ધર્મતેજ

અલૌકિક દર્શન: આપણું શરીર ચૈતન્ય પ્રાપ્તિનું સાધન છે

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

હા, અવતાર પણ સાધના કરે છે. અવતાર પણ અધ્યાત્મપથના પથિક બની શકે છે. ભગવાન પોતે પણ ભગવાનની પ્રાપ્તિ માટે સાધનનું પરિશીલન કરે છે.

પ્રથમ દૃષ્ટિએ વિસંગત લાગતી આ ઘટના પણ બની શકે છે. અવતાર સાધક હોય છે – આદર્શ સાધક હોય છે અને તીવ્ર સાધના પણ કરે છે.

અવતારમાં પ્રભુ માનવસ્વરૂપે આવે છે. મનુષ્યલીલામાં ભગવાન માનવની જેમ વર્તે છે. અવતાર માનવની જેમ યોદ્ધો, રાજપુરુષ, ગોવાળ, વિદ્યાર્થી કે ગુરુ બને છે, તો પછી અવતાર સાધક કેમ ન બને?

અવતાર સાધના કરે, ગુરુનું માર્ગદર્શન મેળવે, ભગવદ્દર્શન પણ પામે અને અનેકવિધ આધ્યાત્મિક અનુભૂતિઓ પણ પામે છે. અવતારની અનેકવિધ લીલાની જેમ તેનો સાધકભાવ અને સાધના પણ તેની માનવસ્વરૂપની લીલા છે.
અવતારસ્વરૂપે આવેલા પ્રભુ માનવજાત સમક્ષ એક આદર્શ સાધક તરીકેનું દૃષ્ટાંત રજૂ કરે છે. ભગવાન પોતે જ સાધક બનીને ભગવાનને કેવી રીતે પામી શકાય તે આપણને સ્વદૃષ્ટાંત દ્વારા શીખવે છે.

આ પણ વાંચો: અલૌકિક દર્શન : અવતાર એક આધ્યાત્મિક સત્ય છે

  1. સમાપન :

હિન્દુ ધર્મના કેટલાક પાયાના સિદ્ધાંતો છે. કર્મનો નિયમ, પુનર્જન્મનો નિયમ, આત્માની અમરતાનો નિયમ આદિ સિદ્ધાંતો આ માટેનાં દૃષ્ટાંતો છે. તેવો જ એક સિદ્ધાંત અવતારનો નિયમ છે.

આ સિદ્ધાંતો માત્ર વિચારધારાઓ નથી, બુદ્ધિપૂર્વક ગોઠવીને નિશ્ચિત કરેલા નિયમો નથી. વસ્તુત: આ સિદ્ધાંતો અસ્તિત્વના ગહન સત્યો છે. ઋષિઓએ આર્ષદૃષ્ટિથી આ સત્યોનાં દર્શન કર્યાં છે અને તેમની જ કૃપા થકી આ રહસ્યો આપણા માટે હસ્તકમલવત્‌‍ સહજ ઉપલબ્ધ બન્યાં છે.

અવતારનો સિદ્ધાંત આર્ષદૃષ્ટિનું એક મહત્ત્વપૂર્ણ દર્શન છે. સત્યનો સ્વીકાર કે અસ્વીકાર કરવા માટે વ્યક્તિ સ્વતંત્ર છે, પરંતુ સત્યનો અસ્વીકાર મૂઢતા છે અને આત્મઘાતક છે. ભગવાન શ્રીકૃષ્ણે ચેતવણી આપી છે :

‘अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम्‌‍।’

`મનુષ્ય શરીર ધારણ કરનાર મારી મૂઢ લોકો અવગણના કરે છે.’

આપણી પરંપરામાં અવતારોની ગણના બે રીતે થાય છે : દશાવતાર અને ચોવીસ અવતાર. આમ છતાં આથી અધિક અવતારો હોય જ નહીં તેવું નથી. `શ્રીમદ્ભાગવત’માં આ સિવાય પણ અન્ય અવતારો હોઈ શકે તેમ કહ્યું છે.

अतारा ह्यासंख्येया हरेः सत्त्वनिधेर्द्विजाः।
यथाविदासिनः कुल्याः सरसः स्युः सहस्त्रशः॥

`હે બ્રાહ્મણો! જેમ અગાધ સરોવરમાંથી હજારો ઝરણાંઓ નીકળે છે, તેમ સત્ત્વનિધિ ભગવાન શ્રીહરિના અસંખ્ય અવતારો થાય છે.’
આમ, દશ કે ચોવીસથી અતિરિક્ત અન્ય અવતારો પણ હોઈ શકે છે, દશ કે ચોવીશ તો ઉપલક્ષણથી ગણાવ્યા છે.

