ધર્મતેજ

મનનઃ પ્રકાશ- પ્રકાશક- પ્રકાશિત…

હેમંત વાળા

પ્રકાશ એટલે જેના વડે પ્રકાશિત થાય છે તે તેજ. પ્રકાશક એટલે તેજની ઉત્પત્તિનું કારણ અને પ્રકાશિત એટલે તેજને કારણે જે નજરે પડે તે પરિસ્થિતિ. પ્રકાશિત જગત છે, પ્રકાશક ઈશ્વર છે અને પ્રકાશ એટલે જગત અને ઈશ્વરનું સંધાન.

ભૌતિક વિશ્વના સંદર્ભમાં પ્રકાશ એટલે જેને કારણે પરિસ્થિતિ જોઈ શકાય છે. આ પ્રકાશનું ઉદ્ભવ સ્થાન સૂર્ય, દીવો, વીજળી કે એવાં અન્ય સ્ત્રોત હોઈ શકે. ભૌતિકતાના સંદર્ભમાં પ્રકાશક એટલે ચોક્કસ પ્રકારની રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા જેના અંતે પ્રકાશ ઉદ્ભવે. પ્રકાશક એ ઉપકરણ કે પદાર્થ પણ હોઈ શકે.

સામાન્ય સમજ પ્રમાણે પ્રકાશિત એટલે જેના પર પ્રકાશ પડે છે, જેને પરિણામે પ્રકાશિતના ચોક્કસ પ્રકારના ગુણધર્મો પ્રકાશિત થાય. પ્રકાશ જે પરિસ્થિતિ-પદાર્થ પરથી પરાવર્તિત થઈને પરત થાય તે પરિસ્થિતિ-પદાર્થ પ્રકાશિત છે એમ કહેવાય. સૂર્યનાં કિરણો પૃથ્વી પર પડીને પરાવર્તિત થાય ત્યારે પૃથ્વી પ્રકાશિત થઈ તેમ કહેવાય. પ્રકાશિત થયેલી પરિસ્થિતિ ચમકે.

આધ્યાત્મિકતાના સંદર્ભમાં પ્રકાશ શબ્દ જ્ઞાન ચેતના, જાગૃતિ, સત્ય જેવા સંકેત માટે વપરાય છે. આ બધાં પરિમાણો દ્વારા વાસ્તવિકતાની પ્રતીતિ થાય. આધ્યાત્મિક અને ચિંતનાત્મક અર્થમાં પ્રકાશક એટલે એવી વ્યક્તિ કે બાબત કે જે અજ્ઞાનના અંધકારમાં જ્ઞાનનું પ્રકાશ પ્રસરાવે, ચૈતન્યની અનુભૂતિ કરાવે, જાગૃતિ માટેનું નિમિત્ત બને, સત્ય તરફ નિર્દેશન કરે. આ પ્રકારની ક્ષમતા ગુમાં હોય, સંત-મહાત્મામાં હોય કે ઈશ્વર-કૃપા તરીકે હોય.

આધ્યાત્મિક અર્થમાં પ્રકાશિત એટલે જ્ઞાન, ચેતના, જાગૃતિ, સત્ય જેવા ભાવની પ્રાપ્તિ બાદની પરિસ્થિતિ. અમુક સારાં વિધાન, સારાં પુસ્તક કે સારાં ઉદાહરણ થકી પણ જીવન પ્રકાશિત થઈ શકે. માનવ ઇતિહાસમાં ગીતા થકી ઘણાનાં જીવન પ્રકાશિત થઈ ચૂક્યાં હશે. કોઈપણ સાત્ત્વિક કારણથી મનોમય અંધકાર તથા અજ્ઞાન દૂર થાય ત્યારે પ્રકાશિત પરિસ્થિતિ અસ્તિત્વમાં આવે.

શું હકીકત છે અને શું મિથ્યા છે, અસત્યનું સ્વરૂપ શું છે અને સત્યની વાસ્તવિકતા કઈ છે, શું માયા છે અને શું પ્રમાણિત પરિસ્થિતિ છે, પ્રપંચનું શું પરિણામ છે અને પ્રપંચમાંથી મુક્તિ મળતાં શેની પ્રતીતિ થાય – પ્રકાશકની કૃપાથી આ બધી બાબતોનું સ્વરૂપ ખબર પડે. આનાથી સૃષ્ટિમાં પ્રવર્તમાન સમીકરણો જાણમાં આવે. આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રકાશકનું ખૂબ મહત્ત્વ છે.

પ્રકાશક સમજ આપે, માર્ગદર્શન આપે, પ્રેરણા આપે તથા પ્રવાસમાં રક્ષણ કરે. પ્રકાશક પોતાના આધ્યાત્મિક જ્ઞાન અને અનુભવથી અન્યના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કરે. જેણે આત્માનુભૂતિ કરી હોય, જે સાત્ત્વિક પ્રેમથી તન્મય હોય અને જે કણાસભર હોય તે જ પ્રકાશકની ભૂમિકામાં આવી શકે. જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર જ્ઞાની હોય, ધર્મનો પ્રકાશ ફેલાવનાર ધાર્મિક હોય, આધ્યાત્મનો પ્રકાશ ફેલાવનાર આધ્યાત્મિક હોય. ચેતના રૂપી પ્રકાશની જાગ્રત કરનાર પૂર્ણ-ચૈતન્ય સ્વરૂપ હોય.

આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં પ્રકાશિત શબ્દનો અર્થ છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, ચેતનાનું ઉન્નતિ પામવું અથવા દૈવિક પ્રકાશ દ્વારા જીવનના સત્યને ઓળખવું. આ શબ્દનો ઉપયોગ વિવિધ ધર્મો અને તત્ત્વજ્ઞાનમાં ખૂબ થાય છે. જ્યારે વ્યક્તિ પોતાના અંદર ઘર કરી ગયેલાં ઈર્ષા, ક્રોધ, લોભ, મોહ જેવાં અંધકારના પ્રતીક સમાન ભાવને દૂર કરી સત્ય, કણા, સાત્ત્વિકતા, ધાર્મિકતા અને શાંતિને પ્રાપ્ત થાય, તે તરફ આગળ વધે છે, ત્યારે તેને પ્રકાશિત છે તેમ કહેવાય.

જ્યારે વ્યક્તિ બ્રહ્માંડના સત્યને પોતાના અંતરમનમાં અનુભવે છે અને આ વિશેના પરમ જ્ઞાન દ્વારા તે બધાંને એકરૂપ માનવા લાગે, જ્યારે બધામાં જ બ્રહ્મના દર્શન કરે, જ્યારે દરેક પ્રકારના દ્વંદ્વથી મુક્ત થાય, જ્યારે નિષ્પક્ષતા, તટસ્થતા, સ્થિતપ્રજ્ઞતા અને સાક્ષીભાવ ધારણ કરે ત્યારે તે પ્રકાશિત છે તેમ કહેવાય. આ પ્રમાણે પ્રકાશિત થવું એટલે જીવન ચક્રથી મુક્તિની તૈયારી અથવા મુક્તિ પ્રાપ્ત કરી લેવી.

પ્રકાશિત થવા માટે મનને શાંત કરી પરમ સાથે જોડાવા માટે ધ્યાન ધરી શકાય, કોઈ જ્ઞાનીના માર્ગદર્શન હેઠળ સૃષ્ટિના સત્ય જાણવાનો પ્રયત્ન કરી તે દિશામાં નિષ્ઠા દર્શાવી શકાય, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ જાણી સૃષ્ટિનાં સમીકરણો સમજી પોતાના જીવનને યથાર્થ કરી શકાય, સેવાભાવ, પ્રેમ અને કણાથી યુક્ત થઈ નૈષ્કર્મ્ય ભાવ થકી કર્મ કરતાં કરતાં નિર્વાણ પામી શકાય, અથવા તો શાસ્ત્રમાં દર્શાવાયેલ કોઈપણ માર્ગ દ્વારા પૂર્ણતાને પામી શકાય.

સૃષ્ટિમાં દ્રશ્ય છે દર્શન છે અને દ્રષ્ટા છે. આ રૂપકને જો સમજવામાં આવે તો એમ કહી શકાય કે દ્રશ્ય એટલે પ્રકાશિત, દર્શન એટલે પ્રકાશ અને દ્રષ્ટા એટલે પ્રકાશક. પ્રકાશિત એ બાહ્ય સ્થિતિ છે, પ્રકાશક એ આંતરિક સ્થિતિ છે જ્યારે પ્રકાશ એ આ બંનેનું સંધાન છે. આ પરિપ્રેક્ષ્યમાં પ્રકાશક એટલે આત્મા, ચૈતન્ય, વ્યક્તિમાં સ્થિત પુષ, અને અમુક સંદર્ભમાં જીવ. પ્રકાશ એટલે એ પરિસ્થિતિ એ જેને કારણે સૃષ્ટિ તેના કોઈ એક સ્વરૂપે ભાસમાન થાય છે. પ્રકાશિત એટલે સૃષ્ટિ.

પ્રકાશિત ત્યારે જ પ્રકાશિત થઈ શકે કે જ્યારે પ્રકાશક કિરણો ઉત્સર્જિત કરે. પ્રકાશિત ત્યારે જ પ્રકાશિત થઈ શકે કે જ્યારે તેનાથી પરાવર્તિત થયેલાં કિરણોને ચોક્કસ માળખામાં ફેલાવવામાં આવે. પ્રકાશિત પરિસ્થિતિની પ્રતીતિ ત્યારે જ થાય જ્યારે એ ફેલાયેલાં કિરણો જે તે ગ્રાહક દ્વારા ગ્રહણ થાય. પ્રકાશક ત્યારે જ કિરણો ઉત્સર્જિત કરે કે જ્યારે તે પ્રમાણે કરવા માટે તેને પ્રેરણા થાય. પ્રકાશક પાસે કિરણોને ઉત્સર્જિત કરવાની ક્ષમતા તો હોય છે જ પરંતુ ઘણીવાર આ માટેના ઇચ્છનીય સંજોગો ન પણ હોય.

પ્રલય બાદ પણ ઈશ્વર પાસે પ્રકાશિત થવાની ક્ષમતા હોય છે, પરંતુ જ્યાં સુધી સર્જનનો કાળ સ્થાપિત ન થાય ત્યાં સુધી તે પ્રકાશ એકત્ર અને સંયમિત રહે છે. પ્રકાશની અનુભૂતિ ત્યારે જ શક્ય બને કે જ્યારે પ્રકાશક અને પ્રકાશિત વચ્ચે ચોક્કસ પ્રકારનું સમીકરણ સ્થાપિત થયું. પ્રકાશ ત્યારે જ અસ્તિત્વમાં આવી જ્યારે પ્રકાશકની જે તે સ્થિતિ સંભવિત પ્રકાશિત માટે અનુકૂળ હોય. ઈશ્વર પ્રકાશક છે, સૃષ્ટિ પ્રકાશિત છે અને જીવાત્માનો સ્વભાવ એ પ્રકાશ છે. પરમ પદની અંતિમ સ્થિતિમાં પ્રકાશક, પ્રકાશિત અને પ્રકાશ ત્રણે એકત્વને પામે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button