ધર્મતેજ

બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

કૃષ્ણને રાતવાસો કરાવવા માટે યશોદાને યાચતી ગોપીના ચિત્તને બ્રહ્માનંદે વાચા આપી છે. એમાંથી બ્રહ્માનંદની ભાવનિરૂપણકલાના કૌશલ્યનો પરિચય મળી રહે છે. કૃષ્ણ-ગોપી પ્રેમભાવને બ્રહ્માનંદે બહુ ગાયો છે. કૃષ્ણનું સામીપ્ય ઝંખતી ગોપાંગના બ્રહ્માનંદનાં પદોનો વિશેષ જણાય છે. બ્રહ્માનંદને ગમે છે કૃષ્ણની ઝંખના કરતું, કૃષ્ણ માટે તડપન અનુભવતું, કૃષ્ણને પામવા સતત મથતું વ્યક્તિત્વ. આવું વ્યક્તિત્વ ધરાવે છે માત્ર ગોપાંગના-ગોપી આવા કારણે બ્રહ્માનંદ ગોપીઓનું જાણે કે મુખ બન્યા છે. સમગ્ર કૃષ્ણભક્ત સમુદાયના મનોજગતને ગોપાંગનાના માધ્યમથી કલાત્મક રીતે ઉદ્ઘાટિત કર્યું છે.


Also read: અલખનો ઓટલો: ગુજરાતનાં લોકનૃત્યો ને લોકસંગીત


૨. ગોપી-કૃષ્ણપ્રીતિનાં પદો:
‘આવોને નવરાવું’ પદમાં પોતાને ત્યાં ભોજન માટે ઇજન આપતી અને આ ઇજન સ્વીકારાય એ માટે વિવિધ પ્રલોભન પ્રસ્તુત કરતું ગોપીહૃદય નિરૂપાયું છે. ‘જીવું છું રસિલા’માં કૃષ્ણનું મુખ જોઈને જીવન પસાર કરી રહેલી ગોપીનું ચિત્ર છે. ‘જેમ ચંદ વિના રે’માં ચંદ્ર વગર ચકોરીની જે અવસ્થિતિ હોય એ સ્થિતિ ગોપીની છે એ દુર્નિવાર વેદનાશીલતા ભારે બળકટ રીતે પ્રયોજાઈ છે. ‘નટવર કહાન’, ‘નેનુ પિયાવદન કી’ અને ‘બેઠી ગોખ અટારી રે’માં કૃષ્ણપ્રેમ ગોપાંગનાને કેવી અને કેટલી અધીરાઈથી રાહ જોવડાવે છે એ ભાવ ભારે અસરકારક રીતે નિરૂપાયેલ છે. કૃષ્ણ સાથે અતીતમાં ગાળેલા સમયને પ્રત્યક્ષ કરીન્ો સમય પસાર કરી રહેલી ગોપીનો કૃષ્ણપ્રેમ ભાવક્ધો પણ વિવશ બનાવે છે.

‘કે વર્યા મે તો રંગભર’માં ગોપીને કૃષ્ણ તરફની અપાર પ્રીતિવાળી એને કૃષ્ણને કંથ બનાવવા માટે દૃઢ મનોબળવાળી બતાવી છે, અને એમાં ગોપી અડગ રહેવાની છે એ ભાવ સ્થાન પામ્યો છે. સતી પતિવ્રતા ડગે પણ પોતે નહીં ડગે એ નિશ્ર્ચિત છે. કૃષ્ણે ખૂબ સમજાવી છે, પણ ગોપીએ તો ધણી ધારી લીધો છે એ ભાવ હૃદયસ્પર્શી બને એ રીતે નિરૂપાયેલ છે. કૃષ્ણ પરત્વે આસક્ત ગોપીનું કૃષ્ણ પર આધિપત્ય સ્થપાય એ સ્વાભાવિક છે. ગોપી જે રીતે એકમાત્ર કૃષ્ણ પરત્વે પ્રીતિ દાખવે છે એ રીતે કૃષ્ણ પણ અન્ય પરત્વે પક્ષપાત દાખવે એ એને મંજૂર નથી. ‘સાચું કહો શામળિયા પદમાં એ ભાવ અભિવ્યક્તિ પામ્યો છે. ગોપાંગના, કૃષ્ણનાં વસ્ત્રો અને વ્યવહારથી, પરિસ્થિતિને પામી ગઈ છે. એ બધું ઠાવકાઈથી બ્રહ્માનંદે પ્રતીકાત્મક રીતે નિરૂપ્યું છે.

