પ્રેમસખી-પ્રેમાનંદ પોતાના જીવનકાળમાં અંત સુધી હરિસ્મરણ કરતા રહ્યા!

ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની
પ્રેમસખીએ ભક્તિ ભાવનાને અને શ્રીહરિની મૂર્તિને જ કેન્દ્રમાં રાખીને પોતાની પદરાશિનું નિર્માણ કર્યું છે, એવું નથી. એમના વિપુલ સર્જનને ઊંડાણથી અવલોકીએ અને તપાસીએ તો સંપ્રદાયના સિદ્ધાન્તોના, સહજાનંદસ્વામી કથિત તત્ત્વને પણ એમણે પોતાના પદનો વિષય બનાવેલ છે. સાથે-સાથે એમની સતત-અર્હનિશ સંગતને કારણે એમના ચરિત્રને આલેખતી કૃતિઓ, પણ સ્વતંત્રપણે ઓળખાવી શકાય એવું સર્જન પણ એમણે કર્યું છે. એમાં સંપ્રદાયની ઓળખ, આકૃતિ અને એમાંની અભિનવ-આગવી મુદ્દા તેઓ આલેખતા હોઈ, મને આવી કૃતિઓનો અલગ વિભાગ હેઠળ પરિચય કરાવવો આવશ્યક જણાયેલ છે. એમાં ભક્ત પ્રેમસખી, પંડિત પ્રેમાનંદ તરીકે પ્રગટ્યા છે. આવી કૃતિઓનો અહીં આ વિભાગ હેઠળ મારો અભ્યાસ પ્રસ્તુત કરવા ધાર્યો છે.
ધર્મવંશવેલ'-
આચાર્ય પધરામણી’- `હરિ-કૃષ્ણ નારાયણ ચરિત્રમ્’
- `હરિ ધ્યાનમંજરી’
- `હરિસ્વરૂપ ધ્યાન સિદ્ધિતા પદો’
- `સ્વરૂપ ભક્તિ નિર્ણય’
- `એકાદશી આખ્યા’
- `વિવેકસાર’
- `દીક્ષાવિધિ’
- `શિક્ષાપત્રી-દોહરાવલિ’
(1) ધર્મવંશવેલ’ : મને લાગે છે કે જે રીતે વૈષ્ણવસંપ્રદાયમાંવલ્લભવેલ’ પ્રચલિત છે. એ રીતે પ્રેમસખી પ્રેમાનંદે સ્વામિનારાયણ સંપ્રદાય સંદર્ભે શ્રીહરિના પિતાશ્રી હરિપ્રસાદ ધર્મદેવના વંશનો વેલો, ચાર પદમાં આલેખ્યો છે. આમ ધર્મવંશના વિસ્તારથી સહજાનંદ સ્વામી પછી એ વંશના આચાર્ય ગાદીપતિ બને અને, એ આચાર્યમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટપણે છે, એવી ભાવનાથી એમની પૂજા-અર્ચનાની પરંપરા શ્રીહરિના કથનથી પ્રચલિત બની. આ ચાર પદના અનુસંધાને મેં આચાર્ય પધરામણી’ની ચાર પદી ચોસર-શૃંખલાને પણધર્મવંશવેલ’ સાથે સાંકળીને અભ્યાસ કર્યો છે. પ્રેમસખીએ પણ એવા ભાવથી જ સર્જન કર્યાનું મને પ્રતિત થયું હોઈને અહીં એ બન્નેને એકસાથે સાંકળેલી છે.
(2) હરિકૃષ્ણનારાયણ ચરિત્રામૃતમ્’ (હિન્દી-વ્રજ) : પ્રેમસખી-પ્રેમાનંદ પોતાના જીવનકાળમાં અંત સુધી હરિસ્મરણ અને એમના સ્વરૂપનું તથા સંપ્રદાયની સ્ૌદ્ધાન્તિક પીઠિકાનું જ ગાન કરતા રહૃાા. એમના અક્ષરધામગમનના દિવસે સવારમાં પૂર્ણ કરેલો ગ્રંથહરિકૃષ્ણનારાયણ ચરિત્રામૃતમ્’ ખૂબ મહત્ત્વનો છે. કુંડળધામના સદ્ગુરુ જ્ઞાનજીવનદાસજીએ ધોલેરા તથા વડતાલમાં સંગ્રહિત પ્રાચીન હસ્તપ્રતને આધારે હિન્દી ભાષામાં રચાયેલા પ્રેમસખી પ્રેમાનંદકૃત આ ગ્રંથનું સંપાદન કર્યું. એનો અધિકૃત ગુજરાતી અનુવાદ વેદાન્તાચાર્ય શાસ્ત્રીશ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી પાસે કરાવીને એનું `પ્રેમાનંદ સ્વામીના ગ્રંથો’ નામથી ઈ.સ. 2010માં વડોદરાથી પ્રકાશન
કરેલું છે.
