ભજનનો પ્રસાદ : નાશવંત દેહનો આત્મા છે અવિનાશી…

- ડૉ. બળવંત જાની
(ગતાંકથી ચાલુ)
(7) `વિવેકસાર’ (હિન્દી-વ્રજ) : મૂળભૂત રીતે અહીં કેન્દ્રમાં એકાંતિક ભક્તિની પ્રાપ્તિની પ્રાર્થના છે. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યથી ભાવસભર ભક્તિનું પ્રબોધન, શ્રીહરિનું મહાત્મ્ય પણ અહીં કેન્દ્રમાં છે. સંત-અસંતને વિવેકપૂર્વક ઓળખવાનો, ચિત્તમાંના ષડરિપુઓને નાથવાનો, લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને માન આ પાંચને જીતવાનો આદેશ પણ અહીં કેન્દ્રમાં રહ્યો છે.
દેહ નાશવંત છે. આત્મા અવિનાશી છે. આથી દેહાયાસ છોડીને આત્મનિષ્ઠામય બનવાનું કવિ સૂચવે છે અને આત્માની ઓળખ આપતા તેઓએ ગીતાસારને ગોપવી લીધાં છે એ કડી અવલોકીએ.
`સડે નહીં સો જલકરી, વહિ્ન દહે ન તાય;
મરુત કરિ સોસે નહીં, અચલ નિર્લેપ કહાય.
જળથી ભીંજાતો-સડતો નથી. અગ્નિથી બળતો નથી, પવનથી સુકાતો નથી એવા આ અમલ-નિર્લેપ આત્માને જાણવાનું સૂચવાણું છે. આવા હિન્દી-વ્રજ નિશ્ચિત ભાષાના કુલ 43 દોહરામાં વિગતો વર્ણવેલ છે. છેલ્લા ત્રણમાં સમાપન ભાવ અભિવ્યક્ત થયો છે.
`શ્રીમુખ સહજાનંદ પ્રભુ, કહે જો એકાંતિક ધર્મ;
સો સંક્ષેપે સો કરી કહે, જાંનિ જથાવિધિ મર્મ…
ભક્તિ એકાંતિકી જો ચહે, સો યાકો કરી પ્રાપ્ત;
પઠન-શ્રવણ સબ કિજીયો, પ્રેમાનંદ નીત-નીત…
આવા એકાંતિક ભક્તિના સ્વરૂપના, મહિમાના આ ગ્રંથનું શ્રવણ-પઠન કરવાનું તેમણે જ સૂચવ્યું છે. સંપ્રદાયનો મહત્ત્વનો આ ગ્રંથ પણ કુંડળધામના જ્ઞાનજીવનદાસ થકી સંપાદિત અને જ્ઞાનપ્રકાશજી દ્વારા અનુદિત રૂપે `પ્રેમાનંદ સ્વામીના ગ્રંથો’ (2010)માં પ્રકાશિત કરેલ છે.
(8) દીક્ષાવિધિ' સ્વતંત્ર ગ્રંથ તરીકેની ઓળખ આપી શકાય એ સ્વરૂપના પ્રકારના 23 પદના ગુચ્છને
દીક્ષાવિધિ’ તરીકે ઓળખાવવો ઉચિત છે. મૂળ તો શતાનંદમુનિએ `સત્સંગીજીવન’ ગ્રંથમાં આ વિષયે વિગતે કથન કરેલ છે. એમાંના સારરૂપ તત્ત્વને પદના માયમથી પ્રેમસખીએ અહીં આલેખેલ છે. સંપ્રદાયની સાધનાધારાનો પદના માધ્યમથી પરિચય કરાવતા સંપ્રદાયની સિદ્ધાન્તધારાને તેઓ વણી લેતા હોઈને મને આ ગ્રંથસર્જન તેમનું આગવું પ્રદાન જણાયું છે.
