ચિંતનઃ સવિકલ્પ-નિર્વિકલ્પ-ધર્મમેઘ

હેમુ ભીખુ
યોગની જેમ સમાધિ વિશે પણ જાતજાતની વાતો થતી હોય છે, પ્રયોગો પણ થતાં હોય છે, પરંતુ યોગમાં જેટલી ભ્રમણા સ્થાપિત થઈ ગઈ છે તેની સરખામણીમાં સમાધિ હજુ પણ અપ્રદૂષિત ઘટના છે તેમ કહી શકાય. સમાધિ શબ્દ સમ અને આધિના સમન્વયથી અસ્તિત્વમાં આવ્યો છે. સમ એટલે સમાન, સ્થિર, સંપૂર્ણ, યથાર્થ, વાસ્તવિક અને આધિ એટલે ધ્યાન, ચિંતન, ચિત્તની સ્થિતિ.
સમાધિ એટલે ચિત્તનું સંપૂર્ણ એકાગ્રતા સાથે પરમ-પૂર્ણતામાં લીન થવું. અહીં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જેવાં અંત:કરણનાં સ્વરૂપો સંપૂર્ણતામાં શાંત થઈ જાય છે અને માત્ર ચૈતન્ય સ્વરૂપ અસ્તિત્વ જ બાકી રહે છે. અહીં મનનાં તમામ વિચાર, ઈચ્છા, સંકલ્પ-વિકલ્પ, ઇન્દ્રિય વાસના, ચિંતા, ભાવાત્મક આવેગ, રાગદ્વેષ બધું જ શૂન્યમાં લય પામી જાય છે. અહીં બુદ્ધિની નિર્ણય શક્તિ વીરમી જાય. અહંકાર ઓગળી જાય.
આધ્યાત્મના ક્ષેત્રમાં, યોગમાર્ગ પર, સમાધિ એ અંતિમ અવસ્થા છે, અંતિમ સ્થિતિ છે, અહીંથી આગળ અસ્તિત્વના કોઈ સ્વરૂપે કોઈ સંભાવના નથી. યોગની ભાષામાં આ અંતિમ પદ છે. અહીં આત્માની પ્રત્યક્ષ અનુભૂતિ-સ્વાનુભૂતિ શેષ રહે, એમ જણાય કે આત્મા અને પરમાત્મા એકાકાર થઈ ગયાં છે.
આપણ વાચો: ચિંતન: યતો ધર્મસ્તતો જય: જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે
પતંજલિ યોગસૂત્ર અનુસાર યોગના આઠ અંગમાં સમાધિ અંતિમ ચરણ છે. આ આઠ અંગ છે; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવાં યમ; શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન જેવાં નિયમ; શારીરિક ચંચળતાને નિયંત્રિત કરી દેહભાન ભૂલાવતાં આસન; શ્વાસના નિયમનથી આંતરિક ઊર્જા તથા ચેતનાને જાગૃત કરવા માટે પ્રાણાયામ;
ઇન્દ્રિયોને બાહ્ય પરિસ્થિતિથી પરત વાળી આંતરિક બનાવવા માટે પ્રત્યાહાર; શ્વાસ કે દીવાની જ્યોત કે એવી કોઈ અન્ય પરિસ્થિતિ પરની એકાગ્રતાથી શુદ્ધ, પવિત્ર તથા આધ્યાત્મિક બાબત માટે સ્થાપિત થતી ધારણા; તે ધારણા માટે અવિરત ચિંતન સમાન ધ્યાન અને અંતે પૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ સમાન સમાધિ.
યોગસૂત્રમાં સમાધિ એ સર્વોચ્ચ શિખર છે, અંતિમ ચરણ છે, અંતિમ લક્ષ્ય છે, કૈવલ્ય કે મુક્તિ સમાન સ્થિતિ છે, પરમ ચૈતન્ય સાથે એકાકાર થવાની વાત છે. આ પૂર્ણ, શાંત, આનંદીત, પરમ આત્મસાક્ષાતકારની અવસ્થા છે. જ્યારે મનની લહેરો અર્થાત વૃત્તિ સંપૂર્ણ શાંત થાય, બુદ્ધિ વીરમી જાય, અહંકાર ઓગળી જાય, ચિત્ત પૂર્ણ નિર્મળતા પામી નિર્લેપ અને નિરાકાર બની રહે, ત્યારે સમાધિ પ્રાપ્ત થઈ તેમ કહી શકાય.
આપણ વાચો: ચિંતનઃ લોભ-નરકનું એક દ્વાર…
આ સમાધિ પણ તબક્કાવાર ઊંચે જતી હોય છે. સમાધિ બાદ પણ જ્યારે થોડોક વિચાર કે સંકલ્પ શેષ રહે તો તે સવિકલ્પ સમાધિ કહેવાય. અહીં ક્યાંક શ્વાસ પર, મંત્ર પર, દીવાની જ્યોત પર કે વિચાર પર ધ્યાન હજુ કેન્દ્રિત રહે. અહીં આની આવશ્યકતા પણ હોય. બની શકે કે અહીં આનંદ અને શાંતિની પ્રતીતિ થઈ શકે પરંતુ તેનો આધાર ધ્યાનનું સાધન હોય છે.
