ધર્મતેજ

અલૌકિક દર્શન -અમરકથાના શ્રવણથી મૃતપ્રાય ઈંડામાં ચૈતન્ય પ્રગટ્યું, ઈંડામાંથી શુકશાવક બહાર આવ્યું!

ભાણદેવ

વક્તવ્યને યથાર્થત: સમજવા માટે વકતાના જીવનને અને જીવનદર્શનને સમજવાં જોઇએ જે વકતામાં છે તે જ વકતવ્યસ્વરૂપે અભિવ્યક્ત થાય છે. વકતા પહાડ છે અને વકતવ્ય તેમાંથી નીકળતી નદી છે. પહાડનાં દર્શન કર્યા વિના નદીના સ્વરૂપને સમજી શકાય નહીં.

શુકદેવજી ‘શ્રીમદ્ ભાગવત’ના પ્રધાન વકતા છે. ‘શ્રીમદ્ ભાગવત’ શુકદેવજીના મુખમાંથી નીકળેલું અમૃત છે-શુકદેવજીનું અમૃતતુલ્ય વકતવ્ય છે. ‘શ્રીમદ્ ભાગવત’રૂપી વકતવ્ય સમજવા માટે તેના પ્રધાન વકતા શુકદેવજીના જીવનન પણ સમજવું જોઇએ.

શુકદેવજીના જીવનને સમજવા માટે આપણી પાસે ઇતિહાસ નથી, પરંતુ પુરાણકથા છે. પુરાણકથામાં ઐતિહાસિક સત્ય ન હોય તો પણ તેમાં જીવનનું સત્ય હોય જ છે. શુકદેવજીનાં જીવનને અને જીવનદર્શનને સમજવા માટે આ કથાઓ મૂલ્યવાન સાધનો છે.

એક વાર કૈલાસ પર્વતની અમર ગુફામાં શિવજી અને પાર્વતીજી બિરાજમાન હતાં. તે વખતે પાર્વતીજીએ અમરકથા સાંભળવાની હઠ કરી. જે વ્યક્તિ આ કથા સાંભળે તે અમર બની જાય તેવું તે કથાનું દૈવત છે-મહિમા છે. અનિચ્છા છતાં પાર્વતીજીની હઠને કારણે શિવજીએ તેમને અમરકથા કહેવાનો પ્રારંભ કર્યો. આ કથા કહેવાનો પ્રારંભ કરતાં પહેલા ગુફામાં અન્ય કોઇ જીવ ન હોય તેની કાળજી લીધી. ગુફામાં રહેતાં પક્ષીઓને ઉડાડી મૂકયાં. આમ છતાં ગુફાની છતના એક બાકોરામાં પોપટનું મૃતપ્રાય ઈંડું હતું, તે તરફ શિવજી કે પાર્વતીજીનું ધ્યાન ગયું નહીં. અમરકથાના શ્રવણથી મૃતપ્રાય ઈંડામાં ચૈતન્ય પ્રગટ્યું, ઈંડામાંથી શુકશાવક બહાર આવ્યું અને અમરકથાનું શ્રવણ કરવા લાગ્યું.

શિવજીના મુખેથી સાંભળેલી આ અમરકથાનું શ્રવણ કરીને મૃત્યુને આરે પહોંચેલું શુકશાવક (પોપટનું બચ્ચું) અમર બની ગયું. કથા દરમિયાન પાર્વતીજીને ઊંઘ આવવા લાગી. ઊંઘના કારણે પાર્વતીજી યોગ્ય સમયે હોંકારે પૂરી શક્યાં નહીં. હોંકારાના અભાવે કથાનો પ્રવાહ વચ્ચે જ અટકી જશે તેમ ધારીને પાર્વતીને બદલે શુકશાવકે ‘ઓમ્ ઓમ્’ કહીને હોંકારો પૂરવાનું શરૂ કર્યું. હોંકારાના અવાજમાં પરિવર્તન આવવાથી શિવજી સાવધાન થઈ ગયા.

તેમને ગુફામાં ત્રીજી વ્યક્તિની હાજરીની જાણ થઈ ગઈ. શિવજીએ જોયું તો તેમને જણાયું કે ગુફાની છતના એક બાકોરામાં બેસીને એક શુકશાવક કથાનું શ્રવણ કરી રહ્યું છે. આવી ગુપ્ત અમરકથા એક શુકશાવકે સાંભળી લીધી છે તે જાણીને શિવજીને ક્રોધ ચડ્યો. શિવજી હાથમાં ત્રિશૂળ લઈને તે શુકશાવકને મારવા તત્પર થયા. શુકશાવક નાસી ગયું. શિવજી તેની પાછળ દોડ્યા.

આગળ શુકશાવક અને પાછળ શિવજી, એમ બન્ને વ્યાસાશ્રમમાં પહોંચ્યાં. બદ્રીનાથથી આશરે પાંચ કિમી ઉપરવાસે સરસ્વતી અને અલકનંદાનું સંગમસ્થાન છે. આ સંગમસ્થાન પાસે સામ્યાપ્રાસનું મેદાન છે. આ મેદાનમાં ભગવાન વ્યાસજીનો આશ્રમ હતો. આ આશ્રમમાં ભગવાન વ્યાસજી, તેમનાં ધર્મપત્ની અને વૈશંપાયન, પૈલ આદિ અનેક શિષ્યો વસતાં હતાં. શિવજીના ત્રિશૂળથી બચવા માટે શુકશાવકે શુક શરીરનો ત્યાગ કરીને, માનવશિશુના રૂપે વ્યાસજીનાં ધર્મપત્ની અરણીદેવીના ગર્ભમાં પ્રવેશ કર્યો. આખરે શિવજીએ વિચાર્યું કે અમરકથા સાંભળીને જે અમર બનેલ છે તેને હણવું કેવી રીતે અને હણવું શા માટે? આમ વિચારીને શિવજી સ્વસ્થાને પાછા ફર્યા.

