ધર્મતેજ

આચમનઃ `ગિનાન’માં સર્વધર્મ સદભાવનું જ્ઞાન…

અનવર વલિયાણી

ઈસ્માઈલી મુસ્લિમો દ્વારા ગવાતાં `ગિનાન’ની ભીતર આ લેખમાં ડોકિયું કરાયું છે. સિંધી, ગુજરાતી, હિંદુસ્તાની અને પંજાબી જેવી ભાષાઓમાં રચાયેલી આ સ્તોત્રો જેવી કવિતાઓ અને તેના આધ્યાત્મિક મહત્ત્વનું અત્રે વિશ્લેષણ કરાયું છે. જાણીતા વિશ્લેષક એ. એન. ડી. હકસરે ખૂબ જ સરળ અને સુંદર શૈલીમાં કરેલી રજૂઆત તમામ વાચકો માટે રસપ્રદ અને ભરપૂર માહિતી પૂરી પાડનારી બની રહેશે.

મધ્યકાલીન મુસ્લિમ સંત પીર શમ્સની આધ્યાત્મિક બ્રહ્મ પ્રકાશ' અથવાદસા અવતાર’ વિષે જૂજ લોકોને જાણ હશે. અમુક વખતે ખોજાઓ તરીકે અને સામાન્ય વાતચીતમાં આગાખાનીઓ તરીકે પણ ઓળખાતા દક્ષિણ એશિયાઈ ઈસ્માઈલી સમુદાયની આ બંને કવિતા જાણીતા `ગિનાન’ છે.

`ગિનાન’ આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતી સ્તોત્ર જેવી કવિતાઓ છે. શ્રદ્ધાળુઓ તેનો ડહાપણ અને આધ્યાત્મિક શાનના ભંડાર તરીકે ઊંડા પૂજ્યભાવ સાથે આદર કરે છે અને દેશી ભાષામાં પવિત્ર કુરાનના ઉપદેશો ફેલાવનારી કવિતા તરીકે નિહાળે છે. પેટાખંડમાં સિંધી, ગુજરાતી, હિંદુસ્તાની અને પંજાબી જેવી ભાષાઓમાં તે રચાયેલા છે અને તેમાંથી સૌથી જૂના લગભગ એક હજાર પૂર્વે ભારતમાં પ્રથમ વાર ઈસ્લામની શીખ આપનાર પીરો અને સંતો સાથે સંબંધ ધરાવે છે.

આ પરંપરા ચાલુ રહી છે અને તાજા રચયિતાઓમાં 19મી સદીમાં કરાચીના મહિલા સંત સૈયદા ઈમામ બેગમનો સમાવેશ થાય છે. ઈસ્માઈલી વિદ્વાન અલી અસની જણાવે છે કે ઈસ્માઈલીઓ ધાર્મિક પ્રાર્થના માટે ભેગા મળે ત્યારે દરરોજ ગિનાનનું પઠન કરાય છે. હઝરત મોહંમદ પયગંબરસાહેબ અને ઈમામના જન્મદિનો તથા નવું વર્ષ, નવરોઝ જેવા વિશેષ પ્રસંગોએ આ પઠન જાતે જ ધાર્મિક વિધિ બની જતું હોય છે.

વિધિસરની બંદગી સંદર્ભની બહાર ગિનાન શુભ આશીર્વાદ તરીકે ગવાય છે અને તેમને કહેવત તરીકે ટાંકવામાં આવે છે. જાહેર કાર્યક્રમોમાં તે ગવાય છે અને તેની કેસેટો પણ છે.

ગિનાન’ ભિન્ન પ્રકારનાં છે. અમુક પીર હસન કબીરુદ્દીનનારૂહાની વિસાલ’ અથવા આધ્યાત્મિક મેળાપ જેવા કૃપા અને ક્ષમાની તથા જ્ઞાનની આજીજી કરનારા છે. જ્યારે અન્ય અમુક પીર સદરુદ્દીનની `મોમન ચેતમણી’ અથવા શ્રદ્ધાળુઓને ચેતવણી જેવા ગિનાન નીતિમત્તા અને નૈતિકતા શીખવે છે.

આ સંતના જ બ્રહ્મ ગાયત્રી’ અનેબુઝ નિરંજન’ જેવાં અન્ય ગિનાન બ્રહ્માંડને લગતા વિચારો અથવા આધ્યાત્મિક જીવન જેવા વિષયને સ્પર્શે છે. ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા અને ભક્તિભાવનો બધાં ગિનાનમાં સમાન વિચાર સમાયેલો છે. ગિનાનનું એક લક્ષણ બહુવિધ સમાજો માટેનો વ્યાપક રસ છે. તે ઈસ્લામી ખયાલો અને વિચારોનું ઈસ્માઈલી પીરોએ કરેલું એવું અર્થઘટન છે. જેને સ્થાનિક ધર્મો અને સંસ્કૃતિઓના સંદર્ભોમાં સંકલિત કરી શકાય.

