અલૌકિક દર્શનઃ પ્રાણાયામને અંતે સંપ્રદાયનો અનુભવ થવો જોઈએ

ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
- પ્રાણાયામનું સ્વરૂપ
પ્રાણાયામમાં ત્રણ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે:
(1) પૂરકમાં શ્વાસ અંદર લેવામાં આવે છે.
(2) આંતર કુંભક કે બહિર્કુંભકમાં શ્વાસને અંદર કે બહાર રોકવામાં આવે છે.
(3) રેચકમાં શ્વાસ બહાર કાઢવામાં આવે છે. એ વાત સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે શ્વાસ અંદર લેવાથી, રોકવાથી કે બહાર કાઢવાથી પૂરક, કુંભક અને રેચક બનતા નથી. તે માટે તેમાં બીજાં ત્રણ તત્ત્વો ઉમેરવા જોઈએ.
(1) પ્રાણસંયમ અને પ્રાણોત્થાનનું લક્ષ્ય દૃષ્ટિ સમક્ષ રાખવું જોઈએ
(2) પ્રાણાયામની પ્રક્રિયા દરમિયાન સતત એક વિશિષ્ટ મનોવલણ જાળવી રાખવું જોઈએ.
(3) શ્વાસ અંદર લેવાની, રોકવાની અને બહાર કાઢવાની ક્રિયા એક વિશિષ્ટ પદ્ધતિથી થવી જોઈએ.
હઠપ્રદીપિકાકાર આ હકીકત ખૂબ સુંદર રીતે કહે છે-
युक्तं युक्तं त्यजेद्वायु युक्तं युक्तं च पूरयेत|
युक्तं युक्तं बघ्नीयादेवं सिद्घिमवाप्नुयात्॥
- ह. प्र; २-१८
યોગ્ય પદ્ધતિથી વાયુ બહાર કાઢવો, યોગ્ય પદ્ધતિથી વાયુ અંદર લેવો અને યોગ્ય પદ્ધતિથી વાગુ ધારણ કરવો-આ પ્રમાણે કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
પ્રાણાયામની વ્યાખ્યા કરવાનું કાર્ય કઠિન છે, પરંતુ આટલા વિવરણ પછી હવે આપણે પ્રાણાયામની વ્યાખ્યા બનાવવાનો પ્રયત્ન કરીએ-
‘પ્રાણાયામ એટલે પ્રાણસંયમ અને પ્રાણોત્થાનનો હેતુ સિદ્ધ કરવા માટે એક વિશિષ્ટ મનોવલણપૂર્વક, વિશિષ્ટ ઉપયુક્ત પદ્ધતિથી શ્વાસના પૂરણ, સ્તંભન અને રેચનની પ્રક્રિયા.’
- પ્રાણાયામનાં મુખ્ય લક્ષણો પ્રાણાયામ ખરા અર્થમાં પ્રાણાયામ ક્યારે બને છે? કયાં-કયાં લક્ષણો છે, જેમનાથી પ્રાણાયામ પ્રાણાયામ બને છે?
(1) પ્રાણાયામના અનેક પ્રકારો છે. પ્રત્યેક પ્રકારના પ્રાણાયામની વિશિષ્ટ પદ્ધતિ હોય છે. જે કોઈ પ્રકારનો પ્રાણાયામ કરવામાં આવે તેની વિશિષ્ટતા અને પદ્ધતિ બરાબર સમજીને તે પ્રમાણે તે પ્રાણાયામ કરવામાં આવે, તે આવશ્યક છે.
(2) પ્રાણાયામમાં રેચક અને પૂરક ખૂબ ધીમે ધીમે કરવાના હોય છે. मंदं मंदं पिबेद्वायु मंदं मंदं वियोजयेत् (ગોરક્ષકશતક) પૂરક અને રેચક દરમિયાન શ્વાસ પરનું આ નિયંત્રણ એક નસકોરું બંધ કરીને અથવા શ્વસનમાર્ગ આંશિક રીતે બંધ કરીને સાધવામાં આવે છે.
ભસ્ત્રિકા પ્રાણાયામના પ્રથમ વિભાગમાં પૂરકરેચક ખૂબ ઝડપથી કરવામાં આવે છે. આ એક અપવાદ છે, તેમ સમજવું.
(3) પ્રાણાયામનું કોઈ અંગ, વિશેષત: કુંભક કોઈ પણ તબક્કે કષ્ટપ્રદ ન બને તે અવશ્યક છે. તેથી જ તેનું પ્રમાણ પોતાની શક્તિ પ્રમાણે નક્કી કરવું જોઈએ. પ્રાણાયામને અંતે સંપ્રદાયનો અનુભવ થવો જોઈએ, થાક કે કષંટનો નહિ.
