ધર્મતેજ

ફોકસઃ મૃત્યુ પછી પણ ફરજ નિભાવતા સૈનિકનું મંદિર!

કવિતા યાજ્ઞિક

આપણા દેશમાં દેવી-દેવતાઓના મંદિરો હોય એ તો નવાઈની વાત નથી. આપણને અહીં ફિલ્મી કલાકારોથી લઈને રાજકારણીઓનાં મંદિરો બન્યાં હોય તેવા દાખલા પણ જોવા મળે છે. જોકે, આપણે એવા કોઈ મંદિરની વાત નથી કરવી. તો કોના મંદિરની વાત કરીશું? આજે આપણે એક સાવ અનોખા મંદિરની વાત કરવી છે. તેના વિશે જાણીને એક ભારતીય તરીકે પણ આપણું મસ્તક ગર્વથી ઊંચું થઇ જાય, આંખોમાં અહોભાવ છલકાઈ આવે.

ગુજરાતની ધરતીની માટીની સુગંધ જેમની રચનાઓમાં છલકાય છે, તેવા કવિ દાદની અમર રચના છે,

‘ધડ ધીંગાણે, જેનાં માથાં મસાણે, એના પાળિયા થઇને પૂજાવું
રે ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું!’
આ શબ્દોને અક્ષરશ: સાચો કરનાર એક સૈનિકના મંદિરની વાત કરવી છે. અને આશ્ર્ચર્યની વાત એ છે કે, ખરેખર જીવતાંજીવ નહીં, પરંતુ મૃત્યુ પછી પણ ધડ ધીંગાણે, અર્થાત્ સરહદ પર તેની હાજરી છે!! ન માની શકાય તેવી પણ આ હકીકત છે. આમ તો આપણે ભૂતપ્રેત જેવી વાતોને અંધશ્રદ્ધા ગણીને નકારી દઈએ છીએ. પણ સરહદ પર પહેરો ભરતાં અનેક સૈનિક, સાક્ષી પુરાવે છે કે હા, તેઓ છે.

આ પણ વાંચો: ફોકસઃ આ મંદિરનાં ભગવાન વ્યાપારમાં ભાગીદાર બને છે!

આપણે જેની વાત કરી રહ્યા છીએ, તે છે ભારતીય સેનાના જાબાંઝ સિપાહી હરભજન સિંહ, જેઓ હવે બાબા હરભજન સિંહ તરીકે ઓળખાય છે. 30 ઓગસ્ટ 1946ના રોજ પંજાબ (હાલનું પાકિસ્તાન)ના સદરાણા ગામમાં જન્મેલા હરભજન 1966માં ભારતીય સેનાની પંજાબ રેજિમેન્ટ માં સૈનિક તરીકે જોડાયા. આ પછી, 1968માં, તેમને 23મી પંજાબ રેજિમેન્ટ સાથે પૂર્વ સિક્કિમ માં પોસ્ટ કરવામાં આવ્યા.

4 ઓક્ટોબર, 1968 ના રોજ, નાથુલા પાસ પાસે ખચ્ચરના ઝુંડને દોરી જતી વખતે, તેનો પગ લપસી ગયો અને તે કોતરમાં પડી ગયો, જેના કારણે તેનું મૃત્યુ થયું. તે સમયે કોતરોમાં વહેતા પાણીના જોરદાર પ્રવાહ સાથે તેનું શરીર તણાઈ ગયું. ભારે શોધખોળ બાદ પણ તેમનો મૃતદેહ મળી નહોતો રહ્યો. તે સમયે સૌથી પહેલી આશ્ચર્યજનક ઘટના બની.

હરભજન સિંહ તેમના એક સાથી સૈનિક પ્રીતમ સિંહના સપનામાં દેખાયા અને તેને તેમના ગુમ થયેલા શરીરની જગ્યા જણાવી સેનાના અધિકારીઓએ પહેલા તો આ વાત ન માની. પરંતુ આશ્ચર્યજનક રીતે, ભારતીય સેનાને ત્રણ દિવસની શોધખોળ પછી બરાબર તે જ સ્થળે તેમનો મૃતદેહ મળ્યો, જે જગ્યા સાથી સૈનિકને સપનામાં જણાવી હતી! એવું કહેવાય છે કે હરભજન સિંહે પોતાના સાથીને સ્વપ્નમાં દર્શન આપીને પોતાનું સ્મારક બનાવવાની વિનંતી કરી હતી. ત્યારબાદ, યુનિટે જેલેપ પાસ અને નાથુલા પાસ વચ્ચે 14,000 ફૂટની ઊંચાઈએ સિપાહી હરજભજન સિંહની સમાધિ બનાવી. આ સમાધિ હવે એક મંદિરમાં ફેરવાઈ ગઈ છે.

આ પણ વાંચો: ફોકસઃ આ મંદિરમાં ભગવાન બધાનો સમય સાચવી લે છે!

