વિશેષ: શ્વાનનું પણ એક મંદિર છે, જાણો છો?

રાજેશ યાજ્ઞિક
ભારત મંદિરોનો દેશ છે. હોય પણ કેમ નહીં? હજારો વર્ષ પુરાણી આસ્થા અને ભક્તિની પરંપરા આપણા દેશમાં છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધે જ શૈવ, વૈષ્ણવ અને શાક્ત પરંપરાનાં મંદિરો આપણને જોવા મળે છે, પરંતુ તેમાંથી કેટલાંક મંદિરો આપણને આશ્ચર્યચકિત કરી નાખે છે. આટઆટલાં મંદિરોમાં તમે એક એવું મંદિર જાણો છો, જ્યાં શ્વાનની પૂજા થાય છે?
આમ તો, દેવ-દેવીઓનાં વાહનો તરીકે પ્રાણીઓ હોય જ છે. તે નિમિત્તે મંદિરોમાં પણ તેમનું મહત્ત્વનું સ્થાન હોય છે. ક્યારેક કોઈ વિશિષ્ટ કારણોથી કોઈ પ્રાણીનું સ્મારક બને તેવું પણ જોવાય છે. પણ જો મંદિર જ શ્વાનનું હોય એ પચાવવું થોડું અઘરું પડે. પણ આ બિલકુલ સાચું છે. ચાલો તમને ચન્નાપટના શહેરમાં લઈ જઈએ અને ત્યાંના શ્વાન મંદિર વિશે વધુ જણાવીએ.
આ પણ વાંચો: વિશેષ: ક્રિપ્ટો કરન્સીમાં પાકિસ્તાનને કેમ રસ છે?
કર્ણાટકના રામનગર જિલ્લના ચન્નાપટના ખાતે આવેલું, શ્વાન મંદિર, ઘણા સમયથી સ્થાનિકો અને પ્રવાસીઓમાં એક લોકપ્રિય સ્થળ બની ગયું છે. ચન્નાપટના શહેર રમકડાં નગર તરીકે જાણીતું છે. ત્યાંના પરંપરાગત લાકડાના રમકડાં દેશ-વિદેશમાં સુખ્યાત છે. પણ સાથે તે અહીં આવેલા શ્વાન મંદિર માટે પણ જાણીતું છે. ચન્નાપટના શહેરના વલગેરેહલ્લી ગામમાં આ મંદિર 2010માં રમેશ નામના એક ઉદ્યોગપતિ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં દેવી કેમ્પમ્માને સ્થાનિક રક્ષક દેવી માનવામાં આવે છે. બન્યું એવું કે રમેશ ગ્રામ દેવતા, દેવી કેમ્પમ્માને સમર્પિત એક મંદિર બનાવી રહ્યા હતા. ગામમાં પ્રચલિત કિવદંતી અનુસાર જ્યારે દેવીનું આ મંદિર નિર્માણાધીન હતું, ત્યારે ત્યાં બે શ્વાન ક્યાંકથી આવી ચડ્યા અને મંદિર પરિસરમાં જ રહેવા લાગ્યા. કહે છે કે જ્યાં સુધી મંદિરનું નિર્માણ ચાલ્યું ત્યાં સુધી આ શ્વાનો ત્યાં જ રહ્યા. ગામના લોકો પણ તેમની દેખભાળ કરવા લાગ્યા હતા. પણ જેવું મંદિર નિર્માણ પૂર્ણ થયું કે આ શ્વાનો અચાનક અદ્રશ્ય થઇ ગયા, જાણે અહીંયા કયારેય હોય જ નહીં! ભારે શોધખોળ પછી પણ તેમનો કોઈ અત્તોપત્તો લાગ્યો નહીં. ત્યારબાદ, અચાનક ગામના એક વ્યક્તિને સ્વપ્નમાં શ્વાન દેખાયા અને દેવીએ કહ્યું કે મંદિરની રક્ષા માટે તેમની સ્થાપના કરો. આ સ્વપ્ન બાદ મંદિર પરિસરમાં શ્વાન માટે મંદિર બનાવાયું અને બંને શ્વાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. મંદિરમાં શ્વાનોની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત છે. હવે તેની વિધિવત પૂજા પણ કરવામાં આવે છે. આ સ્થળને નઈ દેવસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચન્નાપટના અને આજુબાજુના પ્રદેશોમાં એવી માન્યતા છે કે જીવનમાં આવેલા અનિષ્ટોને દૂર કરવા હોય તો અહીં શ્વાનની પૂજા કરવી જોઈએ. ગામ લોકો માને છે કે શ્વાનો દેવી વીરમસ્તી કેમ્પમ્માના રક્ષક છે. આ મંદિરમાં દર ગુરુવાર અને રવિવારે ખાસ પૂજા થાય છે, જે દેવી વીરમસ્તી કેમ્પમ્માની પૂજા પછી કરવામાં આવે છે.
આ પણ વાંચો: વિશેષ: એક એવું મંદિર, જ્યાં ઔરંગઝેબે પણ પોતાનું શીશ ઝુકાવ્યું હતું!
શિવ ગણોમાં કાળા શ્વાનનો પણ ઉલ્લેખ જોવા મળે છે. શ્વાન આપણે ત્યાં કાળ ભૈરવના વાહન તરીકે જાણીતા છે જ. જ્યોતિષ શાસ્ત્રમાં પણ છાયા ગ્રહ કેતુના પ્રતીક તરીકે શ્વાન છે. તેથી તેનું મહત્ત્વ આપણે સ્વીકાર્યું જ છે. પણ તેમને પૂજનીય માનવાની આ રીત અનોખી છે. વર્ષમાં એકવાર અહીં મેળો ભરાય છે, જ્યાં દેશ-વિદેશથી લોકો તેને જોવા માટે આવે છે.
આ મેળાને જાત્રા મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. ચન્નાપટનાના વલગેરેહલ્લી ગામમાં શ્વાનોને ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે.
સાથે યાદ આવે મહાભારત. જેમાં મોક્ષની ઈચ્છાથી પાંડવોએ હિમાલયમાં ઉત્તર દિશા તરફ મહાપ્રયાણ આદર્યું. આ સ્વર્ગારોહણમાં તેમની સાથે એક પ્રાણી પણ હતું. એ અન્ય કોઈ નહીં, પણ શ્વાન હતો. બધાજ પાંડવો, સ્વર્ગારોહણમાં એક પછી એક કાળને વશ થયા. અંતે બચ્યા, માત્ર યુધિષ્ઠિર અને શ્વાન. આખરે સ્વર્ગમાં પ્રવેશ માટે યુધિષ્ઠિર
માર્ગમાં સાથ આપનાર શ્વાન સાથે જ પ્રવેશ કરવા મક્કમ રહે છે. ત્યારે શ્વાનના રૂપમાં રહેલા ધર્મરાજ પરીક્ષામાં તે
ઉત્તીર્ણ થયાનું કહે છે. આપણા શાસ્ત્રોમાં ઠેકઠેકાણે શ્વાનનું કેટલું મહત્ત્વ છે તે સમજાય છે. આસ્થાની સાથે પ્રાણી પ્રેમનો આ અનોખો સંગમ આપણને એ યાદ અપાવે છે કે, પ્રત્યેક જીવમાં આત્મસ્વરૂપે પરમાત્માનો અંશ છે.