ગ્રંથમાં કુલ 68 અધ્યાય, 3972 દોહરા, ચોપાઈ, હરિગીત જેવા છંદોનો વિનિયોગ કરાયો છે. કૃતિની ભાષા વ્રજ મિશ્રિત હિન્દી છે. મહાગ્રંથની વિષયસામગ્રી શ્રીહરિના આવિર્ભાવ પૂર્વેથી માંડીને, અંતર્ધ્યાન થયાના પૂર્વકાળ સુધીની છે. શૈશવ અને પછી વિચરણ સ્થાનકો, હિમાલય પુલ્હાશ્રમ, જગન્નાથ એમ ભારતભૂમિની ચારેય દિશામાં શંકરાચાર્ય અને વિવેકાનંદજીની માફક પદયાત્રા કરીને સૌરાષ્ટ્રમાં સોરઠ ખાતેના લોજ ગામે પધરામણી. પછીના મુક્તાનંદ, રામાનંદ, મિલન, સંપ્રદાયની ધુરાની પ્રાપ્તિ, સોરઠ પછી ગઠડા, વડતાલ આદિ સ્થાનકે અને અન્ય છ સ્થળે શિખરબંધ મંદિરોનું નિર્માણ આદિ ચરિત્રલક્ષી, વિચરણ, સત્સંગ કેન્દ્રી વિગતોને પદ્યમાં કલાત્મક અભિવ્યક્તિ અર્પી છે. શ્રીહરિના ચરિત્રની નીજ અનુભૂતિની ઘણી બધી સામગ્રીઓ સંદર્ભ સમેત અહીં સમાવિષ્ટ પામી હોઈ એનું મૂલ્ય ઘણુંછે.
(3) હરિધ્યાન મંજરી’ (હિન્દી-વ્રજ): પ્રેમસખી-પ્રેમાનંદસ્વામીના મહત્ત્વના સાંપ્રદાયિક ગ્રંથોમાંહરિધ્યાન મંજરી’ નામનો હિન્દી-વ્રજ ભાષાનો ગ્રંથ સહજાનંદ સ્વામીની છબિ-ધ્યાન માટેની મુદ્રાઓથી સભર છે. કુલ ચૌદ પ્રકાશમાં, પ્રગટચરિત્ર, તલ-ચિહ્ન, ચેષ્ટા, સહજ સ્વભાવ, ગુણ, અસાધારણ લક્ષણો, માનસીપૂજા, સંતનામ, મહિમા જેવા શીર્ષકો આપેલ છે. પ્રત્યેક પ્રકાશની 50 થી 70 જેટલી દુહા, ચોપાઈ કે હરિગીત છંદના બંધની કડીઓ મળીને કુલ 927 કડીની આ રચના પ્રેમસખીના પરમ ધ્યાનનું સુફળ ગણાય છે. આટલી સૂક્ષ્મતાથી એમના ખરા અંતેવાસી, અને સેવક પ્રેમસખીએ કરેલું નિરીક્ષણ એમના વિચરણ સ્થળોની, એમનાથી દીક્ષિત બ્રહ્મચારી નંદસંતોની સંપૂર્ણ યાદી અને શ્રીહરિના ચરિત્રની ઘણી વિગતોનું દસ્તાવેજી આલેખન અહીં કાવ્યરૂપે અભિવ્યક્તિ પામ્યું છે. અધ્યાત્મ, ઇતિહાસ, સંસ્કૃતિ અને સમાજશાસ્ત્ર જેવી વિદ્યાશાખાને આવરી લેતો દસ્તાવેજી સામગ્રીથી સભર આ ગ્રંથ પણ જ્ઞાનજીવનદાસજીએ સંપાદિત કરેલ છે. ગુજરાતી અનુવાદમાં કુંડળધામના જ્ઞાનપ્રકાશદાસજીનો સહયોગ પ્રાપ્ત થયો છે. `પ્રેમાનંદસ્વામીના ગ્રંથો’ (2010)માં આ રચનાનું હસ્તપ્રત આધારિત સંપાદન પ્રકાશિત છે.
