એકસ્ટ્રા અફેર : ભાજપ સરકારે ભ્રષ્ટાચારી રોબર્ટને 11 વર્ષમાં કશું ના કર્યું | મુંબઈ સમાચાર
ધર્મતેજ

એકસ્ટ્રા અફેર : ભાજપ સરકારે ભ્રષ્ટાચારી રોબર્ટને 11 વર્ષમાં કશું ના કર્યું

-ભરત ભારદ્વાજ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હરિયાણાના ગુડગાંવ એટલે કે ગુરુગ્રામ જમીન સોદાને લગતા કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડરા સામે મની લોન્ડરિંગનના આરોપો સાથે ચાર્જશીટ દાખલ કરતાં વાડરા પાછા ચર્ચામાં છે. કેન્દ્ર સરકારની કે બીજી કોઈ પણ તપાસ એજન્સીએ વાડરા સામે ક્રિમિનલ કેસમાં ચાર્જશીટ દાખલ કર્યું હોય એવું પહેલી વાર બન્યું છે. આ ચાર્જશીટમાં વાડરા સિવાય બીજા ઘણા લોકો અને કંપનીઓનાં નામ છે પણ વાડરા નહેરૂ-ગાંધી ખાનદાનના જમાઈ છે અને પાછા વગોવાયેલા છે તેથી વધારે ચર્ચા તેમના નામની થઈ રહી છે. ઈડીએ 16 જુલાઈએ આ કેસમાં 37.64 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી ને એક દિવસ પછી ચાર્જશીટ દાખલ કરી દીધી.

કૉંગ્રેસ વાડરાના બચાવમાં મેદાનમાં આવી ગઈ છે ને આગેવાની રાહુલ ગાંધીએ લીધી છે. કૉંગ્રેસે વાડરા સામેના ચાર્જશીટને કૉંગ્રેસીઓને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો છે તો રાહુલ ગાંધીએ ષડયંત્ર ગણાવ્યું છે. રાહુલે એક્સ પર લખ્યું છે કે, ભાજપ સરકાર છેલ્લા દસ વર્ષથી મારા બનેવી રોબર્ટ વાડરાને હેરાન કરવાનું ષડયંત્ર અમલમાં મૂકીને બેઠી છે અને આ ચાર્જશીટ એ જ ષડયંત્રનો ભાગ છે. રાહુલનું કહેવું છે કે, રોબર્ટ, પ્રિયંકા અને તેમનાં બાળકો રાજકીય રીતે પ્રેરિત નિંદા અને ઉત્પીડનનો સામનો કરી રહ્યાં છે તેથી મારો તેમને સંપૂર્ણ ટેકો છે અને અંતે, સત્યનો વિજય થશે.

રાહુલના નિવેદનમાં કશું નવું નથી ને તેમના આક્ષેપોમાં પણ કશું નવું નથી પણ રાહુલની વાત અડધીપડધી સાચી છે. અડધીપડધી એ રીતે કે રોબર્ટ વાડરા સામે એકસાથે પગલાં લેવાના બદલે ઈડી કેસને છેલ્લાં 13 વર્ષથી રમાડી રહી છે. 2012માં વાડરાની કંપનીનો દસ્તાવેજ રદ કરી નાંખ્યો એ સાથે વાડરાનું પાપ છાપરે ચડીને પોકાર્યું. એ વખતે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી તેથી વાડરાનો વાળ પણ કોઈ વાંકો કરી શકે તેમ નહોતું પણ ભાજપે આ મુદ્દાને 2014ની લોકસભા ચૂંટણીમાં બરાબર ચગાવેલો. એ વખતે લાગતું હતું કે, કેન્દ્રમાં ભાજપની સરકાર આવશે એ સાથે જ રોબર્ટભાઈના બાર વાગી જશે ને જમાઈરાજ જેલની હવા ખાતા થઈ જશે.

કેન્દ્રમાં ભાજપની સરકાર આવી એ વાતને 11 વર્ષ પૂરાં થઈ ગયાં પણ રોબર્ટભાઈને કંઈ કેતાં કંઈ થયું નથી. જેલની હવા ખાવાના બદલે વાડરા પોતાના ફાર્મહાઉસની તાજી હવા ખાય છે. વિદેશોમાં હરેફરે છે ને એકદમ તાજામાજા થઈને રહે છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી નજીક આવે એટલે ભાજપના નેતાઓને વાડરાનો ભ્રષ્ટાચાર યાદ આવી જાય છે પણ પછી કોણ વાડરા ને કેવો ભ્રષ્ટાચાર? ચૂંટણી તાકડે જ રોબર્ટ વાડરા સામેનો કેસ ખૂલે છે ને એકાદ પગલું ભરાય છે. એ પછી રાત ગઈ બાત ગઈ. બીજી ચૂંટણી આવે ત્યાં લગી વાડરા ભલે ને મોજ કર્યા કરે. અત્યારે પણ એ જ ખેલ થઈ રહ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે એટલે પાછા વાડરાને સાણસામાં લેવાના હોય એવો દેખાવ કરાઈ રહ્યો છે પણ જેવી ચૂંટણી પતશે કે તરત વાડરાનો કેસ પાછો વખારમાં નાખી દેવાશે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: કાવડ યાત્રાના બહાને મુસ્લિમ તુષ્ટિકરણ, દિગ્વિજય નહીં સુધરે