આ પણ વાંચો: ભજનનો પ્રસાદ :વિવિધ સાહિત્ય કૃતિઓના સર્જક નિષ્કુળાનંદ પ્રેમભક્તિભાવનાં પદોમાં ભારે સંયમ સાથે શૃંગાર…
કાળ માયાનો ભય મોટો ગયો જો,
જન્મ મૃત્યુથી નિર્ભે થયો જો…
થયો શ્રીકૃષ્ણનો ભક્ત હું આજથી જો,
આવ્યો આશરે ન કરું લોક લાજથી જો…
વર્ણઆશ્રમ અવસ્થા જોઈને જો,
પ્રેમાનંદ કહે આવે તત્ત્વ દેહીને જો…
આ ઉપરાંત મને પદક્રમાંક 607 શિષ્ય સાંભળજે', 608,
સાંભળ શુદ્ધમતિ’, 609 નર જે સતસંગી, અને
સેવક સાંભળજે’ જેવા ઢાળવાળી (610) પદશૃંખલા પણ પ્રેમાનંદનો વિશેષ જણાઈ છે. ભાવબોધ, તત્ત્વબોધ અહીં લયાન્વિત પદાવલિમાં પ્રગટતો દૃષ્ટિગોચર થાય છે.
આ પણ વાંચો: ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક
(9) શિક્ષાપત્રી દોહરાવલિ’ (હિન્દી વ્રજ)
સ્વામીનારાયણ સંપ્રદાયના મહત્ત્વના ગ્રંથમાં `શિક્ષાપત્રી’ની મહત્તા ઘણી છે. મૂળ સંસ્કૃતના 212 શ્લોકનો નિત્યાનંદસ્વામીનો ગદ્યાનુવાદ ખરો અધિકૃત ગણાય છે. પ્રેમસખીએ શ્લોક અને આ ગદ્યાનુવાદને અનુસરીને હિન્દી અનુવાદ દોહરાબંધમાં કર્યો જણાય છે. સદ્ગુરુ સહજાનંદ સ્વામીની આજ્ઞાથી આ સર્જનાત્મક પ્રકારનો હિન્દી અનુવાદ આરંભ્યાનું તેઓ પ્રારંભે જણાવતા આલેખે છે.
`સો યહ પત્રી સંસ્કૃત, કીની શ્રી મહારાજ;
સ્વામી માંયે આજ્ઞા દઈ, પ્રાકૃત કરને કાજ…
મૂળમાં તો શ્રીહરિએ ઇષ્ટદેવના ધ્યાનરૂપ એક શ્લોકમાં મંગળાચરણ આલેખ્યું છે. અહીં પ્રેમાનંદે તેને બે દોહરામાં વણી લીધેલ છે. શિક્ષાપત્રીના એ રીતે 212 શ્લોકને તેમણે 215 દોહરામાં વણી લીધા છે. આમાં પ્રારંભિક મંગળાચરણના 9 અને અંતે શિક્ષાપત્રી પૂજન-મહિમાને કથતા બે ગણીએ તો કુલ 226 દોહારબંધમાં શિક્ષાપત્રીના ગદ્યભાવને તેમણે ગ્ૂાંથી લીધો જણાય છે. અદ્યાપિ અપ્રગટ આ રચનાને પ્રાચીન હસ્તપ્રતને આધારે કુંડળધામથી જ્ઞાનજીવનદાસજીએ સંપાદિત કરી છે. અને જ્ઞાનપ્રકાશજીએ ગુજરાતી અનુવાદ કર્યો છે. `પ્રેમાનંદ સ્વામીના ગ્રંથો’ (2010)માં આ રચના પ્રકાશિત થયેલી છે.
આ પણ વાંચો: ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક
પદકવિ પ્રેમાનંદે પદમાં સાંપ્રદાયિક સાધનાને ગ્ૂાંથી લીધી એવા થોડી પદશૃંખલાને સ્વતંત્રગ્રંથનું રૂપ આપીને અહીં મેં એ રચનાઓનો પરિચય કરાવીને પ્રેમસખી પ્રેમાનંદના ગ્રંથોનો આસ્વાદ આવા હેતુથી કરાવેલ છે. આ ઉપરાંત તેમની સમગ્ર પદરાશિનો પાંચમા ખંડમાં સમાવેશ કર્યો છે, તેનો પરિચય પ્રસ્તુત છે.
`શ્રીકૃષ્ણ અને સહજાનંદ સ્વામીકેન્દ્રી વિષયસામગ્રીથી સપ્ૃાક્ત સાહિત્ય’ આવા એક વિભાગમાં સ્વતંત્ર ગ્રંથરૂપે ગણાવી શકાય એવી થોડી પદમાળા પ્રકારની કૃતિઓ અલગ તારવેલી છે, તેની યાદી આ પ્રમાણે છે.
