મનનઃ જીવનના સમયની વહેંચણી…

હેમંત વાળા
એમ જણાય છે કે જીવનનો સમય ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. એક ભાગ તો જીવનને ટકાવી રાખવા માટેની સ્વાભાવિક ક્રિયામાં પસાર થઈ જાય છે. બીજો ભાગ કર્મોના ભોગવટા માટે છે. ત્રીજા ભાગ માટે વ્યક્તિને સ્વતંત્રતા છે. આ બીજા ભાગના સમયનો ઉપયોગ તે જે રીતે કરે છે તેનાથી નક્કી થાય કે તેનું બંધન વધુ દ્રઢ બનશે કે જેની તે સ્થિતિ જળવાઈ રહેશે કે મુક્તિ તરફ પગલાં મંડાશે. પહેલાં ભાગને આપણે સ્વાભાવિક સમય કહીશું, બીજા ભાગને કર્મફળ અને ત્રીજાને પુરુષાર્થ. આ સમયગાળાને ઉંમર સાથે લેવાદેવા નથી. ઉંમરના પ્રત્યેક તબક્કે આ ત્રણેય પ્રકારની ઘટના અસ્તિત્વમાં આવે.
સ્વાભાવિક સમયગાળામાં ખાવું, પીવું, ઉત્સર્ગ કરવું અને મોટા થવું, આટલી ક્રિયાઓ કેન્દ્રમાં હોય. જરૂરી નથી કે આ સમયગાળો બાળપણનો હોય. આ ક્રિયા તો સમગ્ર જીવનમાં પ્રસરેલી હોય. આ સમયગાળાની બીજી મહત્ત્વની વાત એ છે કે અહીં કોઈપણ હેતુ વગર, કોઈપણ પ્રયોજન વગર, કોઈપણ પ્રક્રિયા વગર પણ સમય પસાર થતો રહે છે.
જીવનનો આ એવો તબક્કો છે જે કોઈપણ પ્રકારનાં પૂર્વાપર સંબંધ વિના પસાર થઈ જાય. મહદઅંશે અહીં કર્મફળનો ભોગવટો નથી કે નવું કર્મફળ ઊભરતું નથી. આપમેળે અસ્તિત્વ ટકી રહે તે પ્રકારનો આ તબક્કો છે. અસ્તિત્વ ટકી રહે તે માટે જે જરૂરી હોય તે કરવાનો આ તબક્કો છે. અસ્તિત્વનું ટકવું એ જ આ તબક્કાનો મૂળભૂત હેતુ જણાય છે. આ તબક્કો છે એટલે અસ્તિત્વ ટકી રહે છે, જીવન ચાલુ રહે છે.
બીજા તબક્કામાં કર્મફળનો ભોગવટો હોય. અહીં ખુશી પણ પ્રાપ્ત થાય અને દુ:ખ પણ મળે. જો સત્કર્મ એકત્રિત થયાં હોય તો જીવનમાં સારી સારી વાતો સ્થાપિત થાય અને જો દુષ્કર્મ એકત્રિત થયાં હોય તો તેનાથી વિપરીત પરિણામ આવે. કરેલાં સારાં કર્મોનું પરિણામ માણવા, સત્કર્મના કારણે જે પણ સુખદ પરિસ્થિતિ ઉદ્ભવે તેને અનુભવવા સમય જોઈએ.
તેવી જ રીતે દુષ્કર્મના પરિણામે જે કંઈ દુ:ખદ પરિસ્થિતિ ઉદ્ભવે તેની પીડા સહન કરવાં માટે પણ સમય જોઈએ. સુખ કે દુ:ખ, સફળતા કે નિષ્ફળતા, સન્માન કે અપમાન, પ્રેમ કે અવહેલના, સંતોષ કે અસંતોષ, શાંતિ કે ઉદ્વેગ, આરામ કે તકલીફ, ઉપલબ્ધિ કે રિક્તતા, ઇચ્છિત કે અનિચ્છિત – જે પણ પરિસ્થિતિ ઊભી થાય તેની અનુભૂતિ માટે સમય જરૂરી છે. આ સમય એટલે કર્મફળના ભોગવટાનો સમય.
અહીં સમજવાની વાત એ છે કે સત્કર્મ અને દુષ્કર્મનો સામસામે છેદ નથી ઉડતો. સત્કર્મનું સકારાત્મક પરિણામ મળે અને દુષ્કર્મનું નકારાત્મક. સત્કર્મ દ્વારા સ્થાપિત થનારી સારી બાબતો અસ્તિત્વમાં આવે અને દુષ્કર્મના કારણે પસંદ ન રહે તેવી પરિસ્થિતિ સર્જાય. અહીં જમા-ઉધારનો તાળો નથી બેસાડાતો. જમા જમા રહે છે અને ઉધાર ઉધાર રહે છે. ખુશી માણવા માટે તો કોઈ પ્રશ્ન નથી, પીડા પણ સહન કરવી જ રહી.
