…ને તેમની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી…

શિવ રહસ્ય – ભરત પટેલ
અસુરગુરુ શુક્રાચાર્ય પોતાના આશ્રમ પહોંચી દુર્ગમાસુરનું આવાહન કરે છે. છાકટો થયેલો દુર્ગમાસુર શુક્રાચાર્યનું આવાહન પર ધ્યાન આપતો નથી. છેલ્લે થાકી હારી શુક્રાચાર્ય દુર્ગમાસુર પાસે પહોંચે છે અને પૂછે છે કે, દુર્ગમાસુર…. શું તમને મારું આવાહન ન મળ્યું. ક્રોધિત દુર્ગમાસુર કહે છે, શુક્રાચાર્ય… એટલું યાદ રાખો કે હું તમારો દાસ નથી, તમારે ત્રિલોકવિજેતા અસુર સમ્રાટની પ્રતિભાનું સન્માન જાળવવું જોઈએ. તમારે ધ્યાન રાખવું જોઈએ કે, તમે અસુર સમ્રાટને આવાહન કઈ રીતે આપી શકો.
શુક્રાચાર્ય તેને સમજાવવાની કોશિશ કરતા કહે છે કે, દુર્ગમાસુર હું દૈત્યજાતિના ગુરુ હોવાના પ્રતાપે તમને આદેશ આપું છું કે ચારેય વેદને તુરંત મુક્ત કરો અન્યથા તમારો અંત નિશ્ર્ચિત છે. અહંકારી દુર્ગમાસુર શુક્રાચાર્યનું સાંભળતો નથી અને કહે છે, મૂર્ખ શુક્રાચાર્ય હું તને આદેશ આપું છું કે તુરંત શિવની આરાધના છોડ, મારી આરાધના કર, સમસ્ત સંસાર મારી આરાધના કરી સુખ ભોગવી રહ્યું છે, તું પણ મદિરાપાન કરી સુખ ભોગવ. કોઈ પણ વાત દુર્ગમાસુર માનતો ન હોવાથી કંટાળીને શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે.
સામે દેવતાઓનો પક્ષ દુર્ગમાસુરની સાથે યુદ્ધમાં પરાજિત થઈ સ્વર્ગલોકથી પલાયન થયા બાદ અહીંતહીં ભટકી રહ્યા હતા. દેવગુરુ બૃહસ્પતિ અને દેવર્ષિ નારદ ચર્ચામગ્ન હોય છે કે ત્યાં દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણો ત્યાં પધારે છે. દેવરાજ ઈન્દ્ર માફી માગતા કહે છે કે, ગુરુદેવ, મને ક્ષમા કરો, હું હંમેશાં તમારા આદેશનું અપમાન કરું છું. આવેલી વિપત્તિથી દેવતાઓને બહાર કાઢો. દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું, ‘દેવરાજ તમે દેવતા યોનિ ધરાવો છો, હું તમારો ગુરુ છું, તમને માર્ગદર્શન કરવાથી વિમુખ કઈ રીતે થઈ શકું.
પ્રથમ આપણે દેવર્ષિ નારદનાં મંતવ્યો સમજવા જોઈએ ત્યારબાદ જ દેવતાઓની રણનીતિ બનાવવી જોઈએ.’ દેવરાજ ઈન્દ્ર દેવર્ષિ નારદને કહે છે, ‘જ્યારે જયારે દેવતાઓ પર સંકટ આવી પડયું છે ત્યારે દેવર્ષિ નારદ તમે દેવતાઓને સહાય કરી છે, હવે ફરી માર્ગદર્શન આપો.’ ઉત્સાહી દેવર્ષિ નારદ દેવરાજ ઇન્દ્રને કહે છે, ‘દેવરાજ જ્યારે જ્યારે મોટા અસુરનો વધ થાય છે.
