વાનરોના મંદિર તરીકે વિખ્યાત એક ઐતિહાસિક મંદિર!
ધર્મતેજ

વાનરોના મંદિર તરીકે વિખ્યાત એક ઐતિહાસિક મંદિર!

ફોકસ – કવિતા યાજ્ઞિક

રાજસ્થાન પ્રવાસીઓનાં પ્રિય પ્રવાસન રાજ્યોમાંથી એક છે. ત્યાંના ઐતિહાસિક કિલ્લાઓ, ત્યાંની સમૃદ્ધ સંસ્કૃતિ, સંગીત અને નૃત્ય, ત્યાંનું ભોજન, આ બધુજ પ્રવાસીઓને આકર્ષે છે.

સાથે સાથે, રાજસ્થાન ત્યાંના અદભુત હિન્દુ અને જૈન મંદિરો માટે પણ પ્રખ્યાત છે. રાજસ્થાનનું પાટનગર જયપુર પણ આકર્ષક મંદિરોનું કેન્દ્ર છે. તેમાં એક અદ્ભુત અને ઐતિહાસિક મંદિર છે, ગલતાજી. ચાલો, જાણીએ આ મંદિર વિશે.

ગલતાજી મંદિર એક ખૂબ જ પ્રખ્યાત અને પ્રાચીન પ્રાગૈતિહાસિક હિન્દુ તીર્થસ્થાન છે. તે રાજસ્થાન રાજ્યમાં, ગુલાબી શહેર, જયપુરથી લગભગ 10 કિમી દૂર આવેલું છે. અરવલ્લીની ટેકરીઓ વચ્ચે સ્થિત, મંદિરો, મંડપ અને પવિત્ર તળાવો સાથેનો લીલોછમ લેન્ડસ્કેપ તેને એક મનોહર સ્થળ બનાવે છે.

આ સ્થળે ફક્ત એક જ મંદિર નથી, પરંતુ મંદિરોની શ્રેણી છે, જે સુંદર જયપુર શહેરની આસપાસ ટેકરીઓ ફરતે એક રિગના રૂપમાં બાંધવામાં આવ્યા છે. નજીકમાં આવેલા કુદરતી પાણીના ઝરણા અને ધોધના પ્રવાહો અહીં સાત પવિત્ર કુંડોની રચના કરે છે. વિશેષતા એ છે કે, ગલતાજીનાં મંદિરોની રચના મંદિરોના વાસ્તુ જેવી નથી, પણ રાજસ્થાની રાજા-મહારાજાઓના મહેલ જેવી છે.

આંતરિક સ્થાપત્ય અને બારીક કોતરણી તેને અદ્ભુત બનાવે છે. મંદિરની બધી ઇમારતોમાં ગોળ છત અને નકશીદાર થાંભલાઓ છે. આ મંદિર કલાત્મક વાસ્તુના રસિકો અને ભક્તો, બંનેને સમાન રૂપે આકર્ષે તેમ છે. મંદિર પરિસરની વિશાળતા અને ભવ્યતા, રાજસ્થાનની રાજવી પરંપરાને શોભે તેવી જ છે.

રાજસ્થાનના વાસ્તુની બીજી એક ખાસિયત છે કે ત્યાં મહેલો કે મંદિરો બનાવવા પહાડોને સંપૂર્ણ તોડીને સમથળ મેદાન બનાવાતું નથી, પણ પહાડોના ઢાળનો પણ પાયા તરીકે ઉપયોગ કરીને તેના ઉપર ઇમારત ચણવામાં આવે છે. અહીં ભગવાન રામ, ભગવાન હનુમાન અને ભગવાન કૃષ્ણનાં મંદિરો, ઉપરાંત સૂર્ય મંદિર પણ છે.

સાત કુંડોમાં સૌથી પવિત્ર ગલતા કુંડ ગણાય છે અને એવું માનવામાં આવે છે કે તેનું પાણી ક્યારેય સુકાતું નથી. ગાયના મુખ જેવો આકાર ધરાવતા `ગૌમુખ’ આકારમાંથી કુંડમાં સ્વચ્છ અને શુદ્ધ પાણી સતત વહેતું રહે છે.

આ મંદિર 16મી સદીમાં દીવાન રાવ કૃપારામ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે રાજપૂત શાસક સવાઈ જયસિંહના સલાહકાર પણ હતા. રાજસ્થાન આમ તો મભૂમિ છે. એવું માનવામાં આવે છે કે ગાલવ નામના સંત અહીં રહેતા હતા, ધ્યાન અને તપસ્યા કરતા હતા.

સંત ગાલવે ત્યાં 100 વર્ષ તપશ્ચર્યા કરી હોવાનું કહેવાય છે. તેના ફળ સ્વરૂપ ભગવાને પ્રસન્ન થઈને એ સ્થાનમાં ક્યારેય ન સુકાય તેવા કુદરતી જળ સ્ત્રોતનું વરદાન આપ્યું એમ મનાય છે. આ મહાન સંતની યાદમાં આ મંદિરનું નિર્માણ થયું. અને સંત ગાલવના નામના અપભ્રંશથી ગલતા થયું.

કારણકે અહીંયા સેંકડો નહીં, પણ હજારો વાનરો રહે છે. તમે આ પરિસરની મુલાકાત લેવા માટે પ્રવેશ કરો ત્યારે જ એટલા બધા વાનરો જોવા મળે કે થોડી ક્ષણો માટે તમે ડઘાઈ જાઓ. ભય પણ લાગે કે ક્યાંક આ વાંદરાઓ આપણને નુકસાન ન પહોંચાડે કે કોઈ વસ્તુઓ છીનવી ન લે.

પણ આટલી બહોળી સંખ્યામાં વાનરો હોવા છતાં, તેઓ ક્યારેય કોને નુકસાન પહોંચાડતા નથી. તમે તેમને ખાવા આપો તો તમારા હાથમાંથી આવીને લઇ જાય છે. સ્થાનિકો તો ત્યાં સુધી કહે છે કે આસપાસની અરવલ્લીની પહાડીઓમાં લાખો વાનરો છે. ખરેખર જોઈને આશ્ચર્ય થાય અને પ્રશ્ન પણ થાય કે આટલી મોટી સંખ્યામાં વાનરો ક્યાં રહેતા હશે?!

તેથી આ મંદિરને વાનરોના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કહે છે કે સંત ગાલવના આશીર્વાદ આ વાનરો પર છે, અને આ તેમનું આશ્રયસ્થાન છે. બીજી એક વિશેષતાએ છે કે, ગોસ્વામી તુલસીદાસજી શ્રી ગલતાજીમાં 3 વર્ષ રોકાણ કર્યું હતું અને એ દરમિયાન શ્રી રામચરિતમાનસનો અયોધ્યાકાંડ લખ્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button