કંટાળો આવે છે? | મુંબઈ સમાચાર
ધર્મતેજ

કંટાળો આવે છે?

  • ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં ધાર્મિક વિધિ-વિધાનોમાં હેતુની શુદ્ધિ દાખવીને હવે ભગવાન કૃષ્ણ સ્વકાર્યમાં શ્રદ્ધાને પ્રોત્સાહિત કરે છે.

આજકાલ લોકોને બોલતા સાંભળ્યા હશે, કંટાળી ગયા યાર…કામ ક્યારે પૂરું થશે? કંટાળો આવે છે, ભાઈ!… આજના સમાજની આ કરુણ અભિવ્યક્તિ છે. શ્રદ્ધાની પડતી અહીં પડઘાય છે. હા, શ્રદ્ધાના અભાવથી કંટાળો આવવો સ્વાભાવિક છે. જ્યારે કોઈ કાર્ય પ્રત્યે આપણે શ્રદ્ધા રાખતા નથી, ત્યારે તે કાર્યમાં રસ જાગતો નથી અને મન ઉદાસ થવા લાગે છે.

શ્રદ્ધાના અભાવે લીધેલું કામ છોડીને રિફ્રેશમેન્ટ માટે તલપાપડ જિંદગીની આ વસમી હકીકત છે. પણ શું જિંદગીની સફળતા રિફ્રેશમેન્ટ પર ટકેલી છે?

‘અબ્બુ જાન ! ક્યા મૈ થોડી દેર ભી ખેલ નહીં સકતા ?…અરે ઇતના ગુસ્સા ક્યોં કરતે હો…’ એક બાળકુસુમે હાથ ઉગામી રહેલા પોતાના પિતા સામે કાલાઘેલા શબ્દોમાં પણ ઠોસ દલીલ કરી. પિતાના ક્રોધથી ગરજતા મુખના વાદળોમાંથી થોડી વારમાં પ્રેમ પીયૂષ નીતરવા લાગ્યું, ‘બેટા ! તૂ થોડી દેર હાથ સે તબલા બજાએગા ઓર થોડી દેર હાથ સે ખેલેગા તો કમ ઉમ્ર મેં બહુત કુછ નહીં પા સકેગા. ઔર આજ તો તુને ખેલ ખેલ મેં ઉંગલી તોડ દી. મેરી ખ્વાઈશ હૈ કિ તુજે ઇસ ઉંગલી સે સંગીત કી દુનિયા કા બાદશાહ કરું. તુ સમજ લે તેરે લીએ તબલા હી દુનિયા હૈ. ખેલ જરૂરી હૈ લેકિન અપને મુખ્ય મકસદ મેં વહ બાધા નહીં બનના ચાહિએ.’

હા, આ વાર્તાલાપ એ વિશ્વવિખ્યાત તબલા વાદક ‘જાકીર હુસેન’ અને તેના પિતા ‘અલ્લારખા’ વચ્ચેનો છે. અહીં આપણને લાગે કે શું રમત જેવું થોડું ઘણું રિફ્રેશમેન્ટ ન જોઈએ…?

એક તરવરતી યુવાનીએ બસ એક દિવસ પોતાના મિત્રોને રાજી કરવા પોતાની મેચ છોડી. આ સિલસિલામાં જ તેના કોચે તેની પોલ ઉઘાડી કરવા પૂછ્યું ‘આજે તે કેટલા રન કર્યા? કેવી રીતે આઉટ થયો?’ ગુરુએ કાન પકડ્યા ને તે યુવાએ ભૂલ કબૂલી કે ‘ગુરુજી ! માફ કરો. મેં આજે જ બહાર બેસીને મિત્રોને પ્રોત્સાહિત કરવા મારી મેચ છોડી છે. બસ રિફ્રેશ થવા માટે!’ ત્યારે કોચનો ઉપદેશ એ તરુણ ઉપર તમાચા રૂપે ઊભરી આવ્યો ને સમસમતા તીર જેવા શબ્દો છૂટ્યા કે ‘સ્ટેડિયમમાં રહીને તાલી પાડવા કરતાં પીચમાં આઈને રમ, તો આખી દુનિયા તારા માટે તાલી પાડશે.’

