વાર-તહેવાર: બીજાથી કૃષ્ણ ન્યારો કેમ…?
…કારણ કે આ જ એક માત્ર ભગવાન એવો છે, જે નાચે છે- ગાય છે- વાંસળી વગાડે છે- રાસ રમે છે ને યુદ્ધ પણ કરે છે…!

- યોગેશ શાહ
‘ગર્ગ સંહિતા’ના ‘કૃષ્ણાષ્ટકમ્’માં ઋષિ ગર્ગ કહે છે કે, ‘શ્રીકૃષ્ણ આ જગત માટે ફક્ત ગુરુ જ નથી, પરંતુ પરમ સખા, પરમ પ્રેમી, ઉત્તમ દૃષ્ટા અને ઉત્તમોત્તમ માર્ગદર્શક પણ છે…’
ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે, ‘ગીતાના કૃષ્ણ અને કુરુક્ષેત્રના કૃષ્ણની વ્યાપકતાને ભૂલીને આપણે વ્યાસમુનિનો વિશ્વાસઘાત કર્યો છે. કૃષ્ણને વિવિધ કલાઓમાં આપણે બાંધી દીધા છે.’ …કેટલું સુંદર આ વિધાન છે. હા, એ ખરું કે કોઈ પણ કલા કૃષ્ણ વગર અધૂરી છે પણ શું કૃષ્ણને કલાઓમાં જ નીરખવાના છે? કૃષ્ણને આપણા રોજબરોજ જીવનમાં ઉતારવાના નથી? કૃષ્ણએ શું એટલા માટે જન્મ લીધો હતો? માત્ર જન્માષ્ટમી સિવાય શું આપણે કૃષ્ણને દિવસની પળેપળમાં ઉતારી ઉજવી ન શકીએ?
પળેપળ કૃષ્ણ સંગાથે છે એવી આસ્થા રાખી પ્રત્યેક કદમ પ્રત્યેક નિર્ણય કૃષ્ણની સંનિધિમાં લેવાનો સંકલ્પ કરીશું તો કૃષ્ણમય જન્માષ્ટમીની ઉજવણી કંઈક અનેરી જ હશે.
એ ‘લડ્ડુ ગોપાલ’ તરીકે લાડ લડાવવાનો છે. અને યમુના તીરે કદમ વૃક્ષ નીચે ગોપી બની નિરપેક્ષ પ્રેમ કરવાનો છે તો રથના પૈડાને સુદર્શન ચક્ર બનાવી કુરુક્ષેત્રમાં પ્રતિજ્ઞા ભંગ કરતા શ્રીકૃષ્ણને આંખો વિસ્તારી નીરખવાના પણ છે. રોમેરોમમાં એના પર વિશ્વાસ હશે તો જીવન સંગ્રામ સહજ જીતી જવાશે. કંસ જેવા આતતાયીના સમયમાં એણે જન્મ લીધો. અધર્મીઓ, ઉત્પિડકો, રાષ્ટ્રના અંધ શાસકો અને કપટી યુદ્ધ-ઉત્સુક રાજકુમારોની સામે વિદ્રોહ કર્યો. ‘ગીતા’માં અર્જુનને પણ કહ્યું ખરું કે,‘આતતાયીને હણવામાં અધર્મ નથી’ દરેકનો સ્વધર્મ નિરાળો હોય છે એવી ગહન વાત કેવી સહજ રીતે સમજાવી દીધી!
કૃષ્ણ ફક્ત ઉપદેશક જ નથી બની રહ્યા. વ્યાસપીઠ પર બેસી સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરનારા નથી રહ્યા. ઈન્દ્રને પણ પડકારનારા અને સામાન્યજનને પણ લલકારનારા રહ્યા છે. તેથી જ તો ઓશો રજનીશે એમને ‘જગતના પ્રથમ ક્રાંતિકારી’ કહ્યા છે.
રજનીશજી વધુમાં કહે છે કે, ‘જગતમાં આ જ એક માત્ર ભગવાન એવો છે જે નાચે છે, ગાય છે, વાંસળી વગાડે છે, રાસ રમે છે અને યુદ્ધ પણ કરે છે.’
