ધર્મતેજ

અલખનો ઓટલો : કાયા કાગળની કોથળી…આ સૃષ્ટિમાં તમામ જીવોમાં પરમાત્માનો વાસ છે

-ડૉ. નિરંજન રાજ્યગુરુ

રહે શેર બનમેં મહામસ્ત મનમેં,
ઉસે તિન દિનમેં ઓ રોજી મિલાતા
શકરખોર પંછી શુકર નિત ગુજારે,
ખબર કર ઉસીકું ખુદાલમ્ મિલાતા
મતંગનકુ મન કે રૂ કીડી કુ કન દે,
પરં દે કું ચન દે સો આપે જિલાતા
મુરાદં કહે જો સહી કરકે દેખા,
ખુદાને કિયા સો અકલમે ન આતા.

અઘોર જંગલમાં વસવાટ કરતા વનરાજ સિંહને પણ પ્રભુ ત્રણ દિવસમાં એનો ખોરાક આપી દે છે. પરમાત્મા કેવા દયાળુ છે. હાથીને મણ મોઢે ખોરાક જોઈએ તો કીડીને કણ, પક્ષીઓને જોતી હોય ચણ. સૌની ખબર કાઢીને શ્રી હરિ પોષણ આપે છે આ એની લીલા છે જે આપણી અકલમાં, આપણા સમજવામાં આવતી નથી.

આ સૃષ્ટિમાં તમામ જીવોમાં પરમાત્માનો વાસ છે, કોઈપણ સ્થાન એવું નથી જ્યાં ભગવાનની લીલા ન દેખાય, શું પિંડમાં કે શું બ્રહ્માંડમાં…એમાં શ્રી હરિના નામ જેવું આશ્રયસ્થાન એકે નથી. તમે તમારા શરીર સામે નજર કરો, જેની સુરતા સ્થિર થઈ હોય, સુરતાની દોર આસમાન એટલે કે આકાશ-અવકાશ સુધી લંબાઈ હોય-સહસ્રાર કે શૂન્ય ચક્ર સુધીની સુરતાની યાત્રા થતી રહેતી હોય ત્યારે ત્રણ ગુણ, પાંચ તત્ત્વ, પચીસ પ્રકૃતિ, શરીરના નવ દ્વાર, છયે ચક્રોનું શુદ્ધિકરણ થયું હોય, નરસિંહ મહેતાના શબ્દોમાં શરીર શોધન થયું હોય ત્યારે અનાહતનાદઅને પરમ પ્રકાશની ઝાંખી થાય.

સદગુરુની કૃપાએ પ્રેમનો પ્યાલો પીધા પછી આવા પારસમણિની પ્રાપ્તિ થાય, જે જ્ઞાની હોય તે પોતાના ઘટમાં જ-પિંડમાં જ પરમ તત્ત્વને શોધી લેશે, બીજા ભલે સંસાર સાગરમાં – ધર્મ, પંથ, સંપ્રદાય, જપ, તપ, તીરથ, યોગ, યાત્રા, ક્રિયા, મંત્ર, તંત્રમાં મથતા રહે, ખારા પાણીનું મંથન કરતા રહે-આ ઘટમાં બોલે છે એ જ પરમાત્મા છે.- એટલે તો કહેવાયું છે-

બોલે ઈ બીજો નથી, ભીમો ક્યે ભગવાન;
પણ અંતર વચાળે એટલું, આંખ ન ભાળે કાન..

આપણા સંત- ભક્તો – વિચારકોએ આત્મસાક્ષાત્કાર તથા બ્રહ્મ સાક્ષાત્કાર માટે અભ્યાસ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એમ ચાર રસ્તાઓ દ્વારા ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો એવો ઉપદેશ પ્રાચીન કાળથી જ આપ્યો છે. ને એ પંરપરા મુજબ સગુણ
અને નિર્ગુણની ઉપાસના સદીઓથી થતી આવી છે.

સગુણોપાસક ભક્ત જે પરમ તત્ત્વને બહારના જગતમાં સાકાર સ્વરુપે જુએ છે. એનાં દર્શન કરે છે. એ જ તત્વને પોતાના અંતરમાં કોઈ અકળ, અનિર્વચનિય, નિરંજન જયોત સ્વરૂપે જોનાર સંત નિર્ગુણ-નિરાકાર બ્રહ્મનો ઉપાસક ગણાય છે. જ્યાં સુધી અવિદ્યાની ભ્રમણામાં જીવ આથડતો હોય ત્યાં સુધી એને આત્માની ઓળખ નથી થતી. પોતાનું સ્વત્વ (અહમ્) ઓગાળીને પોતાના આત્માની ઓળખાણ માટે પ્રભુમાં લીન થવું.

નિરંહકારી બનવું, સુખ કે દુ:ખની લાગણીનો અનુભવ ર્ક્યા વિના મનની સમતુલા જાળવી રાખવી અને હમેશાં પ્રભુ સ્મરણમાં રત રહેવું. જેમ જેમ મન સંસારમાંથી દૂર થઈને ભગવાનમાં લાગવાની તૈયારી કરે છે. તેમ તેમ સંસારના મોહ – માયાનાં બંધનો એને ઘેરી લેવા ડાચાં ફાડીને ઊભા જ હોય છે. એમાથી તો સતગુરુ જ છોડાવી શકે.

