વિશેષઃ દીપં જ્યોતિ નમોસ્તુતે…

રાજેશ યાજ્ઞિક
પ્રકાશનું પર્વ દિવાળી હોય અને દીપક પ્રજ્વલિત ન કરીએ તો કેમ ચાલે? આપણે ત્યાં ધર્મના પ્રત્યેક વિધિ-વિધાનમાં દીપ પ્રાગટ્ય અવશ્ય હોય છે. આપણે ત્યાં દીપ પ્રાગટ્યનો સુંદર શ્ર્લોક છે. શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદામ, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતે.
આ શ્ર્લોકનો અર્થ પણ બહુ સુંદર છે, સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવનાર, સ્વાસ્થ્ય અને સંપત્તિ આપનાર અને શત્રુઓના વિચારોનો નાશ કરનાર દીવાના પ્રકાશને નમસ્કાર. જુઓ, શત્રુનો નાશ કરવાની વાત નથી કરી, તેના શત્રુભાવ વાળા વિચારોનો નાશ કરવાની વાત કરી છે. આવી પ્રાર્થના દ્વારા આપણા પ્રત્યે શત્રુભાવ રાખનારનું પણ કલ્યાણ કરવાની ઉત્તમ ભાવના છે. તેનો બીજો અર્થ પણ થાય છે કે, આપણામાં કોઈના પ્રત્યે શત્રુતાનો ભાવ હોય તો તેનો નાશ થાય. આ દ્રષ્ટિકોણથી આત્મકલ્યાણની પ્રાર્થના છે.
આપણે અગ્નિને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. અગ્નિ દેવને સાક્ષી રાખીને શુભ કાર્યો કરવાનું વિધાન છે. તેથી કોઈપણ દેવી-દેવતાની પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે. અગ્નિ અથવા દીવો પ્રગટાવવાની પરંપરા ઋગ્વેદ કાળથી જોવા મળે છે.
પંડિતોના મતે, ઋગ્વેદમાં જણાવાયું છે કે દીવામાં દેવતાઓનું તેજ હોય છે. તેથી, સકારાત્મક ઊર્જાનું સંચારણ કરવા માટે દીવા પ્રગટાવવામાં આવે છે. ત્રેતા યુગ દરમિયાન જ્યારે ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે અને દ્વાપર યુગ દરમિયાન જ્યારે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો ત્યારે દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. પાછળથી, આ પરંપરાઓ વિવિધ કારણોસર તહેવારો સાથે સંકળાયેલી બની. હવે તો અયોધ્યા પ્રતિવર્ષ દીપ પ્રાગટ્યનાં નવા વર્લ્ડ રેકોર્ડ બનાવે છે!
માટીનો દીવો પાંચ તત્ત્વોનું પ્રતીક છે, તે માટીને પાણીમાં પલાળીને બનાવવામાં આવે છે જે પૃથ્વી તત્ત્વ અને જળ તત્ત્વનું પ્રતીક છે, તેને બનાવ્યા પછી તેને સૂર્યપ્રકાશ અને હવામાં સૂકવવામાં આવે છે જે આકાશ તત્ત્વ અને વાયુ તત્ત્વનું પ્રતીક છે, પછી તેને અગ્નિમાં તપાવીને બનાવવામાં આવે છે.
અગ્નિ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, દેવી પુરાણ, ઉપનિષદો અને વેદોમાં ફક્ત ગાયના ઘી અને તલના તેલથી જ દીવા પ્રગટાવવાનું વિધાન છે. જોકે હવે આવા દીપ પ્રાગટ્યની પરંપરાઓ ઓછી થતી જાય છે. તેને બદલે ઇલેક્ટ્રિક દીવાઓએ લઇ લીધી છે.
ઘીને પાંચ અમૃત એટલે કે પંચામૃતમાંથી એક ગણવામાં આવે છે. તેથી ઘીનો દીવો પ્રગટાવવાનું ખાસ મહત્ત્વ છે. ઘીમાં એક સુગંધ હોય છે જે લાંબા સમય સુધી પ્રગટાવેલી જગ્યાએ રહે છે, જેના કારણે તે જગ્યા શુદ્ધ રહે છે અને તે અનેક પ્રકારના રોગોથી પણ બચાવે છે.
