મનન -શાશ્વત શ્રદ્ધા અર્થાત્ ભક્તિ…

હેમંત વાળા
ભક્તિનો આધાર શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના ભક્તિ સંભવ નથી. ઈશ્વર છે, સર્વ શક્તિમાન છે, સમગ્ર સૃષ્ટિનો સર્જક છે, તટસ્થ તથા ન્યાયી છે, સત્ય અને ધર્મનો આગ્રહી છે, નિત્ય અખંડ અનંત અનાદિ છે – આ પ્રમાણેની શ્રદ્ધા હોય તો જ ભક્તિમાં આગળ વધી શકાય. ભક્તિ એ માત્ર ક્રિયા નથી એ તો અંત:કરણમાં પ્રગટેલી સાત્વિક, શુદ્ધ અને પવિત્ર ભાવના છે. આ ભાવના ત્યારે જ જાગ્રત થઈ શકે જ્યારે સંપૂર્ણ શ્રદ્ધામાં સંપૂર્ણ અસ્તિત્વ ડૂબેલું હોય.
શ્રદ્ધા શબ્દ શ્રત+ધા થકી નિર્ધારિત થયો છે. શ્રત એટલે સત્ય – વિશ્વાસ અને ધા એટલે સ્થાપિત કરવું. મનમાં સત્યને, ધર્મને, ઈશ્વરને સ્થાપિત કરવાની પ્રક્રિયા એટલે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે એક વિશેષ પ્રકારનો અડગ વિશ્વાસ, ચોક્કસ પ્રકારની ધારણાનો પૂર્ણ સ્વીકાર તથા સત્ય સ્વરૂપ ઈશ્વરના અસ્તિત્વ માટેની સંપૂર્ણ સ્વીકૃતિ. શ્રદ્ધા એટલે ગુરુદેવના આદેશ, ધર્મશાસ્ત્રની વાતો, શાસ્ત્રીય ધાર્મિક પરંપરા તથા તપ અને સાધના જેવી બાબતો માટે સંપૂર્ણ ખાતરી. એમ પણ કહી શકાય કે શ્રદ્ધા એટલે કર્મફળનાં સિદ્ધાંત વિશે સંશયનો સંપૂર્ણ અભાવ.
ભક્તિમાં શ્રદ્ધા એટલા માટે આવશ્યક છે કારણકે શ્રદ્ધાથી ભક્તિ માટે પ્રેરણા મળે, ધૈર્ય ટકી રહે, વિશ્વાસ જળવાય, શંકાની સંભાવના ન રહે, જે તે પ્રકારની સ્થિરતા જળવાઈ રહે, મનનો ભટકાવ અટકે, એક પ્રકારનો ઊર્જાયુક્ત ઉત્સાહ ટકી રહે, સંકટના સમયે પણ નિરાશા પ્રવેશી ન શકે અને અંતિમ લક્ષ્ય સિદ્ધ થવા માટેનો વિશ્વાસ ડગે નહીં. દરેક પરિસ્થિતિમાં શ્રદ્ધા ટકી રહેવી જોઈએ. પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, શ્રદ્ધા જરા પણ વિક્ષેપિત ન થવી જોઈએ.
શ્રદ્ધા અડગ હોવી જોઈએ. શ્રદ્ધા પાછળનો ભાવ સાત્વિક, પવિત્ર અને આધ્યાત્મિક હોવો જોઈએ. આમ પણ ઈશ્વરની ભક્તિ સ્વાર્થ, લાલચ, ભય, કપટ, અધર્મ, અસત્ય જેવી નકારાત્મક બાબત માટે ન કરી શકાય. આ બધી બાબતો સામાન્ય માનવી પણ સિદ્ધ કરી શકે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને તેનાથી સ્થાપિત થતી અપેક્ષા સંપૂર્ણતામાં શુદ્ધ હોવી જોઈએ. એમ કહેવાય છે કે જિજ્ઞાસા શ્રદ્ધામાં મદદરૂપ થઈ શકે. પરંતુ જિજ્ઞાસા અને શ્રદ્ધા બે ભિન્ન વિસ્તાર છે. જિજ્ઞાસા હેતુલક્ષી હોઈ શકે જ્યારે શ્રદ્ધાએ સમર્પિતતાનો ભાવ છે. અહીં અંધશ્રદ્ધાની વાત કરવી યોગ્ય નથી જણાતી.
શ્રદ્ધા એ મનનો અડગ વિશ્વાસ છે જે ભક્તિના બીજ રૂપે અસ્તિત્વ ધરાવે છે. શ્રદ્ધાને કારણે ભગવાન પ્રત્યે પ્રેમ, સેવા, સમર્પણ, નિષ્ઠા તથા ભક્તિ અસ્તિત્વમાં આવે. જો શ્રદ્ધા ન હોય તો આમાનું કશું જ શક્ય ન બને. શ્રદ્ધાએ આંતરિક શક્તિ છે જેને કારણે ભક્તિમય વ્યવહાર શક્ય બને. શ્રદ્ધા એ આત્મા છે તો ભક્તિ તેનું સાકાર સ્વરૂપ છે. શ્રદ્ધા વિના ભક્તિ નિર્જીવ બની જાય. શ્રદ્ધા હોય તો જ ભક્તિ ફૂલે-ફાલે. શ્રદ્ધા એ શરૂઆત છે અને ભક્તિ એ પરિણામ છે. સામાન્ય ભાષામાં કહીએ તો, ખેડૂત જ્યારે બીજ વાવે ત્યારે તેની પાછળ શ્રદ્ધા હોય. આગળ જતાં તે બીજને ખાતર-પાણી આપી પોષે તેને તેને ભક્તિ કહેવાય.