ભગવાન વ્યાસજીનાં ધર્મપત્ની અરણીજીના ગર્ભમાં અવસ્થિત શુકશાવક હવે માનવશરીરધારી છે અને હવે તેમનું નામ વ્યાસપુત્ર શુકદેવજી છે. શુકદેવજીની ચેતનામાં શિવજીની ચેતના પ્રવેશી છે, તેથી શુકદેવજીને જન્મ પહેલાં જ ગર્ભાવસ્થાથી જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. જ્ઞાની શુકદેવજી ગર્ભમાંથી બહાર આવતા નથી. બધું જાણે છે, ગર્ભમાં રહ્યાં-રહ્યાં માતા પિતા સાથે વાતો કરે છે, પરંતુ ગર્ભમાં જ રહીને ભગવત્સ્મરણ કરે છે.

ભગવાન વ્યાસજી અને માતા અરણીદેવી શુકદેવજીને ગર્ભમાંથી બહાર આવવા વિનવે છે, પરંતુ શુકદેવજી બહાર આવવા સંમત થતા નથી. શુકદેવજીનો એક જ જવાબ છે: ‘આ દુનિયામાં ભગવાનની માયાનું સામ્રાજ્ય છે. હું માયામાં ફસાવા ઈચ્છતો નથી, તેથી હું ગર્ભાવસ્થા છોડીને બહાર આવવા ઈચ્છતો નથી. હું ભગવાનનું સ્મરણ કરું છું અને અહીં બધી રીતે બરાબર છું.’

આ રીતે શુકદેવજી ગર્ભાવસ્થામાં સોળ વર્ષ સુધી રહ્યાં. ભગવાન વ્યાસજી અને માતા અરણીદેવી ખૂબ મૂંઝાયાં, પરંતુ શુકદેવજી બહાર આવવા સંમત થતા નથી. ભગવાનના ભક્તો જ્યારે મૂંઝવણ અનુભવે ત્યારે તેમને સહાયભૂત થવા માટે તેમની પાસે ત્વરાથી પહોંચી જવા માટે નારદજી સદા તત્પર હોય છે. નારદજી વ્યાસાશ્રમમાં પધારે છે અને વ્યાસજી મૂંઝવણ જાણે છે. નારદજી શુકદેવજીને બહાર આવવા વિનવે છે અને બહાર આ દુનિયામાં આવ્યા પછી પણ ભગવાનની માયા તેમને સ્પર્શી નહીં શકે તેવું વચન આપે છે અને વ્યાસજી પણ આવી ધરપત આપે છે, પરંતુ શુકદેવજી સંમત થતા નથી.

શુકદેવજી કહે છે: ‘તમારા બન્નેમાંથી કોઈ માયામાંથી સર્વથા અને સર્વદા મુક્ત જ છો તેમ કહી શકાય નહીં. માયાની અસરમાં તમે પણ ક્યારેક આવી જાઓ છો, તેથી તમારા વચનનો ભરોસો કરી શકાય નહીં. તમે કોઈ માયાપતિ નથી. જે માયાના અધિપતિ છે તે ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ મને માયામુક્તિનું વચન આપે તો હું ગર્ભાવસ્થામાંથી બહાર આવવા તૈયાર છું.’ ગર્ભસ્થ શુકદેવજીની આ વાત સાંભળીને નારદજી દ્વારિકા ગયા અને ભગવાન શ્રીકૃષ્ણને વ્યાસાશ્રમમાં તેડી લાવ્યા. ભગવાન શ્રીકૃષ્ણ ગર્ભસ્થ શુકદેવજીને વચન આપે છે:

‘શુકદેવજી! તમને હું વચન આપું છું કે તમને મારી માયા કદી સ્પર્શી શકશે નહીં. શાશ્ર્વત કાળ સુધી તમે મારી માયાથી મુક્ત રહેશો. તમે ગર્ભાવસ્થામાંથી બહાર આવો.’

ભગવાન શ્રીકૃષ્ણનું આવું વચન સાંભળીને શુકદેવજીના મનનું સર્વથા સમાધાન થયું અને તેઓ ગર્ભમાંથી બહાર આવ્યા. સોળ વર્ષ સુધી ગર્ભમાં રહેનાર શુકદેવજી જન્મ વખતે જ સોળ વર્ષના યુવાન હતા અને માયાતીત હોવાથી કાલાતીત હતા, કારણ કે કાળ માયામાંથી નિષ્પન્ન થતું તત્ત્વ છે. જ્યાં માયા નથી ત્યાં કાળ નથી, જે માયાતીત છે તે કાલાતીત છે.

શુકદેવજીએ શિવજીના મુખે અમરકથા સાંભળી છે, તેથી તેઓ અમર છે અને શ્રીકૃષ્ણે માયાતીતપણાનું વરદાન આપ્યું છે તેથી માયાતીત અને પરિણામે કાલાતીત પણ છે. શુકદેવજી હંમેશાં સોળ વર્ષના જ રહે છે. શુકદેવજી ગર્ભાવસ્થામાંથી બહાર તો આવ્યા, પરંતુ વ્યાસાશ્રમમાં માતાપિતા પાસે રહ્યા નહીં. જન્મીને તરત ચાલવા જ માંડ્યા. જાતકર્મ, ચૂડાકર્મ, ઉપનયન સંસ્કાર આદિ સંસ્કારો વિના જ શુકદેવજીને પરિવ્રાજકની જેમ ચાલતા થયેલા જોઈને ભગવાન વ્યાસ વ્યાકુળ બની ગયા. (ક્રમશ:)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button