અલખનો ઓટલોઃ નવલાં નોરતાંમાં શક્તિ ઉપાસના

ડૉ. નિરંજન રાજ્યગુરુ
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
સમસ્ત માનવજાતના તમામ ધર્મ-પંથ-સંપ્નદાયોમાં શક્તિ ઉપાસના કોઈ ને કોઈ પ્રકારે કે સ્વરૂપે પરાપૂર્વથી ચાલી આવી છે. શક્તિ એટલે એનર્જી-ઊર્જા. વિશ્ર્ચના જડ-ચેતન સર્વે પદાર્થોમાં શક્તિતત્ત્વ સમાયું છે. ચેતનમાં એ ક્રિયાશીલ હોય તો જડ પદાર્થોમાં નિષ્ક્રિય. પણ કોઈ અન્ય તત્ત્વ એને ગતિશીલતા આપે તો એ નિષ્ક્રિય શક્તિ પણ સક્રિય બની જાય.
શક્તિનાં બે સ્વરૂપો છે. સાત્ત્વિક અને તામસ. જે હકારાત્મક કે નકારાત્મક, ઉપકારક કે હાનિકારક, સૌમ્ય કે ઉગ્ર એવાં બે રૂપોમાં જોવા મળે. શક્તિ તો એક જ પણ એનો ઉપયોગ તમે ક્યા હેતુથી અને કઈ રીતે કરો છો તેના ઉપર આધાર હોય.
વિધુત શક્તિમાંથી ઠંડી પણ મેળવી શકાય, ગરમી પણ મેળવી શકાય, પ્રકાશ કે અગ્નિ પણ મળે કે પવન પણ મળે. ફ્રિજ કે કૂલર ઠંડક આપે જયારે સગડી કે હીટર ગરમ આપે. લેમ્પ પ્રકાશ આપે તો પંખો હવા આપી શકે. તમને એ ઊર્જાનું રૂપાંતર કરતાં આવડવું જોઈએ. એને નાથી શકાય, રાજી કરી શકાય તો અપરંપાર સર્જન-સમૃધ્ધિ ને દુરુપયોગ થાય તો વિનાશ વેરી શકે.
અણુ વિદ્યાનો ઉપયોગ રચનાત્મક પણ થઈ શકે ને સંહાર માટે પણ થાય. એટલે જ આપણા વેદકાલીન ૠષિ-મુનિઓથી માંડીને આજના આધુનિક વૈજ્ઞાનિકો સુધી શક્તિ ઉપાસના કોઈ ને કોઈ સ્વરૂપે જળવાતી રહી છે, વેદોમાં તિસ્ત્રો દેવી: ઈડા, સરસ્વતી અને ભારતીની ૠચાઓ મળે છે, માકન્ડેય પુરાણ, કાલિકા પુરાણ, બ્રહ્માંડ પુરાણ કે કૂર્મ પુરાણમાં વિગતેથી શક્તિનાં વિવિધ સ્વરૂપોની ઉપાસના ને આરાધના દર્શાવાઈ છે.
શરદૠતુમાં આસો મહિનાની અજવાળી એકમથી નવમી સુધીના નવ દિવસો દરમ્યાન શક્તિનાં વિવિધ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે અને આ દિવસોને નવરાત્ર કે નોરતાં તરીકે ઓળખવામાં આવે છે. વર્ષમાં ચાર નવરાત્ર આવે છે. એમાં શિશિર ૠતુના પેાષ નવરાત્ર, વસંતૠતુના ચૈત્રી નવરાત્ર, વર્ષાૠતુના અષાઢી નવરાત્ર અને શરદ ૠતુના આસો નવરાત્ર આ ચારે નવરાત્રમાં ચૈત્રી નવરાત્ર તથા આસો નવરાત્ર મુખ્ય-અગત્યનાં ગણાય છે.
એમાં યે આસો માસના નોરતાંનો મહિમા તો સારા ય ભારતમાં વર્ષમાં અતિ મહત્ત્વનો છે. દુર્ગા એટલે દુર્ગતિ અને દુર્ભાગ્યથી બચાવનારી દૈવી શક્તિ. મહાભારત જેવા મહાકાવ્યમાં એનો ઉલ્લેખ મહિષમર્દિની તથા કુમારી દેવીના રૂપમાં થયો છે. જે વિંધ્યવાસિની છે.
શક્તિ ઉપાસનાની એક અત્યંત પ્રાચીન પરંપરા ઘણા જૂના સમયથી આપણે ત્યાં શાક્ત સંપ્રદાયના નામે ચાલી આવે છે. માર્કન્ડેયપુરાણ અંતર્ગત દેવી મહાત્મ્યના 700 શ્ર્લોક જેને સપ્તશતી તરીકે ઓળખવામાં આવે છે, એમાં દેવતાઓની રક્ષા માટે દુર્ગા દ્વારા અનેક દાનવોનો સંહાર થયો એવી પરાક્રમ ગાથાઓ વર્ણવાઈ છે.
દુર્ગાની મૂર્તિ મહાશક્તિના રૂપમાં જોવા મળે છે. જે અત્યંત સુંદર છે. એટલે ત્રિપુરસુંદરી તરીકે પણ ઓળખાય છે. જેને ચાર, આઠ, દસ, બાર કે અઢાર ભુજાઓ હોય છે. જેમાં વિવિધ અસ્ત્ર, શસ્ત્રો ધારણ ર્ક્યાં છે. જેમનું વાહન સિંહ છે એવી મહિષાસુરનો વધ કરતી અનેક પ્રતિમાઓ આજે પણ મળી આવે છે. આસો નવરાત્રીમાં ભગવાન શ્રી રામે દુર્ગાપૂજા કરેલી છે. ભારતવર્ષનો સંભવત: સૌથી વ્યાપક એવો ઉત્સવ એટલે નવરાત્ર ઉત્સવ.