‘સાચું કહો શામળિયા વ્હાલા, જાગ્યા કેને સંગે રે;
રૂપાળો બાંધ્યો છે રેંટો, અતિ ઉછરંગે રે

તોતમાં બોલો છો વેણાં, નેણાં નિંદે વેર્યા રે;
ઉતાવળા ઉઠતા વસ્ત્ર, જેમ તેમ પહેર્યા રે…

બ્રહ્માનંદ કેરા સ્વામી, રીઝી ભીંજી રહૃાા છો રે;
મોતીડાથી મોંઘા તે તમે, સોંઘા કેને થયા છો રે…

જે ગોપી કૃષ્ણને પામી શકી નથી. આ વિરહભાવને બ્રહ્માનંદે ગાયો છે. ‘બેદરદી મેરા પિયરા’માં જ્યારે કોઈ ગોપી કૃષ્ણપ્રેમનો અસ્વીકાર પણ કરતી નિરૂપાઈ છે. ‘છોડી દે ધુતારા’માં છેડો પકડેલા કૃષ્ણને રોષથી સંભળાવતી ગોપીનો એ ભાવ બ્રહ્માનંદે કચ્છી બોલીમાં નિરૂપ્યો છે. ‘વહેતા રોકો’માં કોડીલા કહાનને રસ્તો રોકવાનું છોડી દેવા માટે ગોપી વિનવે છે. કૃષ્ણ હજુ બાલસ્વરૂપમાં છે, નાના છે અને આકળા-ઉતાવળા ન થઈને લોકોની શરમ રાખવાનું ગોપાંગના વિનવે છે.

બ્રહ્માનંદે ગોપાંગનાના ચિત્તમાં ઊઠેલા આવા ઇર્ષ્યાના અને રોષના ભાવને પણ પદકવિતામાં વણી લીધેલ છે, પરંતુ બ્રહ્માનંદને પ્રબળ આકર્ષણ છે ગોપીના ચિત્તમાં કૃષ્ણ પરત્વે પ્રગટતી અપાર પ્રીતિને વર્ણવવાનું. એટલે વધુ ને વધુ પદમાં તો કૃષ્ણપ્રીતિ જ પ્રગટી છે. ‘ગોકુળથી ગિરિધર રે’માં પણ મથુરા ગયા પછી કશા સમાચાર પ્રાપ્ત થયા નથી એનો વલવલાટ અભિવ્યક્તિ પામ્યો છે. ઇચ્છા તો છે કૃષ્ણ સાથે એકાંતે ગોઠડી કરવાની અને પરિતૃપ્ત થવાની, પણ કૃષ્ણ જ નથી. એના અભાવનું ઊંડું દુ:ખ અહીં બ્રહ્માનંદે નિરૂપ્યું છે.

‘રે લગની તો હરિવરથી લાગી’માં હરિવરની સાથે જીવન જોડી દઈને દઢ નિશ્ર્ચયી બનેલી ગોપાંગનાના હૃદયને ઉદ્ઘાટિત કરાયું છે. ‘લટકાળા હો લાલ’, ‘લાગ્યો મારે નટવરથી નેડો’ અને ‘વહાલા લટકાં તમારા’ જેવાં પદોમાં કૃષ્ણની મોહકછબી એની છટા અને અંગભંગિમાને વર્ણવીને એમાં મોહિત થયેલી ગોપાંગનાનો હૃદયભાવ સ્થાન પામ્યો છે. વહાલાના લટકામાં રંગાયેલી ગોપાંગનાને હવે અન્યનો સંગ પસંદ નથી. એના લટકાથી મોહિત થયેલી ગોપીએ અન્ય સાથે જોડાવાની આખડી-બાધા-પ્રતિજ્ઞા લીધી છે.

કૃષ્ણના લટકાથી વશ થયેલી વ્રજવનિતા પોતાની સૂધબૂધ ખોઈ બેઠી છે, નટવરથી નેડો લાગવાને કારણે, એના પરત્વે સ્નેહભાવ થયાને કારણે, એના નામનો છેડો-ચૂંદડી-પોતે માથે ઓઢી લીધી છે. આ કારણે લોકો નિંદા કરશે તો એની પણ પરવા નથી. એ લોકસમૂહને શ્ર્વાન સાથે સરખાવીને એના ભસવા સમાન બોલાયેલ વચનોની અવગણના કરે છે. આવા લટકાળા અને લોભામણા રૂપવાન કૃષ્ણના નયણાંની રતાશ અને એના કારણે જન્મેલું આકર્ષણ ‘નેણાં થારાં રાતાં’માં છે.

