વિશેષઃ માત્ર ચૂપ રહેવું એ મૌન નથી…
ધર્મતેજ

વિશેષઃ માત્ર ચૂપ રહેવું એ મૌન નથી…

રાજેશ યાજ્ઞિક

ધર્મશાોમાં કથન અને ભજનનું બહુ માહાત્મ્ય છે. સાથે તેટલું જ મહત્ત્વ મૌનને પણ અપાયું છે. શ્રીમદ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, ‘ગુપ્ત વિચારોમાં હું મૌન છું અને જ્ઞાનીઓમાં જ્ઞાન છું.’ ઈશ્વર ખુદ કહે છે કે હું મૌન છું.

કબીર સાહેબે કહ્યું છે કે, ‘બોલી એક અનમોલ હૈ, જો કોઈ બોલે જાની.’ વાણી અણમોલ રત્ન સમાન છે, જો તે સમજી વિચારીને બોલાય તો. સમજ્યા-વિચાર્યા પછી બોલવા જેવું ન લાગે તો શું કરવું? તો મૌન રહેવું! વિદુરનીતિમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે આદરપૂર્વક મૌનનું પાલન ભયને દૂર કરનાર છે, પણ જો તેનો યોગ્ય અમલ ન થાય તો એ જ મૌન ભય પ્રદાન કરનારું સાબિત થાય.

કહેવાનો અર્થ એ કે ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું તેની અક્કલ હોવી જોઈએ! શાો કહે છે કે ‘મુનિમૌન પરો ભવેત્’ મુનિ માટે મૌન જ તેમની પ્રતિષ્ઠા છે.

વ્યક્તિ મૌન પણ અલગ અલગ કારણોસર ધારણ કરે છે.

શાંત મૌન: વિચારો, મંતવ્યો અને સૂચનો કહેવાને બદલે રોકી રાખવા, કારણ કે સૂચનથી કોઈ ફરક પડશે નહીં.

રક્ષણાત્મક મૌન: દંડ અથવા ઠપકો મળવાના ડરથી માહિતી, ચિંતાઓ અથવા ભૂલો છુપાવવી.

સામાજિક/સંબંધી મૌન: આ એક પ્રકારનું ‘સારું’ મૌન છે જે લોકો અથવા સંગઠનનું રક્ષણ કરવાના હેતુથી માહિતી અથવા માલિકીનું જ્ઞાન ગુપ્ત રાખવા ધારણ કરાય છે.

ખંધુ મૌન: દુષ્ટ ઇરાદા સાથે મૌન, જેમાં સાથીદાર અથવા ઉપરી અધિકારીને ભૂલ કરવા દેવાનો (અથવા જાણીબૂઝીને તેમને નહીં રોકવાનો) સમાવેશ થાય છે.

લઘુતાગ્રંથિથી મૌન: આ રક્ષણાત્મક મૌન જેવું જ છે, પણ વધુ અંગત એ રીતે કે વ્યક્તિના પોતાના ભૂતકાળના અનુભવો, અસલામતી અથવા આત્મ-શંકાથી ઉદ્ભવે છે.

વ્યવહારમાં, મૌનના કદાચ અનંત પ્રકારો હોય છે, અંતિમ સંસ્કારમાં આદરપૂર્ણ મૌન પાળીએ, જેના પ્રશંસક હોઈએ તે અથવા જ્ઞાન કે પદમાં આપણા કરતા ઉચ્ચ વ્યક્તિ બોલી રહી હોય ત્યારે આપણે મૌન રહીએ. અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આપણા શબ્દો શાંત થઇ જાય છે અને આપણે કુદરતનું મૌન આચમન કરીએ છીએ.