આ પણ વાંચો: અલૌકિક દર્શન : પરમાત્મા સંકલ્પ દ્વારા બધું કરી શકે છે

પ્રાણાયામનું સ્વરૂપ

  1. યોગનું પ્રાણવિજ્ઞાન

માનવ શરીરની રહસ્યમયતા અગાધ છે. માત્ર શરીર વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો પણ વૈજ્ઞાનિકોનો પ્રચંડ પુરુષાર્થ છતાં, સ્થૂળ શરીરની રહસ્યમયતાને પણ પૂરેપૂરી ઉકેલવાનું કાર્ય દુષ્કર છે, એમ હવે સૌને સમજાવા લાગ્યું છે. આ હકીકતથી એ સમજવું સહેલું છે કે જ્યારે આપણે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને તેમનામાં વિલસી રહેલ ચૈતન્યને સાથે લઈએ ત્યારે આ રહસ્ય કેટલું અગાધ બને છે!

એક યોગીને મન શરીર માત્ર પંચભૌતિક પિંડ જ નથી, સપ્ત ધાતુમાં જ એની ઈતિશ્રી નથી; પરંતુ એથીયે આગળ, એથીયે સૂક્ષ્મ ઘણું છે. આપણે અહીં યૌગિક દૃષ્ટિકોણથી પ્રાણમય શરીરના રહસ્યને કંઈક અંશે સમજવાનો પ્રયત્ન કરીએ.

આપણું શરીર ચૈતન્યનું અધિષ્ઠાન છે. એટલે એ ચૈતન્ય પ્રાપ્તિનું સાધન છે. જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ વગેરેમાં પણ શરીરને સાધન તરીકે સ્વીકારવામાં આવે છે પરંતુ યોગમાર્ગમાં શરીર, એક વિશિષ્ટ અને વધુ ઊંડા અર્થમાં સાધન ગણાય છે. જેમ ભક્તિમાર્ગમાં ચૈતન્યરૂપી સાગરનાં છલાંગ મારવા માટે ભાવ, એ સાધન છે. જ્ઞાનમાર્ગમાં વિશુદ્ધ બુદ્ધિ સાધન છે. તેમ યોગમાર્ગમાં, ખાસ કરીને હઠયોગમાં શરીર અને પ્રાણની સાધના દ્વારા ચૈતન્ય લાભ કરવામાં આવે છે એટલે યોગીને મન શરીર એ અધ્યાત્મના રહસ્યોદ્ઘાટનનું મહાદ્વાર છે.

હઠયોગમાં આ વિશિષ્ટ દૃષ્ટિકોણથી શરીરને સમજવાનો પ્રયત્ન થયો છે. અને પરિણામે આપણને યોગનું પ્રાણવિજ્ઞાન પ્રાપ્ત થયું છે.

તૈત્તિરીય ઉપનિષદમાં પંચકોશ વિદ્યા છે. એ મુજબ આત્માને પાંચકોશવરણ છે; અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ.

આ પણ વાંચો: અલૌકિક દર્શન : અવતાર કામક્રોધાદિ આવેગને આધીન હોતો નથી

નરી આંખે આપણે માત્ર અન્નમય કોશ એટલે પંચ મહાભૂતના બનેલા સ્થૂળ શરીરને જ જોઈ શકીએ છીએ. પરંતુ એ તો આપણા સમગ્ર શરીરતંત્રનો માત્ર બહારનો છેડો છે. એની અંદર બીજા ચાર કોશ છે અને આ બધાને અતિક્રમીને તેમનામાં આત્મતત્ત્વ વિલસી રહ્યું છે.

આ પાંચે કોશમાંથી હઠયોગમાં પ્રાણમય કોશનો વિશેષ વિચાર થયો જ છે. પ્રાણમય કોશની રચના, કાર્ય, પ્રાણની પ્રક્રિયાનો આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગ વગેરે બાબતોના દર્શન, અનુભવ અને વિચારમાંથી યોગનું પ્રાણવિજ્ઞાન જન્મ્યું અને વિકસ્યું છે.