જ્યારે બધાં જ વિચાર કે સંકલ્પ વિલય પામે અને માત્ર શુદ્ધ ચેતનાના અસ્તિત્વની પ્રતીતિ થાય તે નિર્વિકલ્પ સમાધિ. અહીં માત્ર ચૈતન્ય-સાક્ષી બાકી રહે. અહીં સવિકલ્પ કે નિર્વિકલ્પનો ભેદ પણ ન રહે. આ સંપૂર્ણ અને અનંત આનંદની સ્વયં પ્રકાશિત સ્થિતિ છે.
સમાધિની ત્રીજી અવસ્થા ધર્મમેઘ સમાધિ છે જ્યાં સમાધિ માટેની ભાવના પણ નથી રહેતી, મુક્તિની કામના પણ નથી રહેતી, બંધનની ધારણા સંપૂર્ણતામાં શાશ્વતતામાં લય પામે છે. એમ કહી શકાય કે આ સમાધિમાં સંસ્કાર, જ્ઞાન, સ્મૃતિ, કર્મફળ, અસ્તિત્વની સભાનતા, બધું જ શૂન્યવત્ થઈ જાય છે. આત્મા પોતાની સંપૂર્ણ પ્રભા સાથે અહીં પરમ તત્ત્વ સાથે એકાકાર થઈ જાય છે.
આપણ વાચો: ચિંતન -શૂન્યતા કે પૂર્ણતા…
એમ કહી શકાય કે સવિકલ્પ સમાધિ એટલે વિચારોની શાંતિ, નિર્વિકલ્પ સમાધિ એટલે વિચાર વિનાની શાંતિ અને ધર્મમેઘ સમાધિ એટલે સર્વોચ્ચ અવસ્થા જ્યાં આત્મજ્ઞાન કોઈપણ પ્રકારના માધ્યમ વગર સ્વયંમાં સ્થાપિત થાય. શાોમાં આપેલાં ઉદાહરણ પ્રમાણે સવિકલ્પ સમાધિ દર્પણ સમાન છે.
જેમ દર્પણ દેખાય અને પ્રતિબિંબ પણ દેખાય તેમ સવિકલ્પ સમાજમાં મન પણ દેખાય અને મનની શાંતિ પણ દેખાય. નિર્વિકલ્પ સમાધિ સ્થિર થઈ ગયેલ, કોઈપણ લહેર વિનાના, વિશાળ જળ-સરોવર સમાન છે જ્યાં નિર્વિકાર જળ માત્ર છે.
અહીં કશાની પ્રતીતિ નથી, માત્ર જળ-સરોવરનું નિર્લેપ અસ્તિત્વ સાક્ષીભાવ રૂપે રહે છે. અહીં માત્ર હાજરીનો અનુભવ છે. ધર્મમેઘ સમાધિની આકાશ સાથે સરખામણી કરવામાં આવે છે. આ શુદ્ધ આત્મસ્વરૂપ અનંત, નિર્લેપ, શુદ્ધ, વ્યાપક, અખંડ, સમાન અને સૂક્ષ્મ સ્થિતિ છે. દર્પણમાં હજુ ‘વિચાર’ દેખાય, જળમાં ‘વિચાર’ ઓગળી જાય જ્યારે શુદ્ધ આકાશમાં કોઈપણ કારણ, કોઈપણ સાધન કે કોઈપણ પરિણામની પણ હાજરી ન વર્તાય.
એમ કહેવાય છે કે સમાધિ પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. વાત સાચી પણ છે પરંતુ નાના પાયે સમાધિસ્થ સ્થિતિની થોડી ઘણી પણ જો અનુભૂતિ થાય તો તે દિશામાં આગળ વધવાની ઈચ્છા થાય, અને કદાચ તે માટેનો પુરુષાર્થ પણ જાગે. રોજ થોડો સમય શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી પ્રાણાયામ કરવાથી, ઈષ્ટદેવના નામનો એકાગ્રતાથી જપ કરવાથી, પોતાની દરેક ક્રિયા પૂરેપૂરી સભાનતાપૂર્વક કરવાથી, મનમાં આવતા વિચારોનું અવલોકન કરવાથી કે સાક્ષીભાવમાં સમય વ્યતીત કરવાથી સમાધિસ્થ સ્થિતિ વિશે થોડીક પ્રતીતિ થઈ શકે.
જો આ સમયમાં શાંતિ અનુભવાય, મનના તરંગોની માત્રા ઓછી થાય, આત્માનાં અસ્તિત્વ માટે થોડીક સભાનતા જાગે તો ચોક્કસ યોગ્ય માર્ગદર્શન હેઠળ આગળ વધી શકાય. સાંપ્રત સમયમાં જે કેટલાંક ‘બાબા’ઓ દ્વારા ચપટીમાં સમાધિની અનુભૂતિની વાત કરવામાં આવે છે તે વાસ્તવમાં પાખંડ છે. જો સમાધિ આટલી સરળ અને સુગમ હોત તો દુનિયામાં એક પણ વ્યક્તિની આજે હાજરી ન હોત, બધાં જ પરમ-પૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરી ચૂક્યાં હોત.



