ધર્મતેજ

ચિંતનઃ ભક્તિમ્‌‍ મયિ પરાં કૃત્વા મારી પરમ ભક્તિને સિદ્ધ કરી

હેમુ ભીખુ

ગીતાના અઢારમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયમ જણાવે છે કે `જે પુરૂષ મારામાં પ્રેમ રાખીને આ પરમ રહસ્ય યુક્ત શાસ્ત્ર મારાં ભક્તોને કહેશે તે મને જ પ્રાપ્ત કરશે તેમાં કોઈ શંકા નથી’.

શાસ્ત્રો પર બધાંનો અધિકાર છે. શાસ્ત્ર સામાન્ય જન સમાજ માટે પણ છે. અહીં કોઈની પણ બાદબાકી જરૂરી નથી. બધાં આ ઈશ્વરનાં જ સંતાન છે. ઈશ્વરનો સંદેશો બધાંને પહોંચવો જોઈએ. ઈશ્વરનો સંદેશો બધાંને પહોંચાડવો જોઈએ. ઈશ્વરના સંદેશા પર બધાંનો અધિકાર છે. સત્માર્ગે વળવાની સંભાવના બધાં સાથે છે. અહીં જે પણ સત્ય સ્થાપિત છે તે જાણવાનો બધાંને હક છે. તે આધ્યાત્મની વ્યાખ્યા હોય, ભક્તિનાં પ્રકાર હોય, સાધનાનાં સિદ્ધાંત હોય, જ્ઞાનનો માર્ગ હોય કે નિષ્કામ કર્મની પસંદગી હોય, દરેક પ્રકારની સંભાવના દરેક માટે છે અને આ માટે માર્ગદર્શન માટે તેમનો અધિકાર પણ છે.

પછી પ્રશ્ન એ થાય કે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ રહસ્ય-યુક્ત શાસ્ત્ર ભક્તોને કહેવાની જ વાત કેમ કરી હશે. પ્રશ્ન સ્વાભાવિક છે, પણ યોગ્ય નથી. અહીં એમ નથી કહેવાયું કે માત્ર ભક્તોને જ આ વાત કહેવી. અહીં એમ નથી કહેવાયું કે આ જ્ઞાન ભક્તો માટે જ છે.

જ્ઞાન બધાંને આપી શકાય, પરંતુ જ્યારે ભક્તોને એ જ્ઞાન આપવામાં આવે ત્યારે તેનું જે પરિણામ સ્થાપિત થાય તેની વાત છે. યોગ્ય વ્યક્તિને જો દાન કરવામાં આવે તો જ તે દાનનું સાત્ત્વિક પરિણામ સ્થાપિત થાય. ગીતામાં અન્ય સ્થાને કહેવાયેલી આ વાત અહીં લાગુ પડે છે.

માનવ ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યારે અયોગ્ય વ્યક્તિના હાથમાં સામર્થ્ય આવી જાય ત્યારે સમગ્ર સંસાર માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે. કોઈ રાક્ષસને વરદાન મળી જાય તો તે ચોક્કસ પોતાના અહંકાર અને સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરશે. ક્યાંક આનાથી સૃષ્ટિનું સમીકરણ પણ ખોરવાઈ શકે. અયોગ્ય વ્યક્તિની સાધના સિદ્ધ થાય તો તે પણ સમગ્ર વ્યવસ્થા પોતાનાં હાથમાં લેવા પ્રેરાય. આવાં સંજોગોમાં પણ સૃષ્ટિનું સમીકરણ ક્યાંક ખોરવાઈ જવાની સંભાવના ઊભી થાય.

રાવણ જેવી વ્યક્તિએ અપાર ભક્તિથી જે શક્તિ પ્રાપ્ત કરી હતી તેનો દુપયોગ જ કર્યો હતો. અયોગ્ય વ્યક્તિની ભક્તિનું પરિણામ પણ ક્યારેક દુષ્પરિણામ લાવી શકે. અવિવેકી, અસંયમી કે રાક્ષસી વૃત્તિ વાળી વ્યક્તિના હાથમાં જ્ઞાન આવે ત્યારે શક્ય છે કે તેના થકી તે પોતાનું આગવું સામ્રાજ્ય સ્થાપવા અને સૃષ્ટિના સામ્રાજ્યનો વિનાશ કરવા પ્રેરાય. આધુનિક ઇતિહાસમાં પણ આવાં ઉદાહરણો મળી રહેશે. એટમ બોમ્બનું જ્ઞાન સામાન્ય માનવીના હાથમાં આવ્યું ત્યારથી દુનિયા એક પ્રકારના ભયના ઓથાર નીચે જીવે છે.

