ધર્મતેજ

ચિંતન -વિષયોના ચિંતનનું નિયંત્રણ…

હેમુ ભીખુ

એમ કહેવાય છે કે, મનની અંદર વિચારો તથા ઈચ્છા સમાયેલી હોય, બુદ્ધિ સાથે નિર્ણયાત્મક શક્તિ જોડાયેલી રહે જ્યારે ચિત્તમાં સંસ્કાર અને મૂલ્યોને આધારિત ચિંતન તથા મનન માટેનાં આધાર સમાન કેટલીક છબીઓ અંકિત થયેલી હોય. મન એકવાર કાબૂમાં આવી શકે, વિવેક તથા સંયમ થકી બુદ્ધિ પર નિયંત્રણ લાદી શકાય, પરંતુ ચિત્ત એક જટિલ પરિસ્થિતિ છે, સમસ્યા છે. ચિત્તને જો સમજાવી શકાય તો પ્રશ્નોનું નિરાકરણ આવી જાય.

શાસ્ત્રમાં કહેવાયું છે કે વારંવાર વિષયોનું સેવન કરતાં રહેવાથી ચિત્ત વિષયોમાં ફસાઈ ગયું હોય છે અને વિષયો ચિત્તમાં વસી ગયાં હોય છે. વિષયોએ ચિત્તને પોતાનું આવાસ બનાવી દીધું હોય. તેવાં સંજોગોમાં ઈશ્વરમાં સ્થિત થઈ તે વિષય અને તેને આશ્રય આપનાર ચિત્ત બંનેનાં અસ્તિત્વને નકારવાં જોઈએ. વિષયો તો બહાર આકાર લેતી ઘટના છે જ પરંતુ ચિત્ત પણ તે ઘટનાને આશ્રય આપનાર પરાઈ પરિસ્થિતિ છે. કોઈપણ પરિસ્થિતિ પ્રત્યે આકર્ષણ ત્યારે જ થાય જ્યારે તે બાબત પસંદગીનો વિષય હોય. આકર્ષણ માટે જે તે ઘટના પસંદગીના ક્ષેત્રમાં આવવી જોઈએ. પસંદગીના ક્ષેત્રમાં પ્રવેશ થાય તે પછી તે પ્રત્યે આકર્ષણ જાગે. આકર્ષણથી તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, તેને મેળવવાની કામના થાય, તેના પર માલિકી સ્થાપવાની આકાંક્ષા થાય. પછી તે દિશાના પ્રયત્નો ચાલુ થાય.

આ પણ વાંચો: ચિંતન: ગુરુ તારો પાર ન પાયો

વિષયનું વારંવાર ચિંતન કરવાથી તે માટેની કામના જાગ્રત થાય. વિષય આકર્ષક છે તેમ વારંવાર યાદ કરવામાં આવે તો તે પ્રત્યે મોહ જાગે. જે પણ વસ્તુ ઇન્દ્રિયો તથા મનને ભાવી ગઈ હોય તે તરફ ઇન્દ્રિયો તથા મન વારંવાર ગતિ કરે. તે માહોલમાં ફર્યાં કરવું મનને પણ ગમે અને ઇન્દ્રિયોને પણ પસંદ પડે. વ્યવહારમાં જ્યારે મન અને ઇન્દ્રિયોનું પ્રભુત્વ હોય ત્યારે બુદ્ધિ પણ તેમને અનુકૂળ થઈ જાય. તે વખતે બુદ્ધિ વિવેક તથા સંયમને બાજુમાં કરી જે તે વિષયને કેવી રીતે વધુ ભોગવી શકાય તે વિચારવામાં મગ્ન થાય. બુદ્ધિ, ચિત્તમાં અંકિત થયેલી છબીને સંદર્ભ તરીકે લઈ મન અને ઇન્દ્રિયોને પ્રોત્સાહન આપે. ઇન્દ્રિય તથા મન, બુદ્ધિ મારફતે, ચિત્તમાં વિશેષ પ્રકારની છબી અંકિત કરે અને તે જ છબી ચિત્ત દ્વારા પાછી મન અને ઇન્દ્રિયોને પહોંચાડવામાં આવે. આ એક વિષચક્ર સમાન ઘટના છે.

જે તે વિષય પ્રત્યેના આકર્ષણની ભાવના તીવ્ર હોય તો આ પ્રયત્ન વખતે બીજી દરેક પરિસ્થિતિ ગૌણ બની રહે. અહીં ક્યારેક એમ પણ બને કે ઉત્તરદાયિત્વ સમાન, ધર્મના ભાગ સમાન રહેલી કેટલીક બાબત પણ ધ્યાન બહાર જતી રહે. સામાજિક પરિપ્રેક્ષ્યમાં, વ્યવહારિક જીવનમાં, આધ્યાત્મિકતાના માર્ગ પર, ધાર્મિક વ્યવસ્થામાં આ એક જોખમકારક ઘટના ગણાય. સમય જતાં, આકર્ષિત કરનાર બાબતને પ્રાપ્ત કરવા અથાગ પુષાર્થ શરૂ થાય. ક્યારેક તો જાણે બધું જ દાવ પર લગાવી દેવાય. તે પછી પણ જો હેતુ સિદ્ધ ન થાય તો હતાશા ઉદભવે, નિરાશા મળે, આત્મવિશ્વાસ ડગી જાય, અને પરિસ્થિતિ પ્રત્યે અંતે ક્રોધ જન્મે. ગીતામાં પણ આ જ ક્રમ દર્શાવાયો છે.