ફૂલ ફગરનો ઘાઘરો, માથે આછેરાં ચીર, ચોખલિયાળી ચૂંદડી, કાનમાં કુંડળ, કંઠે એકાવળ હાર, બાંયે બાજુબંધ બેરખા, પાયે રૂમઝૂમતા નેપૂર, ઝમકતી ઝાંઝરી, કેડય કંદોરા, હાથી દાંતની ઘૂઘરીવાળી ચૂડલીયું, નાકે નક્વેસ2વાળી, કપાળે ઝૂમણું, કાંબી ને કડલાં, ટીલડી, વાંભ એકનો ચોટલો, લીલી અતસલના કાપડા માથે ટંકાવેલ મોર, પોથી ને મજીઠના રંગે રંગેલા દાંત, આંગળિયુંમાં વેઢ વીંટી ને કરડા ધારણ કરીને જ્યારે ચોસઠ જોગણિયું ચાચરના ચોકમાં રાસે રમવા ઊતરે ત્યારે આખું બ્રહ્માંડ ગાજી ઊઠે.
આબુથી અંબા ભવાની, પાવાગઢથી ખપ્પરવાળી મહાકાળી, શંખલપુ2-ચુંવાળમાંથી બહુચરા, ચોટીલેથી ચામુંડા, કોયલા ડુંગરથી હરસિદ્ધિ, ગિરના ગાળામાંથી કનકાઈ- કનકેશ્વરી મહિષાસુર મર્દિની, દડવાથી રન્નાદે, મહુવા અને હળવદથી સુંદરી ભવાની, ગોંડલથી ભુવનેશ્વરી, દ્વારકાથી ચન્દ્રભાગા, પાટણવાવથી માત્રીમાત્રા, અમદાવાદથી ભદ્રકાલી, તાતણિયા ધરાથી ખોડિયાર, શિહોરથી શિહોરી,
કચ્છમાંથી આશાપુરા, ચોરવાડથી મમ્માઈ-મહામાયા, મોઢેરાથી માતંગી, માંડલથી ખંભલાય, સિંધ-પાકિસ્તાનથી હિંગળાજ, ચાણસ્માના મણીયારી ગામેથી બહ્માણી, કાલાવડથી શિતલા, અરણેજથી બુટભવાની, ઊંઝાથી ઉમૈયા, પાટણથી સરસ્વતી, વાંકાનેરથી મહાલમી ને ગરવા ગિરના2ની ટૂંક માથેથી અંબાજી, રૂદ્ર્રકાલિકા ને ગાયત્રી પોતાની સાથે આવડ, મેલડી, શિકોતરી, ભથવારી માતાને લઈને ગરબે ઘૂમતી હોય ત્યારે વાતાવરણમાં અલૌકિક આભા પથરાઈ જાય.
કેન્દ્રમાં શક્તિ હોય અને આસપાસ પ્રકૃતિ ઘૂમતી હોય, ચાલક બળ રૂપ, સમગ સૃષ્ટિના સર્જન, પાલન ને સંહાર માટે શિવ અને શક્તિ, આદ્ય અને આધા, પ્રકૃતિ અને પુરુષ જેવાં તત્ત્વો કામ કરતાં હોય ત્યારે માનવ સંસ્કૃતિના ઉદ્ગમ કાળથી જ એ પરમ ચેતનાને ઓળખવા, એની પૂજા-આરાધના કરવા માટે તત્ત્વવેત્તાઓએ પોતાની આંતર અનુભૂતિથી વર્ણન કરીને સમગ્ર માનવ જાતને શક્તિ ઉપાસનાનો મહિમા દર્શાવેલો.
ખાસ અનુષ્ઠાનો, પર્વો, તહેવારો, ઉત્સવોના આયોજન દ્વારા એ મહિમા કાયમ રહે અને પેઢી દર પેઢી દર પેઢી મનુષ્યજાતમાં વૃદ્ધિ થતો રહે એ હેતુ રાખીને આપણા પૂર્વજોએ વર્ષમાં ચાર નવરાત્રનું આયોજન કરેલું. સર્વ સ્વરૂપા, સર્વેશ્વરી અને સર્વશક્તિ સમન્વિતા જોગમાયા મા જગદંબા-જગત્ જનનીનું પૂજન-અર્ચન શુકલ પક્ષમાં એટલે કે અજવાળિયામાં ચન્દ્રની કલાની જેમ ઉતરોતર વિકસિત થતું જાય તેમ તેમ મનુષ્યની આંતરિક શક્તિનો પણ વિકાસ થતો રહે.
સીમા વિહિન-અનંત કોટિ બહ્માંડોમાં ઝળહળતા તારાઓ, નાત્રો, સૂયો, ગહો ને ઉપગહોની નાનકડી આવૃત્તિ તે આપણો પિંડ. ને પિંડમાં જે ચેતનતત્ત્વ રૂપી જ્યોત અજવાળું આપે છે એ જ્યોતની પ્રતીકાત્મક રીતે પૂજા કરીને અનંતતાનો યોગ સાધવાની ચાવી આપણને ૠષિ-મુનિઓએ નવરાત્રિના શક્તિ આરાધના અનુષ્ઠાનો દ્વારા આપી છે.
આ પણ વાંચો…જાણો.. શારદીય નવરાત્રીમાં દેવી માતાના 51 શકિતપીઠનું સ્થાન અને મહત્વ