ચિંતનઃ પૂર્ણતાની પૂર્ણતા

હેમુ ભીખુ
આ એક ભેદી અને ગંભીર વિષય છે. ઉપનિષદનો એક શ્ર્લોક એમ જણાવે છે કે પૂર્ણમાં પૂર્ણ ઉમેરવામાં આવે તો પૂર્ણ જ પ્રાપ્ત થાય. અહીં ટૂંકી વિચારધારાવાળી વ્યક્તિ એ પ્રશ્ન પૂછી શકે કે જો પૂર્ણમાં ઉમેરાની હજી શક્યતા હોય તો તે પૂર્ણ કેવી રીતે કહેવાય. અહીં પૂર્ણતામાં પૂર્ણતાની, સંપૂર્ણતામાં સંપૂર્ણતાની સમજ જરૂરી છે.
શૂન્ય ત્યારે જ પૂર્ણ શૂન્ય બને જ્યારે તેમાં શૂન્ય પણ ન હોય. શૂન્યમાંથી પણ જ્યારે શૂન્ય કાઢી લેવામાં આવે, જ્યારે કશું જ બાકી ન રહે ત્યારે જે શૂન્ય પ્રાપ્ત થાય તે પૂર્ણ શૂન્ય. સમગ્ર સૃષ્ટિનાં પ્રત્યેક તત્ત્વ જ્યાં એકત્રિત થઈ જાય અને તે ‘એકત્રિતતા’ની બહાર કશું જ ન વધે તો, કશું જ ન હોય, ત્યારે તે એકત્રિતતા પૂર્ણ કહેવાય. પછી તત્ત્વ તો શું, બહારની એવી પરિસ્થિતિ પણ અસ્તિત્વમાં ન હોય કે જેનો ઉમેરો શક્ય બને. જ્યાં સમગ્રનો સમાવેશ થઈ ગયો હોય, જ્યાં સમગ્રતા પણ સમાઈ ગઈ હોય તે એકત્રિતતા પૂર્ણ છે તેમ કહેવાય. આમ દરેક ભાવના માટે, દરેક પરિસ્થિતિ માટે, દરેક વિચારધારા માટે, દરેક કાર્ય માટે વિચારી શકાય.
પૂર્ણ પ્રેમ એ કે જેમાં પ્રતિભાવ સ્વરૂપે સામે પ્રેમની પણ અપેક્ષા ન હોય. પૂર્ણ પ્રેમ એ કે જે સ્વયં આધારિત, સ્વયં સ્ફુરીત, સ્વયં સ્થાપિત હોય. બાહ્ય સ્વરૂપે અહીં અભિવ્યક્તિની, સામા પક્ષે કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિની, કોઈ સવિકલ્પ કે નિર્વિકલ્પ આશય ન હોય અને એક ક્ષણ માટે પણ અપૂર્ણતાની પ્રતીતિ ન હોય. પ્રેમ સંપૂર્ણતામાં પૂર્ણ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રેમ સ્વયં પ્રેમમય બની જાય. અહીં અમુક પરિપ્રેક્ષ્યમાં, પ્રેમના સ્થાને ભક્તિ શબ્દનો પ્રયોગ પણ થઈ શકે.
પૂર્ણ ભક્તિ એટલે એવી ઘટના કે જ્યાં ભક્તિની આવશ્યકતા પણ ન રહે. અહીં સમગ્ર અસ્તિત્વનો સ્થૂળ-અણુ તેમજ સૂક્ષ્મ-અણુ ભક્તિમય થઈને સ્વયં ભક્તિ સ્વરૂપ બની જાય. જેમ સફેદ રંગના અણુને સફેદ રંગે રંગવાની આવશ્યકતા ન હોય તેમ સંપૂર્ણ ભક્તિને ભક્તિ સાથે જોડવાની આવશ્યકતા ન હોય. ભક્તિની પૂર્ણતા એ કે જ્યારે ભક્ત અને ઈશ્વર એકાકાર થઈ જાય અને માત્ર ભક્તિનું પરિણામ સ્થાપિત રહે.
આ પણ વાંચો…ચિંતનઃ સવિકલ્પ-નિર્વિકલ્પ-ધર્મમેઘ
જિજ્ઞાસા જાગ્રત રહે તેવી જિજ્ઞાસા પણ ન રહે તે જિજ્ઞાસાની પૂર્ણતા. પ્રાપ્ત માહિતીની માહિતી ધ્યાનમાં આવતાં માહિતી માટેનો લગાવ જ છૂટી જાય તે માહિતીલક્ષી પૂર્ણતાની સ્થિતિ એમ કહી શકાય. પછી માહિતી અસંદર્ભિક જણાય અને જ્ઞાનનું મહત્ત્વ સમજમાં આવે. જ્ઞાન પણ ત્યારે પૂર્ણતાને પામે જ્યારે જ્ઞાન સંપૂર્ણતામાં વીરમી જાય. વાસ્તવિક જ્ઞાન એ એકત્રિત કરવાનો વિષય નથી, તે અનુભૂતિનો વિષય છે. અહીં જ્ઞાનની અનુભૂતિ થાય અર્થાત આત્માનુભૂતિ પ્રકાશિત થાય એટલે જ્ઞાનની પૂર્ણતા. પછી આત્માનુભૂતિ માટેનાં જ્ઞાનની આવશ્યકતા પણ રહે.
