અલૌકિક દર્શન: આધ્યાત્મિક અનુભવો અલૌકિક પ્રકારના છે...
ધર્મતેજ

અલૌકિક દર્શન: આધ્યાત્મિક અનુભવો અલૌકિક પ્રકારના છે…

ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
આ સુષુપ્ત કુંડલિની પ્રાણાયામ, મુદ્રા, જપ, ધ્યાન આદિ સાધનાથી અને વિશેષ કરીને ભગવત્કૃપાથી જાગૃત થાય છે. સુષુમ્ણાનું સામાન્યત: બંધ રહેતું દ્વાર ખોલીને તે માર્ગે આ મહાશક્તિ ઊર્ધ્વારોહણ કરે છે અને માર્ગમાં આવતા ચક્રોનું ભેદન કરતી કરતી આગળ વધે છે જેમ જેમ આ કુંડલિની આરોહણ કરતી જાય છે તેમ તેમ સાધકની ચેતનાનું પણ ઊર્ધ્વીકરણ થતું જાય છે, જ્યારે આ શક્તિ સહસ્રારમાં પહોંચે ત્યારે બ્રહ્મરંધ્રસ્થ શિવ સાથે શક્તિનું મિલન થાય છે અને સાધક સમાધિ અવસ્થાને પામે છે અને સમાધિના જ વિશેષ અભ્યાસથી આખરે પરમ ધ્યેય કૈવલ્યાવસ્થાને પામે છે.

જે જે ચક્રોનું કુંડલિની શક્તિ ભેદન કરે તે તે ચક્ર અધોમુખ સ્વરૂપ છોડીને ઊર્ધ્વમુખી બને છે. ચક્રની બિડાયેલી પાંખડીઓ વિકસિત બને છે. માત્ર ચક્રની પાંખડીઓ જ નહિં ચેતના પણ વિકસિત બનતી જાય છે.

કુંડલિનીની આ ઊર્ધ્વયાત્રા, મણિપુર સુધી પ્રમાણમાં સરળ છે. ત્યાંથી આગળના અમુક ચક્રોના ભેદનનું કાર્ય પ્રમાણમાં મુશ્કેલ છે તેથી આવા ચક્રોને યૌગિક પરિભાષામાં ગ્રંથિ કહેવામાં આવે છે.

ષટ્ચક્ર નિરૂપણમાં એક મહત્ત્વના વિષયનું નિરૂપણ છે જે નોંધનીય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં મસ્તક અને મેરુદંડનું મિલન સ્થાન છે ત્યાં સુષુમ્ણા નાડી બે ફાંટામાં વહેંચાય છે. એક માર્ગે તે વિશુદ્ધ ચક્રથી આજ્ઞા ચક્રમાં થઈને સહસ્રારમાં પહોંચે છે આ માર્ગને પૂર્વ માર્ગ કહે છે.

બીજો માર્ગ સીધો જ સહસ્રારમાં જાય છે. તેને પશ્ચિમ માર્ગ કહે છે. જ્ઞાનેશ્વર મહારાજના મતે આ માર્ગમાં પણ બીજા પાંચ ચક્રો છે. આ ચક્રોના નામ ત્રિકૂટ, શ્રીહાટ, ગોલ્હાટ, ઔષ્પીઠ અને ભ્રમર ગુફા છે. પૂર્વ માર્ગ કરતાં પશ્ચિમ માર્ગ કઠિન પણ ચડિયાતો ગણાય છે.

કુંડલિની જાગરણની પ્રક્રિયા દરમિયાન સાધકને અનેકવિધ અનુભવો થાય છે. આ અનુભૂતિઓને ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે.

