ગુજરાતમાં આજે દશામાના વ્રતનો પ્રારંભ, આવતીકાલથી શ્રાવણ માસનો ધમધમાટ
અમદાવાદઃ ગુજરાતમાં આજે અષાઢ માસની અમાસ દિવાસાના દિવસથી દશામાં વૃતનો પ્રારંભ થયો છે. અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની નોમ સુધી વ્રત ચાલે છે. અંતીમ દિવસે જાગરણ કરી વહેલી સવારે દશામાની પાણીમાં પધરામણી કરવામાં આવે છે. આવતકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે અનોખો યોગ બની રહ્યો છે. શ્રાવણનો પ્રારંભ સોમવારે અને વિદાય સોમવારે થશે.
દશામા વ્રતનું મહત્વ
ગુજરાતમાં દશામા વ્રત ધામધૂમથી ઉજવાય છે. આ વ્રત મહિલાઓ સંપૂર્ણ દસ દિવસ સુધી રાખે છે. આ સમય દરમિયાન દશામા માતાની સંપૂર્ણ વિધિથી પૂજા કરવામાં આવે છે અને તેમની પાસે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે અને દિવસભર ભજન કીર્તન કરવામાં આવે છે. પૂરા દસ દિવસ સુધી દરરોજ દશામા વ્રતની કથા કરે છે. જ્યોતિષીય અસંતુલન સુધારવા માટે આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રતની અસરથી સાધકને સ્વાસ્થ્ય લાભ મળે છે.
જીવ અને શિવના પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવારથી પ્રારંભ
કૈલાસના નિવાસી એવા ભગવાન ભોળાનાથની ભકિતનો મહિનો એટલે શ્રાવણ મહિનો જેનો 5મી ઓગસ્ટને સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થનાર છે. 1952 બાદ 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ અને અંત સોમવારથી થતો હોય તેવો અનોખો યોગ આવ્યો છે. શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે.
2જી સપ્ટેમ્બરના સોમવારે રોજ છેલ્લો દિવસ
હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ મહિનાનો આવતીકાલે 5મી ઓગસ્ટને સોમવારથી શરૂઆત થનાર છે. જયારે શ્રાવણ માસનો અંત પણ સોમવારે 2જી સપ્ટેમ્બરના રોજ થશે. શ્રાવણ મહિનો શિવભક્તિ કરવાનો માસ ગણાય છે. શિવજીને પ્રિય એવા પાંચ સોમવાર પણ આવી રહ્યા છે. ત્યારે શ્રાાવણ માસના પ્રથમ દિવસે સોમવારથી ભકતો સવારના સમયે શિવાલયમાં ઉમટી પડશે. શીવજીને અભિષેક કરી પૂજા-અર્ચના સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન ભકતો કરશે. આ ઉપરાંત અમુક ભકતો આખો મહીનો ઉપવાસ કે એકટાણા કરે છે. શ્રાવણ મહિના દરમિયાન ભક્તિ ભાવથી શિવપુરાણ, શિવલીલામૃત, શિવકવચ, શીવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યુંજય મંત્રનો પાઠ અને જાપ કરવાથી મનોવાંચ્છીત ફળ મળે છે.
Also Read –