ગીતા મહિમાઃ નિશ્ચિત મત

સારંગપ્રીત
ગત અંકમાં નિયત કર્મોની ચર્ચા કરીને હવે ભગવાન કૃષ્ણ પોતાનો નિશ્ચિત મત જણાવે છે, તે સમજીએ.
નિશ્ચિતતા એટલે મન, વાણી અને કર્મમાં એકતા, દૃઢતા અને સ્થિરતા! જીવનમાં નિશ્ચિતતા એ મનુષ્યના વ્યક્તિત્વનો એવો મજબૂત આધાર છે, જે તેને કોઈપણ પરિસ્થિતિમાં અડગ રાખે છે. જે મનુષ્યને પોતાનું લક્ષ્ય નિશ્ચિત અને સ્પષ્ટ હોય, તેના જ સંકલ્પ અડગ હોય છે. તે પરિસ્થિતિના વંટોળો, આકર્ષણો કે અવરોધો વચ્ચે પણ પોતાના માર્ગ પરથી ભટકતો નથી. જીવનમાં સફળતા મેળવવા માટે પ્રતિભા, જ્ઞાન અને સંસાધનો જેટલાં જરૂરી છે, એટલી જ જરૂરી છે નિશ્ચિતતા, કારણ કે વિફળતાનો સામનો કરવાની હિંમત અને સતત આગળ વધવાની શક્તિ એમાંથી જ મળે છે.
મહાત્મા ગાંધીજીનું જીવન નિશ્ચિતતાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમણે ભારતને સ્વતંત્ર કરવાનો નિશ્ચય કર્યો. એટલું જ નહીં પણ કેવી રીતે સ્વતંત્રતા પ્રાપ્ત કરવી તે રસ્તો પણ નિશ્ચિત હતો. તેથી અનેક કઠિનાઈઓ છતાં તેમણે અહિંસાનો માર્ગ ન છોડ્યો. તેમનું લક્ષ્ય એટલું નિશ્ચિત અને સંકલ્પ એટલો દૃઢ હતો કે આખરે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા.
તેવી જ રીતે સ્વામી વિવેકાનંદે ગરીબી અને સંકટ વચ્ચે પણ મારે વિશ્વને ભારતના અધ્યાત્મનું જ્ઞાન આપવું છે એવો સંકલ્પ કર્યો. આ નિશ્ચિતતાના કારણે તેઓ શિકાગોના ધાર્મિક સંમેલનમાં પહોંચ્યા અને ભારતની ગૌરવગાથા વિશ્વને સંભળાવી.
નિશ્ચિત વ્યક્તિ માત્ર પોતાનું જીવન સફળ બનાવે છે એ જ નહીં, પરંતુ બીજા લોકો માટે પ્રેરણાનું સ્રોત પણ બને છે. તેની વાતમાં વજન હોય છે, કારણ કે તે શબ્દો માત્ર બોલતો નથી, પરંતુ પોતે જીવીને બતાવે છે. આવી વ્યક્તિ સંકટકાળમાં પણ ખચકાતી નથી, કેમ કે તેના મનમાં ‘આ કરવાનું જ છે’ એવો અડગ વિશ્વાસ હોય છે.
નિશ્ચિતતા માણસના જીવનમાં એન્જિનના ઈંધણ જેવી છે, જે તેને લક્ષ્ય તરફ અવિરત દોડાવતું રહે છે. સંકલ્પ, શ્રદ્ધા અને ધીરજ સાથેની નિશ્ચિતતા માણસને અસંભવ લાગતાં કાર્યો પણ સંભવ બનાવે છે. જે મનુષ્ય આ ગુણને અપનાવે છે, તે જીવનમાં ક્યાંય થંભતો નથી અને અંતે વિજયનો હકદાર બને છે.
ભગવત ગીતામાં પણ ભગવાન કૃષ્ણ પોતાનો નિશ્ચિત મત જણાવે છે. તેઓ કહે છે કે જે પોતાનાં નિયત કર્મ કહ્યા છે તે પણ આસક્તિરહિત થઈને કરવાનાં છે. ફળની આસક્તિ વગર કરેલાં નિયત કર્મો જ મોક્ષ સુધી લઈ જાય છે. હા, આ નિશ્ચિત મત છે. આ જ સિદ્ધાંત છે.
ફળની આસક્તિ ત્યાગીને નિયત કર્મો કરવાનો મર્મ ન કેવળ ગીતા પરંતુ અન્ય શાોમાં પણ સ્પષ્ટ મળે છે. આનો અર્થ એ નથી કે કર્મ કરવાથી ફળ મળવું જ ન જોઈએ, પરંતુ ફળ મળવાની અપેક્ષા, તેની ચિંતા કે લાલસા છોડવી જોઈએ. જ્યારે મનુષ્ય ફળની આસક્તિ રાખીને કાર્ય કરે છે, ત્યારે તે પરિણામ પર વધુ ધ્યાન આપે છે અને કર્મની શુદ્ધતા તથા એકાગ્રતા ઘટી જાય છે. પરંતુ જ્યારે તે ફળને પ્રભુની ઇચ્છા તરીકે માને અને માત્ર પોતાના કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તે કર્મ શ્રેષ્ઠ બને છે અને મન નિષ્કલંક રહે છે.
આવાં નિષ્કામ કર્મ માટે પ્રથમ મનમાં આ ભાવ પેદા કરવો જરૂરી છે કે હું જે કાર્ય કરું છું તે ઈશ્વરાર્પણ છે. આ રીતે કરેલા કાર્યમાં અહંકાર અને સ્વાર્થ પ્રવેશતા નથી. બીજું, કર્મ કરતાં સમયે મનને પરિણામના વિચારોથી દૂર રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, એક વિદ્યાર્થી અભ્યાસ કરે તો એનું મુખ્ય ધ્યેય જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ, માત્ર પરીક્ષાના ગુણો પ્રાપ્ત કરવાની ચિંતા નહીં. જ્યારે તે સંપૂર્ણ મનથી અભ્યાસ કરે છે, ત્યારે ગુણ આપમેળે સારા મળે છે.
નિયત કર્મ એટલે પોતાની ફરજ, પોતાના સ્થાન અને પરિસ્થિતિ મુજબનું કર્તવ્ય. ગૃહસ્થ માટે પરિવારમાં પ્રામાણિકતા અને જવાબદારી નિભાવવી નિયત કર્મ છે; વિદ્યાર્થી માટે અભ્યાસ; સંત માટે સાધના અને સેવા. આ કર્મો કરવાનું કારણ માત્ર ફળની અપેક્ષા નહીં, પરંતુ ધર્મભાવ અને કર્તવ્યભાવ હોવું જોઈએ.
મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે આ માર્ગે ચાલવા માટે રોજિંદા જીવનમાં સ્વાધ્યાય અને ઉપાસનાથી મનને સંયમમાં રાખવું જોઈએ. જ્યારે મન શાંત અને સ્થિર બને છે, ત્યારે ફળની લાલસા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. જ્યારે મનુષ્ય આ ભાવના સાથે નિયત કર્મો કરે છે, ત્યારે તેનું જીવન સ્વચ્છ, સંતુલિત અને શાંતિમય બને છે.
આ પણ વાંચો…ગીતા મહિમાઃ અવશ્ય કરવાનાં કર્મ