પ્રાણાયામનો અભ્યાસ ધીમે ધીમે અને સાવચેતીપૂર્વક વધારવો જોઈએ. જો આ બાબતની કાળજી લેવામાં આવે તો પ્રાણાયામ જોખમી બની શકે છે.
(4) પૂરક, કુંભક અને રેચકના સમયનું એક નિશ્ચિત પ્રમાણ હોય છે. આ પ્રમાણમાં પહેલેથી છેલ્લે સુધી એકધારું જળવાવું જોઈએ.
(5) પ્રાણાયામમાં પેઢુ, પેટ અને છાતીનું અમુક નિશ્ર્ચિત રીતે નિયંત્રણ કરવાનું હોય છે. આ પ્રક્રિયા શીખીને તેનો વિનિયોગ કરવો જોઈએ.
(6) પ્રાણાયામના આગળના અભ્યાસમાં ત્રિબંધનો વિનિયોગ કરવામાં આવે છે. સૌથી પ્રથમ ઉડ્ડિયાન બંધ, પછી કુંભક દરમિયાન જાલંધર બંધ અને છેલ્લે મૂલબંધ ઉમેરવામાં આવે છે.
(7) પ્રાણાયામના અભ્યાસની કોઈ પણ બેઠક દરમિયાન ઓછામાં ઓછા અમુક આવર્તન આવશ્યક છે, કારણ કે તો જ પ્રાણાયામની અસર થાય છે. પ્રથમથી અંતિમ આવર્તન સુધીના પ્રત્યેક આવર્તનનો સમય સરખો રહેવો જોઈએ.
(8) પ્રણાલિકા એવી છે કે પ્રાણાયામના અભ્યાસ દરમિયાન નાસાગ્ર દૃષ્ટિ, ભૂમધ્ય દૃષ્ટિ તે અમાવસ્યા દૃષ્ટિ (આંખો બંધ રાખવી) રાખવામાં આવે છે.
(9) પ્રાણાયમના અભ્યાસ દરમિયાન પૂરક અને રેચક વખતે થતી વાયુની આવ-જા નાકની અંદરના ભાગમાં અનુભવવાની હોય છે અને તે રીતે ધ્યાન ધીમે-ધીમે અંદર વાળવાનું હોય છે.
(10) પ્રત્યેક અધ્યાત્મસાધન માટે આદેશ છે. मनोयोगेन समावरेत (સાધન મનોયોગપૂર્વક કરવું જોઇએ અને कुर्यात़् अध्यात्म चेतसा (સાધન) આધ્યાત્મિક દૃષ્ટિબિંદુથી થવું જોઇએ. જયાં સુધી પ્રાણાયામમાં આધ્યાત્મિક અભિગમ ભળે નહીં, ત્યાં સુધી પ્રાણાયામ સાચા અર્થમાં પ્રાણાયામ બની શકે નહીં.
(11) પ્રાણાયામની બહિરંગ પ્રક્રિયા આખરે તો પ્રાણના પ્રવાહો પર સંયમ સિદ્ધ કરવા માટે છે. જયારે આ સંયમ સિદ્ધ થાય ત્યારે જ પ્રાણાયામ (પ્રાણ+આયામ=પ્રાણાયામ) સિદ્ધ થયો ગણાય.
(12) પ્રાણાયામ એક સમર્થ અધ્યાત્મ સાધન છે અને હઠયોગનું તો કેન્દ્ર છે.
- પ્રાણાયામ અને શ્વાસોચ્છવાસના વ્યાયામ વચ્ચે ભિન્નતા અનેકવાર પ્રાણાયામને શ્વાસોચ્છવાસના વ્યાયામની એક પદ્ધતિ માની લેવામાં આવે છે, પરંતુ બંને મૂળભૂત રીતે જ ભિન્ન છે. આપણે બંનેના ભેદને સમજવાનો પ્રયત્ન કરીએ.
(1) પ્રાણાયામ અધ્યાત્મ સાધન છે. શ્વાસોચ્છ્વાસના વ્યાયામ એક વ્યાયામ પદ્ધતિ છે. શ્વાસોચ્છ્વાસના વ્યાયામનો હેતુ શારીરિક સ્વાસ્થ્ય છે. પ્રાણાયામનો હેતુ પ્રાણસંયમ અને પ્રાણજાગરણ છે. પ્રાણાયામથી પણ શારીરિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સ્વાસ્થ્ય વધારે સાચું અને વધારે ઊંડું હોય છે, છતાં તે પ્રાણાયામની આડપેદાશ છે. લક્ષ્ય નહીં.