ત્યારબાદ તમને ફરી સ્વર્ગલોકનું સિંહાસન મળે છે અને સિંહાસન મળતાં જ તમે સંસાર કલ્યાણ અને આરાધનાનો માર્ગ ભૂલી સંગીતની મહેફિલમાં વિલુપ્ત થઈ જાઓ છો. એ સમયગાળામાં કોઈ નવો અસુર ફરી બળવાન થઈ જાય છે અને તમારે સ્વર્ગલોક ખોવું પડે છે. હવે સમય બચ્યો નથી આપણે ત્વરાએ કૈલાસ પહોંચવું જોઈએ.’
દેવરાજ ઈન્દ્ર: ‘દેવર્ષિ નારદનું માર્ગદર્શન હંમેશાં દેવતાઓ માટે પરમસિદ્ધકારી જ થયું છે, પણ કૈલાસ જઈએ ત્યારે આપણી સાથે વરદાન આપનારા બ્રહ્મદેવ પણ આપણી સાથે હોય તો વધુ હિતકારી રહે.’
દેવર્ષિ નારદ: ‘દેવરાજ ઈન્દ્ર તમારી ચતુરાઈની તોલે કોઈ નહીં આવી શકે, તમે યોગ્ય રજૂઆત કરી છે. આપણે પહેલાં પરમપિતા બ્રહ્માજી પાસે જવું જોઈએ અને તેમની સાથે જ કૈલાસ જવું યોગ્ય ગણાશે.’
દેવગુરુ બૃહસ્પતિ, દેવર્ષિ નારદ અને સમસ્ત દેવતાગણ સહિત દેવરાજ ઈન્દ્ર બ્રહ્મલોક પહોંચે છે અને માતા સરસ્વતી અને બ્રહ્માજીનો જયજયકાર કરે છે.
બ્રહ્માજી: ‘સમગ્ર દેવતાગણનું અહીં પધારવાનું પ્રયોજન મને ખબર છે. વધુ સમય ન વિતાવતા આપણે તુરંત કૈલાસ જવું જોઈએ.’
સમગ્ર દેવતાગણ કૈલાસ તરફ પ્રયાણ કરે છે. કૈલાસ પહોેંચતાં જ દેવગણો ભગવાન શિવનો જયજયકાર કરે છે.
ભગવાન શિવ: ‘આટલી મોટી સંખ્યામાં પધારેલા દેવગણોનું કૈલાસ ખાતે સ્વાગત છે.’
દેવર્ષિ નારદ: ‘ભગવાન સંસારમાં ક્યાંય ધર્મનું આચરણ દેખાતું નથી, ચારેય વેદ બંદી હોવાથી વરુણદેવ વર્ષા કરી શકતા નથી. સંસારમાંથી ફળ ફૂલ સમાપ્ત થઈ ગયા છે. સંસારવાસીઓની રક્ષા કાજે ચારેય વેદને મુક્ત કરવા અનિવાર્ય થઈ ગયા છે. તમે આ સંસારના સ્વામિ છો તમારે તેમની રક્ષા કરવી આવશ્યક છે.’
ભગવાન શિવ: ‘હું બ્રહ્મ વાક્યને ક્યારેય ખોટું નહીં પડવા દઉં. તમારે જગતજનની તમારી માતા શક્તિ એટલે પાર્વતીના શરણે જવું આવશ્યક છે તેઓ જ ચારેય વેદને મુક્ત કરાવી શકે.’
દેવર્ષિ નારદ: ‘પ્રભુ માતા તો હંમેશા તમારી પૂજા અર્ચનામાં જ અહીં વ્યસ્ત હોય છે. આજે ક્યાં વ્યસ્ત છે?’
ભગવાન શિવ: ‘હું તો તપમાં લીન હતો, તમે જ શોધી જુઓ તમારી માતાને.’
દેવગણો માતા પાર્વતીને કૈલાસ ખાતે શોધે છે. માતા ક્યાંય દેખાતા નથી. ગભરાયેલા દેવગણ ફરી ભગવાન શિવ પાસે આવે છે.
દેવરાજ ઈન્દ્ર: ‘બ્રહ્મદેવ ભગવાન શિવ તો ફરી તપમાં લીન થઈ ગયા, હવે માતા પાર્વતીને ક્યાં શોધવા.’
