ધર્મતેજ

અલખનો ઓટલોઃ પરબ ધામના લોકસેવક મહાત્મા સંત દેવીદાસજી…

ડૉ. નિરંજન રાજ્યગુરુ

ગીતા જયંતીના આજના પાવન દિવસે જેમણે લોકસેવા અને કર્મયોગ દ્વારા સમગ્ર જગતને ‘માનવમાત્ર એક સમાનનો સંદેશો આપેલો એવા, અત્યારની પરબવાવડી/પરબધામ (તા. ભેસાણ, જિ. જુનાગઢ)ની પ્રસિદ્ધ જગ્યાના સ્થાપક સંત કવિ સંત દેવીદાસજી અને એમની પરંપરાનો પરિચય આપવો છે.

સંત દેવીદાસજીનો જન્મ મુંજિયાસર ગામે રબારી જ્ઞાતિના જીવાભગત/પુંજાભગત અને માતા: સાજણબાઈને ત્યાં ઈ.સ. 1736 વિ.સં. 1792 ચૈત્ર સુદ 9 રામનવમીના દિવસે થયેલો એમ નોંધાયું છે. તો કોઈ કોઈ સંદર્ભ વિ.સં. 1736 ઈ.સ. 1680 પણ દર્શાવે છે. અહીં 1736ના અંક સાથે જુદાજુદા લેખકોએ વિક્રમ સંવત કે ઈસવીસન લખવામાં ગોટાળો કરેલ જણાય છે. એ રીતે પ6 વર્ષનો તફાવત વિવિધ સંદર્ભોમાં જોવા મળે છે. આમ જુદાજુદા લેખકોએ વિવિધ સાલ સંવત આપેલાં છે.

ઈ.સ. 1734 વિ.સં. 1790માં કાઠિયાવાડમાં ભયંકર દુષ્કાળ પડેલો ત્યારે દેવીદાસના પિતા રબારી પૂંજાભગત મુંજીયાસર ગામ છોડીને પોતાની બેઉ પત્નીઓ-સાજણબાઈ અને રતનબાઈ સાથે ગીરમાં પોતાની ગાયોને ચરાવવા નીકળી પડેલા. જ્યાં એમને બીલખા પાસે સંત જેરામભારથી તથા સાંઈ નૂરશાનો ભેટો થયો. જેના આશીર્વાદથી દેવીદાસ, માંડણ અને રૂડા નામના ત્રણ પુત્રો થયા. ઈ.સ. 1736 વિ.સં. 1792માં દેવીદાસજીનો જન્મ ચૈત્ર માસની અજવાળી નવમી, રામનવમીના રોજ થયેલો એમ બહુધા માનવામાં આવે છે.

ઈ.સ. 17પ2 વિ.સં. 1808માં દેવીદાસે 16 વરસની ઉંમરે જીવણદાસ લોહલંગરીના આદેશથી પરબની જગ્યામાં ધૂણો ચેતન ર્ક્યો. એ પછી એક વરસે લોહલંગરીએ વિદાય લીધી. દેવીદાસે લગ્ન સંસાર અને બે પુત્રોના જન્મ પછી સંસાર ત્યાગ કરેલો એમ પણ અનેક જગ્યાએ નોંધાયેલું મળે છે પરંતુ આજે પરબના અનુયાયી ભક્તો આ વાતનો સ્વીકાર કરતા નથી. ગિરનારની સાતમી પરિક્રમાએ મળેલા એમના ગુરુ તરીકે લોહલંગરી જીવણદાસજીના આદેશથી પરબની જગ્યાએ વસવાટ ર્ક્યો હોવાના ઉલ્લેખો મળે છે.

ઈ.સ. 17પ3 વિ.સં. 1809માં તો જીવણદાસ લોહલંગરીએ 128 વર્ષની વયે ગોંડલમાં જ વિદાય લીધેલી. ત્યારે દેવીદાસની ઉંમર 16-17 વરસની હોય. ઈ.સ. 1776 વિ.સં. 1832માં કારતક વદી બીજના દિવસે પરબ સ્થાનમાં દેવીદાસે ધૂણો ચેતાવ્યો એમ પણ નોંધાયું છે. કોઈ લેખક જણાવે છે કે ઈ.સ. 1763માં જગ્યા બાંધ્યા પછી વીસ વરસે ઈ.સ.1783માં દેવીદાસે તથા અમરબાઈએ સમાધિ લીધી. અમરબાઈ માતાજીનો જન્મ ઈ.સ. 1754 વિ.સં. 1810 અંદાજિત રીતે નોંધાયેલો મળે છે.
અનુમાને સતર કે અઢાર વરસની ઉંમરે એટલે કે ઈ.સ. 1771- ઈ.સ. 1772 માં અમરબાઈએ પરબમાં આવીને દેવીદાસજી પાસે દીક્ષા લીધી હશે. દેવીદાસજીની એક રચના ગવાય છે :

ઠરે ખડા મન ચેતી લેને પ્યારા રે, સાન રે સમજ સતગુરુ કેરી રે…
જેમ રે દીવાની માથે પવન ઝપેટે રે, કાળ રે ખડા શિર પર ઘેરી રે…
છોટી રે ઉંમર તેરી બડા મનસૂબા રે, જ્યોં રે લાગે સમંદરમાં લહેરી રે…
ધિક્ ધિક્ જનમ તારો જાય છે અકારજ રે, આયુષ ઘટે છે બંદા અવનશ તેરી રે…
બાલાપણું તારું ખેલમાં ખોયું રે, જાય છે જુવાની તારું તનડું હેરી રે…
વૃદ્ધ ભયો ને અંગે આળસ આવી રે, ભ્રષ્ટ થઈ બુદ્ધિ માનવ તોરી રે…
એક દિન જમડા શેરમાં લટશે ને, દશેય દરવાજા લેશે ઘેરી રે…
એક રે પલકમાં તું ને પકડી પછાડે રે, નંઈ રેવે જીવડા ઠેરી રે…
સંતો સદાયે તું ને ઉપદેશ દેવે, માની લે શિખામણ ઉનેરી રે…
કહે દેવીદાસ તું રામને ભજી લે, ત્રણ રે ભવનમાં નહીં કોઈ વેરી રે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button