  1. દર્શનો – ભગવત્-વિગ્રહનું દર્શન દેવ-દેવીઓનું દર્શન, પુષ્પપર્વત, નદી, સૂર્ય, ચંદ્ર જેવા પ્રાકૃતિક દર્શનો, મંદિર, યજ્ઞવેદી, લોકલોકાંતર વગેરેના દર્શનો; ગત જન્મના પ્રસંગો, ભાવિની આગાહી કરતાં પ્રસંગો. વગેરે.
  2. નાદશ્રવણ – ઓમ્કાર, બંસીવાદન, નૂપુરનો અવાજ, મયૂરનો ટહુકાર, શંખવાદન વગેરે, કોઈ વાર ઈષ્ટદેવતા, દેવ-દેવી, ગુરુ કે કોઈ મહાપુરુષના શબ્દો પણ સંભળાય છે.
  3. સ્પર્શની સંવેદનાઓ – સુષુમ્ણા પથ પર કુંડલિનીની યાત્રા દરમિયાન ભિન્નભિન્ન ચક્રો પર સાધક ભિન્નભિન્ન પ્રકારની સ્પર્શ સંવેદનાઓ અનુભવે છે. ઉષ્ણતા, ભીનાશ, ઠંડક, થોડીવેદના, સુખસંવેદના, વગેરે અનેકવિધ સ્પર્શ સંવેદનાઓનો અનુભવ થઈ શકે છે.
  4. ગંધ સંવેદનાઓ – સાધકને અલૌકિક પ્રકારની દિવ્યગંધનો અનુભવ પણ થાય છે.
  5. સ્વાદની સંવેદનાઓ – કોઈ કોઈવાર સાધકને વિશિષ્ટ પ્રકારની અલૌકિક સ્વાદનો અનુભવ પણ થઈ શકે છે.

આ પ્રકારની અનુભૂતિઓ સાધકને ધ્યાનાવસ્થામાં, સ્વપ્નાવસ્થામાં કે કોઈવાર જાગૃતાવસ્થા દરમિયાન પણ થઈ શકે છે. આ પ્રકારના અનુભવોમાં વ્યક્તિગત ભિન્નતા ખૂબ છે. એટલે સર્વસામાન્ય એવો કોઈ ક્રમ બાંધી શકાય તેમ નથી. વળી, આ પ્રકારના અનુભવો કુંડલિની જાગરણના અનિવાર્ય લક્ષણો છે, એવું પણ નથી.

આવા અનુભવો અને તેને જ લગતાં ઈંદ્રિયગત અનુભવો વચ્ચે બે મુખ્ય ભેદ છે. (શ) ઈંદ્રિયગત અનુભવો બાહ્ય ઉદ્દીપકોને પરિણામે થાય છે, જ્યારે આ અનુભવોમાં કોઈ બ્રાહ્ય ઉદ્દીપકો હોતા નથી. તેઓ અંદર બનતી ઘટના છે. (શશ) ઈંદ્રિયગત અનુભવો લૌકિક જગતની ઘટના છે, તેથી સાધકની ચેતનાને બાંધે છે.,જ્યારે આ આધ્યાત્મિક અનુભવો અલૌકિક પ્રકારના છે અને સાધકની ચેતનાને મુક્ત થવામાં મદદ કરે છે. કોઈકવાર કોઈક સાધકમાં વિશિષ્ટ પ્રકારની શક્તિઓ વિકસે એવું પણ બની શકે છે.

આ અનુભવો માર્ગ પરના સીમાચિહ્નો છે અને તેથી આવકાર્ય છે, પરંતુ તે સાધકનું લક્ષ્ય નથી. તેથી તેમને માટે અભિપ્સા સેવવી નહીં અને આવે તો તેમનામાં રમમાણ રહેવું નહીં, પરંતુ ભગવત્-કૃપાનો પ્રસાદ સમજી તટસ્થ અને નમ્ર રહેવું.

અધ્યાત્મપથ પર થતાં અનુભવો સદ્ગુરુ સિવાય અન્યત્ર વ્યક્ત ન કરવા તે અધ્યાત્મપથની શિસ્ત છે.
બીજી પણ એક વાતનો ખ્યાલ રાખવો કે આવા અનુભવો ઘણીવાર સાચા હોય છે અને ઘણીવાર મનોકલ્પિત ભ્રમણાઓ પણ હોય છે. સાચા કે ભ્રમયુક્ત અનુભવોને તો સદ્ગુરુ જ પારખી શકે છતાં નીચેનાં લક્ષણો પરથી કંઈક અંદાજ મેળવી શકાય તેમ છે.