બ્રહ્માજી: ‘દેવગણો નાસીપાસ થવાની જરૂર નથી, પાર્વતી હિમાલયની હારમાળામાં તપ કરવા બેઠા છે. ચાલો ત્યાં જઈએ.’
બ્રહ્માજીની આજ્ઞા થતાં દેવર્ષિ નારદ સહિત સમસ્ત દેવગણ હિમાલયની હારમાળા ખાતે પહોંચે છે, તેઓ જુએ છે કે સામેના પર્વત પર માતા પાર્વતી તપમાં લીન છે. દેવગણો માતા પાર્વતીની આરાધના શરૂ કરે છે. ઘણો સમય વિતાવ્યા બાદ પણ માતા પાર્વતી તેમના તપમાંથી બહાર આવતાં નથી.
દેવર્ષિ નારદ: ‘રક્ષા કરો માતા રક્ષા કરો, ત્રાહિમામ્ માતા ત્રાહિમામ્.’
દેવર્ષિ નારદના સ્વરમાં રક્ષા કરો માતા રક્ષા કરો સ્વર સંભળાતા માતા પાર્વતીનું તપ ખંડિત થાય છે.
દેવરાજ ઈન્દ્ર: ‘દુર્ગમાસુરનો આતંક સમસ્ત દેવગણ અને સંસારવાસીઓ માટે અસહ્ય છે, દુર્ગમાસુરે ચારેય વેદને બંદી બનાવતાં સંસાર ચક્ર સ્થગિત થઈ ગયું છે માતા, સમસ્ત પૃથ્વીવાસીઓ જળ અને ફળ માટે તલસી રહ્યા છે.’
દેવરાજ ઇન્દ્રની વાત સાંભળતાં માતા પાર્વતીએ પોતાની નજર સંસારવાસીઓ પર પાડી, તેમના હૃદયમાં માતૃવાત્સલ્યતા જાગી આવી.
જગતજનની માતા પાર્વતીના હૃદયમાંથી એક ચારહાથવાળી એક દેવી કમળ, બાણ, ધનુષ્ય અને ફળ-ફૂલ લઈને પ્રગટ થઈ. આ કરુણામયી જગતજનની પ્રગટેલી માતા શક્તિ સંસારવાસીઓનું દુ:ખ જોઈ ન શકતાં તેઓના નયન અશ્રુભીના થઈ ગયા અને તેમની આંખોમાંથી અસંખ્ય અશ્રુઓની ધારાઓ વહેવા લાગી. એ અશ્રુઓની ધારાઓ એટલી ગતિમય હતી કે સમસ્ત સંસારમાં નદીઓનાં નીર તરીકે વહેવા માંડી, સમસ્ત સંસાર પાણીમય થઈ ગયું. માતાના ચોથા હાથમાં ફળ-ફૂલ હતા એ ત્યાંથી અદૃશ્ય થતાં જ સંસારના દરેક છોડ, લતાઓ અને વૃક્ષો ફળ-ફૂલ મય બની ગયાં. સમસ્ત દેવગણ હર્ષ અનુભવી રહી હતી.
દેવર્ષિ નારદ: ‘જગતજનની, સંસાર રક્ષિણી, કરુણામયી માતા શાકંભરીની જય હો.’
દેવર્ષિ નારદ સહિત સમસ્ત દેવગણ માતા શાકંભરીનો જયજયકાર કરવા લાગ્યા.
(ક્રમશ:)
વાચકોની જાણ ખાતર જણાવીએ છીએ કે ગઈકાલ એટલે પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી શાકંભરી નવરાત્રી ચાલી રહી છે. પોષ સુદ આઠમને દિવસે માતા શાકંભરી પ્રગટ થઈ સંસારને જળ અને ફળ-ફૂલ આપી સંસારના જીવોની રક્ષા કરેલી. આઠમથી પૂનમ સુધી દુર્ગમાસુર સાથે થયેલા યુદ્ધમાં પોષ સુદ પૂનમને દિવસે દુર્ગમાસુરનો વધ કરી સમસ્ત સંસારને તેના આતંકથી મુક્ત કર્યાં હતા.