સ્તોત્રો માત્ર સ્થાનિક ભાષાઓમાં રચાયા છે એટલું જ નહીં, પરંતુ તેમાં સ્થાનિક પરંપરાની કવિતાનાં સ્વરૂપો અને સંગીતની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરાયો છે. ધાર્મિક વિચારોના સ્તરે. પૂર્વ આફ્રિકામાં શીખ અને હિંદુ મેદનીઓ સમક્ષ પણ ગિનાન ગવાયાં હોવાના પ્રસંગ નોંધાયેલા છે.

ઈસ્માઈલી પરંપરા જે નામે જાણીતી છે એ સતપંથ’ નામમાં પણ વ્યાપક ભારતીય માહોલ સાથે રીતરિવાજો અને માન્યતાઓના મિશ્રણનું પ્રતિબિંબ પડે છે. અલી અસની જણાવે છે કે, પીર સ્થાનિક માન્યતાઓની કુદરતી સર્વોચ્ચતા તરીકે પોતાની શિખામણોને રજૂ કરી છે. એક ગિનાનમાં પૌરાણિક રાજા હરિશ્ચંદ્રને સચ્ચાઈના આદર્શ તરીકે ટાંકવામાં આવ્યા છે.દર્શન દિયો મેરે નાથ’ નામક અન્ય ગિનાન સામાન્ય લોકલાગણી રજૂ કરે છે.

ઈસ્લામિક ઈતિહાસકાર ઍન-મેરી શિમલે કરેલી નોંધ અનુસાર દસા અવતાર’માં કવિ ઈસ્માઈલી ઈસ્લામને હિંદુ ધાર્મિક પરંપરાની પરિપૂર્ણતા તરીકે રજૂ કરે છે ત્યારે મુસ્લિમ અને હિંદુ પરંપરાઓ એકબીજામાં ભળી ગયેલી જણાય છે. આવા પૌરાણિક વિશ્લેષણમાં વિષ્ણુના દસમા અવતારનેનકલંકી’ (ડાઘવિહોણા) નામ અપાયું છે અને તેમની પ્રથમ શીઆ ઈમામ હઝરત અલીની સાથે તુલના કરાઈ છે.

આવા આત્મસાતી અભિગમમાં લોકોની ધાર્મિક ઓળખ અને સ્થાનિક સંસ્કૃતિમાં તેમની સામેલગીરી વચ્ચે કોઈ વિરોધાભાસ નજરે નથી પડતો. અન્યોને સહેલાઈથી પોતાના ધર્મમાં પ્રવેશ આપવાનો વિરોધ કરાનારાઓ દ્વારા આ બાબતનો વિરોધ કરાય એ સ્વાભાવિક છે. અમુક જુનવાણી વિવેચકોએ તો ગિનાનને ઈસ્લામી લાક્ષણિકતાના અભાવ તરીકે ઓળખાવ્યાં છે.

સંસ્કૃતિનું ઘડતર કરનારાં તત્ત્વોને આજે દક્ષિણ એશિયાના અમુક ભાગોમાં વધુ ને વધુ પ્રમાણમાં માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી નિહાળવામાં આવી રહ્યાં છે. અરબી અને ફારસી (ઇરાની) સંસ્કૃતિઓનાં તત્ત્વો અને બીજી વસ્તુઓને અપનાવવાની બાબતને અમુક લોકો ઈસ્લામીકરણના આવશ્યક પાસા તરીકે ગણાવી રહ્યાં છે. ત્યાર બાદ હવે હિંદુત્વ તરીકે નવસુધારિત સંસ્કૃતકરણની પ્રક્રિયા ચાલુ થઈ છે. આ બંને પ્રક્રિયા બંને કોમ માટે હાનિકારક વધુ સાંસ્કૃતિક દૂરીમાં પરિણમે છે.

ડહાપણનો અર્થ ધરાવતા જ્ઞાન શબ્દ જેવો જ ગિનાન શબ્દ છે. જ્ઞાન મેળવવાનું ધ્યેય કોઈ પણ એક જાતિ અથવા સંસ્કૃતિ માટેનો એકાકી હક્ક નથી. આ સ્તોત્રો અથવા ગિનાન ભક્તિભાવ દર્શાવવા માટે સાંસ્કૃતિક એકીકરણને પ્રગટ કરે છે. તેમનો પ્રતીકવાદ ધાર્મિક વાડોને કુદાવીને વધુ એખલાસ ભણી દોરી જાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button