ચિંતન -શૂન્યતા કે પૂર્ણતા…

હેમુ ભીખુ
ગઈકાલે એક વિદ્યાર્થી દ્વારા પ્રશ્ન પૂછાયો, મોક્ષ એટલે શૂન્યતામાં પ્રવેશ કે પૂર્ણતામાં. 25 વર્ષના યુવાનના મનમાં પણ આવાં પ્રશ્નો આવે છે તે જાણીને આનંદ થયો. ઘણીવાર એમ માની લેવાય છે કે અમુક પ્રકારની પરિસ્થિતિ સંભવી જ ન શકે, પણ તેમ નથી. આજના યુવાનો વધુ સંવેદનશીલ છે, વિચારશીલ છે, કર્મનિષ્ઠ છે, વ્યવહારુ છે, જાણકાર છે અને જરૂર પડે ત્યાં પોતાની ક્ષમતા સિદ્ધ કરવાં સમર્થ છે. પણ અહીં વાત શૂન્યતા કે પૂર્ણતાની છે.
બે પ્રકારની પ્રક્રિયાને સનાતની સંસ્કૃતિમાં પ્રાધાન્ય મળ્યું છે. એકમાં બાદબાકીનું મહત્ત્વ છે તો બીજામાં સરવાળાનું. એકમાં, એક પછી એક બધાંની બાદબાકી કરવામાં આવે અને પછી જે છેલ્લે વધે, તે બ્રહ્મ. બીજામાં બધાંનો સરવાળો થતો જાય અને પછી સમગ્રતામાં જે સ્થિતિ સર્જાય, તે બ્રહ્મ. બંને પ્રક્રિયા એક જ સ્થાને લઈ જશે, બંને વાસ્તવિકતામાં સાર્થક છે, બંને તે જ બ્રહ્મ તરફની ગતિ માટે સર્વથા યોગ્ય છે, બંને શાસ્ત્ર દ્વારા પ્રમાણિત છે, બંને સ્વીકૃત તાર્કિક માળખાને આધારિત છે. બેમાંથી એક પણ સાથે કોઈપણ પ્રકારની નકારાત્મકતા જોડાઈ નથી. બંનેથી એ જ પરિસ્થિતિ સિદ્ધ થઈ શકે કે જે અંતિમ ધ્યેય સમાન, મોક્ષ હોય.
ધારણા જો શૂન્યતા લક્ષી હોય તો એક પ્રકારની વિચાર પ્રક્રિયા, એક પ્રકારની શ્રદ્ધા, એક પ્રકારનો વિશ્વાસ અને એક પ્રકારનો માર્ગ સ્થાપિત થાય. આ પ્રકારની ધારણામાં એમ માનવામાં આવે કે સમગ્ર સૃષ્ટિની શરૂઆત લગભગ શૂન્યથી થઈ છે. શરૂઆતમાં બ્રહ્મ સિવાય કશું જ ન હતું. બ્રહ્મના સવિકલ્પ સંકલ્પને કારણે ધીમે ધીમે સૃષ્ટિ અસ્તિત્વમાં આવી. ગીતામાં પણ કહેવાયું છે કે સૃષ્ટિ મારા ભાવને કારણે મારા મનમાંથી પ્રગટ થઈ છે. અર્થાત્ શરૂઆતમાં કશું જ ન હતું. ઈશ્વરના ભાવને કારણે જુદી જુદી પરિસ્થિતિ સર્જાતી ગઈ અને સૃષ્ટિ આજની સ્થિતિને પામી. શરૂઆત શૂન્યથી થઈ હોય તો અંત શૂન્યમાં પરિણમે. જો સૃષ્ટિના એક અંગ તરીકે ‘વ્યક્તિ’નું અસ્તિત્વ શૂન્યમાંથી પ્રગટ થયું હોય તો તે અંતે શૂન્યમાં વિલીન થાય.
આ ‘નેતિ નેતિ’ સિદ્ધાંતનું અનુસરણ છે. અહીં એક પછી એક બધાંની બાદબાકી થાય છે, પછી જે લગભગ શૂન્ય વધે તે બ્રહ્મ. વૃક્ષ વૃક્ષ છે, બ્રહ્મ નથી. પર્વત પર્વત છે, બ્રહ્મ નથી. માનવ માનવ છે, બ્રહ્મ નથી. આ બ્રહ્મ નથી, તે બ્રહ્મ નથી. આમ કરતાં કરતાં, જે બ્રહ્મ નથી તે બધાની બાદબાકી કરતાં કરતાં જે વધે તે બ્રહ્મ. આ વિચારધારાથી જે આગળ વધે, એમ કહી શકાય કે, મોક્ષ વખતે તેનો પ્રવેશ શૂન્યમાં થાય છે.