હઠયોગમાં પ્રાણમય કોશનો વિશેષવિચાર કરવા પાછળ એનો એક વિશિષ્ટ દૃષ્ટિકોણ કારણભૂત છે. મન સૂક્ષ્મ છે મનની વૃત્તિઓ પર મનની જ ક્રિયા દ્વારા નિયંત્રણ મેળવવાનું કાર્ય પ્રમાણમાં મુશ્કેલ છે. મનની ક્રિયાઓ
પ્રાણની ક્રિયા વિના થઈ શકે નહિ તેથી જો પ્રાણ પર કાબૂ મેળવવામાં આવે તો મન પર કાબૂ મેળવવાનું સરળ પડે. તેથી હઠયોગના આચાર્યોએ પ્રાણજય દ્વારા મનોજયનો અભિગમ અપનાવ્યો છે.

યોગના આચાર્યોએ આર્ષદૃષ્ટિથી જોયું કે માનવશરીરમાં સુષુપ્ત કુંડલિની શક્તિ છે જો એનું જાગરણ થાય અને તે સહસ્રાર સુધી પહોંચે તો વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિ ઘટી શકે. આ કુંડલિની અને તેનું જાગરણ, પ્રાણમય શરીરની ઘટના છે. હઠયોગિક દૃષ્ટિથી કુંડલિની જાગરણ અને પ્રણોત્થાનની ક્રિયા છે. અલબત્ત, વ્યાપક આધ્યાત્મિક દૃષ્ટિથી કુંડલિની જાગરણ એ મહાચેતનાનું જાગરણ છે. કુંડલિનીના જાગરણ માટે જે વિજ્ઞાન વિકસ્યું તેજ હઠયોગ. તેથી સ્વાભાવિક રીતે જ હઠયોગમાં પ્રાણમય કોશનો વિશેષ વિચાર થયો છે.

આ પણ વાંચો: અલૌકિક દર્શન : શિવતત્ત્વ ને મહિમા અનંત છે…

આસન, પ્રાણાયામ અને મુદ્રા- આ હઠયોગની મૂળભૂત સાધના છે આ ક્રિયાઓનો આરંભ શરીરથી કરવામાં આવે છે. પરંતુ પ્રથમ દૃષ્ટિએ શારીરિક લાગતી આ ક્રિયાઓ પ્રાણજય અને પ્રાણોત્થાન તરફ દોરી જાય છે.

  1. પ્રાણ

પ્રાણ એટલે જીવનશક્તિ. પ્રાણ આપણા શરીરમનની સઘળી ક્રિયાઓને ગતિ આપનાર તત્ત્વ છે. પ્રાણ તત્ત્વત: એકજ હોવા છતાં ક્રિયાભેદે અને સ્થાનભેદે તેના પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણ એમ દશ ભેદ પાડવામાં આવે છે.

(1) પ્રાણ:

શરીરમાં શક્તિનો સતત વ્યય થયા કરે છે. આ વ્યયને ભરપાઈ કરવા માટે આપણે બહારથી શક્તિ ગ્રહણ કરીએ છીએ. આ સતત ચાલતી શક્તિ ગ્રહણની ક્રિયા પ્રાણ કરે છે. આ કાર્ય શ્વાસ લેવો ખોરાક લેવો, જળ ગ્રહણ કરવું વગેરે ક્રિયાઓ તથા તેમના શરીરમાં પાચન દ્વારા થાય છે. આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે સંવેદનાઓ ગ્રહણ કરીએ છીએ તે પ્રાણની ક્રિયા છે. પ્રાણનું સ્થાન છાતીથી નાસિકા સુધી છે. આમ છતાં પ્રાણનું મુખ્ય કાર્ય શ્વાસ ગ્રહણ અને મુખ્ય સ્થાન હૃદય ગણાય છે.

(2) અપાન:

પાચનક્રિયા, શ્વસનક્રિયા, રુધિરાભિસરણ ક્રિયા વગેરે અનેકવિધ શારીરિક ક્રિયાઓને પરિણામે શરીરમાં જે મલદ્રવ્યો ઉત્પન્ન થાય છે તેમના ઉત્સર્ગનું કામ અપાન કરે છે. મલમૂત્ર વિસર્જન, અધોગામી વાયુનું વિસર્જન, પરસેવો થવો, ઉચ્છ્વાસની ક્રિયા વગેરે ક્રિયાઓ અપાન દ્વારા થાય છે. અપાનનું સ્થાન નાભિથી નીચે છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button