અલખનો ઓટલોઃ ભગતિ કેરો મારગ ફૂલડાં કેરી પાંખડી કે ખાંડાની ધાર?

ડૉ. નિરંજન રાજ્યગુરુ
આપણી ભારતીય પરંપરામાં સમગ્ર માનવજાતની સેવા કરનારા અને ત્યાગ, સમર્પણ, સત્યનિષ્ઠા, જીવમાત્રને સમાન ગણવાની અભેદ દ્રષ્ટિ દાખવનારા અને ભાઈચારાના સંદેશ આપનારા લોકસંતોને આપણે યાદ કરવા જ જોઈએ. લોકસંતોનું પ્રાકટય એટલા માટે જ થયેલું.
લોકસંતોના જીવનનો હેતુ, લોકસંતોનું જીવનકાર્ય અને સેવાકાર્યો, લોકસંતોની એકરૂપતા, લોક્સંતોનું વિશુદ્ધ તત્ત્વ,લોક્સંતો દ્વારા ધર્મ રક્ષા, લોકસંતો દ્વારા પ્રાણી કલ્યાણ, લોકસંતો દ્વારા નાત-જાતના ભેદભાવોનો નાશ, લોકસંતો દ્વારા જીવન સાધના, લોકસંતોનું સમાજ સુધારણા કાર્ય, લોકસંતોના પરચાઓ-ચમત્કારો, લોકસંતોના જીવનમાં બનેલી અલૌકિક ઘટનાઓ, લોક્સંતો દ્વારા માનવોત્તર કાર્યો, લોકસંતોની સાધના-વિવિધ સિદ્ધાંતો, લોકસંતોનાં આરાધ્ય-અને ઉપાસ્ય દેવી-દેવતાઓ, લોકસંતો દ્વારા સ્થપાયેલાં આશ્રમો-સેવા સંસ્થાઓ જગ્યાઓ, લોકસંતોની શિષ્ય પરંપરાઓ, લોકસંતો દ્વારા ધર્મ-પંથ-સંપ્રદાય ફાંટા વચ્ચે સમન્વયના પ્રસંગો, લોકસંતો દ્વારા સંતવાણીનું સર્જન અને આવા લોકસંતોની વાણી-પ્રકારો-વિષય-વિભાગો વિશે નવી પેઢી ને અવગત કરવાની આજે તાતી જરૂ2 લાગે છે.
આપણા લોકસંતો-ભજનિકેો તથા સંતકવયિત્રીઓએ માનવ માનવ વચ્ચે સમાનતાના ભાવ રોપવાનું કાર્ય ર્ક્યું છે. સંતસાહિત્યનું ક્ષેત્ર વાદ કે વિવાદનું ક્ષેત્ર નથી, સંવાદનું ક્ષેત્ર છે. અને દરેક સાધક પોતપોતાની મતિ/શક્તિ અને ગુરુપરંપરા મુજબ સાધનાના ક્ષેત્રમાં પોતાની આગવી કેડી કંડારતો હોય છે. પાચીન ભારતીય શાસ્ત્ર-પુરાણોના વિધિવત અભ્યાસ વિના જ કંઠસ્થ પરંપરાથી સચવાયેલા એ દરેક પુરાણોની કથાઓ આપણા લોકસંતો જાણે છે અને પોતાની વાણીમાં એના સંદર્ભો પણ આપતા રહે છે.
ઝાઝા ભાગના સંતો તો અભણ- નિરક્ષર છતાં બહુશ્રુત હતા. કંઠસ્થ પરંપરાથી વહેતું આવેલું શાસ્ત્ર જ્ઞાન, વારંવારના યાત્રા-પર્યટનોથી પુષ્ટ થયેલું અનુભવ જગત, વિવિધભાષ-ધર્મ-સંપદાયો- પંથ અને પદેશોની સંત પરંપરાઓ-સાધના-સિદ્ધાંતોથી પરિચય અને પોતાનો અધ્યાત્મમાર્ગનો અનુભવ એમણે આપણા સુધી સંતવાણી રૂપે વહેતો રાખ્યો છે. સંત કબીર સાહેબની એક વાણી અત્યારે યાદ આવે છે. જે પોતાના મનને ભમરા સાથે સરખાવે છે. રાત દિવસ માયાના ઘેનમાં આમતેમ આથડતા મનભ્રમરને સમજાવવા સંત કબીર સાહેબ શું કહે છે?
એ જી ભૂલેલ મન ભમરા તું ક્યાં ભમ્યો?
ભટક્યો દિવસ ને રાત,
માયાનો બંધાયેલ પાણિયો,
સમજ્યો નહીં શુભ વાત…
ભૂલ્યો મન ભમરા ક્યાં ભમ્યો?
ભમ્યો દિવસ ને રાત…0
કુંભ કાચો, કાયા જાજરી,
જોઈને કરો રે જતન,
વણસતાં એને વાર નહીં લાગે,
રાખો રૂડું રતન…
ભૂલ્યો મન ભમરા ક્યાં ભમ્યો? ભમ્યો દિવસ ને રાત…0
કેનાં છોરૂ કેનાં વાછરૂ,
કેનાં મા ને બાપ?
અંતકાળે જાવું એકલાં, સાથે પૂણ્ય ને પાપ..
ભૂલ્યો મન ભમરા ક્યાં ભમ્યો? ભમ્યો દિવસ ને રાત…0
જીવને આશા ડુંગર જેવડી,
મરી જાવું પલની માંય,
મોટા મહિપતિ હાલ્યા ગિયા,
વહી ગિયા લખપતિ રાય..
ભૂલ્યો મન ભમરા ક્યાં ભમ્યો? ભમ્યો દિવસ ને રાત…0
જે ઘર નોબતું વાગતી,
હોતા છત્રીશ રાગ,
ખંઢેર થઈને ખાલી પડ્યાં,
જ્યાં કાળા કળેળે કાગ઼.
ભૂલ્યો મન ભમરા ક્યાં ભમ્યો? ભમ્યો દિવસ ને રાત…0
ઊલટી નદીયું પૂર તરી, જાવું પેલે પાર,
આગે નીર નહીં મળે, ભાતાં લેજો સંગાથ..
ભૂલ્યો મન ભમરા ક્યાં ભમ્યો? ભમ્યો દિવસ ને રાત…0
સદ્કર્મ સત વસ્તુ વ્હોરજો,
ઈશ્વર સમરણ સાથ,
કબીર જુહારીને નીસર્યાં પછી લેખાં સાહેબને હાથ..
ભૂલ્યો મન ભમરા ક્યાં ભમ્યો? ભમ્યો દિવસ ને રાત…



