અલખનો ઓટલોઃ અમદાવાદમાં યોજાયેલા બે ગરિમાપૂર્ણ જ્ઞાનોત્સવ

- ડૉ. નિરંજન રાજ્યગુરુ
તા. 14/9/202પના દિવસે અમદાવાદ ખાતે હઠીસિંહના દહેરાં, જૈન ઉપાશ્રય ખાતે જૈનાચાર્યશ્રી વિજયશીલચન્દ્ર-સૂરિજીમ઼.સા.ની નિશ્રામાં જ્ઞાનોત્સવ અને ગ્રંથોત્સવ જેવો એક સંપૂર્ણ સાત્ત્વિક છતાં અત્યંત ગરિમાપૂર્ણ સાહિત્યિક સમારોહ સંપન્ન થયો, જેનું મીઠું અને મર્મ ભર્યું સંચાલન સૌના પ્રિય એવા તેજસ્વી યુવાન રમજાને કરેલું.
દીપપ્રાગટ્ય પછી બત્રીશ બત્રીશ વર્ષથી પ્રકાશિત થતા સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ તથા મધ્યકાલીન ગુજરાતી ભાષાના શોધસામયિક ‘અનુસંધાન’ના આર્ટપેપર પર સચિત્ર પ્રકાશિત કરેલા એક્સોમા અંકના બે ખંડ તથા અન્ય સાત સાત ગ્રંથોનું વિમોચન ભાણસાહેબ સમાધિસ્થાન કમીજલાના મહંતશ્રી પૂ. જાનકીદાસજીબાપુ, કબીરસાહેબ ધારાના પૂ. નિર્મળદાસજી સાહેબ અને કવિશ્રી દલપતરામ પઢિયારસાહેબના હસ્તે થયું.
આ ગ્રંથોનું સુરૂચિપૂર્ણ કલાત્મક પ્રકાશન કરનારા સ્નેહીજનોનું પણ સન્માન ટ્રસ્ટીઓ દ્વારા થયું. બે-પાંચ શબ્દોમાં મેં મારો ભાવ વ્યક્ત ર્ક્યો અને પછી રાજેશ પંડ્યા, હેમંત દવે અને હસિત મહેતાએ ‘અનુસંધાન’ની સાહિત્ય-શોધયાત્રા વર્ણવી. દલપતરામસાહેબ અને પૂ. જાનકીદાસજીબાપુએ પણ ‘અનુસંધાન’ શબ્દનો વ્યાપ અને વૈભવ વર્ણવ્યો.
વિજયશીલચન્દ્રસૂરિજી મહારાજસાહેબ દ્વારા વિ.સં.2054/ઈ.સ.1998થી શરૂ કરેલ મહિને એકવાર લખાયેલા બોધદાયક સત્સંગ પત્ર પ્રેરણાના આજ સુધીમાં પાંચ પુસ્તકો ‘ધર્મ તત્ત્વચિન્તન’ ભાગ-1થીપ 1 રૂપે પ્રકાશિત થતા રહ્યા છે. એ બધામાંથી આ ભક્તિચિંતન વાળા પત્રો/લેખોને તારવીને ‘ભક્તિતત્ત્વચિંતન’ પુસ્તકનું સંકલન કરવામાં આવ્યું છે.
ઈ.સ.2010માં પ્રકાશિત ‘ધર્મતત્ત્વચિંતન’-1ના પ્રવેશકમાં જ મહારાજસાહેબે જણાવેલું કે: ‘લખનાર જૈન સાધુ હોય અને મેળવનાર જૈન ગૃહસ્થ હોય એટલે સ્વાભાવિક રીતે જ જૈન ધર્મ સંબંધી વાતો અને પરિભાષા આ પત્રોમાં જોવા મળે, આમ છતાં જૈન ન હોય એવા વિચારશીલ લોકોને પણ સમજ પડે અને ચિન્તનપ્રેરક બને તેવી વાતો મોટાભાગના પત્રોમાં વણી લેવામાં આવી છે…’
આ સંપાદનની સાથોસાથ આપણને પૂ. મહારાજસાહેબ દ્વારા તા. 2પ/3/2020થી 11/10/2020 સુધીના જૈનતીર્થ શેરીસા મુકામે ચાતુર્માસ અને કોરોનાકાળના પત્રચિંતન રૂપે લખાયેલા અને ઈ.સ. 2021માં ‘પ્રાર્થનાભીના પત્રો’ નામે પ્રકાશિત થયેલા 312 પૃષ્ઠોમાં સમાવિષ્ટ 40 જેટલા પત્રોના પુસ્તકનું સ્મરણ થાય.
