ફોકસ પ્લસઃ મહર્ષિ વાલ્મીકિ: જીવન રૂપાંતરની પ્રેરણા આપનાર...
ધર્મતેજ

ફોકસ પ્લસઃ મહર્ષિ વાલ્મીકિ: જીવન રૂપાંતરની પ્રેરણા આપનાર…

આર. સી. શર્મા

વિયોગી હોગા પહલા કવિ
આહ સે ઉપજા હોગા ગાન
નિકલકર આંખો સે ચુપચાપ
બહિ હોગી કવિતા અનજાન

સુમિત્રાનંદન પંતની આ પક્તિઓ આદિકવિ મહર્ષિ વાલ્મીકિના પ્રેરક વ્યક્તિત્વની યાદ અપાવે છે. આદિકવિ મહર્ષિ વાલ્મીકિ જીવન રૂપાંતર માટે એક એવું ઉદાહરણ છે જે હર કોઈ પોતાની ક્ષમતા પ્રમાણે જીવનમાં આગળ વધી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલા તેમનું નામ રત્નાકર હતું અને તેઓ એક ભયાનક ડાકુ હતા. પરંતુ એક દિવસ દિવ્ય પ્રેરણા અનુસાર તેમણે ઈશ્વરની તપસ્યા કરવાનો કઠિન માર્ગ અપનાવ્યો અને પોતાના જીવાનને સંપૂર્ણ રીતે બદલી નાખ્યું. તેમનો આ બદલાવ આખી દુનિયા માટે પ્રેરણા દાયક હતો. મનુષ્ય પોતાનાં કર્મો અને દ્રઢ માન્યતાને આધારે પોતાનામાં એક ચોક્કસ બદલાવ લાવી જ શકે છે.

રામાયણના રચયિતા અને સંસ્કૃત સાહિત્યના આદિકવિ વાલ્મીકિ એ મહારથી છે જેમણે, હિંદુ ધર્મ અને સંસ્કૃતિને કર્તવ્ય, નૈતિકતા, અનુશાસન અને આદર્શની શિક્ષા આપી છે. તેમના જન્મદિવસ અથવા તો પ્રકટ્યા દિવસનો મહિમા ધાર્મિકતા સાથે સામાજિક મહત્ત્વ પણ ધરાવે છે. મહર્ષિ વાલ્મીકિની એક જ વાત યાદ આવે કે, કોઈ વ્યક્તિ જો દ્રઢ નિશ્ચય કરી લે તો તેનું આખું જીવન બદલી શકે છે. તેમની જાતિ કે પૃષ્ઠભૂમિ કોઇપણ હોય. મહર્ષિ વાલ્મિકીના જીવનની આ પ્રેરણાનું મહત્ત્વ સૌથી વધારે છે.

આજ કારણોથી દર વર્ષે મહર્ષિ વાલ્મીકિ જયંતી દેશના ઘણાખરા ભાગમાં ખૂબ જ ધામધૂમથી મનાવે છે. પંચાંગ અનુસાર આશ્વિન પૂર્ણિમાના દિવસે મહર્ષિ વાલ્મીકિ જયંતીને અનુરૂપ પૂજા, પાઠ તેમજ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિ જયંતી સમાજમાં ભાઈચારો, સહઅસ્તિત્વ અને સામાજિક ન્યાયની ભાવનાને પ્રોત્સાહિત કરે છે.

આ અવસર પર વાલ્મીકિ મંદિરોમાં રામાયણનો પાઠ, સ્તુતિ ગીત, ભજન, ધ્યાન અને પૂજા અનુષ્ઠાનના માધ્યમ દ્વારા મહર્ષિ વાલ્મીકિને યાદ કરવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓને આધારિત જયારે ભગવાન રામે સીતાજીને વનવાસ મોકલી આપ્યા હતા ત્યારે સીતાજી મહર્ષિ વાલ્મીકિના આશ્રમમાં રહી હતી અને લવ અને કુશને શિક્ષિત વાલ્મીકિએ જ કર્યા. તેથી આ જ કારણે આજે પણ વાલ્મીકિ આશ્રમોનું સામાજિક મહત્ત્વ વધારે છે.

મહર્ષિ વાલ્મીકિ પાસેથી એ શીખવાનું કે, કોઈ પણ વ્યક્તિ જો દ્રઢ નિશ્ચય અને અથાગ પ્રયત્ન કરી સકારાત્મક બદલાવ કરવા માગે તો તે કરી શકે છે. ભારતમાં વાલ્મીકિ સમુદાય ખાસ કરીને પંજાબ, હરિયાણા, કર્ણાટક, અને ઉત્તર પ્રદેશમાં હોય છે. તેથી જ આ શહેરોમાં વાલ્મીકિ જયંતીને અનુરૂપ ઘણા કાર્યક્રમો થાય છે.