અન્ય સમાવેશીય સિદ્ધાંતમાં બધું જ બ્રહ્મ છે તે રીતે ધારણા કરી શરૂઆત થાય છે. વૃક્ષ પણ બ્રહ્મ છે અને પર્વત પણ. માનવ પણ બ્રહ્મ છે અને પશુ પણ. હું પણ બ્રહ્મ છું અને તમે પણ. આ પણ બ્રહ્મ છે અને તે પણ. સૃષ્ટિની દરેક રચના જ્યારે બ્રહ્મના સંકલ્પથી અસ્તિત્વમાં આવી હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક રચનામાં તે બ્રહ્મનું અસ્તિત્વ કોઈ સ્વરૂપે તો સચવાયેલું જ હોય. તેથી એમ કહી શકાય કે સૃષ્ટિના દરેક સર્જનમાં બ્રહ્મની છાંટ છે, બ્રહ્મનું અસ્તિત્વ છે, તેનાથી બ્રહ્મની પ્રતીતિ શક્ય બની શકે.
ગીતાના વિભૂતિ યોગમાં આ વાત સાબિત થાય છે. અહીં સ્વયં શ્રીકૃષ્ણ પરોક્ષ રીતે જણાવે છે કે સૃષ્ટિના દરેક અસ્તિત્વમાં તેમની એક યા બીજા સ્વરૂપે હાજરી હોય છે. બધાંનો સરવાળો કરતાં કરતાં જે પરિસ્થિતિ ઉદ્ભવે તે અનંત હોય, તે પૂર્ણ હોય, તે જ વાસ્તવિકતા હોય, તે જ ઉદ્ભવ સ્થાન હોય અને તેથી તે બ્રહ્મ હોય. આવી સમાવેશીય ધારણાથી જો પ્રવાસની શરૂઆત થાય તો અંત અનંત અર્થાત્ પૂર્ણ સમાન હોય. અહીં મોક્ષની સ્થિતિ એટલે સંપૂર્ણતામાં અંતિમ સમગ્રમાં વિલીન થવું. આ પૂર્ણતાની સ્થિતિ છે. આ વ્યાપકતાની સ્થિતિ છે.
પ્રશ્ન એ થાય કે શૂન્ય અને અનંત તો સાવ જ ભિન્ન અને વિરોધી પરિસ્થિતિ છે, તે બંને એક સમાન પરિણામ કેવી રીતે આપી શકે. સમજવાની વાત એ છે કે શૂન્ય એટલે સંપૂર્ણતામાં અસ્તિત્વનો અભાવ અને પૂર્ણ એટલે વાસ્તવિકતામાં અભાવની શૂન્યતા. પૂર્ણ તો સંપૂર્ણ છે જ, પરંતુ શૂન્ય પણ સંપૂર્ણ છે. શૂન્યમાંથી કશાની બાદબાકી સંભવ નથી, અને પૂર્ણમાં શૂન્ય પણ ઉમેરી ન શકાય. શૂન્ય અભાવની અનંતતા છે જ્યારે પૂર્ણ શૂન્યની સ્વીકૃતિ છે. શૂન્ય થકી પૂર્ણની ભાવના સ્થાપિત થઈ શકે અને પૂર્ણ થકી શૂન્યનું અસ્તિત્વ જાણમાં આવે. આ સત્યની પ્રતીતિ થતાં જ શૂન્ય અને પૂર્ણ વચ્ચેનો ભેદ નાશ પામે. જે સ્થિતિ શૂન્યની છે તે જ સ્થિતિ પૂર્ણની છે. બંને પરિસ્થિતિ બ્રહ્મનું પ્રતિપાદન કરી શકે. વિલીન તો બ્રહ્મમાં જ થવાનું છે.
મોક્ષ એટલે એવી સ્થિતિની શાશ્વત પ્રાપ્તિ કે જ્યાંથી શરૂઆત થઈ હોય. અંતે તો એ સ્થિતિએ પહોંચવાનું છે કે જ્યાંથી શરૂઆત થઈ હોય. પ્રશ્ન શરૂઆતની ધારણાનો છે. જો ધારણાની શરૂઆત શૂન્ય હોય તો એક પ્રકારની વિચાર પ્રક્રિયા, એક પ્રકારનું ચિંતન, એક પ્રકારની શ્રદ્ધા જરૂરી બને. જો શરૂઆતની ધારણા પૂર્ણ હોય તો તેનાથી તે પ્રકારનો માર્ગ પ્રશસ્ત થાય.
ગંતવ્ય લક્ષ્ય એક છે, હેતુ એક છે, બે ભિન્ન સંભાવના છે, પરંતુ અંતિમ પરિસ્થિતિ – અંતિમ જવાબ તો એક છે. આ વ્યક્તિને આપવામાં આવેલી એક અભૂતપૂર્વ સ્વતંત્રતા સમાન ઘટના છે. જ્યાં સુધી અંતિમ લક્ષ્ય પામવું હોય, નકારાત્મકતા સ્થાપિત થવાની સંભાવના ન હોય, સત્ય અને ધર્મ આધારિત સિદ્ધાંતોનો સમાવેશ થતો હોય, બધાં જ સંજોગોમાં આધ્યાત્મિકતા સર્વોપરી રહેતી હોય અને અપાર શ્રદ્ધા હોય ત્યાં સુધી કોઈપણ ધારણા સનાતની ‘સંસ્કૃતિ’માં સ્વીકૃત છે. મોક્ષ એટલે શૂન્યતા સાથે સાથે પૂર્ણતાની પણ સ્થિતિ.



