આચમનઃ એક માત્ર ઈશ્વર જ માન-અપમાનથી પર: નમ્રતાવાલા હી પ્રભુ કો પાતા હૈ!

- અનવર વલિયાણી
લાખો રૂપિયા હાથવગા હોય પરંતુ એનો ઉપયોગ ભોગવિલાસને બદલે સારા કામમાં થાય, દીન-દુ:ખીઓને મદદ થાય, મોજશોખનાં સર્વ સાધનો હાજર હોવા છતાં માણસ સંયમ સેવે, સંસારની વચ્ચે રહીને પણ ઈન્સાન પોતાના નીતિનિયમ અને ધર્મને છોડે નહીં અને આ બધા કરતાં માનવી એક તણખલા જેટલો રહે, એને જરા અમથુંય અભિમાન નડે નહીં એ છે નિરંકાર. નિરંકારનો સાદો સીધો અર્થ છે નિરાભિમાન. જેનામાં અહંકાર નથી, જે નમ્ર છે, જે સૌને નમે છે એ નિરંકાર.
સદા નમ્રતા મનમેં ધારો યહ સતગુરુ કા કહના હૈ
શીશ ઝુકાકર જગમે ચલના યહ સેવક કા ગહના હૈ
નલ કે આગે શીશ ઝુકાઓ તો યહ પ્યાસ બુઝાતા હૈ
જ્યોં જ્યોં નીચા હોવે પાની સાગર બીચ સમાતા હૈ
કહે અવતાર નમ્રતાવાલા હી પ્રભુ કો પાતા હૈ
આમ જુઓ તો સંતબાબા અવતારસિંગની આ પંક્તિઓમાં બધા ધર્મોનો સાર આવી જાય છે:
પ્રાચીન સુભાષિત સંગ્રહમાં એક શ્ર્લોકમાં કહ્યું છે કે નમે તે સૌને ગમે, નમે એ વંટોળિયાને ખમે.
એક સુંદર બોધકથા છે:
એકવાર આંધી આવી ત્યારે આંબો નમી ગયો, તાડનું ઝાડ મૂળસોતું જમીનમાંથી ઊખડી ગયું. જરા અમથું ઠુંઠું રહી ગયું. વંટોળિયો ચાલ્યો ગયો ત્યારે તાડના ઠુંઠાએ આંબાને પૂછયું કે વંટોળિયાની રાક્ષસી તાકાત છતાં તું શી રીતે ઊગરી ગયો?
ત્યારે આંબાએ કહ્યું કે વંટોળિયો આવે કે ન આવે, હું તો હંમેશાં નમેલો રહું છું. હું નમેલો હતો એટલે મારા માથા પરથી વંટોળિયો ચાલ્યો ગયો. તું વંટોળિયાની સામે અક્કડ ઊભો રહ્યો માટે ફેંકાઈ ગયો. નમે તે સૌને ગમે.
રસ્તે દોડી જતા ટ્રકો, વ્હીકલોની પાછળ કંઈને કંઈ લખેલું હોય છે. પંજાબી માલિકના વાહન પાછળ એક પંક્તિ લખેલી હોય છે: એક તૂ હી નિરંકાર. એટલે કે એકમાત્ર ઈશ્વર (પરમાત્મા) જ માન-અપમાનથી પર છે. અહંકાર વિનાનો છે.
બાકી સર્વે અહંથી ભરેલા હોય છે. કેટલાકને તો મને કોઈ વાતનું અભિમાન ચડે જ નહીં એ વાતનું અભિમાન હોય છે. નિરંકારી પંથના ભક્તોને પાયામાં આ સિદ્ધાંત શીખવવામાં આવે છે. અભિમાન છોડો. નમ્ર થાઓ. આ વાત બોલવી કે લખવી બહુ સહેલી છે, અમલમાં મૂકવી બહુ મુશ્કેલ છે.
આમ તો નિરંકારી પંથ પણ ગુરુબાની અને શીખોના ગુરુઓને માને છે. આ બધા પણ ગુરુદ્વારામાં જાય છે, પંચ કક્કામાં માને છે, પરંતુ અન્ય ધર્મોની જેમ શીખ ધર્મમાં પણ સિદ્ધાંતના આધારે જે ફાંટા પડ્યા તેમાં એક છે નિરંકારી પંથ. તેઓ વાદળી રંગની પાઘડી પહેરે છે.
નિરંકારી મિશનના વડા ધર્મગુરુ બાબા હરદેવસિંઘજીની હિદાયત છે કે નિરાભિમાની માણસમાં હિંસા રહેતી નથી. આપણી આજુબાજુ જે કલેશકંકાસ અને અશાંતિ જોવા મળે છે, હિંસા અને ત્રાસવાદ જોવા મળે છે તેના મૂળમાં અહમ્ રહેલો છે. અહમ્ ઓગળી જાય તો અનાયાસે શાંતિ-અમન સ્થપાઈ જાય.
કોઈપણ ઝઘડાનું કારણ સમજવાનો પ્રયત્ન કરો તો ખ્યાલ આવશે કે
- માણસનો સ્વાર્થ અને અભિમાન ઝઘડા સર્જે છે.
- દરેક વ્યક્તિ બીજાના ભોગે આગળ જવા મથે છે.
- સારા નરસા કોઈપણ સાધન દ્વારા માણસ પોતાની પ્રગતિ ઈચ્છે છે.
- બીજાનું જે થવું હોય તે થાય, ચડતી તો મારી જ થવી જોઈએ.
- માણસ દરેક સુખ પોતાને માટે ઈચ્છે છે.
- કોઈને દુ:ખ જોઈતું નથી.
- ઈન્સાનની ઈચ્છાઓનો અંત જ નથી.
- નિરંકારી સંત બાબા અવતારસિંહજીના એક પદથી આ વાત પૂરી કરીએ:
બિના કાન કે સબ કી સુનતા બિના કર કારાબાર કરે,
બિન ટાંગો કે ચલતા ફિરતા પિંગલા પર્બત પાર કરે,
બિના કાન કે સૂંઘ હે શકતા બિન જિહ્વા રાગ સુનાતા હૈ,
બિન આંખ કે સબ કુછ દેખે બિના ઉદર કે ખાતા હૈ,
યદ્યપિ ઇસ કા રૂપ નહીં હૈ પર રૂપ ધારકર આતા હૈ,
કહે અવતાર અલખ કી લખતા સતગુરુ આપ કરાતા હૈ…
આપણ વાંચો: ગીતા મહિમાઃ સ્વાધ્યાય તપ છે