આધ્યાત્મિકતા અનુસાર, આપણા શરીરમાં સાત ઉર્જા ચક્રો હોય છે. તલના તેલથી દીવો પ્રગટાવવાથી મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્રો અમુક અંશે જાગૃત થઈ શકે છે. જોકે, ઘીનો દીવો વાપરવાથી સાતેય ચક્રો પર અસર પડે છે, જેનાથી શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.
જો ઘીમાં લવિંગ ઉમેરવામાં આવે તો તેમાંથી નીકળતો ધુમાડો ઘર માટે હવા શુધ્ધીકરણનું કામ કરે છે, જે ત્વચાના રોગોથી રાહત મેળવવામાં મદદ કરે છે. આ સાથે, તે શરીરમાં ચંદ્ર, સૂર્ય અને સુષુમ્ણા નાડીને પણ શુદ્ધ કરે છે.
ધ્યાનમાં એક પ્રકાર ત્રાટકનો હોય છે, જેમાં ઘીના દીપક પર નજર એકાગ્ર કરવામાં આવે છે. દીવાનો પ્રકાશ સૂર્યના તેજ અને અગ્નિ તત્ત્વને પ્રતિબિંબિત કરે છે. સૂર્યનું તેજ અને પ્રકાશમાં બ્રહ્મનો પ્રકાશ હોય છે. તેથી, દરેક સાધકે બ્રહ્મની ભાવનાથી દીવો જોવો જોઈએ. દીવો સત, તમ અને રજના સંયોજનનું પ્રતિનિધિત્વ કરે છે. દીવો સફેદ પ્રકાશ (સત) અને ઘોર અંધકાર (તમ) ના સંયોજનનું પ્રતિનિધિત્વ કરે છે.
વૈદિક કાળમાં, સોમ યજ્ઞ દરમિયાન ‘તમસો મા જ્યોતિર્ગમય’ મંત્રનો પાઠ કરવામાં આવતો હતો, જે બૃહદારણ્યક ઉપનિષદનો મંત્ર છે. આ પ્રાર્થનાનો અર્થ છે, ‘મને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાઓ.’ તેથી, દીવાના પ્રકાશને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. પુરાણોમાં, દીવાને સકારાત્મકતા અને દરિદ્રતા દૂર કરનાર પણ કહેવામાં આવ્યો છે.
મોટાભાગે વિષમ સંખ્યામાં દીપ પ્રજ્વલિત કરવાની પરંપરા ચાલી આવે છે. પણ એક થી લઈને સોળ વાટના દીપક પ્રગટાવવાની પરંપરા જોવા મળે છે. તે પ્રમાણે તેની વિશેષતા પણ બતાવવામાં આવે છે. એક વાટનો દીપક ઇષ્ટદેવની કે નિયમિત પૂજામાં કરવામાં આવે છે. બે વાટનો દીપક મા જગદંબા અને માતા સરસ્વતીની આરાધના માટે કરવામાં આવે છે.
ગણાધીશ ગણપતિની આરાધના માટે ત્રણ વાટનો દીવો પ્રગટાવાય છે. ભૈરવ દેવતાને પ્રસન્ન કરવા માટે ચાર વાટનો દીવો પ્રજ્વલિત થાય છે. કોઈ વિશેષ મનોકામના માટે અને ભગવાન કાર્તિકેયને પ્રસન્ન કરવા પાંચ વાટનો દીપક અર્પણ કરાય છે.
માતા લક્ષ્મીની કૃપા માટે સાત વાટનો દીવો પ્રગટાવવામાં આવે છે. મહાદેવને પ્રસન્ન કરવા આઠ કે બાર વાટનો દીવો કરાય છે. દશાવતારની પૂજા માટે દસ વાટનો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવા સોળ વાટનો દીવો પણ કરાય છે. જોકે, આ માત્ર પરંપરાઓ છે. આપણી શ્રદ્ધાનું મહત્ત્વ સંખ્યાથી અનેકગણું વધુ છે.
આ પણ વાંચો…વિશેષઃ માત્ર ચૂપ રહેવું એ મૌન નથી…