(4) હરિસ્વરૂપ ધ્યાનસિદ્ધિના પદો’ :ધ્યાનમંજરી’ જેવા ટૂંકા નામથી પ્રેમસખીના 50 ગુજરાતી પદની શૃંખલાની રચનાને વિવિધ વિદ્વાનોએ ઉલ્લેખી છે. હરિપ્રસાદ ઠક્કર, ઇચ્છારામ ઈશ્વરલાલથી સંપાદન આરંભાયું જણાય છે. પરંતુ કૃતિ બે ખંડમાં જણાય છે. પહેલામાં 16 પદો અને બીજામાં 14 પદો છે. અને હકીકતે ગ્રંથના અંતે પ્રેમસખીએ ઇતિશ્રી હરિસ્વરૂપ ધ્યાનસિદ્ધિનાં પદ સંપૂર્ણ’ એવી પુષ્પિકા આલેખ મૂકેલ છે. અહીં આલેખાયેલા બધાં પદો શ્રીહરિના ચરિત્રની ધ્યાનમૂર્તિ સંદર્ભેના હોઈને આવી ઓળખી આપી જણાય છે. કુંડળધામથી આજ સુધી અમુદ્રિત આ પદોપ્રેમાનંદ સ્વામીના ગ્રંથો’માં પ્રકાશિત થયાં છે.
(5) સ્વરૂપભક્તિનિર્ણય’ (હિન્દી) : શ્રીહરિના દિવ્ય ભાવો, સગુણ-નિર્ગુણ ભાવો, સાકાર-નિરાકાર રૂપ, કર્તા-અકર્તાસ્વરૂપ અને દસ પ્રકારની ભક્તિ જેવા આઠ-દશ વિષયોને આવરી લેતો સાંપ્રદાયિક ભક્તિ વિભાવનાનો દ્યોતક દોહરા બંધમાં રચાયેલો 80 કડીનો હિન્દી-વ્રજ મિશ્ર ભાષાનો આ ગ્રંથ અદ્યાવપિ અપ્રગટ હતો. સુરેન્દ્રનગર ગુરુકુળ નારાયણ સેવાદાસજી પાસેની પ્રાચીન હસ્તપ્રતને આધારે જ્ઞાનજીવનદાસજીએ આ રચના સંપાદિત કરી છે. જ્ઞાનપ્રકાશદાસજીએ ગુજરાતી અનુવાદ કર્યો છે. કુંડળધામનુંપ્રેમાનંદ સ્વામીના ગ્રંથો’ નામનું આ પ્રકાશન આવા કારણથી ખૂબ મહત્ત્વનું છે.
(6) એકાદશી આખ્યાન’ : હકીકતે તો 24 એકાદશીના મહત્ત્વને વર્ણવતો આ ગ્રંથ પ્રેમસખીની પદ નિરૂપણ કળાનો દ્યોતક છે. કુલ 88 પદોમાં પ્રારંભે સોળ કડી સુધી તો એકાદશીની ઉત્પતિકથા છે. પછીના પદોમાં જુદા જુદા રાગ-ઢાળમાં બંધમાં 24 એકાદશીનો મહિમા, નામ, પૂજાવિધિ, અને ફળપ્રાપ્તિ આદિ વિગતોને વણી લીધી છે. પ્રત્યેક પદો પાંચ-કે છ કડીનાં છે. અંતે પાંચ દોહામાં કૃતિના સ્વરૂપની વિગતો વર્ણવેલ છે. પદ અઠયાસી પુનીતમેં, ગાયા હરિ જગદીશ;
ચરણ ત્રણસો પંચાવન,
ઢાળ સરળ-બાવીશ. …4
દોહા પાંચ કરી ઉપરે,
લખ્યો સર્વ સંકેત;
પ્રેમાનંદ કે પ્રસન્નરહો,
હરિજન હરિ સમેત’. …5
પ્રેમસખીની ગ્રંથારંભ, અંત વગેરેની પ્રસ્તુતિની આલેખનષ્ટિનો અહીં પરિચય મળી રહે છે. (ક્રમશ:)
આપણ વાંચો : ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક