ગુરુદેવ એટલે ગુરુદેવ…

મનન – હેમંત વાળા
જેની માટે બીજો કોઈ શબ્દ શોધાયો જ નથી, ગુરુદેવ એટલે ગુરુદેવ. જેમની કણાની સમકક્ષ અન્ય કોઈની પણ કણા આવી ન શકે, કારણકે ગુરુદેવ એટલે ગુરુદેવ. શિષ્ય પર કૃપા કરવાની જેમની ક્ષમતા અને તત્પરતાની તોલે કોઈ ન આવી શકે, શિષ્યની પ્રકૃતિ તથા રુચિને અનુરૂપ માર્ગદર્શન કરવા અન્ય કોઈ એ માત્રામાં સંવેદનશીલ ન હોય, મુશ્કેલીઓનું પણ સર્જન કરીને જેઓ શિષ્યનો માર્ગ સરળ કરવા સક્ષમ હોય, જે સહજતામાં પણ શિષ્યને અંતિમ મુકામે પહોંચાડવા કાર્યરત હોય, શિષ્ય સાથે વાર્તાલાપમાં જે ક્યારેક શબ્દોનો ઉપયોગ કરતા હોય તો ક્યારેક મૌન દ્વારા સંવાદ સ્થાપિત કરતા હોય, સહજ વાતમાં જે શિષ્ય સમક્ષ સૃષ્ટિના સમીકરણો છતા કરી દેતા હોય, જેમના આંખના એક પલકારાથી શિષ્યની સમગ્ર ચેતના જાગ્રત થઈ જતી હોય, તે ગુરુદેવ એટલે ગુરુદેવ.
જેમની હાજરીમાં મન સંપૂર્ણ નિયંત્રણમાં રહેતું હોય, ઇન્દ્રિયો શાંત થઈ જતી હોય, બુદ્ધિ નિર્વિકલ્પતાને પામતી હોય, ચિત્ત બધા જ પ્રકારના સંસ્કારથી અને ધારણાઓથી મુક્ત થઈ જતું હોય, અસ્તિત્વમાં માત્ર આધ્યાત્મિકતાના તરંગો જ પ્રવાહિત રહેતા હોય, સૃષ્ટિના નિયમો માટે એક અનેરો વિશ્વાસ ઊભો થતો હોય, ઈશ્વરની ન્યાય પ્રણાલીમાં અપાર શ્રદ્ધા જાગ્રત થતી હોય, અનાયાસે પણ મુક્તિ માટેની ભાવના પ્રબળ થતી હોય, બધી જ ઇચ્છાઓ – કામનાઓ નાશ પામતી હોય, તે ગુરુદેવ એટલે ગુરુદેવ.
જે ઈશ્વરના સાકાર સ્વરૂપ રૂપે હોય, સાક્ષીભાવની ચરમ સ્થિતિ સમાન હોય, ઈશ્વર તથા તેના ઐશ્વર્યનું પ્રતિનિધિત્વ કરતાં હોય, સત્યના આગ્રહી હોય, આધ્યાત્મિકતાના પર્યાય સમાન હોય, બધા જ ગુણોથી પર – ગુણાતીત હોય, જેમણે હંમેશાં તટસ્થતા, સમાનતા તથા સ્થિતપ્રજ્ઞતા ધારણ કરેલી હોય, જેમને પ્રવૃત્તિ કે નિવૃત્તિ, કર્મતા કે અકર્મતા, રાગ કે દ્વેષ – કોઈપણ વિરોધી જણાતી બાબત માટે ચિ ન હોય, કોઈપણ પ્રકારની જેમને સંલગ્નતા ન હોય, જેમનું અસ્તિત્વ હંમેશાં સાક્ષીભાવે પ્રવર્તમાન હોય તે ગુરુદેવ એટલે ગુરુદેવ.
ગુરુદેવ પ્રત્યે જો તે પ્રકારની દ્રષ્ટિ ન હોય તો સામાન્ય માનવી તરીકે જ જણાય. ગુરુદેવ માટે સમર્પણની ભાવના ન હોય તો તેમની દિવ્યતા ધ્યાનમાં ન આવે. ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમ ન હોય તો તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપને તેઓ છતુ ન કરે. ચિત્ત શુદ્ધ ન હોય તો ગુરુદેવ સત્ય ઢંકાયેલું રાખે. મનમાં જો હજી પૂર્વગ્રહ હોય, મનમાં જો હજી આંટી વળેલી હોય તો ગુરુદેવની કૃપા માટે તે આંટી છૂટે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી પડે. જેમનો વ્યવહાર સામાન્ય માનવી જેવો હોય છતાં પણ જેઓ સામાન્ય માનવી ન હોય, તે ગુરુદેવ એટલે ગુરુદેવ.
ક્યારેક માંગવાથી કશું ન આપે અને માંગ્યા વગર બધું લૂંટાવી દે, ક્યારેક જીવન મુશ્કેલ બનાવી દે અને ક્યારેક બધી મુશ્કેલીઓમાંથી બહાર કાઢે, વિરહમાં ક્યારેય રડાવી દે તો વિરહમાં જ ક્યારેક હર્ષાશ્રુ વહાવી દે, ક્યારેક કઠોર બને અને ક્યારેક મૃદુતા – ઉદારતાની સીમા પણ પાર કરી દે, ક્યારેક ઈશ્વર બની જાય તો ક્યારેક મિત્ર તો ક્યારેક માવતર તો ક્યારેક સંતાન, ક્યારેક નિરાશામાં ધકેલી દે તો ક્યારેક અકલ્પનીય આશા પ્રગટાવે, ક્યારેક એક અગરબત્તી કે ફૂલની પાંખડીથી રીઝી જાય તો ક્યારેક સંપૂર્ણ ન્યોછાવરતાની અપેક્ષા રાખે, ગુરુદેવનું મહાત્મ્ય નિરાળું છે અને એટલે જ ગુરુદેવ એટલે ગુરુદેવ.