પૂર્ણ પ્રકાશની અવસ્થા એ કહેવાય જ્યારે તેમાં ‘ઉમેરા’ની કોઈ સંભાવના ન હોય. પૂર્ણ સત્ય એ કે જેને અસ્તિત્વ માટે સત્યના સહારાની આવશ્યકતા પણ ન હોય. પૂર્ણ ધર્મ એ કે જે સ્વયં આધારિત હોય. પૂર્ણ ન્યાય એ કે જે સ્વયં સ્થાપિત થવા સમર્થ હોય. પૂર્ણ સાત્ત્વિકતા એ કે જ્યાં અન્ય ગુણના અસ્તિત્વ માત્રની સંભાવના પણ ન હોય. પૂર્ણ સમર્પણ એ કે જ્યાં સમર્પણ પણ સમર્પિત થઈ ચૂક્યું હોય.
પૂર્ણ શ્રદ્ધા એ કે જ્યાં શ્રદ્ધા સ્વયં અસ્તિત્વ બની ચૂકી હોય. પૂર્ણ નિષ્કામ કર્મ એ કે જ્યાં નિષ્કામ કર્મ માટેની ભાવના પણ નિષ્કામતાને પામી ચૂકી હોય. યોગની પૂર્ણ સ્થિતિ એ કે જ્યાં યોગની પણ આવશ્યકતા ન હોય, યોગ અને યોગી એકરૂપ થઈ ગયાં હોય. ઉત્તરદાયિત્વની નિભાવણીનું ઉત્તરદાયિત્વ એટલે ઉત્તરદાયિત્વની પૂર્ણતા. પૂર્ણ આધ્યાત્મ એ કે જ્યાં પરબ્રહ્મના સ્વભાવ સાથે એકાકારતા સ્થાપિત થઈ ચૂકી હોય. સનાતની વિચારધારા તેમજ સંસ્કૃતિમાં પૂર્ણતાનું વિશેષ મહાત્મ્ય છે. અહીં પૂર્ણતાનો આગ્રહ અને તે માટેનું પુરુષાર્થ આવશ્યક છે.
માનવ જીવનના સંદર્ભમાં પૂર્ણતા એટલે એક પ્રકારની અંતિમ પરમ અવસ્થા જ્યાં કોઈપણ પ્રકારની અધૂરાશ ન હોય, જ્યાં અંતિમ કક્ષાની વાસ્તવિકતાની અનુભૂતિ થાય, જ્યાં અસ્તિત્વનું પ્રત્યેક પાસું પરસ્પર એકબીજા સાથે પરસ્પર સુસંવાદિતાથી સંકળાય અને આધ્યાત્મિક શાંતિ, સંતોષ અને આનંદની અનુભૂતિ થાય. નૈતિકતા, કર્તવ્ય પરાયણતા, નિષ્ઠા, સદભાવના, પ્રેમ, કરુણા, સત્યનિષ્ઠા, ન્યાય, અલિપ્તતા, સાક્ષીભાવ, સમતા, સંતોષ, ધ્યાન, ભક્તિ, સાધના, ઉપાસના, શ્રદ્ધા, જાગ્રતતા, વિવેક, સંયમ, જ્ઞાન જેવી સકારાત્મક બાબતોથી પૂર્ણતાની અનુભૂતિ સંભવ બને. ‘હું અને મારું’ની ભાવના છોડવી પડે અને ‘હું કોણ છું’ તેની વાસ્તવિક અનુભૂતિ કરવી પડે.
હકીકતમાં દરેક વ્યક્તિમાં પૂર્ણતાની સંભાવના હોય છે. એમ પણ કહી શકાય કે દરેક વ્યક્તિ વાસ્તવમાં પૂર્ણ છે, માત્ર તેના પર અવિદ્યાના પ્રપંચનું એક આવરણ લાગી ગયું છે. આવી પૂર્ણ વ્યક્તિ પૂર્ણતા ત્યારે જ અનુભવી શકે જ્યારે દરેક પ્રકારની અપૂર્ણતાનો ભ્રમ ઊભી કરતી બાબતોથી મુક્તિ મળે.
ચિંતા, અસંતોષ અને દુ:ખ યુક્ત દ્વંદ્વથી મુક્તિ મળતાં આંતરિક શાંતિ પ્રાપ્ત થાય, બાહ્ય તેમજ આંતરિક સ્થિતિ માટે સકારાત્મકતા વધે, અસ્તિત્વની પ્રત્યેક ક્ષણે ઉત્સાહ અને પ્રેરણા સ્થાપિત રહે, દિવ્ય શક્તિ સાથેનો સાર્થક સંબંધ અનુભવાય, વાસ્તવિક સ્વતંત્રતાની અનુભૂતિ થાય અને તે બધાં સાથે અસ્તિત્વને પૂર્ણતામાં જોઈ શકાય, અનુભવી શકાય. આ પૂર્ણતા ત્યારે જ પૂર્ણતાને પામે જ્યારે પામવા જેવું કશું જ બાકી ન રહે. જ્યાં પૂર્ણતાને પામવા માટેનો પ્રયત્ન પણ વીરમતી જાય ત્યાં પૂર્ણતા પૂર્ણતાને પામે.
આ પણ વાંચો…ચિંતન: ગીતાની કેટલીક વાતો