ત્યાં બાજુમાં હરભજન સિંહનો અંગત રૂમ છે જેમાં તેમનો તમામ અંગત સામાન છે – સુઘડ રીતે રાખેલા યુનિફોર્મ, પોલિશ્ડ જૂતા, સારી રીતે જાળવણી કરેલ સૂવાનો પલંગ અને અન્ય ઘરગથ્થુ સામાન. ભારતીય સેનાના સૈનિકો મંદિરની ચોકીદારી કરે છે અને દરરોજ તેમના જૂતા પોલિશ કરે છે. ત્યાં તૈનાત સૈનિકોએ ઘણીવાર તેમના જૂતા પર કાદવ અને તેમના પલંગ પર કરચલીઓ જોયાની વાત કરી છે. ક્યારેક બીજી સવારે બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયાનું પણ જોવાયું છે.

હરભજન સિંહ મૃત્યુ પછી પણ સૂક્ષ્મ દેહે સરહદની રખેવાળી કરે છે, તેની પુષ્ટિ અનેક ભારતીય સૈનિકો કરી ચુક્યા છે. ઘણા સૈનિકોએ હરભજન સિંહને ઘોડા ઉપર સરહદની ચોકી કરતા જોયા છે. તમે નહીં માનો, પણ સિક્કિમની સરહદે ચોકી કરતા ચીની સૈનિકોએ પણ રાત્રીના સમયે તેમને સરહદ પર એકલા ચોકી કરતા જોયાનો દાવો કર્યો છે! ચીની સૈનિકોમાં તેને કારણે હરભજન સિંહનો ડર પેસી ગયો છે.

આપણા કેટલાક સૈનિકોએ કહ્યું છે કે હરભજન સિંહ તેમને સ્વપ્નમાં આવીને દુશ્મનની ગતિવિધિઓની માહિતી આપી જાય છે. આ માહિતી દરેક વખતે સચોટ પણ સાબિત થઇ છે! તેને કારણે લશ્કરને સરહદની સુરક્ષામાં ઘણી મદદ મળે છે. ઘણા સૈનિકો જેમના ગણવેશમાં શિસ્તનો અભાવ હોય, અથવા જેઓ રાત્રે પેટ્રોલિંગ કરતી વખતે સૂઈ જતા હતા, તેમને હરભજન સિંહે થપ્પડ મારી હોવાના અહેવાલ છે. સૈનિકોને નજીકમાં કોઈની હાજરી ન હોવા છતાં તેમને થપ્પડ પડતી હતી!

આ પણ વાંચો: ફોકસઃ સંઘર્ષ પછીની સર્વોચ્ચ સિદ્ધિ

હરભજન સિંહની મૃત્યુ પછી પણ ડ્યૂટી નિભાવવાની આ દેશભક્તિને ભારતીય સેનાએ બિરદાવીને તેમની નોકરી કાયમ રાખી હતી. તેમને રીતસરનો પગાર પણ અપાતો હતો, જે તેમના પરિવારને મોકલવામાં આવતો હતો. અન્ય સૈનિકોની જેમ તેમને પણ બે મહિનાની છુટ્ટી અપાતી હતી. તે દરમિયાન તેમના ઘરે જવા માટે ટ્રેન ટિકિટ બુક કરવામાં આવે અને સ્થાનિક લોકો તેમનો સામાન લઈને રેલવે સ્ટેશન પર છોડવા પણ જાય.

સૈનિકો તેમનો સમાન તેમના ઘરે મૂકી આવે અને રજા પૂરી થતાં ફરીથી તેમના રૂમમાં ગોઠવી દેવાય. તેમને સમય-સમયે પ્રોમોશન પણ અપાતું હતું. તેઓ ડિસેમ્બર 2016માં સેનામાંથી માનદ કેપ્ટન તરીકે સત્તાવાર રીતે નિવૃત્ત થયા. પરંતુ ભારત-ચીન ફ્લેગ મિટિંગમાં હરભજન સિંહના બેસવા માટે એક ખુરશી આજે પણ ગોઠવાય છે.

બાબા હરભજન સિંહના મંદિર પર તેમની પુણ્યતિથિના દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન થાય છે. તેમના મંદિર પર ધરાવવામાં આવેલું પાણી પીવાથી બીમાર વ્યક્તિ સાજો થવાની માન્યતા છે. 21 દિવસ સુધી આ પાણી વાપરી શકાતું હોવાનું કહેવાય છે. નિવૃત્તિ પછી પણ માનદ કેપ્ટન હરભજન સિંહ સરહદ પર પોતાની સેવા આપી રહ્યા છે તેવું કહેવાય છે. ન માત્ર ભારતીય સેના, પણ પ્રત્યેક ભારતીયને આ મંદિરની મુલાકાત લઈને ગર્વની લાગણી થાય તે સ્વાભાવિક છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button