પીડા જિંદગીના કોઈપણ તબક્કે આવી શકે. ખુશીની અનુભૂતિ પણ ઉંમરના કોઈપણ પડાવે પ્રતીત થઈ શકે. એમ કહેવાય છે કે કર્મફળનો ભોગવટો ત્યારે જ પૂરો થાય જ્યારે તેની માટેની જાગ્રતતા હોય. મન દ્વારા સકારાત્મક અને નકારાત્મક બાબતો અનુભવાય ત્યારે જ કર્મફળનો નિવેડો આવે. તેથી એક તારણ એવું નીકળી શકે કે કર્મફળના ભોગવટાનો સમય બહુ નાની ઉંમરે ન હોય.
સામાન્ય માનવીના જીવનની પેટર્ન સમજતાં એમ જણાય છે કે કર્મફળના ભોગવટાની સારી વાતો મુખ્યત્વે યુવાવસ્થામાં આવે અને ખરાબ બાબતો ઘડપણ તરફ વધુ રહે. પણ આ સામાન્ય નિયમ નથી. અગાઉ કહ્યું તેમ દરેક તબક્કો સમગ્ર જીવનમાં પ્રસરેલો રહે.
એમ કહી શકાય કે ત્રીજા પુરુષાર્થના તબક્કામાં જીવનનો અર્થ, જીવનનો હેતુ, જીવનનાં ઉદ્દેશ્ય પર કામ કરવાની સંભાવના ઊભી થાય. આ ભક્તિ કરવાનો તબક્કો છે. આ ગુરુદેવને સંપૂર્ણતામાં સમર્પિત થઈ જવાનો તબક્કો છે.
આ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી તેનાં આધારે આધ્યાત્મિક ચિંતન દ્વારા પરમ તરફનો માર્ગ સમજવાનો તબક્કો છે. આ નિષ્કામ કર્મ કરવાનો તબક્કો છે. ધ્યાન, યોગ, સાધના, સત્સંગ માટેનો આ તબક્કો છે. જીવનના આ ભાગમાં વ્યક્તિ પોતાની રુચિ અનુસાર જે તે માર્ગને પસંદ કરી પોતાનાં કલ્યાણ વિશે પ્રયત્નશીલ થઈ શકે.
મોટેભાગે જીવનના આ તબક્કાની અવગણના થતી હોય છે. ઘણાં લોકો તો આ સમયગાળાનું અસ્તિત્વ સ્વીકારવા જ તૈયાર નથી હોતાં. આ સમયગાળાને તેઓ જીવનના અન્ય બે સમયગાળામાં વહેંચી દે છે. આ પણ એક પ્રકારનો પુરુષાર્થ છે જેની પણ આગળ જતાં અસરો સ્થાપિત થાય જ.
સ્વાભાવિક સમયગાળો કુદરત નિયંત્રિત કરે છે તેમ કહેવાય. ટકી રહેવાની પ્રત્યેક ક્રિયા કુદરતના નિયમોને આધીન હોય છે. સમર્થ યોગી તેમાં બદલાવ લાવી શકે પરંતુ સામાન્ય માનવીનું અસ્તિત્વ હતો કુદરતના નિયમોને આધીન હોય છે. ખોરાક કેટલાં સમયમાં પચે તે માનવીના હાથની વાત નથી.
બીજો તબક્કો નિયતિ નિર્ધારિત કરે છે. આમાં પણ માનવીનો હસ્તક્ષેપ માન્ય નથી. જેટલાં સમયગાળા સુધી જે સુખ કે દુ:ખ ભોગવવાનું હોય તેટલાં સમયગાળામાં તે સુખ કે દુ:ખ ભોગવવું જ પડે. અહીં તીવ્રતા તેમજ સમયગાળો બંને સંચિત થયેલાં કર્મને આધારિત હોય.
ત્રીજા પ્રકારના સમયગાળાનો ઉપયોગ માનવી નક્કી કરી શકે. પોતાની સમજ પ્રમાણે તે તેમાં પ્રવૃત્તિ થઈ શકે. અહીં તે કામનાને પણ મહત્વ આપી શકે અને વિવેકને પણ. અહીં તે આક્રમક બની શકે અને સંયમ પણ જાળવી શકે. અહીં તે અંતરાત્મા તરફ ગતિ કરી શકે અને બાહ્ય આકર્ષણમાં લિપ્ત પણ રહી શકે. આગળ જતાં વ્યક્તિની કઈ ગતિ થાય છે તે સમયના આ તબક્કા પર આધાર રાખે છે. સાવચેતી આ તબક્કા માટે રાખવાની છે.
આ પણ વાંચો…મનનઃ ઈશ્વર ન્યાય કરે છે