજન જ લેવું જોઈએ, જેવી સાવ નાની વાતો પણ આપણે ચાલશે, થાય તો કરવું નહીંતો ભગવાન ક્યાં કહે છે…કહીને અવગણી કાઢીએ.
નાની નાની વાતોમાં ધર્મ છે. માત્ર લાખો કરોડોના દાન કરીએ કે પોતાના નામની તકતી લગાવીએ એ જ ધર્મ નથી. લાખોનાં ઘરેણાં ભરેલી બેગ ટ્રેનમાં છૂટી ગઈ હોય, કોઈ પોલીસકર્મીના હાથમાં તે આવે અને તે પ્રામાણિકતા પૂર્વક જેમની તેમ એ બેગ તેના મૂળ માલિકના હાથમાં સોંપી દે, તો એ સાચો ધાર્મિક. વ્યવહારીક રીતે લેવાના થતાં હોય તેનાથી વધુ ફાયદો મેળવવા ગ્રાહકને મૂર્ખ બનાવ્યા વિના યોગ્ય ભાવે વસ્તુ વેચતો વેપારી રોજ મંદિરે ન જતો હોય તો પણ સાચો ધાર્મિક.
પરીક્ષામાં મોકો મળે તો પણ ચોરી ન કરે તો વિદ્યાર્થી પણ ધાર્મિક. આપણા ધર્મની સાચી પરીક્ષા ક્યારે થાય? અધર્મ કરવાની અનુકૂળતા આપણી સામે હોય ત્યારે પણ આપણે વિચલિત ન થઈએ. કેમકે જ્યાં સુધી અધર્મ આચરણનો મોકો ન મળે ત્યાં સુધી તો બધા ધાર્મિક જ હોય ને!
બૌદ્ધ ચિંતક તેન્ઝીન પામોએ બહુ સરસ વાત કરી છે, કે ‘ધર્મ તો અહીં છે, તમારી અંદર, તમે તેને બહાર ક્યાં ગોતો છો?’ સ્પષ્ટપણે, ધર્મ એ દરેક શ્વાસ છે જે આપણે લઈએ છીએ, જાગૃતિ પૂર્વક, ખુલ્લા મનથી અને કરુણામય હૃદયથી કરેલો દરેક વિચાર, દરેક બોલેલો શબ્દ છે. પોતાના આત્માને અધ્યાત્મના માર્ગે આગળ વધારવો એ પણ મનુષ્યનો ધર્મ છે.
અને આપણને જે ધર્મ પ્રાપ્ત થયો છે તેનું પાલન, સંવર્ધન અને રક્ષણ એ પણ આપણો ધર્મ છે, એમ સ્વામી વિવેકાનંદ કહે છે. ગૌતમ બુદ્ધે તો ત્યાં સુધી કહ્યું છે, કે ડૂબતા માણસના હાથમાં જેમ લાકડું આવી જાય અને તે વળગી પડે તેમ આપણે ધર્મને વળગી રહેવું જોઈએ. જેવો હાથ છોડ્યો કે ડૂબ્યા સમજો.
દરેક વ્યક્તિનો જન્મ કે દરેક વસ્તુનો આવિષ્કાર પોતપોતાનો ધર્મ લઈને જ થાય છે. માત્ર તેની જાણ હોવી જોઈએ. મનુષ્ય એ રીતે નસીબદાર છે કે તે પોતાનો ધર્મ નિશ્ર્ચિત કરી શકે છે, પોતાનો ધર્મ પસંદ પણ કરી શકે છે.
એ સૈનિક બનીને, શિક્ષક બનીને, વૈજ્ઞાનિક બનીને, ખેડૂત બનીને, સાધુ બનીને અને અંતે કાંઈ નહીં તો સીધા બનીને પણ ધર્મ નિભાવી શકે છે. પણ આપણી ધર્મની વ્યાખ્યા સીમિત થઇ ગઈ છે.
સૂર્ય અને ચંદ્રનો ધર્મ પ્રકાશ પાથરવાનો છે, વાદળનો ધર્મ વરસવાનો છે, નદી અને કૂવાનો ધર્મ લોકોની તરસ છિપાવવાનો છે. અગ્નિનો ધર્મ ઊર્જા આપવાનો છે. આ કોઈને કહેવું નથી પડતું કે તમે તમારો ધર્મ સંભાળો. માત્ર માણસને કહેવું પડે છે કે ભાઈ, તારો ધર્મ સંભાળ. ધબકતા રહેવું એ હૃદયનો ધર્મ છે, જેવું એ બંધ કરે એટલે મૃત્યુ નિશ્ચિત!
આ પણ વાંચો…શું સનાતન ને હિન્દુ ધર્મમાં ભેદ છે?