આત્મસાધના કરનારા આપણા સંતો ભક્તિના કુળને સૌથી મોટું અને શુદ્ધ માને છે. અને કહે છે કે ચાર વેદ ભણો, અડસઠ તીરથની યાત્રા કરો, અનાજ-પાણીનો ત્યાગ કરી દ્યોે, રાત-દિવસ યજ્ઞ યાગ, ક્રિયાકાંડ, પૂજન અર્ચન કરો પણ જો મનનો સંદેહ ન મટે, વાસના નિર્મૂળ ન થાય અને અખંડ આત્માની ઓળખ ન થાય તો બધું જ નકામું. ભજન અને ભોજન સરખા છે.

બત્રીસ જાતના પક્વાન અને છત્રીસ જાતનાં ફરસાણ વિશે ગમે એટલી વાતો કરીએ પણ તેથી ભૂખ ન ભાંગે, સ્વાદ ન આવે પોષણ ન થાય. ભજનનું પણ એવું જ છે કારણકે ભજન આત્માનો ખોરાક છે. એટલે તો હરજી ભાથીએ ગાયું છે : ‘ભજન વગર મારી ભૂખ ન ભાંગે, ને સમરણ વિના તલપ ન જાય.’ મકરન્દભાઈ વારંવાર કહેતા- ‘ભજનના ભોજનઘરમાં તો ભજન કરવાથી જ પ્રવેશ મળે અને તો જ અંતરાત્માને તૃપ્તિ થાય. પણ ભજન કરવું એટલે મીઠા ને કેળવાયેલા કંઠથી ભજન લલકારવું તે નહીં.

ભજન કરવું એટલે જે પરમ તત્ત્વનું કે પુરુષોત્તમનું આરાધના કરતા હોઈએ તેની સાથે એક તાર થઈ જવું. ભજનવાણી કહે છે કે અહમ્ અને મમતાનો નાશ ર્ક્યા વિના આત્મદર્શન થતું નથી. તેથી ભજનોમાં વારંવાર આપોપું ટાળવા, માયલાને મારવા કે એંકારને ગાળવા પર ભાર મૂક્વામાં
આવ્યો છે.’

શિષ્યના પિંડ અને પ્રકૃતિની પાત્રતા જોઈને ગુરુ એની લાયકાત મુજબ જે પચાવી શકે, એવી સાધનાની કૂંચીઓ બતાવે. સ્થૂળથી શરૂ કરીને સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ કેડીએ સાધકને દોરી જાય. સૌથી પહેલાં તો ગુરુ પોતાના શિષ્યને આ શરીરની પિછાન કરાવે. આ પિંડનું બંધારણ, એની શક્તિ, એનું સામર્થ્ય, ને છતાં એની ક્ષણભંગુરતા દેખાડવા માટે બંગલો, ચરખો, રેંટિયો, ચૂંદડી, પટોળી, મોરલો, હાટડી, નિસરણી, જંતરી જેવાં રૂપકોથી કાયાની ઓળખાણ કરાવીને પછી આંતરપ્રવેશ કરાવે. સાથોસાથ પિંડશોધનનો ક્રિયાયોગ પણ શીખવતા રહે. આપણે ત્યાં આ પ્રકારની રૂપક્વાણીનાં અનેક ભજનો લોકભજનિકોના કંઠે સચવાયાં છે. જેમાં પાંચ તત્ત્વ,ત્રણ ગુણ અને પચીસ પ્રકૃતિથી જે બ્રહ્માંડ તથા પિંડનું સર્જન થયું છે એની ઓળખાણ આપવામાં આવી છે.

પરોક્ષ્ રીેતે સમગ્ર માનવજાતને બોધ આપવા રચાયેલાં નીસરણી, હાટડી, હંસલો, વણઝારો વગેરે રૂપકગર્ભ ભજનોનો સમાવેશ ઉપદેશાત્મક ભજનોના પ્રકારમાં થઈ શકે. આ ભજનોમાં માનવજીવનની ક્ષ્ાણભંગૂરતા સમજાવી પરમાત્માનો આશરો લેવાનું સૂચન ર્ક્યું હોય છે, વૈરાગ્યની મહત્તા સમજાવી અહંકાર તથા મમતાનો ત્યાગ કરવા વિશે સારા પ્રમાણમાં સમાજને ચાબખા માર્યા છે સંતોએ.

આ પણ વાંચો…ચિંતન : ઇતિહાસમાં એવી બે જ ઘટના છે કે જેમાં યમરાજનો ભેટો કોઈ દેહધારી સાથે થાય છે

અજ્ઞાનીઓને ઈશ્વર સ્મરણની મહત્તા સમજાવવા ભજનોમાં પ્રતીકાત્મક શૈલીનું આલેખન કરીને સાચી શિખામણ આપવાનું આ કવિઓ ચૂક્યા નથી. માનવીની માંદગી, વૃધ્ધાવસ્થા અને મરણ જેવા પ્રસંગોની વ્યાધિનું આલેખન કરીએ નાશવંત દેહ વિશે ચેતવણી આપતાં કાયાને ‘પાણીના પરપોટડા’ સાથે તો ક્યારેક ‘કાગળની કોથળી’ સાથે પણ સરખાવી છે.

સ્વાર્થની સગી દુનિયાનું હુબહુ ચિત્રણ આપીને આપણા સંતોએ વાસ્તવિક સ્વાર્થી માનવજીવનનું અધ્યયન પ્રગટ ર્ક્યું છે અને એ દ્વારા સમગ્ર માનવસમાજને કંઈક સાચા રસ્તે દોરવાનો અને સાધનાનું માર્ગદર્શન આપવાનો પ્રયાસ ર્ક્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button