આપણા સુભાષિતકારોએ બહુ સુંદર વાત કહી છે, ‘જ્યારે પાણીથી ભરેલા વાદળો આવે છે (વરસાદની ઋતુમાં), ત્યારે કોયલ ગાતી નથી, કારણ કે તે સમયે દેડકા બૂમ પાડી રહ્યા હોય છે, તેથી તેમના માટે ચૂપ રહેવું વધુ સારું છે.’ જ્ઞાનીઓ સંકેતોમાં કેટલું કહી જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આ શ્ર્લોક છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે, જ્યારે અજ્ઞાની કે મૂર્ખ બોલતા હોય ત્યારે જ્ઞાની અને સજ્જનોએ મૌન ધારણ કરવું જોઈએ. શા માટે? તેનો જવાબ અન્ય સુભાષિતમાં આપ્યો છે, કે પોપટ જેવા બહુ બોલકાં પક્ષીઓ તેમના શબ્દોને કારણે જાળમાં ફસાઈ જાય છે. પણ બતક ક્યારેય પકડાતું નથી કારણ કે તે કોઈ અવાજ નથી કરતું. મૌન રહીને કંઈપણ પ્રાપ્ત કરી શકાય છે. અહીંથી જ પેલી બહુ પ્રખ્યાત સંસ્કૃત ઉક્તિ આવી છે કે, મૌનં સર્વાર્થ સાધનમ!

વાણી એ તેજનો વિષય છે, તેજ પોતે જ સૂર્ય છે, અથવા જીવન પોતે જ છે. તેનો બગાડ ન કરવાથી, તેજનો જથ્થો એકઠો થાય છે અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. ઊર્જાનો નાશ કરતી ઇન્દ્રિયો તેમના નિયંત્રણ દ્વારા અપાર શક્તિ એકઠી કરે છે.

ગાંધારીએ આંખોમાંથી વહેતી ઊર્જાને નિયંત્રિત કરીને, પુત્ર દુર્યોધનના શરીરને વજ્રનું બનાવ્યું હતું એ આપણે જાણીએ જ છીએ. તેવી જ રીતે મૌનની ઉપાસના કરતા મુનિઓની વાણીમાં એ તાકાત આવે છે કે તેમની વાણી વરદાન પણ બની શકે અને શ્રાપ પણ બની શકે.

આપણા શાકારોએ છ સમયે મૌન રહેવાની સલાહ આપી છે. ‘ઉત્સર્ગે મૈથુને ચૈવ પ્રસ્રાવે દન્તધાવને, શ્રાદ્ધે ભોજનકાલે ચ ષટસુ મૌનમ સમાચરેત્’ અર્થાત શરીરના કોઈપણ પ્રકારની ગંદકી સાફ કરતી વખતે (આંખ, કાન, નાક, ગળા વગેરેની) સંભોગ વખતે, શૌચક્રિયા વખતે, દાંત સાફ કરતી વખતે, શ્રાદ્ધનું કાર્ય કરતી વખતે અને ભોજન સમય દરમ્યાન, આ છ સમયે મૌન રહેવું જોઈએ.

હા, પણ માત્ર ચૂપ રહેવું એ મૌનવ્રત નથી. મૌન પાળવાના ફાયદા છે, ફક્ત ચૂપ રહેવાના નહીં. મૌન પાળનાર મિતાહારી, બ્રહ્મચારી અને પ્રણવજાપી (ઓમકારનો જાપ કરનાર) હોવો જોઈએ. એવી રીતે જપ કરો કે તમે અર્ધમાત્રાનો (ઓમકારમાં અનુસ્વારના રૂપમાં અર્ધમાત્રા સદાશિવ છે એમ કહેવાય છે). અનુભવ કરો, જેથી નિર્વાણનો દૈવી માર્ગ તમારા માટે મોકળો થાય.

સૌથી ઉત્તમ મૌન કયું? તો તેનો જવાબ અધ્યાત્મમાં બહુ સરળ છે. મનનું મૌન સૌથી ઉત્તમ છે. મનમાં વિચારોનો શોર ચાલતો હોય તો ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થતી નથી, અને ધ્યાન વિના સમાધિ પ્રાપ્ત થતી નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button