- `કૃષ્ણજન્મ સમે કે પદ’
- `કૃષ્ણ જન્મની વધાઈ’
- `રામચંદ્રની વધાઈ’
- `સ્વામીના મહિના – ચારબારમાસી, સાતવાર’
- `વિરહવિલાસ’
- `જ્ઞાનવિલાસ’
- `ઉત્સવપદ સંગ્રહ’
વિવિધ ભાવાનુભૂતિ',
સહજાનંદાનુભૂતિ’,જ્ઞાનમાર્ગી' તેમજ
પ્રેમ ભક્તિમાર્ગી’ અને `પ્રાસંગિક પદો’.
આ પણ વાંચો: ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કપૂત ઉદ્ગાતા…
વિવિધ પ્રકારના ભાવવિશ્વથી સભર આવી આઠ પ્રકારની વૈવિધ્યપૂર્ણ પદરાશિને મેં અહીં સંક્ષિપ્તમાં ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરીને મારો પ્રેમાનંદીય પદસ્વાયાય પ્રસ્તુત કરેલ છે. આમાં ખાસ તો કૃષ્ણભક્તિના પદો, સ્વાનુભવ-નીજ અનુભવની પ્રેમભક્તિમાર્ગી પદરાશિ અને વિપુલ એવી જ્ઞાનમાર્ગી પદરાશિમાંથી પ્રગટતી એમની સર્જનાત્મક વિશિષ્ટતા, આગવી અભિવ્યક્તિ અને અનોખા એવા કથનકળામાં દાખવેલા દૃષ્ટિકોણને અવલોકીને અભ્યાસ કર્યો છે. મૂળભૂત રીતે તો એમની સમપત રૂપની સેવાભાવનામાંથી જે સ્વર અને સૂર તેમણે આલેખ્યા, તે એમનું વિપુલ અને સત્ત્વશીલ પદસાહિત્ય. આ વિપુલ પ્રમાણનું અને વ્યાપક પ્રકારનું પદસાહિત્ય અવલોકતા તેઓ સહજાનંદમય હોવા છતાં અને સંપ્રદાયમતબદ્ધ હોવા છતાં શાસ્ત્રીય સંગીત, રાગ, તાલ અને વૈવિયસંપન્ન ભાવવિશ્વનો એમના દ્વારા થયેલો વિનિયોગ અવલોકતા લાગે છે કે એમાં એમણે સાંપ્રદાયિક સંકડામણ અનુભવી જણાતી નથી. સાંપ્રદાયિક સ્ૌદ્ધાન્તિક પીઠિકાના પદોની સમાંતરે સંયમ-નિબિડ શૃંગારચેષ્ટાઓના પદો પણ રચ્યા. બારમાસી, સાતવાર અને આખ્યાન સમીપ સ્થાન પામે એવા કથાનકને કડવાબંધમાં ઢાળવાને બદલે પદબંધમાં ઢાળવાનું તેમનું પ્રયોગશીલ વલણ મધ્યકાલીન ગુજરાતી રચનાબંધનું ધ્યાનાર્હ પાસુ મને જણાયું છે. એમનું સમુદાર સમરસપણું. વાણી, વ્યવહાર અને વર્તનથી તેઓ દાખવતા રહ્યા. આવા કારણથી પ્રેમસખી પ્રેમાનંદીય પદરાશિ સંપ્રદાયની સીમામાં કેદ ન રહી. સંપ્રદાય સિવાયના સંગીતજ્ઞો એની ઉપાસના-સાધનાગાનમાં સંમિલિત અદ્યપિ થતા રહ્યા. આમાં એમની કૃષ્ણભક્તિ, સહજાનંદપ્રીતિ જ્ઞાનમાર્ગ અને પ્રેમભક્તિમાર્ગથી સંપન્ન અને સભર ભાવવિશ્વ કારણભૂત છે. એમના વૈવિધ્યસંપન્ન સાહિત્યના પરિચય પછી હવે એમની વિશાળ પદવિશ્વના વૈપુલ્ય અને વૈવિધ્યને ત્રિવિધ પ્રકારે આસ્વાદીએ.
(ક્રમશ:)