બીજા ભગવાનોની કલ્પના કરીએ તો એમની શાંત જ્ઞાનસ્થ મુદ્રા નજરમાં આવે કે એમનો પ્રેમ-કરુણા ભર્યો ચહેરો અને આશીર્વાદ આપતો હાથ નજરે ચડે, જ્યારે કૃષ્ણની કલ્પના કરીએ તો મોરપીંછધારક, વાંસળી હાથમાં લઈ મધુરતાલ છેડતા કૃષ્ણ નજરે ચડે તેથી જ કૃષ્ણ પોતિકો લાગે છે. એને તું-કાર પણ જુગતો નથી લાગતો. રાધાનો કૃષ્ણ…રુક્મિણીનો કૃષ્ણ… દ્રૌપદીનો કૃષ્ણ… યશોદાનો કૃષ્ણ… સુદામાનો કૃષ્ણ અને અર્જુનનો કૃષ્ણ, વગેરે કેટકેટલા આયામમાં વિસ્તરેલો છે કૃષ્ણ ! વૈચારિકો, આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવચનોકારોથી માંડીને ભક્તોને પણ એક સરખો પ્રિય રહ્યો છે. સૌએ એને એકસરખો ચાહ્યો છે, આસ્વાદ્યો છે. એટલે જ તો એ પૂર્ણ પુરુષોત્તમ છે !
કૃષ્ણ વૃષ્ણિ સંઘના અધિપતિ હતા. લોકપ્રિય, લોકાધિપતિ લોકતંત્રમાં માનનારા હતા. તેથી જ તો મથુરા અને મગધ જીતીને પણ પોતે એના શાસક થઈને ન બેઠા. મહાભારતના યુદ્ધ દરમિયાનની મુત્સદ્દીગીરી અને વિચક્ષણતા અંગે લોકો કહેતાં – લખતાં થાકતાં નથી. કૃષ્ણ યુદ્ધપિપાસુ ન હતાં તેથી જ તો યુદ્ધ પહેલાં વિષ્ટિકાર થઈ દુર્યોધનની સભામાં ગયા. યુદ્ધની મહાવિભીષિકા, મહાભયાનકતાનો અંદાજ હતો તેથી જ ફક્ત પાંચ ગામ જેટલા ક્ષુલ્લક વળતરમાં યુદ્ધનાં વાદળોને વિખેરવાના પ્રયત્નો કર્યાં, પણ મૂર્ખ દુર્યોધનને અભિમાન નડ્યું અને કૃષ્ણને-દૂતને-બાંધવાનો આદેશ આપી દીધો એ સાથે જ પોતાના સર્વનાશને આમંત્રણ આપી દીધું. યુદ્ધ નિવારવાના પ્રયત્નોનું આ પગલું ગભરાયેલો શાંતિવાદ ન હતું પણ વિશાળના લાભ માટે વ્યક્તિગત લાભને સમર્પિત કરવાનું દૂરંદેશી પગલું હતું. સંયમ જાળવી રાખવાનો ઉત્તમ ઉપદેશ પણ જરાસંઘવધ વખતે આપણને એમણે જ આપ્યો છે. ધૃતરાષ્ટ્ર તો પુત્રપ્રેમમાં અંધ હતાં પણ રાજ્ય પ્રતિના કર્તવ્યની ખોટી પ્રતિજ્ઞા માટે ભીષ્મ અને આખી કૌરવ સભા અધર્મના સાથ માટે એટલી જ જવાબદાર હતી. અને તેથી જ સર્વનાશ માટે અર્જુન જવાબદાર નથી એ કુરુક્ષેત્ર મધ્યે લઈ જઈ ભગવદ ગીતામાં સમજાવ્યું. અને નિજધર્મ માટે એને પ્રયુક્ત કર્યો. માનવીય પ્રયત્નોથી માંડી અવતારી કાર્યની ગગન જેવી વિશાળતા આપણને કૃષ્ણમાં દેખાય છે. ધર્મ સ્થાપવાનું અવતારી કાર્ય માટે તો વિશાળ ફલક પર મહાભારત જેવું યુગોપર્યંત યાદ રહે તેવું યુદ્ધ જ અનિવાર્ય બની રહે.
જશોદાને મુખમાં વિશ્વદર્શન કરાવતા કૃષ્ણને, અક્રૂરના જ્ઞાનને ગોપીઓના પ્રેમમાં પીગળાવતા કૃષ્ણને આપણે દર જન્માષ્ટમીએ આત્મસાત કરીએ. રાધાનો પરમપ્રેમી, સુદામાનો પરમસખા, દ્રૌપદીનો પરમમિત્ર અને અર્જુનનો પરમ ઉપદેશક આપણા સૌના જીવનમાં પણ મહારાસનો ઉત્સવ ઉજવી શકે છે તે માટે આપણને કૃષ્ણ ‘હું-પણાનાં શસ્ત્ર’ ને સમર્પિત કરવા ઉપરાંત આપણા અંતરમાંની રાધાને, સુદામાને, દ્રૌપદીને, અર્જુનને ઉજાગર કરવા કહે છે….!
આપણ વાંચો: દુહાની દુનિયા : પ્રેમી-પ્રિયતમાને ભોગવવી પડતી દૂરતાના દુહા