આયુષ્યનું નિર્ધારણ

મનન -હેમંત વાળા
હમણાં એક વીડિયો ફરીથી નજરે ચડ્યો. તેમાં એમ જણાવવામાં આવેલ કે જેમ વસ્તુની ઝડપ વધે તેમ તેમ તેની સાપેક્ષતામાં સમય ધીમો પડી જાય. આ વાત સમજાવવા માટે તેમણે એક ઉદાહરણ આપેલું. તેમાં એમ જણાવાયેલું કે બે જોડીયા બાળકોમાંથી એકને સ્થિર સ્થાન ઉપર રાખવામાં આવે અને બીજાને જો અતિ ગતિમાન વાહનની અંદર રાખવામાં આવે તો ગતિમાન વાહનમાં રહેલા બાળકની સરખામણીમાં સ્થિર સ્થાન પર રહેલ બાળકની ઉંમર ઝડપથી વધે. આ વીડિયોમાં એક એવી વાત પણ કહેવામાં આવી હતી કે જો વ્યક્તિ પ્રકાશની ગતિની ઝડપે પ્રવાસ કરે તો તેની ઉંમર ક્યારેય ન વધે અને તે ક્યારેય મૃત્યુ ન પામે. અર્થાત તે અમર થઈ જાય.
વિજ્ઞાનની દૃષ્ટિએ આ તર્ક સાચો લાગે. જ્યાં સુધી સમયની ગતિને લાગે વળગે છે ત્યાં સુધી એ વાત સાચી છે કે ઝડપ વધતાં સમયની ગતિ ઓછી થાય. પણ આયુષ્ય તો એક ભિન્ન ઘટના છે. સનાતની સંસ્કૃતિમાં આયુષ્યની ગણતરી ઘડિયાળના કાંટાને આધારિત નથી હોતી. સનાતની તત્ત્વજ્ઞાન પ્રમાણે આયુષ્યનું નિર્ધારણ પૃથ્વીના કે અન્ય કોઈ પદાર્થના આવર્તન પ્રમાણે નક્કી નથી થતું. સનાતની સિદ્ધાંત પ્રમાણે આયુષ્ય કોઈપણ ભૌતિક બાબતની ઝડપ આધારિત ન હોય. સનાતની સંસ્કૃતિમાં સ્થાપિત થયેલા સત્ય પ્રમાણે આયુષ્યનું નિર્ધારણ શ્વાસની સંખ્યા પર આધાર રાખે છે. માનવી એક દિવસમાં સામાન્ય રીતે એકવીસ હજાર છસો વખત શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે. આ સંખ્યા પ્રમાણે તેની આવરદા નિર્ધારિત થાય છે. ધારો કે એક દિવસમાં શ્વાસોચ્છવાસની સંખ્યા અડધી કરી દે તો તેનું આયુષ્ય બમણું થઈ જાય. પ્રાણાયામ આયુષ્ય પર આ રીતે પણ અસર કરે છે.
પ્રશ્ન એ છે કે કયા સિદ્ધાંતને સાચો માનવો, અર્વાચીન વિજ્ઞાનની પ્રકાશની ગતિની સીમા પાર કરીને અમર થવાની વાત કે શ્વાસોચ્છવાસની સંખ્યાને આધારે આયુષ્યને સમજવાની વાત. માનવીના ભૌતિક અસ્તિત્વમાં – અર્થાત શરીરમાં જે કંઈ ચાલી રહ્યું છે તેમાં શરીર અને તેની પાછળ રહેલ સૂક્ષ્મ અસ્તિત્વ કારણભૂત હોય છે. એમ કહેવાય છે કે મનમાં નકારાત્મક વિચારો આવ્યા કરે તો તેની અસર શરીર પર પડે. જો વ્યક્તિ સફળતાના વિચારો કરે તો તેની સફળ થવાની સંભાવના વધી જાય. જો વ્યક્તિ ઈચ્છા શક્તિને દ્રઢ કરે અને નિર્વિકલ્પ સંકલ્પના ભાવથી જે તે સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે તે સિદ્ધિ તેને મળી શકે. વ્યક્તિ ચોક્કસ પ્રકારની માનસિક પ્રક્રિયામાંથી શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક ઢબે પસાર થાય તો તે પ્રમાણેનું પરિણામ તેને મળે. અત્યારનું વિજ્ઞાન પણ આ બાબતને માન્ય રાખે છે.