આવા કૃષ્ણપ્રિયતમને માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા માટે તલપાપડ ગોપીએ સેજ-પથારી-બિછાવી છે અને રસરાજ કૃષ્ણની રાહ જોઈ રહી છે એ ચિત્ર ‘હો પ્રીતમજી’માં અંકિત થયેલું છે. આખરે તો માત્ર કૃષ્ણ સાથે જ સગપણ અને એની ઝંખના એકનિષ્ઠભાવે કૃષ્ણપ્રીતિ કેવી રીતે જન્માવીને એને ધારણ કરવાની હોય એ ભાવ અનેક પદોમાં બ્રહ્માનંદ પ્રયોજે છે. ‘મારે સગપણ’, ‘મેં તો સગપણ કીધું રે’, ‘વરીએ તો’ અને ‘શું કરશે સંસારી’ જેવાં પદોમાં ભારે બળકટ રીતે બ્રહ્માનંદે ગોપીની આવી અવ્યભિચારીણીભક્તિને આલેખી છે. આખરે તો ભક્તસમુદાયમાં કૃષ્ણ માટેનો આ અવ્યભિચારી ભક્તિભાવ પ્રગટે એ બ્રહ્માનંદને અભિપ્રેત છે. સ્ત્રી લજ્જાશીલ છે, છતાં અનેક અવરોધો વચ્ચે પણ પોતાનો ભક્તિભાવ દઢ રીતે પ્રગટાવે તો આપણે ભક્તસમુદાયે તો માત્ર ને માત્ર કૃષ્ણ પરત્વે સમર્પણભાવ પ્રગટાવીને એમને જ ભજવાના હોય, એવો ભાવ ભાવકચિત્તમાં રોપતા જણાય છે. બ્રહ્માનંદની આ મોટી વિશિષ્ટતા છે કે તેઓ કૃષ્ણ-ગોપી પ્રેમના માધ્યમથી સમગ્ર ભક્તોને એનો પ્રેમ પ્રભુ શ્રીહરિ પરત્વે પ્રગટાવવા પ્રબોધે છે.

૩. રાસલીલામૂલક પદો:
કૃષ્ણચરિત્ર સાથે સંકળાયેલ પ્રસંગ રાસ મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતાની મહત્ત્વની વિષયસામગ્રી છે. બ્રહ્માનંદે ભાવનિરૂપણ માટે અને વર્ણનકલાશક્તિના કૌશલ્યનો પુરો પરિચય કરાવવા માટે ‘રાસપંચાધ્યાયી’ને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક પદરચનાઓનું સર્જન કર્યું છે. ‘કૃષ્ણસંગાથે’ રાસ રમતી ગોપાંગનાના ચિત્તમાં અભિમાન પ્રગટે છે. અંતર્યામી શ્રીકૃષ્ણને આનો ખ્યાલ આવી જતાં તેઓ અદૃશ્ય થઈ જાય છે અને પછી ગોપી વિરહભાવ અનુભવીને દુ:ખી થાય છે એનું બળકટ નિરૂપણ અહીં થયું છે. ગોપીની વ્યાકુળતાને વિવિધ દૃષ્ટાંતોના નિરૂપણથી મૂર્ત સ્વરૂપે પ્રગટાવી છે. વિરહનું પ્રબળ નિરૂપણ તો બારમાસી સ્વરૂપની ‘બાર મહિના’ રચનામાં છે. એક રીતે આ પદમાળા પ્રકારની રચના છે.


Also read: 2025માં ક્યારે ક્યારે લાગશે સૂર્યગ્રહણ, કઈ રાશિઓ પર થશે તેની અસર?


ભાવનું સાતત્ય પ્રત્યેક પદમાં છે અને પદશૃંખલામાંથી પ્રગટે છે કૃષ્ણનો વિરહ, પ્રત્યેક મહિને એનું વાતાવરણ ગોપાંગનાને કૃષ્ણની સ્મૃતિમાં ખેંચી જઈને એના તલસાટને તીવ્ર બનાવે છે. બાર મહિના દરમિયાન સમયાંતરે પ્રકૃતિ પોતાનો પ્રભાવ પાથરી રહી છે. એનું દર્શન ગોપાંગનાને આનંદ-ઉલ્લાસ કે પ્રસન્નતાને બદલે ખેંચી જાય છે, વિરહભાવમાં. પ્રકૃતિનિરૂપણને અનુષંગે ગોપીના ચિત્તની વિરહવ્યથા અહીં ક્રમશ: તીવ્ર થતી નિરૂપાઈ છે. અધિકમાસ એ તો પુરુષોત્તમ માસ કહેવાય. આ સમયે કૃષ્ણ સાથેનું મિલન અને એની પ્રસન્નતા સાથે બારમાસી પદમાળા પ્રકારની રચના પૂર્ણ થાય છે. અહીં બ્રહ્માનંદની વિરહભાવને રસાનુભાવને પ્રગટાવવાની-આલેખવાની પ્રતિભાકળા શક્તિનું દર્શન થાય છે.

(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button