આ શબ્દોનાં ટાંકણા વડે સર્જાયેલું શિલ્પ એટલે ‘સચિન તેંડુલકર.’ પરંતુ પ્રશ્ન થાય કે શું એકવાર પણ મિત્રો માટે રજા ન રાખી શકાય? આટલું રિફ્રેશમેન્ટ પણ નહીં?

ના, સફળતા માટે તો સ્વકાર્યમાં ગીતા કથિત શ્રદ્ધાની લૌ જીવનમાં સદા પ્રજ્વલિત રાખવી આવશ્યક નહીં પણ અનિવાર્ય છે.

એક વયોવૃદ્ધ સંતે આજીવન શ્રમ વેઠેલો. એકવાર વહેલી સવારે જાગી જતાં તેમના સેવકે કહ્યું,‘ સ્વામી! થોડો આરામ કરો.’ ત્યારે તે સંત કહે ‘ઊંઘ નહીં આવે.’ એટલે જાણે તેઓની ફરજ પ્રત્યેની સભાનતા આગળ ઊંઘ પણ માથું ઝૂકાવી દેતી. જે પુરુષને પોતાના કર્તવ્ય આગળ ઊંઘ પણ નજરે ન ચડતી હોય તેને ‘રિફ્રેશમેન્ટ’ જેવું તો શું હશે !

હા, આ પ્રસંગ છે તારીખ 22 જૂન 2024 ના રાજકોટ શહેરનો ને એ વયોવૃદ્ધ સંત એટલે બી.એ.પી.એસ. સંસ્થાના વર્તમાન સુકાની ‘ગુરુહરિ શ્રીમહંતસ્વામી મહારાજ.’ જેમણે 2016 થી 2024 ના વર્ષ સુધીમાં અબુધાબીમાં હિન્દુ મંદિર, રોબિન્સવિલમાં અક્ષરધામ તથા કુલ 540 જેટલાં મંદિરો સમાજને અર્પી દીધાં ને 365 થી વધુ ચૈતન્ય મંદિરો (સંતો) સર્જ્યાં. આ મુજબ પ્રત્યેક છઠ્ઠા દિવસે તેઓએ એક મંદિર આપ્યું ને આઠમા દિવસે એક સાધુને દીક્ષા.

91 વર્ષની ઉંમરે પણ જે સતત અનેક દેશોમાં વિચરતાં 100 કરતાં વધુ સેન્ટરોમાં ઘૂમે ને સંસ્કારની અવિરત ગંગા વહાવતા હોય તેની આગળ તો ‘રિફ્રેશમેન્ટ’ જેવો શબ્દ શરમાઈ જાય. કારણકે એમને સ્વકાર્યમાં શ્રદ્ધાપૂર્વક મંડી પડવું એ જ ‘આરામ’.

‘સર, થોડા ફ્રેશ થઈ જઈએ.’ જેવાં નિવેદનો કરનારા ઘણા નમણા નેણ શાળામાં શિક્ષકોથી અજાણ નહીં હોય. ‘વી નીડ હોલી ડે.’ જેવા શબ્દોના સૂરોથી ઘણાં કર્મચારી કે કામ કરનારાઓની મનવીણા રણઝણતી હશે. તો વીક-એન્ડમાં ‘સન્ડે’ માટે તલસતાં પ્યાસા લોકો પણ સમાજમાં જરૂર આલોકિત થતા હશે. કામ પૂર્ણ થાય ને ‘હાશ’ ને કાઠિયાવાડની ‘છાશ’ની જેમ માણનારા પણ ‘નબીરાઓ’ હશે જ. કારણકે આ વિશ્વને ‘બહુરત્ના વસુન્ધરા’ એમ ને એમ નથી કહેતા.

હા, જે પોતાનાં કાર્યોમાં ‘એવર ફ્રેશ’ હોય તેને ‘રિફ્રેશમેન્ટ’ની જરૂર નથી!

આપણ વાંચો:  અલૌકિક દર્શનઃ પ્રાણાયામ અગ્નિથી પણ વધુ દાહક છે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button