યોગ્યતા જરૂરી છે. ઐશ્વરિય કૃપા અને સામર્થ્ય પામવાં સાત્ત્વિકતા જરૂરી છે. નીરક્ષીરનો વિવેક હોવો જોઈએ, યોગ્ય-અયોગ્ય સમજવાની ક્ષમતા હોવી જોઈએ, સંયમ જાળવવાનું સામર્થ્ય હોવું જોઈએ, સૃષ્ટિની પ્રવર્તમાન વ્યવસ્થામાં વિશ્વાસ હોવો જોઈએ, બ્રહ્માંડની ઉત્પત્તિનાં કારણ પાછળ રહેલાં સાક્ષીભાવ અનુસારનું વર્તન હોવું જોઈએ, જીવનમાં તટસ્થતા, સંતુલન, નિર્લેપતા તથા સંતોષનું પ્રાધાન્ય હોવું જોઈએ, વ્યવહારમાં દૈવી સંપત્તિનું પ્રભુત્વ હોવું જોઈએ, ઈશ્વરના કાર્ય તથા ન્યાય માટે શ્રદ્ધા હોવી જોઈએ અને આ બધાં સાથે કામ ક્રોધ લોભ મોહ જેવાં દુશ્મનોથી મુક્તિ મળેલી હોવી જોઈએ. અન્યથા જો સામર્થ્ય પ્રાપ્ત થાય તો બ્રહ્માંડનાં સમીકરણોને પણ હાનિ પહોંચવાની સંભાવના ઊભી થાય. તેથી કહેવાય છે કે જ્ઞાન યોગ્યતા જોઈને આપવું પડે.

શાસ્ત્ર પણ બધી જ બાબત વ્યક્ત નથી કરી દેતાં. શાસ્ત્ર તો પ્રાથમિક સૂચન કરે, પ્રારંભિક ડગ મંડાય તે માટે માર્ગદર્શન કરે, `સંભાવના છે’ તેવો વિશ્વાસ સ્થાપિત કરે, અંદર રહેલી સુષુપ્ત ચેતનાને થોડી ઝંઝોળે અને આધ્યાત્મિક શ્રદ્ધા માટે મન-બુદ્ધિને તૈયાર કરે. પછી આગળનો પ્રવાસ ગુદેવ દ્વારા પ્રશસ્ત થાય. ગીતામાં પણ જણાવવામાં આવ્યું છે કે, યોગ્ય ગુની સેવા કરી, તેમને પ્રશ્ન પૂછી આગળનાં પ્રવાસ માટે માર્ગદર્શન મેળવવું. બની શકે કે આ ગુદેવ તમારા અંતરાત્માનો અવાજ બની દિવ્ય પ્રકાશ પ્રસરાવે જેનાથી આગળનો માર્ગ સ્પષ્ટ થતો જાય.

ગીતાનું જ્ઞાન એ જ પ્રકાશિત કરી શકે કે જેને એ જ્ઞાન યથાર્થતામાં સંપૂર્ણતામાં સમજાયું હોય. આ શક્ય નથી. છતાં પણ અહીં આ પ્રમાણે કહેવાયું છે. ગીતાનું જ્ઞાન આપવું એ માત્ર વ્યવહારિક ચેષ્ટા પણ હોઈ શકે. જેટલી સમજણ પડી છે, જેટલી યથાર્થ વાતો સમજાઈ છે, શું જણાવવું જરૂરી છે તે થોડું ઘણું સમજાયું છે, તેટલી અને તેવી વાતો કોઈકને ચોક્કસ કહી શકાય. પછી તે પ્રાપ્ત કરનારની ક્ષમતા તેમજ તત્પરતા પર આધાર રાખે કે આગળનો માર્ગ કેવી રીતે અને કેટલી ત્વરિતતાથી નિર્ધારિત થાય છે.

ઇતિહાસ જણાવે છે કે ક્યારેક જ્ઞાન આપનારની અપેક્ષાએ જ્ઞાન લેનારની અધ્યાત્મિક પ્રગતિ વધુ સંભવી શકે. આ વાસ્તવિકતાને આધારે પણ જેટલું સમજમાં આવ્યું છે તેટલું યથાર્થ, એ જ સ્વરૂપે પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો. મહત્ત્વનું એ છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં વ્યક્તિનો પ્રવેશ ન થવો જોઈએ. વ્યક્તિએ પોતાની જાતને બહાર રાખવાની, માત્ર શ્રીકૃષ્ણની વાત કહેવાની.

જેમ છે તેમ, જે છે તે, જે ક્રમમાં છે તે ક્રમમાં, જે સંદર્ભમાં છે તે સંદર્ભમાં, જે હેતુસર છે તે હેતુને અનુલક્ષીને, તેની શુદ્ધતા પવિત્રતા અને સાત્ત્વિકતા જાળવી રાખીને, કોઈપણ પ્રકારના વ્યક્તિગત ઉમેરા વગર, અન્ય કોઈ સંદર્ભ સાથે દાવા-દલીલ કર્યા વગર માત્ર નિમિત્ત કર્મ સમજીને યોગ્ય વ્યક્તિ સુધી-ભક્ત સુધી ગીતાની વાત પહોંચાડવાની. જેમ, ગીતાની વાત જેને કહેવામાં આવે છે તેની યોગ્યતા હોવી જોઈએ, તેમ ગીતાની વાત જે કહે છે તેની યોગ્યતા પણ એટલી જ જરૂરી છે.

આ પણ વાંચો…ચિંતનઃ સ્વભાવસ્તુ પ્રવર્તતે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button