રાહુલ કહે છે એ રીતે વાડરાને કિન્નાખોરી બતાવીને હેરાન નથી કરાઈ રહ્યા પણ વાડરાએ ભ્રષ્ટાચાર કર્યાના નક્કર પુરાવા છે. વાડરાનાં કાળાં કરતૂતની શરૂઆત 2008માં જમીનનો સોદો થયો એ સાથે થઈ હતી. ફેબ્રુઆરી 2008માં રોબર્ટ વાડરાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીએ ગુરુગ્રામના શિકોપુર ગામમાં 3.5 એકર જમીન ખરીદી હતી. ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી ખરીદાયેલી જમીનનો 7.5 કરોડ રૂપિયામાં સોદો થયો હતો. વાડરાની કંપનીએ દસ્તાવેજમાં જમીન ખરીદવા માટે 7.5 કરોડ રૂપિયાનો જે ચેક અપાયો હોવાની વિગતો આપેલી એ ચેક ક્યારેય જમા જ નહોતો કરાયો. ચેક જમા ના કરાયો તેનો મતલબ એ થયો કે, વાડરાની કંપનીને એક પણ રૂપિયો આપ્યા વિના સાવ મફતમાં 3.5 એકર જમીન મળી ગઈ. જે કંપની પાસેથી જમીન ખરીદી એ કંપની ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ નકલી કંપની હોવાની પણ શંકા છે કેમ કે આ કંપની પછી ગાયબ જ થઈ ગઈ.

જમીનનો સોદો થયો ત્યારે હરિયાણામાં કૉંગ્રેસની સરકાર હતી અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડા મુખ્યમંત્રી હતા એટલે વાડરાની કંપની માટે મોસાળમાં જમણવાર ને મા પિરસે જેવો ઘાટ હતો. નહેરૂ-ગાંધી ખાનદાનના ચમચા હુડ્ડાની સરકારે જમીન ખરીદ્યાના લગભગ એક મહિના પછી વાડરાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીને 2.7 એકર જમીન પર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિકસાવવાની મંજૂરી આપી દીધી.

આપણે ત્યાં સરકારમાં ફાઈલ આગળ વધતાં મહિનાઓ નિકળી જાય છે ત્યારે વાડરાની કંપની પર હુડ્ડા સરકાર કેમ મહેરબાન થઈ એ ઓપન સીક્રેટ છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટને મંજૂરી મળતાં જમીનની કિંમત રોકેટની ગતિએ વધી ગઈ ને લગભગ 2 મહિના પછી જૂન 2008માં સ્કાયલાઈટે આ જમીન ડીએલએફને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી. વાડરાની કંપનીએ ઓન પેપર 4 મહિનામાં 700 ટકાથી વધુ ભાવે જમીન વેચી હતી. વાસ્તવમાં વાડરા માટે વકરો એટલો નફો હતો કેમ કે વાડરાની કંપનીએ એક પણ પાઈ ચૂકવી નહોતી.

વાડરાના પાસે રૂપિયા આવી ગયા પછી હુડ્ડા સરકારે રાબેતા મુજબ સરકારી ધારાધોરણ પ્રમાણે કામ કરવા માંડ્યું અને 2012માં કોલોની બનાવવાનું લાઇસન્સ ડીએલએફને ટ્રાન્સફર કર્યું. એ વખતે હરિયાણા સરકારના લેન્ડ રજિસ્ટ્રેશન ડિરેક્ટર અશોક ખેમકાએ સોદામાં ઘાલમેલ કરાઈ હોવાનો મુદ્દો ઊભો કરીને જમીનની માલિકીની ટ્રાન્સફર રદ કરી દીધી. ખેમકાએ દાવો કર્યો હતો કે સ્કાયલાઇટને લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ભડકેલા હુડ્ડાએ ખેમકાની બદલી કરી નાંખી પણ ભાજપે આ મુદ્દાને ઉઠાવી લીધો તેમાં રોબર્ટભાઈનાં પાપનો ઘડો ફૂટ્યો. ભાજપના નેતા એ વખતે વાડરા સામે આક્રમક બની ગયેલા. ઉમા ભારતીએ તો કહેલું કે, હિંદુ સમાજમાં ભ્રષ્ટ જમાઈઓને હાથી નીચે કચડી નાંખવાની પરંપરા છે તેથી વાડરાના પણ એ જ હાલ થશે. રાજસ્થાનમાં વસુંધરા રાજેએ પણ અશોક ગેહલોતના સમયમાં વાડરાને અપાયેલી જમીનના કેસની તપાસ કરીને બહુ ફૂંફાડા માર્યાં હતાં પણ વાડરાને કશું થયું નથી.

હરિયાણામાં ભાજપની સરકાર આવી પછી 2018માં, હરિયાણા પોલીસે રોબર્ટ વાડરા, ભૂપેન્દ્ર હુડા, ડીએલએફ અને ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ સામે એફઆઈઆર દાખલ કરીને છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર બદસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ વાતને પણ સાત વર્ષ થઈ ગયાં પણ રોબર્ટભાઈને કશું થતું નથી.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ‘નાટો’ની પ્રતિબંધોની ધમકી: ભસતાં કૂતરાં કરડે નહીં

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button