ક્યારેક એક જ્યોતિમાં પ્રતીત થાય તો ક્યારેક અંધકારમાં પણ તેમનો વ્યાપ અનુભવાય, ક્યારેક મૌનમાં તેમની વાણી સંભળાય તો ક્યારેક શબ્દો થકી એમનો સંદેશો વ્યક્ત થાય, ક્યારેક સામાન્ય માનવી જેવો તેમનો વ્યવહાર જણાય તો ક્યારેક તેમના વ્યવહારમાં સૃષ્ટિના સમીકરણો પ્રતીકાત્મક બને, ખુલ્લી આંખે જેમનું સાકાર સ્વરૂપ પ્રત્યક્ષ થાય અને બંધ આંખે આ સાકારતા ક્રમશ: નિરાકારતામાં પરિણમે, મન થકી જેમને સમજી ન શકાય પરંતુ ભાવનાથી જેમને ઓળખી શકાય, જ્યાં તર્કબદ્ધ વિચારો પહોંચી ન શકે ત્યાં તેમના પ્રત્યેનો પ્રેમ બધા જ રહસ્યો છતા કરી દે, તે ગુરુદેવ એટલે ગુરુદેવ. તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ.
તેમનું સત્ય પામવા માટે સત્યનિષ્ઠ બનવું પડે. તેમની આધ્યાત્મિકતા અનુભવવા માટે આધ્યાત્મિકતા ધારણ કરવી પડે. તેમનું સ્વરૂપ સમજવા માટે સ્વયંના સ્વરૂપનો નાશ કરવો પડે. તેમની બ્રહ્મતા સમજવા માટે બ્રહ્માસ્મિની સ્થિતિએ પહોંચવું પડે. તેમની દિવ્યતા અનુભવવા તે પ્રકારની લાયકાત કેળવવી પડે. તેમના વાસ્તવિક અસ્તિત્વ પર રહેલ પડદાને દૂર કરવા માટે તેમની જ મંજૂરી હોવી જોઈએ. ગુરુદેવનું અસ્તિત્વ ગૂઢ છે, તેમનો વ્યવહાર તેનાથી પણ વધુ ગૂઢ છે, છતાં તેમની કૃપાના માપદંડ સમજમાં આવે તેવા સરળ અને સંભવિત છે. ગુદેવની પ્રત્યેક વાત વિશેષ છે અને સામાન્ય પણ છે, એટલે તો ગુરુદેવ એટલે ગુરુદેવ.
શ્રીરામ તથા શ્રીકૃષ્ણ જેવાએ પણ જેમને પ્રણામ કર્યા છે, ગંગાસતીની ભાષામાં કહીએ તો બ્રહ્માદિક પણ જેમને પાય લાગે છે, જેમના ચરણોની રજમાં પણ આલોક-પરલોકનું સામર્થ્ય રહેલું છે, જેમની દ્રષ્ટિમાં અપાર કરુણા સદાય વર્તાતી હોય છે, જેમનો પ્રત્યેક શ્વાસ વિશ્વ-કલ્યાણ માટે હોય છે, જેમની પ્રત્યેક ક્ષણ આધ્યાત્મિકતા અને સાત્વિકતાથી છલકતી હોય છે અને જે પ્રત્યેક ક્ષણે પરમ ચૈતન્ય સાથે જોડાયેલા હોય છે, તે ગુરુદેવ એટલે ગુરુદેવ.
ગુરુદેવ એટલે વિશ્વનું સૌથી પ્રેમાળ, સૌથી વધુ કરુણાસભર, સૌથી વધુ સામર્થ્યવાન, સૌથી દિવ્ય, સૌથી આધ્યાત્મિક, સૌથી વધુ પવિત્ર અને પુણ્યશાળી, સૌથી વધુ સાત્વિક, અક્ષય તથા અખંડના પર્યાય સમું, સૌથી વધુ બ્રહ્મિક, ઈશ્વરના પ્રતિનિધિ સમાન, ભક્ત-વત્સલ, નિરાધારના આધાર અને નિરાશની એકમાત્ર આશા સમાન અસ્તિત્વ. ગુરુદેવ એટલે ગુરુદેવ.
આટલું બધું કહ્યા પછી પણ એ કહેવું જ પડે કે ગુરુદેવનું યથાર્થ નિરૂપણ ક્યારેય સંભવ ન હોય. સ્વયમ્ મા શારદા અનંતકાળ સુધી, કલ્પવૃક્ષની ડાળીઓની કલમ બનાવીને, સમુદ્ર જેટલી શ્યાહીથી, વિશાળ પૃથ્વીને કાગળ ગણી ગુરુદેવના ગુણનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કરે તો પણ એમાં અસંખ્ય બાબતો શેષ રહી જાય. ગુરુદેવનો મહિમા ક્યારેય પામી ન શકાય. ગુરુદેવનું નિરૂપણ એક જ રીતે શક્ય બની શકે, અને તે છે, ગુદેવ એટલે ગુદેવ.
આપણ વાંચો : મનન: શરીર: મંદિર કે જેલ કે પછી…