આંખોમાં હજી કેટલુંય જળ છે, રુદિયે ખીલેલું આત્મ-કમળ છે;
તું પણ કરી લે પારખાં ભક્તિનાં, જો, ચારે બાજુ શ્રદ્ધા જ અફર છે.
શ્રદ્ધાથી આધ્યાત્મિક અનુભવ સુધીનો આધ્યાત્મિક વિકાસ રસપ્રદ છે. શ્રદ્ધાથી શરૂ કરીને અંતિમ સત્યની અનુભૂતિનો માર્ગ રોમાંચિત કરી દેનારો છે. શ્રદ્ધાને કારણે જ અંતિમ સત્ય સુધી પહોંચવા માટે ઈચ્છા થાય, અંતિમ સત્ય સુધી પહોંચી શકાશે તેવો વિશ્વાસ જાગ્રત થાય. શ્રદ્ધાના પ્રકાશમાં રસ્તો પ્રશસ્ત થતો જાય. માર્ગમાં સકારાત્મક અનુભૂતિ ન થાય કે માર્ગમાં કોઈ અડચણ આવી પડે તો પણ માર્ગનો ત્યાગ કરવાની ઈચ્છા ન જાગે. અડગ વિશ્વાસથી પ્રાર્થના, ધ્યાન, જપ, સેવા, સ્વાધ્યાય, ભજન, કીર્તન ચાલુ રહે.
શ્રદ્ધા આંતરિક બળ આપે જેનાથી દરેક પ્રકારની નકારાત્મક બાહ્ય પરિસ્થિતિથી રક્ષણ મળતું રહે અને ધૈર્ય તેમ જ સહનશીલતા જળવાઈ રહે. શ્રદ્ધાને કારણે જ વિવેક તેમજ સંયમ પણ ટકી રહે. જેમ જેમ ભક્તિ દ્રઢ થતી જાય તેમ તેમ સત્ય સ્વરૂપ ઈશ્વરની અનુભૂતિની સંભાવના વધતી જાય. અંતિમ તબક્કામાં ક્યાંક ઈશ્વર કઠિન પરીક્ષા પણ લે, તે સમયે શ્રદ્ધાનો ટેકો ખૂબ જરૂરી ગણાય. ધીમે ધીમે પરિસ્થિતિ પૂર્ણ સમર્પણ સુધી પહોંચી જાય અને પછી ઈશ્વરે પણ કૃપા કર્યાં સિવાય કોઈ છૂટકો ન હોય. પછી તો ઈશ્વર અને ભક્ત વચ્ચેનો ભેદ પણ નાશ પામે અને કૃપાની આવશ્યકતા પણ ન રહે. શ્રદ્ધાને આધારે સ્થાપિત થયેલી ભક્તિથી આ પ્રમાણે પરમ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે.
શબરીને ગુરુદેવના વચન પર શ્રદ્ધા હતી. આ શ્રદ્ધાને આધારે જ શ્રીરામની તેમણે વર્ષો સુધી પ્રતીક્ષા કરી. અંતે શ્રીરામે તેમને દર્શન પણ આપેલાં અને તેમના એંઠા બોર પણ ખાધાં હતાં. અનેક પ્રકારનો સામાજિક તેમ જ કૌટુંબિક વિરોધ હોવા છતાં પણ શ્રદ્ધાને કારણે મીરાંબાઈ શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમમાં અડગ રહ્યાં હતાં અને અંતે ઈશ્વરમાં લીન થયાં હતાં. પોતાના પિતાના અપાર અત્યાચાર છતાપણ પ્રહલાદે ઈશ્વર-સ્મરણનો ત્યાગ નહતો કર્યો.
તેમની અપાર શ્રદ્ધાને કારણે જ વિષ્ણુ ભગવાને અન્યાય અને અધર્મના નાશ માટે નરસિંહ અવતાર ધારણ કરી પ્રહલાદની રક્ષા કરી હતી. માતાની પ્રેરણાથી ધ્રુવે શ્રદ્ધાપૂર્વક કઠિન તપ કરી ઈશ્વરને પ્રસન્ન કર્યા હતા. શ્રીકૃષ્ણ પ્રત્યેની પ્રેમમય શ્રદ્ધાને કારણે ગોપીઓએ શ્રીકૃષ્ણની લીલા સંપૂર્ણ સામીપ્યમાં માણી હતી. શ્રદ્ધાને કારણે જ રાજા અંબરીષને દુર્વાસા ઋષિના શ્રાપથી રક્ષણ મળ્યું હતું. શ્રદ્ધા એ જ પૂર્ણ-સ્થિતિ તરફની શરૂઆત છે. તેથી જ તો ગીતામાં પણ જણાવાયું છે કે ‘શ્રદ્ધાવાનને જ જ્ઞાન મળે’. આ જ્ઞાન ભક્તિનું પહેલું ચરણ ગણી શકાય. અવિચલ શાંતિ, સંપૂર્ણ આનંદ, સ્વયંની સ્થિતિમાં સ્થિતિ, ઈશ્વર સાથેનું ઐક્ય તથા જન્મ મરણના બંધનની મુક્તિ માટે તે પરમ સત્ય પ્રત્યેની શ્રદ્ધા અતિ આવશ્યક છે.