મૃત્યુ કંઈક અંશે ભૌતિક ક્રિયાનું પરિણામ છે તો સાથે સાથે તે મનની શક્તિને આધારિત પરિણામ પણ છે. મૃત્યુ શરીરનો ધર્મ છે પણ આ ધર્મ, મન તથા મનની ઈચ્છા શક્તિ પ્રમાણે અસર પામે છે. મૃત્યુ એ શરીરનો વિકાર તથા શરીરના ઘસારાનું પરિણામ હોઈ શકે તો સાથે સાથે તે માનસિક નબળાઈને આધારિત પણ હોઈ શકે. મૃત્યુ કંઈ માત્ર ભૌતિક જગતની ઘટના નથી, તે ભૌતિક જગતને સૂક્ષ્મ જગત સાથે જોડનારી કડી છે. અને તેથી જ આવરદા માત્ર ગતિ કે સ્થિરતા પર અવલંબિત ન હોય.
સાંપ્રત વિજ્ઞાન એ બાબતોની છણાવટ કરી શકે જે બાબતોને માપી શકાય, જેનું માપ નીકળી શકે. વિજ્ઞાન એક રીતે જોઈએ તો તથ્ય આધારિત હોય, અર્થાત તેના અભ્યાસ માટે વસ્તુ કે પરિસ્થિતિ વાસ્તવમાં હયાત હોવી જોઈએ. વિજ્ઞાન એ બુદ્ધિનો વિષય છે, જ્યારે મૃત્યુ બુદ્ધિથી પરની ઘટના છે. જે સ્વરૂપે મૃત્યુ જોઈ શકાય છે તે સ્વરૂપ ઉપરાંત પણ ઘણી બધી બાબતો મૃત્યુમાં સમાયેલી હોય છે. મૃત્યુ નિશ્ચિત હોવા છતાં પણ તે અણધારી ઘટના છે. શરીરની બધી જ સંરચના જેમની તેમ હોય તો પણ વ્યક્તિ ક્ષણમાત્રમાં મૃત્યુ પામી શકે. આમાં તે સ્થિર છે કે અસ્થિર, ગતિમાન છે કે અચલ, તે બાબત અગત્યની છે જ નહીં.
વ્યક્તિના કેન્દ્રમાં વ્યક્તિ પોતે હોય છે. વ્યક્તિનું સંચાલન તેની અંદરની પરિસ્થિતિને આધારિત હોય છે. વ્યક્તિની ક્રિયાઓ તેની અંદર ઉદભવતા સંકલ્પને આધારિત હોય છે. વ્યક્તિની ગતિ તથા સ્થિરતા તેની ઈચ્છાને આધારિત હોય છે. સુખ કે દુ:ખ, રાગ કે દ્વેષ, ખુશી કે ગમ, આ બધી બાબતો અંદરથી ઉદ્ભવેલા ભાવને આધારિત હોય છે. એક જ પરિસ્થિતિ બે વ્યક્તિમાં ભિન્ન ભિન્ન લાગણીઓ સર્જી શકે, તેવી જ રીતે એક જ પરિસ્થિતિ એક જ વ્યક્તિને ભિન્ન ભિન્ન સમયે જુદી જુદી અનુભૂતિ કરાવી શકે. વ્યક્તિ શું કરે છે, શું માને છે, શું વિચારે છે, તે બધું તેની આંતરિક સ્થિતિને આધારિત હોય છે, અને આ અને આવી બાબતો વ્યક્તિના આયુષ્ય પર આધારિત રાખે. વ્યક્તિનું આયુષ્ય કોઈ અન્ય પદાર્થની ગતિને આધારિત ન હોઈ શકે.
કારણ વિશ્વ સૂક્ષ્મ વિશ્વને નિયંત્રણ કરે છે, તો સૂક્ષ્મ વિશ્વ સ્થૂળ વિશ્વ પર અસર છોડે છે. મૂળમાં કારણ વિશ્વ છે. તેનાથી સૂક્ષ્મ બાબતો અસ્તિત્વમાં આવી. આ સૂક્ષ્મ બાબતોની ઈચ્છાને મૂર્તિમંત કરવા સ્થૂળ શરીર પ્રાપ્ત થયું. સ્થૂળ શરીર પર સૂક્ષ્મ બાબતો તેમ જ કારણગત ચૈતન્યની અસર હોય છે અને મૃત્યુ આ તેને આધારિત હોય. કોઈ અન્ય ભૌતિક ઘટના મૃત્યુને – આયુષ્યને નિર્ધારિત ન કરી શકે. અમુક પ્રકારનો તર્ક માનવીને ગમી જાય તે સ્વાભાવિક છે. આ તર્ક તેની બુદ્ધિને અનુકૂળ આવે. આ તર્ક મુજબની વાત તે માનવા તરત તૈયાર થઈ જાય. આમ પણ માનવીની વિચાર શક્તિ બુદ્ધિને આધારિત જ હોય છે. બુદ્ધિ જે માર્ગ પર જાય, માનવી તે માર્ગને અનુસરે. સમજવાની વાત એ છે કે જન્મ-મૃત્યુ જેવી ઘટના બુદ્ધિનો વિષય નથી. આતો આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનની વાત છે.