અલખનો ઓટલોઃ ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી…

ડૉ. નિરંજન રાજ્યગુરુ
ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી, નીરખ્યા તે રણછોડરાય રે…
-ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી…0
દયા કરીને તમે દરશન દીધાં કોટિ સરિયાં કાજ રે,
નેણે નીરખું ને હૈડે રે હરખું, વાલા લાગે હે વ્રજરાજ રે…
ચતુર ભુજ પ્રભુ છેલ છોગાળા,
રંગ ભીના રણછોડ રે,
શંખ ચક્ર ને ગદા પદ્મ બિરાજે,
મૂર્તિ રે છે મન મોડ રે…
-ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી…0
ભજન કરે રે તેના ભાવઠ ભાંગે,
પ્રેમ રંગે રિયે રાજી રે,
ભુપતિ કેરાં વા’લો ભોજન તજીને,
જમ્યા વીદુર ઘેર ભાજી રે…
પાંડવ કેરી તમેં રે પ્રતિમા પાળી,
પાંચાળીનાં પૂરિયાં ચીર રે,
સુદામાના વહાલે સંકટ કાપ્યાં,
સમરથ શ્યામ શરીર રે…
-ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી…0
વ્રજનાં વાસીને તમેં લાડ લડાવ્યાં,
પૂરી અંતર કેરી આશા રે,
ભક્ત વત્સલ પ્રભુ બિરદ તમારૂં,
વસો રે પ્રેમીજન પાસા રે…
ભજન જાણે તે તો મહાસુખ માણે,
ધન્ય ધન્ય તેની કમાઈ રે,
વિપ્ર નથુરામ દાસ તમારો,
રીઝવે હરિ ગુણ ગાઈ રે…
-ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી…0
લોક ભજનિકોમાં નથુરામના નામાચરણ સાથે જે રચનાઓ ગવાય છે તેમાં વિપ્ર નથુરામ, રવિભાણ સંપ્રદાયના ત્રિકમસાહેબના શિષ્ય નથુરામસાહેબ, બિલખાના શ્રીમન્ન નથુરામ શર્મા તથા અર્વાચીન કવિ નથુરામ સુંદરજીની ભજન-પદ રચનાઓ ઉપરાંત અન્ય નથુ અને નથુરામ નામધારી સર્જકોની વાણીમાં ખૂબ જ ભેળસેળ થઈ છે. અહીં વિપ્ર નથુરામની શિવ મહિમાની તથા શ્રી કૃષ્ણ ભક્તિની રચનાઓ આપી છે.
હાટકેશ્વર શું હેત ઘણેરો,
વા પર જાઉં બલિહારી રે…
પ્રેમ ધરી પ્રભાતે પૂજે,
હર હર શબ્દ ઉચ્ચારી રે,
ધન્ય જન્મ સો વેદ વખાણે,
પામે પદારથ ચારી રે…
જપ તપ જોગ જગન જુગતાઈ,
શિવ બીજું નહીં સુખદાઈ રે,
વા જપે અમર કરે વિવેકી, હય મેધ કરે હજારી રે…
- હાટકેશ્વ2 શું હેત ઘણેરો, વા પર જાઉં બલિહારી રે..0
સાર્વ ભોમ સંપત તો આપે,
શુભ પુત્ર પરિવારી રે;
કીર્તિવંત શો કહાવે જુગ મેં,
પર દુ:ખ ભંજન હારી રે…
સુખ કરતા દુ:ખ દરિદ્ર હરતા,
અભય પદ અધિકારી રે ,
નથુરામ કહે ભોળાને ભજતાં,
સર્વ કારજ નિરધારી રે…
- હાટકેશ્વર શું હેત ઘણેરો, વા પર જાઉં બલિહારી રે…0
(ઢાળ: ધીરાના કાફી )
એવી છબી પર વારી શ્યામ
હરિ છોગાળા રે, તમે રૂદિયામાં રહેજો રણછોડ રૂપાળા રે…
દીન દયાળુ પ્રભુ દેવ મોરારી,
રંગ ભીના રે રણછોડ,
રત્ન સિંહાસન રાજીવ લોચન વા’લા લક્ષ્મી નારાયણ જોડ,
એવું પ્યારૂં રૂપ પરખું રે,
મોહન વર મરમાળા.- એવી છબી પર વારી રે,
શ્યામ હરિ છોગાળા રે…0
કુંડળ કાને બાંયે બાજુ બંધ,
મરકલડું રે મન મોડ,
આશરે તારે આવે અભાગી વા’લા,
પૂરો પ્રભુ મનડાના કોડ,
આદિનું બિરદ એવું રે રાંકાનાં છો તમે રખવાળા.- એવી છબી પર વારી શ્યામ હરિ છોગાળા રે…0
ચતુર ભુજ શંખ ચક્ર બિરાજે,
કૌસ્તુભ મુક્તા રે માળ,
ચરણકમળ મારે ચિત્ત ધરંતાં વા’લા,
જૂઠી રે જગ જંજાળ,
હવે ભાવઠ મારી ભાગો રે,
ધોળુડી ધજાવાળા.- એવી છબી પર વારી શ્યામ હરિ છોગાળા રે…0
ધન્ય ઘડી રે આજ આનંદ હેલી,
નિરખ્યા દ્વારકા નાથ,
વિપ્ર નથુ રે ધન્ય નટવર નાગર વા’લા,
વિનવું જોડી ને હાથ,
મન કર્મ વચને જપતો રે,
હરિ કેરી જપ માળા.
- એવી છબી પર વારી શ્યામ હરિ છોગાળા રે…
આ પણ વાંચો…અલખનો ઓટલોઃ શરદ પૂનમની રાતડી…