વાલ્મીકિ સમુદાયની ધાર્મિક, આધ્યાત્મિક ઓળખને વ્યક્ત કરવા માટે વાલ્મીકિ જયંતી સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આનાથી સામાજિક સમરસતા વધે છે અને વિવિધ પ્રકારના સંસ્કૃતિક કાર્યક્રમોથી સાર્વજનિક જીવન પ્રેરિત થાય છે. આ દિવસે મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે અને મંદિરોને ફૂલો, દીવા અને રંગોળીથી સુશોભિત કરવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિની આરતી પૂરી થાય છે અને તેમની સ્તુતિના ગીત ગવાય છે. આ દિવસે રામાયણનો પાઠ અને ભજન તેમ જ કીર્તન પણ થાય છે.

દેશના ઘણા ભાગમાં મહર્ષિની શોભા યાત્રા નીકળે છે. આ શોભા યાત્રામાં મહર્ષિ વાલ્મીકિની મૂર્તિ, તેમના જીવનને સંબંધિત પ્રસંગો અને કવી પત્રક આપવામાં આવે છે. દિલ્હીમાં લાલકિલ્લાથી જ્યાં વાલ્મીકિ મંદિર સ્થિત છે ત્યાં એક ભવ્ય શોભા યાત્રા આયોજિત કરવામાં આવે છે.

આ દરમિયાન જરૂરિયાત વર્ગને કપડા અને ભોજનનું દાન કરવામાં આવે છે. આ પ્રસંગ પર ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે જેમકે, કવિ સમ્મેલન, નાટક, સંગીત, નૃત્ય કાર્યક્રમ, બાળકો દ્વારા રામાયણ વગેરેનું આયોજન કરવામાં આવે છે. તેમ જ શાળા, આશ્રમો અને વિવિધ સામાજિક સંગઠનોની ઓફિસમાં આ દિવસે વાલ્મીકિ શિક્ષા આપવા વાળા ઘણા કાર્યક્રમો યોજાય છે.

આ દિવસે મહર્ષિ વાલ્મીકિના જીવન, તેમ જ તેમની પ્રસિદ્ધ રચના રમાયણ પર ધાર્મિક આખ્યાન પણ આયોજિત કરવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વાલ્મીકિના અનુયાયી જપ, તપ, અને સાધનના માધ્યમ દ્વારા તેમનું સ્મરણ કરે છે અને તેમના જન્મદિન પર વ્રત રાખી સંકલ્પ કરે છે કે, તેમના બતાવેલ માર્ગ પર ચાલવાનું નક્કી કરે છે.

દેશના ઘણા ભાગમાં વાલ્મીકિ જયંતીના દિવસે મેળા ભરાય છે અને રંગારંગ કાર્યક્રમ થાય છે. અમૃતસરના રામ તીર્થસ્થળ પર અલગ રીતે જ મહર્ષિ વાલ્મિકીની જયંતી મનાવવામાં આવે છે.

મનાવવામાં આવે છે કે, તેમના આ આશ્રમ રામ તીર્થમાં માત્ર તપસ્વી જીવનમાં જ રહેતા હતા પરંતુ તેઓએ આ જ આશ્રમમાં સીતાજીને આશ્રય આપ્યો હતો. આજે તેમની આંઠ ફૂટ ઉંચી સોનાની મૂર્તિ છે અને દર વર્ષે અશ્વિન પૂર્ણિમાની તિથી પર જયારે મહર્ષિ વાલ્મીકિ જયંતી પૂરી થાય છે, દેશ વિદેશથી હજારો લોકો અહીં તેમના દર્શન માટે આવે છે.

આવી જ રીતે ચેન્નાઈમાં વાલ્મીકિ મંદિર છે, માનવામાં આવે છે કે, આ મંદિર 1300 વર્ષ જૂનું છે. માનવામાં આવે છે કે, રામાયણની રચના બાદ મહર્ષિ વાલ્મીકિએ આજ મંદિરમાં વિશેષ પૂજા પાઠ કરીને આરામ કર્યો હતો. તેથી જ વાલ્મીકિ જયંતીના દિવસે અહીં લોકો આવે છે. આવી જ રીતે આખા દેશમાં મહર્ષિ વાલ્મીકિ જયંતી તેમના આદર્શોના અનુકરણ કરી મનાવવામાં આવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button