  1. સાચા અનુભવો વ્યક્તિની ચેતનાનું રૂપાંતર કરે છે. સાધકની ચેતનામાં શુચિતા, સરલતા, દુન્યવી ભોગો પ્રત્યે વિરક્તિ, શ્રદ્ધા, સમર્પણભાવ, વગેરે ઉચ્ચ આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રગટે છે. સાધકની ભ્રામક અનુભવો વ્યક્તિની ચેતનામાં વિકૃતિ લાવે છે અને વ્યક્તિનું જીવન ઊર્ધ્વગામી બનવાને બદલે વેરણછેરણ બની જાય છે.
  2. સાચા અનુભવો સુખદ-આહ્લાદક હોય છે, જ્યારે ભ્રામક અનુભવો કષ્ટપદ અને વેદના વધારનાર હોય છે.
  3. સાચા અનુભવો પામનાર સાધકને પોતાના અનુભવો અભિવ્યક્ત કરવાની વૃત્તિ થતી નથી, પરંતુ ભ્રામક અને મનોકલ્પિત અનુભવો પામનાર વ્યક્તિમાં પોતાના અનુભવોનો પ્રચાર કરવાની વૃત્તિ હોય છે.
  4. સાચા અનુભવ દરમિયાન વ્યક્તિના મુખ પર તેજ છવાય જાય છે. ભ્રામક અનુભવો દરમિયાનવ્યક્તિનો ચહેરો નિસ્તેજ બની જાય છે.
  5. સાચા અનુભવો પામનાર સાધકને પોતાના અનુભવોની સચ્ચાઈ વિશે સામાન્યત: બહુ શંકા રહેતી નથી. ભ્રામક અનુભવો મેળવનાર વ્યક્તિમાં ઊંડે ઊંડે પોતાના અનુભવોની સચ્ચાઈ વિશે શંકાનોકીડો રહ્યા જ કરે છે.

કુંડલિનીના ઊર્ધ્વરોહણની પ્રક્રિયા બધા સાધકોમાં એક જ સરખી હોતી નથી. આ ગતિને શાસ્ત્રોમાં પાંચ પ્રકારની ગણાવવામાં આવેલ છે.

જેવી રીતે કીડી ધીમે ધીમે અને એક સરખી ગતિથી આગળ વધે છે તેવી રીતે કેટલાક સાધકોમાં કુંડલિની ધીમે ધીમે અને એકસરખી ગતિથી ઊર્ધ્વગમન કરે છે આ પ્રકારની ગતિને પિપીલિકા ગતિ કહે છે.

  1. ભેક ગતિ: દેડકો કૂદકા મારે છે અને બે-ત્રણ કૂદકા મારીને પાછો રોકાય છે અને ફરી આગળ વધે છે. આ રીતે કુંડલિની જ્યારે કૂદકા મારતી અને રોકાતી રોકાતી આગળ વધે ત્યારે તેની ગતિને ભેક ગતિ કહે છે.
  2. સર્પ ગતિ:
    સર્પ વાંકીચૂંકી ગતિથી સડસડાટ આગળ વધે છે. આ પદ્ધતિથી જ્યારે કુંડલિની ગતિ કરે ત્યારે તેને સર્પગતિ
    કહે છે.
  3. વિહંગ ગતિ: પક્ષી વચ્ચે આવતાં સ્થાનોને સ્પર્શ કર્યા વિના ઉડ્ડયન કરે છે કુંડલિની જ્યારે પક્ષીની જેમ ઉડ્ડયન કરતી આગળ વધે ત્યારે તે ગતિને વિહંગ ગતિ કહે છે.
  4. વાનર ગતિ: વાનર કૂદાકૂદ કરતાં આગળ વધે છે. આ રીતે કુંડલિની કૂદાકૂદ કરતાં કરતાં આગળ વધે ત્યારે તે ગતિને વાનર ગતિ કહે છે.

પ. કુંડલિની જાગરણના ઉપાયો

  1. કુંડલિની જાગરણનો સર્વેશ્રેષ્ઠ ઉપાય તો ભગવત્કૃપા જ છે. અન્ય સાધનો કૂવાના પાણી જેવા છે,જ્યારે ભગવત્કૃપા અનરાધાર વર્ષાની હેલી સમાન છે. અન્ય સાધના કરવામાં આવે ત્યારે પણ સાધનાની સફળતાનો આધાર ભગવત્કૃપા પર જ છે. એટલે ઈશ્વપ્રણિધાન સર્વ સાધનોમાં શ્રેષ્ઠ અને સર્વ સાધનોના પાયારૂપ સાધન છે.
    (ક્રમશ:)

આ પણ વાંચો…અલૌકિક દર્શન: કુંડલિની શક્તિ: સમગ્ર બ્રહ્માંડ શિવશક્તિની લીલા છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button