ગુજરાતી સાહિત્યમાં ‘પત્ર સાહિત્ય’ વિશે અભ્યાસ કરનારા કોઈપણ સંશોધક અભ્યાસીએ મહારાજસાહેબના આ તમામ પત્રસંગ્રહો ઉપરાંત નિરંજન રાજ્યગુરુ સાથેના પત્રવ્યવહાર ‘સંદેશા સત શબદ સ્નેહના’ (પ્રકા. જ્ઞાનની બારી,અમદાવાદ 2022)ને ધ્યાનમાં લેવા જ પડે એવી સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે.
એ પછી તુરંતના ગાળામાં જ તા. 27-09-202પના રોજ ફરી હઠીભાઈની વાડીમાં શીલચન્દ્રસૂરિજી મ઼.સા. પ્રેરિત ‘મધ્યકાલીન સાહિત્યનો પરિસંવાદ’માં અભય દોશી, દર્શનાબહેન ધોળકિયા, સેજલ શાહ, ૠષિકેશ રાવલ, રમજાન હસણિયા જેવા અભ્યાસી વક્તાઓએ વિશદ અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો આપેલાં.
રાત્રિ કાર્યક્રમમાં આ પરિસંવાદમાં આવેલા જુદી જુદી યુનિવર્સિટીઓના અનુસ્નાતક અભ્યાસ કરતા તથા પીએચ.ડી. પદવી અર્થે સંશોધન કરતા વિદ્યાર્થીઓ સાથે આચાર્યશ્રી તથા નિરંજન રાજ્યગુરૂએ સંશોધન કાર્ય કેમ કરવું તેના માર્ગદર્શન સાથે ગોષ્ઠિ કરી હતી પછી બાઉલગાનના અભ્યાસી સતીષચન્દ્ર વ્યાસે મહાકવિ કાલીદાસની ‘ૠતુસંહાર’ રચના વિશે મૌલિક વૈજ્ઞાનિક સંશોધન અંગે પ્રેઝન્ટેશન અને નિરંજન દ્વારા શરદૠતુ સાથે સંકળાયેલ ચારણી-ડિંગળી છંદોના ગાન અને શક્તિ ઉપાસનાના ગરબાનું ગાન કરેલું.
બીજા દિવસે તા. 28-9ના રોજ શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રકથી ભારતીય સંસ્કૃતિના વિદ્વાન શ્રી ડો.પ્રવીણચન્દ્ર પરીખને નવાજવામાં આવ્યા હતા અને આ. વિજયનંદીઘોષસૂરિએ તૈયાર કરેલ પાણી પણ સજીવ છે તે વિશે માર્ગદર્શન આપી અંગ્રેજીમાં તૈયાર ડો. જીવરાજ જૈન પાસે કરાવેલા પુસ્તકનું વિમોચન કરવામાં આવેલું. આ પ્રસંગે પદ્મશ્રી કુમારપાળ દેશાઈ, સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી અને અનેક વિદ્વાન સાહિત્યકારો તથા જૈન શ્રેષ્ઠિઓની હાજરી હતી.
આપણ વાંચો: માનસ મંથનઃ મન એક રોગ છે, જો મન ન હોય તો ઘણીબધી બીમારીઓનો ઉદ્ભવ જ ન થાય