આ પણ વાંચો: ચિંતન : શાશ્વત-સાંજોગિક…

આકર્ષણની બાબત પ્રાપ્ત થઈ જાય તો અહંકાર જાગે, કર્તાપણું પ્રખર બને, મમત્વની ભાવના વધુ દ્રઢ થાય, સામર્થ્ય પર અભિમાન થાય, રાજસી વૃત્તિ નવીન અને જોખમી રૂપ ધારણ કરે, પ્રવર્તમાન પરિસ્થિતિની કેટલીક બાબતો તુચ્છ જણાવા લાગે, અને આ બધાંને કારણે અંતે પતન તરફ ગતિ શરૂ થાય. અને, જો આકર્ષણની બાબત પ્રાપ્ત ન થાય તો અગાઉ જણાવ્યા પ્રમાણે ક્રોધ જન્મે, આત્મવિશ્વાસ ડગી જાય અને ક્યારેક જીવન પણ વ્યર્થ લાગે. બંને પરિસ્થિતિ સમાન રીતે જોખમી છે. આકર્ષક બાબત અંતે તો નકારાત્મક પરિસ્થિતિનું જ કારણ બને. આકર્ષણ કરનારી બાબત માટેનું ચિંતન બંધ થાય તે જરૂરી છે.

વિચારની ક્ષમતા અપાર છે. એમ કહેવાય છે કે દ્રઢ વિચાર અને ઈચ્છા શક્તિ હોય તો ગમે તેવું મુશ્કેલ કામ પણ પાર પડી શકે. એમ પણ કહેવાય છે કે પ્રત્યેક કાર્યની શરૂઆત એક વિચારથી થાય છે. આ વિચાર એટલે જ એક પ્રકારનું ચિંતન. વિચાર કદાચ આકસ્મિક હોઈ શકે પરંતુ ચિંતન એ ગંભીર પ્રક્રિયા છે. વિચાર હેતુ ન હોઈ શકે પરંતુ ચિંતન એ સહેતુક ચેષ્ટા છે. વિચાર એક કુદરતી પ્રક્રિયા હોઈ શકે જ્યારે ચિંતન એ સૂક્ષ્મ પ્રકારનો પુષાર્થ છે. વિચાર એ સાંજોગિક ઘટના હોઈ શકે જ્યારે ચિંતન એ વ્યક્તિગત માનસિકતાનું ક્ષેત્ર છે. વિચાર પાછળ બહારની પરિસ્થિતિ કારણભૂત હોઈ શકે જ્યારે ચિંતન એ અંત:કરણની પ્રક્રિયા છે. વ્યક્તિના આચરણમાં વ્યક્ત થતી દશા તથા દિશા ચિંતન પર આધાર રાખે. જો યોગ્ય દશા તથા દિશાની અપેક્ષા હોય તો ચિંતન પર નિયંત્રણ જરૂરી છે. અનિયંત્રિત ચિંતન સમગ્ર પરિસ્થિતિને કલુષિત અને મલિન કરવા સમર્થ છે.

આ પણ વાંચો: ચિંતન: વૃક્ષમાં પીપળો હું છું…

સ્થૂળ વિશ્વનો આધાર સૂક્ષ્મ વિશ્વ છે અને સૂક્ષ્મ વિશ્વનો આધાર-કારણ વિશ્વ છે. સૂક્ષ્મ વિશ્વમાં, મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર જેવાં અંત:કરણના વિવિધ સ્વરૂપનું પ્રભુત્વ હોય. આ પરિબળો વ્યવહાર, સમજ, તેમજ પ્રતિભાવ નિર્ધારિત કરે. આ બધામાં ચિત્તનું સ્થાન વધુ મહત્ત્વનું છે. એમ કહેવાય છે કે વ્યક્તિ જ્યારે એક શરીરમાંથી બીજા શરીરમાં, પુનર્જન્મ સ્વરૂપે પ્રયાણ કરે ત્યારે ચિત્ત, સંગ્રહાયેલા સંસ્કાર તથા છબીઓને, પવન જેમ સુગંધને એક સ્થાનેથી બીજાં સ્થાને લઈ જાય, તેમ લઈ જાય છે. તેવાં સંજોગોમાં ચિત્ત રિક્ત હોય, સ્વચ્છ હોય, નિર્મળ હોય, વિષય પ્રત્યેની વાસનાથી અલિપ્ત હોય, નિર્લેપ હોય, અહંકારથી મુક્ત હોય, તે જરૂરી છે. જો તેમ હોય તો ચિંતન માટે ચિત્ત પાસે કોઈ આધાર ન હોય. ચિત્ત દ્વારા થતાં વિષયોના ચિંતનનું નિયંત્રણ આધ્યાત્મિક પ્રગતિ માટે એક અનિવાર્ય બાબત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button