(2) શ્વાસોચ્છ્વાસના વ્યાયામમાં પેઢુ, પેટ કે છાતીના હલનચલન પર કોઇ નિયંત્રણ રાખવામાં આવે તેવી અપેક્ષા નથી. પ્રાણાયામમાં આ સ્વરૂપનું નિયંત્રણ રાખવામાં આવે છે.
(3) શ્વાસોચ્છ્વાસના વ્યાયામમાં કુંભકને સ્થાન નથી. પ્રાણાયામમાં કુંભક મુખ્ય અંગ છે. કેટલાક યૌગિક ગ્રંથોમાં તો પ્રાણાયામના પર્યાયવાચક તરીકે ‘કુંભક’ શબ્દનો પ્રયોગ થયો છે. અહીં એ નોંધવું રસપ્રદ, ઉપયોગી અને આવશ્યક છે કે કોઇ વ્યક્તિ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે પ્રાણાયામનો અભ્યાસ કરવા ઇચ્છે તો તેને માટે કુંભક કરવાનો આવશ્યક નથી.
(4) શ્વાસોચ્છ્વાસ વ્યાયામ દરમિયાન શ્વસનમાર્ગ પર કોઇ નિયંત્રણ રાખવામાં આવતું નથી. પ્રાણાયામમાં આવું નિયંત્રણ આવશ્યક છે.
(5) શ્વાસોચ્છ્વાસના વ્યાયામમાં બંધોનો વિનિયોગ કરવામાં આવતો નથી. પ્રાણાયામમાં આગળના અભ્યાસમાં અર્થાત્ ત્રિબંધ પ્રાણાયામમાં બંધોનો ઉપયોગ કરવામાં આવે છે. એમ કરવાથી પ્રાણાયામના અભ્યાસની તીવ્રતા વધે છે.
(6) પેઢુ, પેટ અને છાતીના હલનચલન પર નિયંત્રણ અને ત્રિબંધના વિનિયોગને લીધે પ્રાણાયામમાં આંતરિક દબાણા-પરિવર્તન (Pressure Change) સામાન્ય શ્વાસોચ્છ્વાસના વ્યાયામમાં આવું બનતું નથી.
(7) શ્વાસોચ્છ્વાસના વ્યાયામ દરમિયાન રકતાભિસરણની માત્રા અને શ્વસનક્રિયાની માત્રા સપ્રમાણ રહે છે. પ્રાણાયમમાં શ્ર્વસનક્રિયા ધીમી પડે છે; પરંતુ રક્તાભિસરણ વધે છે.
(8) શ્વાસોચ્છ્વાસના વ્યાયામની પ્રક્રિયા દરમિયાન શરીરને પ્રચુર માત્રામાં ઓક્સિજન મળે છે. પ્રાણાયામ દરમિયાન આમ બનતું નથી. પ્રાણાયામ દરમિયાન તો શરીરને મળતા ઓક્સિજનનું પ્રમાણ શ્વાસોચ્છ્વાસ કરતાં પણ ઓછું હોય છે. ભસ્ત્રિકા પ્રાણાયામના પ્રથમ તબક્કા દરમિયાન શ્વાસોચ્છ્વાસ ખૂબ ઝડપથી ચાલે છે, તેથી તેમાં શરીરને પ્રચુર માત્રામાં ઓકિસજન મળે છે. આ એક અપવાદ છે. તે સિવાય પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શરીરને મળતા ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે.
(9) પ્રાણાયામ મનોયોગપૂર્વક થાય તે આવશ્યક છે. શ્ર્વાસોચ્છ્વાસના વ્યાયામમાં એમ હોવું આવશ્યક ગણાતું નથી.
(10) પ્રાણાયામ સમગ્ર યોગસાધનાનું એક અંગ છે. તે યોગસાધનાની સાંકળની એક કડી છે. શ્વાસોચ્છ્વાસની વિશે આમ નથી.
(11) સાત્ત્વિક જીવનપદ્ધતિ, સાત્ત્વિક આહારવિહારનું પાલન કરવું, તે પ્રાણાયામના અભ્યાસી માટે અનિવાર્ય છે. શ્વાસોચ્છ્વાસના વ્યાયામ સાથે આ પ્રકારના આહારવિહારનો અનિવાર્ય સંબંધ નથી.
(ક્રમશ:)